સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં)
January, 2007
સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં) : ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળવિસ્તાર. પૃથ્વી ઉપર 71 % વિસ્તાર જળજથ્થાનો મહાસાગરો અને સમુદ્રોનો તથા બાકીનો 29 % જેટલો ભૂમિખંડોથી બનેલો છે. ખારા પાણીના આ અફાટ વિસ્તારને સમુદ્રશાસ્ત્રીઓએ ચાર મુખ્ય વિભાગોમાં વહેંચ્યો છે : (1) પૅસિફિક, (2) આટલાંટિક, (3) હિંદી મહાસાગર અને (4) આર્ક્ટિક. મહાસાગરોના પેટાવિભાગોને સમુદ્ર, ઉપસાગર, બાઇટ, અખાત, ખાડી, સામુદ્રધુની વગેરે નામે ઓળખવામાં આવે છે. ભૌગોલિક પ્રદેશો ઉપરથી તેમનું નામકરણ કરવામાં આવે છે; દા.ત., અરબી સમુદ્ર, બંગાળાનો ઉપસાગર, જાપાન સમુદ્ર, ખંભાતનો અખાત, ભૂમધ્ય સમુદ્ર વગેરે. કેટલાક સમુદ્રનાં નામો તેમના સંશોધકોનાં નામ ઉપરથી પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅરેન્ટ્સ, બૅફિન, વેન્ડેલ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તેને પ્રશાંત મહાસાગર કહે છે. સૂર્યના ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું પ્રકીર્ણન (dispersal) થતાં સમુદ્રના પાણીનો રંગ ભૂરો દેખાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત લીલને કારણે પાણી લાલ રંગનું બને છે. તેથી તેને રાતો સમુદ્ર કહે છે તો કેટલાકનાં પાણી કાળા કે પીળા રંગની માટી ભળેલી હોવાથી તેને કાળો કે પીળો સમુદ્ર કહે છે. સરગાસમ નામની બદામી – હરિત લીલથી ભરેલા સમુદ્રને સારગાસો સમુદ્ર કહે છે.
પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ 51 x 107 ચોકિમી. છે; જેમાં 36.1 x 107 ચોકિમી. વિસ્તાર સમુદ્રથી (70.88 %) અને બાકીનો 14.9 x 107 ચોકિમી. વિસ્તાર જમીન (29.12 %)થી રોકાયેલો છે. પૃથ્વીના બંને ગોળાર્ધ ઉપર જમીન અને પાણી અસમાન રીતે વહેંચાયેલાં છે. ઉત્તર ગોળાર્ધમાં ભૂમિવિસ્તાર 39.3 % અને સમુદ્રવિસ્તાર 60.7 % જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ભૂમિવિસ્તાર 19.1 % અને સમુદ્રવિસ્તાર 80.9 % જેટલો હોવાથી દક્ષિણ ગોળાર્ધને જલ-ગોળાર્ધ (water hemisphere) અને ઉત્તર ગોળાર્ધને ભૂમિ-ગોળાર્ધ (land hemisphere) કહે છે. ભૂમિખંડો ઉત્તર તરફ પહોળા અને દક્ષિણ તરફ સાંકડા થતા જાય છે. તેનાથી ઊલટું, મહાસાગરો દક્ષિણ તરફ પહોળા અને ઉત્તર તરફ જતાં સાંકડા થતા જાય છે. ઉત્તર ધ્રુવ પર મહાસાગર અને દક્ષિણ ધ્રુવ પર ભૂમિખંડ આવેલો છે. ભૂમિ અને પાણીની અસમાન વહેંચણીને લીધે પૃથ્વી ઉપર આબોહવામાં ફેરફાર થાય છે. પૃથ્વી પર મહાસાગરોની કુલ સપાટી અને તેની ટકાવારીની માહિતી સારણી 1માં આપવામાં આવી છે.
સારણી 1
ક્રમ | મહાસાગર | ક્ષેત્રફળ
(ચોકિમી.માં) |
ટકાવારી (કુલ જલાવરણના સંદર્ભે) |
1. | પૅસિફિક (પ્રશાંત) | 16.5 x 107 | 45.7 |
2. | આટલાંટિક | 8.2 x 107 | 22.8 |
3. | હિંદી | 7.3 x 107 | 20.3 |
4. | આર્ક્ટિક | 1.4 x 107 | 3.9 |
કુલ | 33.4 x 107 | 92.7 |
(સારણીમાં મહાસાગરોની આજુબાજુનો વિસ્તાર ગણતરીમાં લેવામાં આવ્યો નથી.)
