સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ રાયગઢ (છ.ગ.) જિલ્લો, દક્ષિણમાં બિલાસપુર (છ.ગ.) તથા પશ્ચિમે શાહડોલ (મ.પ્ર.) જિલ્લો આવેલા છે. જિલ્લામથક અંબિકાપુર જિલ્લાની મધ્યમાં પૂર્વ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠ : સરગુજા જિલ્લાનું ભૂપૃષ્ઠ ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશની ભૂમિથી બનેલું છે. મેનપત ઉચ્ચપ્રદેશ અને જમીરપત ઉચ્ચપ્રદેશ જિલ્લાના ભૂપૃષ્ઠનાં બે મુખ્ય ભૂમિલક્ષણો છે. (‘પત’ અર્થાત્ પઠારભૂમિ). મેનપત ઉચ્ચપ્રદેશ લગભગ 29 કિમી. લાંબી, 10થી 13 કિમી. પહોળી તથા 1152.5 મીટર ઊંચાઈ ધરાવતી પઠારભૂમિ છે. મેનપત ઉચ્ચપ્રદેશ રાયગઢ જિલ્લા સાથે દક્ષિણ સીમા રચે છે. બિહાર સાથે સીમા રચતો જમીરપત ઉચ્ચપ્રદેશ પ્રમાણમાં નાનો છે. આ ઉપરાંત છૂટીછવાઈ ટેકરીઓ તેમજ બીજા ઉચ્ચપ્રદેશો પણ છે. તેમની ઊંચાઈ 1067 મીટરથી માંડીને 1219 મીટર સુધીની છે.

અહીં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અન્ય વૃક્ષોમાં ટેન્ડુ, આમળાં, બહેડાં, ખેર, ખાખરો વગેરેનો સમાવેશ થાય છે. સાગ, વાંસ, સીસમ, નીલગિરિ પણ થાય છે.

જળપરિવાહ : અહીંની મુખ્ય નદીઓમાં કાન્હાર, રિહાન્દ, મોરના, માહન, ગેજર, ગૂર, નૂર, ગોપદ, બનાસ અને હસદેવનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં નદીઓ ઉત્તરવાહિની અને દક્ષિણવાહિની જળપરિવાહ રચે છે. ઉત્તર તરફ વહેતી નદીઓ સોનને તથા દક્ષિણ તરફ વહેતી નદીઓ મહાનદીને મળે છે.

સરગુજા જિલ્લો

ખેતીપશુપાલન : આ જિલ્લામાં કાંપની, માટીવાળી, રેતાળ, ભાઠાની, પડખાઉ તથા પીળી અને કાળી જમીનો જોવા મળે છે. ઘઉં, ડાંગર, ચણા, જુવાર અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ટટ્ટુ, ઊંટ અને ખચ્ચર અહીંનાં પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં મોટા ઉદ્યોગો આવેલા નથી. કાથો, વાંસ, બીડી, કાગળ, ખાદ્યતેલ અને ચોખાનો વેપાર ચાલે છે. અહીં કોલસાની નિકાસ તથા ખાંડ, ઘઉં, કરિયાણું અને સાબુની આયાત થાય છે.

પરિવહન : આ જિલ્લાના રેલમાર્ગો ટૂંકા અંતરના છે, મુખ્યત્વે તે કોલસાની નિકાસી હેરફેર માટે વધુ ઉપયોગમાં લેવાય છે. મુસાફર-ગાડીઓનું પ્રમાણ ઓછું છે. આ કારણે સડક માર્ગો વિકસ્યા છે. અંબિકાપુર સડક માર્ગોનું મુખ્ય મથક છે, ત્યાંથી જિલ્લામાંનાં અને જિલ્લાબહારનાં તાલુકામથકો તથા શહેરો તરફ બસોની અવરજવર રહે છે.

