સરકારી કંપની : સરકારની સંપૂર્ણ અથવા આંશિક શૅરમૂડી અને ખાનગી રોકાણકારોની આંશિક શૅરમૂડી વડે કંપની અધિનિયમ-1956 હેઠળ ભારતમાં નોંધણી કરાવીને સ્થાપવામાં આવેલી કંપની. દેશમાં પાયાના ઉદ્યોગોમાં વિપુલ મૂડીરોકાણ કરવું પડે છે, જેનો નફો લાંબા ગાળે મળવાની શક્યતા હોય છે. વળી પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદિત વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચી શકાય નહિ અને તેથી તેનું ઉત્પાદન ઓછું કરવું પડે છે. પરિણામે સરેરાશ ઉત્પાદનખર્ચ વધી જાય છે. આવા સંજોગોમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ખાનગી પેઢીઓ સામાન્ય રીતે પ્રેરાતી નથી, તેથી ભારત સરકારે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઔદ્યોગિક નીતિનો પ્રથમ ઠરાવ 1948માં પસાર કર્યો અને જાહેર ક્ષેત્રની જોડે ખાનગી ક્ષેત્ર પણ સહઅસ્તિત્વ ધરાવી શકે છતાં જાહેર ક્ષેત્રની સ્થિતિ શ્રેષ્ઠતર બનાવે તેવી રૂપરેખા તૈયાર કરી. 1948ની નીતિ અનુસાર દેશના ઉદ્યોગોને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા : (1) માત્ર જાહેર ક્ષેત્રમાં જ ઊભા કરી શકાય તેવા ઉદ્યોગો, (2) ક્રમશ: જે ઉદ્યોગોને જાહેર ક્ષેત્ર વડે આવરી લેવાની સરકારની નેમ હતી તેવા ઉદ્યોગો; (3) જેમાં ખાનગી ક્ષેત્ર કાર્ય કરી શકે તેવા ઉદ્યોગોનું નિયમન કરવાનો અધિકાર સરકારને રહેશે અને (4) ખાનગી ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગો જે મહદંશે વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારા ઉદ્યોગો હતા. 1956માં કેન્દ્ર સરકારે બીજી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી, જેના દ્વારા જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો અને તેના અમલ માટે ઉદ્યોગોને માત્ર ત્રણ જ વિભાગોમાં વહેંચી નાંખવામાં આવ્યા હતા.

આ નીતિમાં સરકારના વિવિધ હેતુઓ હતા જેવા કે (ક) ખાનગી આર્થિક સત્તાની જમાવટને ખાળવી, (ખ) આવક અને સંપત્તિની વધુ સમાન વહેંચણી કરવી, (ગ) સમતોલ પ્રાદેશિક વિકાસ કરવો,

(ઘ) નાના પાયાના અને સહાયક ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપવું તથા (ઙ) કૃષિક્ષેત્ર બહારની રોજગારીમાં ઉદ્યોગોના વિકાસ દ્વારા વધારે રોજગારી સર્જવી. આ નીતિ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ (1) ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશન, (2) ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ, (3) ઔદ્યોગિક નાણા નિગમ (આઇ.એફ.સી.આઇ.), (4) ઔદ્યોગિક વિકાસ બૅન્ક (આઇ.ડી.બી.આઇ.), (5) ઔદ્યોગિક શાખ મૂડીરોકાણ નિગમ (આઇ.સી.આઇ.સી.આઇ.), (6) ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને (7) ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જી.આઇ.ડી.સી.) જેવા ઔદ્યોગિક અને નાણાકીય એકમો સ્થાપ્યા. આ સાહસો જાહેર ક્ષેત્રનાં કૉર્પોરેશનો તરીકે ઓળખાય છે. તે બધાં વિવિધ અધિનિયમો પસાર કરીને સ્થાપવામાં આવ્યાં હતાં, તેથી જરૂર પડ્યે વહીવટી પરિવર્તન માટે સંબંધિત અધિનિયમો સુધારવા માટે સંસદ અથવા વિધાનસભામાં રજૂઆત કરવી પડતી હતી અને વિલંબ થતો હતો, તેથી કેન્દ્ર અને રાજ્યસરકારોએ સંપૂર્ણ સરકારી મૂડીવાળી કંપનીઓની કંપની અધિનિયમ-1956 હેઠળ નોંધણી કરાવીને સ્થાપના કરી, જેમાંની નીચેની કેટલીક કંપનીઓ વધુ જાણીતી છે : (1) ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, (2) નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડ, (3) ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ, (4) ઑઇલ ઇન્ડિયા લિમિટેડ, (5) ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ અને (6) નેવેલી લિગ્નાઇટ કૉર્પોરેશન લિમિટેડ. તેઓ સરકારી મૂડી વડે સ્થાપેલી અને કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલી હોવાથી સરકારી કંપનીઓ તરીકે ઓળખાય છે.

જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો અને કંપનીઓમાંથી કેટલાક એકમો ખૂબ નફાકારક રહ્યા, પરંતુ મોટી સંખ્યામાં તેઓ ખોટ અથવા નજીવો નફો કરવા લાગ્યા, તેનાં વિવિધ કારણો જાણવામાં આવ્યાં; જેવાં કે, (1) કર્મચારીઓ અને કામદારોને વધુ વેતન, (2) સમતોલ પ્રાદેશિક સંતુલન માટે પછાત વિસ્તારોમાં કારખાનાંની સ્થાપના, (3) જાહેર ક્ષેત્રમાં ઉત્પાદિત વસ્તુઓની વેચાણકિંમત નીચી રાખવા માટેનું દબાણ, (4) મુખ્ય સંચાલકની પસંદગીમાં તેની વ્યાવસાયિક કાર્યદક્ષતા અંગે દુર્લક્ષ વગેરે. આ સંજોગોમાં સરકારી કૉર્પોરેશનો અને કંપનીઓના નફામાંથી મળવાપાત્ર ડિવિડન્ડથી સરકારના સામાન્ય વાર્ષિક બજેટમાં મહેસૂલ-આવક વધશે તેવી ધારણા સફળ થઈ શકી નહિ અને તેઓ સરકાર માટે બોજારૂપ બનવા માંડ્યા હતા. દરમિયાન વિશ્વના અન્ય દેશોમાં જાહેર સાહસોના ખાનગીકરણનો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો.

આ બદલાયેલી વિચારધારાનો પડઘો દેશમાં 1991માં અપનાવવામાં આવેલી નવી આર્થિક નીતિમાં પડ્યો. તેમાં ઉદ્યોગોના ક્ષેત્રે સરકારની ભૂમિકાને સીમિત કરી દેવામાં આવી અને સરકારી સાહસોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સરકારની બદલાયેલી આર્થિક નીતિના પ્રથમ ચરણમાં, 1991-1992માં સરકારી મૂડીના રૂ. 6,480 કરોડનો વિનિવેશ (disinvestment) કરવામાં આવ્યો, પરંતુ તેમાંથી ફક્ત રૂ. 3,038 કરોડ ઊપજ્યા હતા. તેથી તેની અત્યંત કડક આલોચના કરવામાં આવી. પરિણામે ભારત સરકારે માર્ચ 2000માં એક અલગ વિનિવેશ ખાતા(department of disinvestment)ની રચના કરી. તદનુસાર સંરક્ષણ, અણુ ઊર્જા અને રેલવે – એમ ત્રણ ક્ષેત્રોને વ્યૂહાત્મક ક્ષેત્રના ગણીને વિનિવેશ ખાતાની હકૂમતની બહાર રાખવામાં આવ્યાં. બાકીનાં ક્ષેત્રોને બિનવ્યૂહાત્મક તરીકે ઓળખવામાં આવ્યાં અને તે ક્ષેત્રોમાં કાર્યરત જાહેર કૉર્પોરેશનોને કંપનીઓમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. શરૂઆતમાં 26 %થી વધારે નહિ તેટલા સરકારી માલિકીના શૅરો નાગરિક રોકાણકારોને વ્યૂહાત્મક રીતે વેચવાનું નક્કી કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે આ નીતિ અનુસાર ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ લિમિટેડ (આઇ. પી. સી. એલ.), વિદેશ સંચાર નિગમ લિમિટેડ (વી. એસ. એન. એલ.) જેવા કેટલાક નફો કરતાં સાહસોનો આંશિક વિનિવેશ કર્યો. ઘણી રાજ્યસરકારોએ પણ આ નીતિને અનુસરીને પોતપોતાનાં જાહેર ક્ષેત્રના સાહસોનો વિનિવેશ કર્યો.

વર્ષ સરકારે ઠરાવેલ લક્ષ્યાંક (કરોડ રૂપિયા) વાસ્તવિક વિનિવેશ (કરોડ રૂપિયા)
1991-92 2,500 3,038
1992-93 2,500 1,913
1993-94 3,500
1994-95 4,000 4,843
1995-96 7,000 362
1996-97 5,000 380
1997-98 4,800 902
1998-99 5,000 5,371
1999-2000 10,000 1,829
2000-2001 10,000 1,870
2001-2002 12,000 5,632
2002-2003 12,000 3,342
2003-2004 13,200 15,426
કુલ 91,500 44,908

4. કેન્દ્ર સરકારે વિનિવેશની નીતિ પછીનાં વર્ષોમાં ચાલુ રાખી છે અને જાહેર ક્ષેત્રોમાંના પોતાની માલિકીના શૅરોનું વેચાણ ચાલુ રાખ્યું છે. તદનુસાર પાછલા દાયકામાં (1991-2004) સરકારે ઠરાવેલાં લક્ષ્યાંક અને વાસ્તવિક વિનિવેશની વિગતો સારણીમા આપી છે.

જયંતિલાલ પો. જાની