પૅસિફિક મહાસાગરનો વિસ્તાર આટલાંટિક અને હિંદી મહાસાગર બંનેના સરવાળા જેટલો છે. તે પૃથ્વીની સપાટીનો કુલ 32 % જેટલો ભાગ રોકે છે.
સમુદ્રોની ઊંડાઈ માપવા પ્રાચીન કાળમાં દોરડાનો ઉપયોગ થતો હતો. જેમ્સ ક્લાર્ક રૉસે 6.5 કિમી. જેટલું લાંબું દોરડું સમુદ્રની ઊંડાઈ માપવા વાપર્યું હતું. આ દોરડાં પ્રારંભમાં શણનાં, ત્યારબાદ કાથી, લોખંડના તાર વગેરેનાં હતાં; પરંતુ આધુનિક યુગમાં ઊંડાઈ માપવા માટે વિજ્ઞાનીઓ ધ્વનિ-પડઘા (સાઉન્ડ-ઈકો) પદ્ધતિનો ઉપયોગ કરે છે. ખાસ યંત્ર દ્વારા સમુદ્રમાં ધ્વનિ મોકલવામાં આવે છે, જે સમુદ્રજળમાં પ્રતિ સેકન્ડે 1300 મી. ઝડપે ગતિ કરી, તળિયે પહોંચી પડઘા રૂપે સપાટી ઉપર આવે છે જેની નોંધ ફૅધોમિટર નામના યંત્રમાં થાય છે.
સમુદ્રની ઊંડાઈ માપવાના એકમને ફૅધમ કહે છે. એક ફૅધમ એટલે 1.8288 મીટર. આ પદ્ધતિથી મહાસાગરોની ઊંડાઈ માપી તેનો વિસ્તૃત નકશો સમુદ્રશાસ્ત્રીઓએ તૈયાર કર્યો છે. આ મુજબ બધા મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3,800 મી. થાય છે. તેમાં પૅસિફિક મહાસાગરની સરેરાશ ઊંડાઈ 4,028 મી., હિંદી મહાસાગરની 4,000 મી., આટલાન્ટિકની 3,300 મી. અને આર્ક્ટિકની ઊંડાઈ 1,200 મી. છે. આમ સૌથી ઊંડો પૅસિફિક મહાસાગર છે; કારણ કે તેનું તળિયું ઊંધા ત્રિકોણ જેવું છે. ફિલિપાઇન્સ પાસે આવેલ સમુદ્રની ઊંડાઈ 11,033 મી. છે. જાપાનની પાસે આવેલા પૅસિફિક મહાસાગરની ઊંડાઈ 10,554 મી. છે. મહાસાગરોની મહત્તમ ઊંડાઈનો ખ્યાલ સારણી 2 ઉપરથી આવે છે.
સમુદ્રની ઉત્પત્તિ ક્યારે થઈ હશે તે કહેવું કઠિન છે. સૂર્યમાંથી ધગધગતા ગોળા રૂપે પૃથ્વી છૂટી પડી ત્યારે તે ગરમ વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે ક્રમશ: કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મૉનૉક્સાઇડ, એમોનિયા, મિથેન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ઉત્પન્ન થયા. સમય જતાં વરાળ ઠરી વાદળ બંધાયાં. મુશળધાર વરસાદ થયો. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતાં સમુદ્રો બન્યા; જેમાં કાર્બન ડાયૉક્સાઇડ, નાઇટ્રોજન, સલ્ફર અને બીજાં રસાયણો ભળતાં સમુદ્રનું પાણી ક્ષારયુક્ત બન્યું. જ્વાળામુખીના ફાટવાથી, ખડકોના ખવાઈ જવાથી, વરસાદથી સમુદ્રના જળનું સ્તર વધવા લાગ્યું. આ પ્રક્રિયા હજુ પણ સતત ચાલુ છે. પરિણામે સમુદ્રજળમાં પ્રતિવર્ષ 0.1 ઘકિમી.નો વધારો થાય છે. આ ક્રિયા જો સતત ચાલુ રહેશે તો સમુદ્રના પાણીમાં ભૂમિ ડૂબી જશે.
