સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય

January, 2007

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય : સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપનું અમદાવાદમાં આવેલું સંગ્રહાલય.

આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડાપ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીંના ભંડારમાં છે.

મ્યુઝિયમના ‘સરદાર જીવનદર્શન પ્રદર્શન’માં સરદારના જીવન અને કાર્યને આ મુજબના વિષયોને ક્રમવાર આવરી લઈ તસવીરો પ્રદર્શિત કરી છે : (1) બાળપણ; (2) વિદ્યાભ્યાસ; (3) વકીલાત; (4) જાહેર જીવનનો પ્રારંભ; (5) ખેડા સત્યાગ્રહ; (6) રૉલેટ ઍક્ટ; (7) 1920-21ની અસહકારની ચળવળ; (8) 1922નું કૉંગ્રેસ અધિવેશન; (9) નાગપુર ધ્વજ સત્યાગ્રહ; (10) બોરસદ સત્યાગ્રહ; (11) ગુજરાતનું રેલસંકટ; (12) બારડોલી સત્યાગ્રહ; (13) 1930-32ની લડત; (14) બોરસદ પ્લેગ-નિવારણ; (15) પ્રાંતિક સ્વરાજ્ય; (16) હરિપુરા અધિવેશન; (17) રાજકોટ સત્યાગ્રહ; (18) વ્યક્તિગત સત્યાગ્રહ; (19) 1942ની લોકક્રાંતિ; (20) સિમલા કૉન્ફરન્સ; (21) કૅબિનેટ મિશન; (22) વચગાળાની સરકાર; (23) રાષ્ટ્રનું સંગઠિત નિર્માણ; (24) દેશી રાજ્યોનું વિલીનીકરણ; (25) જવાનોની સાથે; (26) કાર્યકર્તાઓની સાથે; (27) રાષ્ટ્ર-સન્માન; (28) પ્રજાસત્તાક ભારત; (29) અમદાવાદની અંતિમ મુલાકાત; (30) ચિરવિદાય.

આ ઉપરાંત ભેટસોગાદો, માનપત્રો, અંગત પેન, ચરખો, લોટો, પેટી, ઝભ્ભા, બંડી, કાસ્કેટ, કૂકર, સ્લિપર, રજાઈ અને મણિબહેન દ્વારા કાંતેલી ખાદી પણ પ્રદર્શિત કર્યાં છે.

આ મ્યુઝિયમ અમદાવાદની ‘મોતીશાહી મહેલ’ નામની એક ઐતિહાસિક ઇમારતમાં છે. 1618માં અમદાવાદના સૂબા તરીકે આવ્યા પછી મુઘલ બાદશાહ શાહજહાંએ 1618થી 1622 સુધીમાં શાહીબાગ વિસ્તારમાં આ મહેલ બંધાવેલો. બ્રિટિશ કાળમાં આ ઇમારત સરકારના તાબામાં હતી અને તે ઓગણીસમી સદીમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું અમદાવાદના મૅજિસ્ટ્રેટ રૂએ સત્તાવાર નિવાસસ્થાન હતું. 1878માં રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તે મોટાભાઈના સત્તાવાર નિવાસસ્થાનમાં ઊતરેલા.

સ્વતંત્રતા પછી સરકારી ઑફિસો આ ઇમારતમાં ગોઠવાઈ. 1960 પછી ગુજરાત રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં રાજ્યના રાજ્યપાલોના સત્તાવાર નિવાસસ્થાન તરીકે આ ઇમારત વપરાઈ હતી તેથી તે રાજભવન તરીકે ઓળખાઈ.

1975માં ગુજરાત સરકારે સરદારની જન્મશતાબ્દી ઊજવવાનું નક્કી કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નિમાઈ. આ સમિતિએ 1980ના માર્ચની સાતમીએ આ ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલયનો પ્રારંભ કર્યો.

અમિતાભ મડિયા