સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત નીકળવા લાગ્યું અને મરાઠી તથા ગુજરાતી ભાષાના બે વિભાગ અલગ પ્રગટ થતા હતા. તે પછી સખારામ પંત પંડિતનું અવસાન થતાં મુંબઈથી પ્રકાશિત થયું. ‘ઇન્દુ પ્રકાશ’ પત્રનું સંચાલન કરવા માટે શ્રી દામોદર પદે વડોદરા છોડીને મુંબઈ ગયા અને ‘શ્રી સયાજીવિજય’ના ગુજરાતી વિભાગના સંપાદક રાજરત્ન શ્રી માણેકલાલ અંબારામ ડૉક્ટરે એ સંભાળી લીધું. આ ‘સયાજીવિજય’ પત્રે વડોદરા રાજ્યના અધિકારી ગાયકવાડી સરકારના શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથાઓ પ્રતિ વર્ષ ભેટ રૂપે આપવાનો શિરસ્તો રાખ્યો. ગુજરાતી પત્રકારત્વમાં સામયિકનું વેચાણ વધારવા માટે ભેટયોજના યોજવાનો આ સર્વપ્રથમ પ્રયોગ હતો. ‘જયંત’, ‘શિરીષ’ અને ‘કોકિલા’ જેવી નવલકથાઓ ‘સયાજીવિજય’માં પ્રગટ થતાં શ્રી ર. વ. દેસાઈની નવલકથાલેખક તરીકેની પ્રતિભાનો ગુજરાતને પરિચય થયો.

દિનેશ દેસાઈ

પ્રીતિ શાહ