સરકાર, બી. એન. (જ. 5 જુલાઈ 1901, ભાગલપુર; અ. 28 નવેમ્બર 1981) : ચલચિત્રસર્જક. કોલકાતામાં ફિલ્મઉદ્યોગને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બીરેન્દ્રનાથ સરકાર બંગાળના ઍડવૉકેટ જનરલ એન. એન. સરકારના પુત્ર હતા. લંડન યુનિવર્સિટીમાં તેમણે ઇજનેરી શિક્ષણ મેળવ્યું હતું. પણ નાટકો અને ચિત્રોના શોખને કારણે તેઓ ઇજનેરીના ક્ષેત્રે જવાને બદલે ચલચિત્ર-ઉદ્યોગ તરફ ખેંચાયા. તેમણે પ્રારંભ કર્યો એક છબિઘર બાંધવાથી. બંગાળના ચિત્ર-ઉદ્યોગમાં એક સદ્ગૃહસ્થની છાપ ધરાવતા બી. એન. સરકારે હીરેન ઘોષ સાથે મળીને એક ચિત્રનિર્માણકંપની સ્થાપવાનો નિર્ણય કર્યો, અને એ સમયે કોલકાતામાં સૌથી લોકપ્રિય અભિનેતા દુર્ગાદાસ બૅનરજીને લઈને ‘ભુકેર બોઝા’ ચિત્રનું નિર્માણ કર્યું. 1930ની 9મી નવેમ્બરે તે પ્રદર્શિત થયું હતું. એ વખતે છબિકાર તરીકે નામના મેળવી રહેલા નીતિન બોઝને પણ તેમણે પોતાની ટુકડીમાં લઈ લીધા. તેમનું પ્રથમ સાહસ ‘ભુકેર બોઝા’ વ્યાવસાયિક રીતે નિષ્ફળ રહ્યું, પણ તેથી તેઓ ડગ્યા નહોતા.
પ્રથમ ચિત્રની નિષ્ફળતા સાથે તેમને એ પણ સમજાઈ ગયું હતું કે આ કામ સારી રીતે કરવા માટે પોતાનું છબિઘર પણ હોવું જરૂરી છે. આ વિચારને અમલમાં મૂકીને તેમણે ઉત્તર કોલકાતામાં ‘ચિત્રા’ છબિઘર બાંધ્યું. 1930ની 30મી ડિસેમ્બરે સુભાષચંદ્ર બોઝના હાથે તેનું ઉદ્ઘાટન ‘શ્રીકાન્ત’ ચિત્રની રજૂઆત સાથે કર્યું. આ ચિત્ર તેમણે ‘રાધા ફિલ્મ્સ’ના નેજા હેઠળ બનાવ્યું હતું. એ પછી સરકારે મધ્ય કોલકાતામાં બીજું એક છબિઘર બાંધ્યું, જે આજનું ‘ન્યૂ સિનેમા’ છે અને તેની માલિકી આજે પણ સરકાર પાસે છે.
કોલકાતામાં ચિત્ર-ઉદ્યોગના વિકાસની જબરદસ્ત તક રહેલી છે એ તેઓ સારી રીતે જોઈ શકતા હતા, એટલે તેમના મિત્રો પી. એન. રૉય, અમર મલ્લિક અને આઇ. એ. હાફેસજી સાથે પરામર્શ કરીને તેમણે સાત હજાર રૂપિયામાં ચાર એકર જમીન ખરીદી લીધી અને ત્યાં તેમણે જેનું સપનું સેવ્યું હતું તે ‘ન્યૂ થિયેટર્સ’ સ્ટુડિયોનું નિર્માણ 1931માં કર્યું. આ ન્યૂ થિયેટર્સે સમય જતાં એવાં સુંદર ચિત્રો આપ્યાં કે તેનું નામ ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં સુવર્ણ-અક્ષરે લખાયું.
હિંદીમાં પ્રથમ સવાક ચિત્ર બનાવવાનું ગૌરવ જે રીતે અરદેશર ઈરાનીને મળેલું છે તેમ બંગાળી ચિત્રોને અવાજ આપવાનું શ્રેય બી. એન. સરકારને મળેલું છે. પ્રથમ બંગાળી બોલપટ ‘દેના પાઓના’ ન્યૂ થિયેટર્સનું સર્જન હતું, જે 1931માં પ્રદર્શિત થયું હતું. પ્રેમાંકુર એટોર્થીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. આ પ્રથમ ચિત્ર માટે સરકારે એ સમયના ખ્યાતનામ અમેરિકન સાઉન્ડ રેકૉર્ડિસ્ટ વિલિયમ ડેમિંગને મહિને 250 ડૉલર ચૂકવીને બોલાવ્યા હતા. સરકારના પ્રથમ મૂક ચિત્રની જેમ પ્રથમ બોલપટ પણ વ્યાવસાયિક રીતે સફળ જતાં સરકારે માત્ર બંગાળી ભાષામાં જ નહિ, અન્ય ભાષાઓમાં પણ ચિત્રોનું નિર્માણ શરૂ કરી દીધું. ઉર્દૂમાં તેમણે ઘણાં ચિત્રો બનાવ્યાં કારણ કે એ સમયે ઉર્દૂનો વ્યાપ ઘણો મોટો હતો.
કલાકાર ગમે તેટલો મોટો હોય, પણ તેને સ્ટુડિયોના કર્મચારી તરીકે મહિને પગાર આપીને રાખવાની ‘સ્ટાર સિસ્ટમ’માં પણ તેઓ સફળ રહ્યા. દેવકી બોઝથી માંડીને કાનનદેવી અને કે. એલ. સહગલથી માંડીને લીલા દેસાઈ સુધીના એ જમાનાના તમામ અગ્રણી કલાકારો ન્યૂ થિયેટર્સના પગારપત્રક પર હતા. ફિલ્મઉદ્યોગને શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ બી. એન. સરકારને 1971માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને 1972માં ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરાયા હતા.
નોંધપાત્ર ચિત્રો : ‘દેનાપાઓના’ (1931), ‘નટીર પૂજા’, ‘ચંડીદાસ’, ‘ચિરકુમાર સભા’, ‘પલ્લી સમાજ’ (1932), ‘પૂરન ભગત’, ‘કપાલ કુંડલા’, ‘મીરાંબાઈ’, ‘રાજરાની મીરાં’ (હિંદી), ‘સીતા’ (1933), ‘ચંડીદાસ’ (હિંદી), ‘દેવદાસ’ (હિંદી અને બંગાળી) (1935), ‘માયા’ (હિંદી, 1936), ‘દીદી’, ‘મુક્તિ’ (હિંદી અને બંગાળી), ‘પ્રેસિડેન્ટ’ (હિંદી) (1937), ‘વિદ્યાપતિ’ (હિંદી અને બંગાળી), ‘દેશેર માટી’, ‘સાથી’, ‘સ્ટ્રીટ સિંગર’ (હિંદી) (1938), ‘બડી દીદી’ (હિંદી), ‘કપાલ કુંડલા’ (હિંદી) (1939), ‘ડૉક્ટર’ (1940), ‘ડૉક્ટર’ (હિંદી, 1941), ‘નારી’ (1942), ‘બિરાજ બહુ’, ‘ઉદયેર પાથે’ (1944), ‘નવીન યાત્રા’ (1953).
હરસુખ થાનકી