સયામનો અખાત : થાઇલૅન્ડની દક્ષિણે આવેલો અખાત. અગાઉ તે સિયામના અખાત તરીકે ઓળખાતો હતો. તે દક્ષિણ ચીની સમુદ્રનો ફાંટો છે અને તેની સીમા પર ઉત્તરે થાઇલૅન્ડ, કામ્પુચિયા (કમ્બોડિયા) અને ઈશાન તરફ વિયેટનામ આવેલાં છે. તેની લંબાઈ 720 કિમી. અને પહોળાઈ 500થી 560 કિમી. જેટલી છે. તેના મથાળે તેમો ચાઓ ફ્રાયા અને નાખોન ચાઈ સી નદીઓ ઠલવાય છે. થાઇલૅન્ડની સીમામાં તેના પર બૅંગકોક, પત્તાની, સોંખલા (સિંગોરા), પાક ફેનાંગ અને ચાન્થાબુરી બંદરો, કામ્પુચિયાની સીમા પર રીમ, કામ્પોટ અને કેપ બંદરો તથા વિયેટનામની સીમા પર રાક ગિયા બંદર આવેલાં છે. અખાતના કાંઠા પર છીછરાં પાણીમાંથી માછલીઓ મેળવાય છે. થાઇલૅન્ડ આ અખાત મારફતે જુદા જુદા દેશો સાથે જળવ્યવહાર કરે છે. સીમાવર્તી દેશોને કારણે આ અખાતનું વ્યૂહાત્મક મહત્ત્વ છે.

નીતિન કોઠારી