સરદેશમુખ ત્ર્યંબક વિનાયક

January, 2007

સરદેશમુખ, ત્ર્યંબક વિનાયક (. 1919, અક્કાલકોટ, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ડાંગોરા : એકા નગરીચા’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.ટી.ની ડિગ્રી મેળવ્યા બાદ હાઈસ્કૂલ તથા કૉલેજ કક્ષાએ 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સેવાનિવૃત્ત થયા. તેઓ અંગ્રેજી, હિંદી અને કન્નડ ભાષાઓની જાણકારી ધરાવે છે.

તેમણે 1940થી લેખનકાર્ય શરૂ કરીને અત્યાર સુધીમાં ‘સસેમીરા’ (લઘુ નવલ) અને ‘ઉત્તર-રાત્ર’ (કાવ્યસંગ્રહ) ઉપરાંત 3 નવલકથાઓ, 7 સમાલોચનાત્મક કૃતિઓ, 1 કાવ્યસંગ્રહ તથા 2 નાટકો પ્રગટ કર્યાં છે. તેમણે હરમાન હેસ, ખલીલ જિબ્રાન, વિક્ટર હ્યૂગો અને યૂજિન આયનૅસ્કોની કૃતિઓને મરાઠીમાં અનૂદિત કરી છે.

ત્ર્યંબક વિનાયક સરદેશમુખ

તેમના સાહિત્યિક યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે; તેમાં મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર (ત્રણ વાર), મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ પુરસ્કાર (ત્રણ વાર), પ્રિયદર્શિની અકાદમી પુરસ્કાર, કોઠવાલે પુરસ્કાર અને રંગત-સંગત પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમને અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિડાંગોરા : એકા નગરીચા’ નવલકથામાં ધર્મ અને નૈતિકતાની, રાજનૈતિક અને માનવીય મૂલ્યોની જુદી જુદી વ્યવસ્થાઓમાં પ્રતિબિંબિત સમાજનો ક્રમશ: વધતો સડો અને તેના કારણે થયેલા ગંભીર અલ્સરનો ભોગ બનેલી વ્યક્તિનું પ્રતીકાત્મક ચિત્રાંકન અને દર્શન છે. તેમાં લેખકે સમકાલીન સમાજમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાઓમાંથી ઊભાં થતાં વિવિધ પ્રકારનાં દૂષણોનું અને તેની સાથે સંકળાયેલી સઘળી જટિલતાઓનું સુંદર વર્ણન કર્યું છે. આમ મરાઠીમાં લખાયેલ ભારતીય નવલકથા-સાહિત્યમાં આ કૃતિનું સ્થાન મહત્ત્વનું છે.

બળદેવભાઈ કનીજિયા