પ્રવાસન : રામગઢ, શ્રીગઢ, દીપદીહ, ટટ્ટાપાની, અમૃતધારા અહીંનાં જોવાલાયક સ્થળો છે. રામગઢ આ જિલ્લાનું પુરાતત્ત્વીય સ્થળ છે, અહીંની ટેકરી પર મંદિરો આવેલાં છે. અહીં એક કુદરતી બોગદું તૈયાર થયેલું છે. અંબિકાપુરમાં શ્રીગઢનો જૂનો કિલ્લો છે. દીપદીહ ખાતે ખંડિત મૂર્તિઓવાળાં ખંડિયેરો આવેલાં છે. રામાનુજગંજ તાલુકામાં ટટ્ટાપાનીનો ગંધકયુક્ત ગરમ પાણીનો બારમાસી ઝરો આવેલો છે, તે ચામડીનાં દર્દોમાં સ્નાન માટે ઉપયોગમાં લેવાય છે. વૈકુંઠપુર તાલુકામાં હસદેવ નદીને કાંઠે અમૃતધારાનું સ્થળ જોવાલાયક છે. આ જિલ્લામાં વારતહેવારે કેટલાક મેળા ભરાય છે તથા કાર્તિક પૂર્ણિમા, શિવરાત્રિ, રામનવમી, ગંગાદશેરા, દશેરા, જન્માષ્ટમી જેવા તહેવારો ઊજવાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 19,70,661 જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યા-પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. હિન્દુ-મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધો અને જૈનોનું પ્રમાણ ક્રમશ: ઓછું છે. આ જિલ્લામાં હિન્દી, બંગાળી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોનું પ્રમાણ 25 % જેટલું છે. શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા મધ્યમસરની છે. તાલુકામથકોમાં તબીબી સેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વહીવટી અનુકૂળતા માટે જિલ્લાને 11 તાલુકા અને 24 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 16 નગરો અને 2432 (18 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ચંગ ભાખર, કોરિયા અને સરગુજા – આ ત્રણ નાનાં રાજ્યો ભેગાં કરીને ઈ. સ. 1951માં સરગુજા જિલ્લાની રચના કરવામાં આવી. આ જિલ્લાનો પ્રાચીન કે મધ્યકાલીન ઇતિહાસ મળતો નથી. જૂના સમયમાં ત્યાં ગોંદ અને કોલ જાતિના લોકો વસતા હતા. સરગુજા રાજ્યમાં આ લોકો રાક્સલ રાજપૂત કુળના રાજાની પ્રજા તરીકે સાથે રહેતા. ઈ. સ. 1613 સુધી રાક્સલ વંશના રાજપૂતો આ પ્રદેશ પર શાસન કરતા હતા. કેટલાક સમય માટે સરગુજા રાજ્યનો શાસક પડોશમાં આવેલાં જશપુર, ઉદયપુર, કોરિયા અને ચંગ ભાખર રાજ્યોનો પણ શાસક કે મહારાજા હતો.

આશરે ઈ. સ. 1758માં એક મરાઠા સરદારે સરગુજા રાજ્ય કબજે કર્યું અને તેને વરાડની સરકારનો ખંડિયો અથવા સામંત બનવાની ફરજ પાડી. તેણે તેની પાસેથી મોટી રકમ ખંડણી પેટે વસૂલ કરી હતી. સરગુજાના રાજાએ અંગ્રેજ સરકાર વિરુદ્ધ પાલામાઉમાં થયેલ બળવાને મદદ કરી હોવાથી અંગ્રેજ કર્નલ જૉન્સે સરગુજા પર હુમલો કર્યો, અને પછી સંધિ કરવામાં આવી. ઈ. સ. 1818માં બ્રિટિશ સરકારે આ રાજ્ય પર આધિપત્ય સ્થાપ્યું. કૅપ્ટન સિનોકે વ્યવસ્થા સ્થાપી અને અમરસિંહને સરગુજાનું રાજ્ય સોંપવામાં આવ્યું. સ્વતંત્રતા પછી આ રાજ્યનું મધ્યપ્રદેશમાં વિલીનીકરણ થયું છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