સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને વિક્રય કર તેઓ સહેલાઈથી વસૂલ કરે તે હેતુથી બંધારણે અધિનિયમો ઘડવા માટે કેન્દ્ર સરકારને અધિકાર આપેલો છે. તે વાપરીને તેણે મધ્યસ્થ વિક્રયવેરો અધિનિયમ (Central Sale Tax Act) 1956 જેવા અધિનિયમો ઘડેલા છે. તેવી રીતે અનુચ્છેદ 270 હેઠળ કેટલાક કરવેરા જેવા કે આવકવેરો (income-tax), આયાતવેરો અને ઉત્પાદનશુલ્ક (custom and central excise) અને સેવાવેરો (service-tax) નાખવાનો અધિકાર પણ કેન્દ્ર સરકારને આપેલો છે અને આ વેરાઓમાંથી વસૂલ કરેલી રકમો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવાનું ઠરાવેલું છે. તેમાં બે અપવાદ રાખવામાં આવ્યા છે : (1) કેન્દ્ર સરકાર કોઈ પણ કરદાતાની ખેતીની આવક ઉપર આવકવેરો નાખી શકતી નથી અને (2) કંપનીઓની આવક ઉપર વસૂલ કરેલો આવકવેરો, જે કૉર્પોરેશન ટૅક્સ (corporation tax) તરીકે ઓળખાય છે તેમાંથી રાજ્ય સરકારોને કોઈ પણ ભાગ વહેંચવામાં આવતો નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પોતાના અધિકારનો ઉપયોગ કરીને નાખેલા કરવેરા ઉપર સરચાર્જ વસૂલ કરીને ભારતના સંયુક્તનિધિ(consolidated fund of India)માં વધારો કરી શકે તે હેતુથી અધિનિયમ ઘડવાનો અધિકાર બંધારણે અનુચ્છેદ 271 હેઠળ સંસદને આપેલો છે. આ સરચાર્જમાંથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોઈ પણ ભાગ આપવાનો હોતો નથી તેથી સરચાર્જ કેન્દ્ર સરકારની આગવી (exclucive) મહેસૂલી આવક ગણાય છે. તેથી તેણે તે અધિકારનો ભૂતકાળમાં અનેક પ્રસંગોએ ઉપયોગ કરીને પોતાના અંદાજપત્રને સમતોલ (balanced) બનાવવાનો પ્રયત્ન કર્યો છે. નાણાકીય અધિનિયમ 2005 હેઠળ નિર્ધારણ વર્ષ (assessment year) 2006-2007 માટે કેન્દ્ર સરકારે (1) કંપની સિવાયના આયકરદાતાની કરપાત્ર આવક જો રૂ. 10 લાખથી વધારે હોય તો તેના ભરવાપાત્ર આવકવેરા ઉપર 10 % સરચાર્જ; (2) કંપનીની બધી જ કરપાત્ર આવક ઉપર ભરવાપાત્ર આવકવેરા ઉપર 10 % સરચાર્જ; (3) ભરવાપાત્ર આવકવેરા અને સરચાર્જની કુલ રકમ ઉપર એજ્યુકેશન સેસ તરીકે ઓળખવામાં આવતો 2 % વધારાનો સરચાર્જ તથા (4) આયાતવેરો અને ઉત્પાદન શુલ્ક તથા સેવાઓના વેરા ઉપર 2 % સરચાર્જ નાખ્યો છે.
જયંતિલાલ પો. જાની