સરકારી સિક્યુરિટીઓ

January, 2007

સરકારી સિક્યુરિટીઓ : ઉછીનાં લીધેલાં નાણાંની સ્વીકૃતિનું સરકારે રોકાણકારને આપેલું પ્રમાણપત્ર. અનેક કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકારો દેવું કરે છે. અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી સરકાર જાહેર ઉછીનાં નાણાં લે છે. પોસ્ટ ઑફિસ મારફતે રૂ. 100નું રાષ્ટ્રીય બચતપત્ર આપીને સરકાર નાના રોકાણકારની પણ દેવાદાર બને છે. સરકારનાં દેવાંને જાહેર દેવાં તરીકે ઓળખવામાં આવે છે. જાહેર દેવાંને દર્શાવતો કાગળ સરકારી સિક્યુરિટી તરીકે ઓળખવામાં આવે છે. સરકાર વિવિધ રકમની અને વ્યાજના વિવિધ દરવાળી સિક્યુરિટીઓ બહાર પાડે છે. બચતકારો માટે આ સૌથી વધારે સલામત રોકાણ છે. બૅન્ક જેવી સંસ્થા માટે આ સિક્યુરિટીઓને જામીનગીરી તરીકે સ્વીકારીને ધિરાણ કરવાનું સૌથી વધારે સલામત છે. અલબત્ત, બૅન્ક એની કિંમતના 100 ટકા ધિરાણ તો નહિ, પરંતુ 80થી 90 ટકા જેટલું તો ધિરાણ કરે જ છે. સૌથી વધારે સલામત હોવાથી આ સિક્યુરિટીઓ ગિલ્ટ-એજ્ડ (Gilt-edged) સિક્યુરિટી તરીકે પણ ઓળખાય છે. આ સિક્યુરિટીના સાચા માલિક કોણ છે તે જાણવાનું સહેલું છે. તે જંગમ હોવાથી જામીનગીરી તરીકે બૅન્ક તેનો કબજો સહેલાઈથી મેળવી શકે છે. મૂડીબજારમાં એનાં ખરીદ-વેચાણ થતાં હોવાથી એની તરલતા જળવાય છે. એના સોદા થતા હોવા છતાં એનામાં સટ્ટો ગૂંથાતો નથી, પરિણામે એના ભાવોમાં ભારે ઊથલ-પાથલ થતી નથી. એનું સંચાલન સ્વાયત્ત એવી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા કરે છે, તેથી એના સંચાલનમાં સરકાર-અપેક્ષિત વિશ્વસનીયતા અને સ્વાયત્ત સંસ્થા-અપેક્ષિત ત્વરિતતા હોય છે.

સરકારી સિક્યુરિટી તરીકે રાષ્ટ્રીય બચતપત્રો કે કિસાન વિકાસપત્રોને પણ ગણવામાં આવે છે; છતાં મોટી રકમની સિક્યુરિટીઓ મુખ્યત્વે નીચેનાં ત્રણ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે :

1. સરકારી વચનચિઠ્ઠી : (ગવર્નમેન્ટ પ્રૉમિસરી નોટ : GP નોટ) એના નામ પ્રમાણે આ વચનચિઠ્ઠી કેન્દ્ર સરકારના વડા રાજ્યપાલ નાણાં ધીરનારને અથવા તો એ જેને જણાવે તેને નક્કી કરેલી તારીખે અથવા તો યોગ્ય મુદતની નોટિસે નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. આ રકમ પર નક્કી કરેલા દરે અને નક્કી કરેલા સમયાંતરે વ્યાજ ચૂકવવાનું પણ વચન આપવામાં આવે છે. આ ચિઠ્ઠીની એક બાજુ પર આ વચન લખવામાં આવ્યું હોય છે. એની બીજી બાજુને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ડાબા ભાગ પર વ્યાજ-ચુકવણીનાં ખાનાં હોય છે, જેમાં સરકાર વતી વ્યાજ ચૂકવનારા તેની ચુકવણીની નોંધ જરૂરી સહી-સિક્કા સાથે કરે છે. જમણી બાજુ પર હસ્તાંતર પ્રસંગે શૅરો કરવાનાં ખાનાં હોય છે, જેમાં વેચનાર જરૂરી વિગતો ભરીને સિક્યુરિટી ખરીદનારની તરફેણમાં શૅરો કરતો હોય છે. નિયત ખાનામાં જ શૅરો થાય તેવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. બધાં ખાનાં ભરાઈ જાય તો સરકારી સક્ષમ અધિકારીને એP. નોટ સુપરત કરીને નવી મેળવી શકાય છે. કેટલીક વાર, બૅન્કો માલિકીની ખરાઈ કરવા માટે નાણાં ઉછીના લેનારને એના નામની નવી G.P. નોટ મેળવવા સૂચના આપતી હોય છે.

2. સ્ટૉક સર્ટિફિકેટ : ગવર્નમેન્ટ પ્રૉમિસરી નોટ મુક્ત રીતે પણ શૅરોની શરતે હસ્તાંતરણીય છે, જ્યારે સ્ટૉક સર્ટિફિકેટ નિયંત્રિત રીતે હસ્તાંતરણીય છે. જાહેર દેવાંનો વહીવટ સંભાળનાર કાર્યાલયમાંના રજિસ્ટરમાં સરકારને નાણાં ધીરનારનું નામ, વગેરે લખીને લીધેલ રકમ અને વ્યાજના દર તેમજ ચુકવણીનો પ્રકાર નોંધવામાં આવે છે. આ નોંધનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્રનું હસ્તાંતર કરવા માટે એ પ્રમાણપત્રની બીજી બાજુ પરના ‘ટ્રાન્સફર-ડીડ’માં જરૂરી વિગતો અને સહી-સિક્કા કરીને હસ્તાંતર કરી શકાય છે. જ્યાં સુધી સર્ટિફિકેટ લેનારનું નામ જાહેર દેવાના રજિસ્ટરમાં દાખલ નહિ થાય અને એને નવું સર્ટિફિકેટ આપવામાં આવે નહિ ત્યાં સુધી એ હસ્તાંતર થયેલ ગણાતું નથી. આ હસ્તાંતર-પ્રસંગે ‘સ્ટાંપ-ડ્યૂટી’ ભરવાની હોતી નથી. બૅન્કોએ આથી આ સર્ટિફિકેટ સામે ધિરાણ કરવાના પ્રસંગે એને પોતાના નામે કરાવીને નવું મેળવી લેવાનું અનિવાર્ય બને છે. જેના નામે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું હોય એના નામે જ વ્યાજ આપવામાં આવે છે.

3. બેરર બૉન્ડ્ઝ : આ બૉન્ડ એના નામ પ્રમાણે સંપૂર્ણ મુક્ત એવા હસ્તાંતરણીય છે. એનો હસ્તાંતર કરવા માટે શેરો કરવાની પણ જરૂર નથી. એનો કબજેદાર એનો માલિક હોય છે. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા કે એણે નક્કી કરેલી બૅન્કો/સંસ્થાઓ સમક્ષ તે રજૂ કરતાં નક્કી કરેલા દરે અને સમયાંતરે બૉન્ડની બીજી બાજુ પર જરૂરી નોંધ કરી વ્યાજ ચૂકવવામાં આવે છે. આ બૉન્ડ સંપૂર્ણ મુક્ત હસ્તાંતરણીય છે, તેથી તેની જાળવણીમાં પૂરી સલામતી જળવાય તે જોવાનું હોય છે.

સૂર્યકાન્ત શાહ