સારણી 2
અનુ. નં. | સ્થળનું નામ | મહાસાગરનું નામ | મહત્તમ ઊંડાઈ (મીટરમાં) |
1. | મરિયાના (પ. પૅસિફિક ગુઆના ટાપુ પાસે) | ઉ. પૅસિફિક | 11,033 |
2. | ફિલિપાઇન્સ (મિન્ડાનાસઓ અને ઍલ્યુશિયન ટાપુ પાસે) | ઉ. પૅસિફિક | 10,400 |
3. | જાપાન | પૅસિફિક | 10,554 |
4. | ચિલી-પેરુ | પૅસિફિક | 7,634 |
5. | પૉર્ટૉરિકો (ઉત્તર અને દ. અમેરિકા વચ્ચે) | આટલાન્ટિક | 9,216 |
6. | રોમાન્ચે | આટલાન્ટિક | 7,270 |
7. | સુન્ડા (પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની ઉત્તર તરફ) | હિંદી | 7,455 |
8. | આંદામાન | હિંદી | 5,257 |
9. | જાવા | હિંદી | 7,460 |
દરિયાના પાણીમાં આટલા બધા ક્ષારો અને ખારાશ કેમ આવ્યાં તે વિશે મતમતાંતરો છે. પૃથ્વી ઉપરની જમીન, ખડકો, પહાડોનાં વરસાદનાં પાણીથી થતાં સતત ધોવાણ અને ખવાણથી આમ બન્યું હશે. મૃત સમુદ્ર અને અમેરિકાનું ગ્રેટ સૉલ્ટ લેઇક, ઓરિસાનું ચિલકા, રાજસ્થાનનું સાંભર આનાં ઉદાહરણો છે. મહાસાગરોની વય પૃથ્વીની વય કરતાં વધારે નથી.
પૃથ્વી ઉપર બરફનો કેટલો જથ્થો છે તે પણ નક્કી કરવું મુશ્કેલ છે. એક અંદાજ પ્રમાણે એન્ટાર્ક્ટિકા ઉપર હિમયુગમાં 58,29,600 ઘકિમી. જેટલો બરફનો પોપડો હતો, જે સમુદ્રજળના કુલ 5 % જેટલો થાય. પૃથ્વીનું વાતાવરણ ગરમ થાય તો આ પોપડો પીગળે અને સમુદ્રનાં પાણીના જથ્થામાં વધારો થાય તો કિનારાના ભાગો પાણીમાં ડૂબી જાય. 1895થી ઘણા દેશોએ પાણીની સપાટીમાં થયેલો વધારો અનુભવ્યો છે.
દરિયો સાતત્ય ધરાવે છે. ભૂમિ અને મીઠા પાણીના જથ્થાની જેમ તે અલગ હોતા નથી. બધા મહાસાગરો જોડાયેલા છે. તાપમાન, લવણતા અને ગહનતા દરિયાઈ સજીવોના મુક્ત હલનચલન માટેના મુખ્ય અવરોધો છે.
તેનું જળ સતત અભિસરણ(circulation)માં હોય છે. ધ્રુવો અને વિષુવવૃત્ત વચ્ચેના હવાના તાપમાનના તફાવતોને લીધે વ્યાપારી પવનો (trade winds) ઉત્પન્ન થાય છે, જે સમગ્ર વર્ષ દરમિયાન એક જ દિશામાં સતત ફૂંકાયા કરે છે અને પૃથ્વીના અક્ષભ્રમણ(rotation)ની સાથે ચોક્કસ પ્રવાહો ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત પવન દ્વારા ઉત્પન્ન થતા સપાટીય પ્રવાહો, તાપમાન અને લવણતામાં થતા ફેરફારોને કારણે ઉત્પન્ન થતા પ્રવાહો ઘનતામાં તફાવતો ઉત્પન્ન કરે છે. પવન-તાણ (wind stress), કોરિયોલિસ બળ, થરમૉહેલાઇન પ્રવાહો (તાપમાન અને ક્ષારતાના તફાવતથી ઉદ્ભવતું અભિસરણ અને થાળાં(basin)ના ભૌતિક સંરૂપણ (configuration) વચ્ચે થતી આંતરક્રિયા ખૂબ જટિલ હોય છે. તેના જળનું પરિવહન એટલું અસરકારક હોય છે કે મીઠા પાણીનાં સરોવરોમાં થતો ઑક્સિજનનો અવક્ષય (depletion) અથવા ગતિરોધ (stagnation) તેના ઊંડા પાણીમાં ભાગ્યે જ જોવા મળે છે.
મહાસાગરોમાં ઉદ્ભવતા પ્રવાહો પૈકી પૂર્વ-પશ્ચિમ વહેતા વિષુવવૃત્તીય પ્રવાહો અને ઉત્તર-દક્ષિણ વહેતા તટીય (coastal) પ્રવાહો નોંધપાત્ર છે. અખાતી મહાપ્રવાહ (gulf stream) અને ઉત્તર અખાતી મંદ પ્રવાહ (north atlantic drift) હૂંફાળું પાણી લાવે છે અને યુરોપના ઉચ્ચ અક્ષાંશના પ્રદેશોમાં મધ્યમસરની આબોહવાનું નિર્માણ થાય છે. કૅલિફૉર્નિયા પ્રવાહનું ઠંડું પાણી દક્ષિણ દિશામાં વહે છે. તેથી આ તટ ધુમ્મસ-પટ(fog belt)માં ફેરવાય છે. આમ, આ મહાપ્રવાહો ચક્રો તરીકે કાર્ય કરી ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણાવર્ત (clock-wise) અને દક્ષિણ ગોળાર્ધમાં વામાવર્ત (counter-clock-wise) દિશામાં વહે છે.
પ્રપાતી (precipitous) તટીય ઢાળ (coastal slopes) પરથી પવનો સપાટીય જળને સતત દૂર ખેંચી જાય છે. તેને ‘અપવેલિંગ’ કહે છે. તેથી ઊંડા પાણીમાં રહેલું પોષક દ્રવ્યોવાળું ઠંડું પાણી સપાટી પર આવે છે. આવા ‘અપવેલિંગ’ પ્રદેશો સૌથી વધારે ઉત્પાદક દરિયાઈ વિસ્તારો છે અને તે મોટેભાગે પશ્ચિમ તટો પર આવેલા છે. મોટા મત્સ્ય-ઉદ્યોગોનો તે પ્રદેશોમાં થયેલો વિકાસ તેનો પુરાવો છે. પેરુ મહાપ્રવાહ વિશ્વના સૌથી વધુ ઉત્પાદક પૈકીમાંનો એક કુદરતી મત્સ્ય-ઉદ્યોગ બનાવે છે. આ અપવેલિંગ દરિયાઈ પક્ષીઓની મોટી વસ્તીને આશ્રય આપે છે. તેથી તટીય દ્વીપ પર નાઇટ્રેટ અને ફૉસ્ફેટ પુષ્કળ પ્રમાણમાં ધરાવતી હગાર એકત્રિત થાય છે. ‘અપવેલિંગ’ની ક્રિયા અને પાણીમાં તાપમાન અને લવણતાને કારણે ઉત્પન્ન થતા ગહન પ્રવાહોને લીધે વિવિધ દ્રવ્યો જળજથ્થા સાથે ખૂબ ઊંડે જતાં રહે છે અને પ્રકાશીય (photic) સપાટીના પ્રદેશોમાં ઉત્પાદકો માટે અપ્રાપ્ય બને છે.
‘આઉટવેલિંગ’ને લીધે તટીય ફળદ્રૂપતા ઉત્પન્ન થાય છે. આ ક્રિયા જ્યાં પોષકદ્રવ્યોથી ભરપૂર નદીનાળ(estuarine)નાં પાણી દરિયાની બહાર વહે છે, ત્યાં જોવા મળે છે.
દરિયામાં ઘણા પ્રકારના તરંગો ઉદ્ભવે છે. ચંદ્ર અને સૂર્યના ખેંચાણને કારણે ભરતી ઉત્પન્ન થાય છે. દરિયાઈ જીવન વૈવિધ્યપૂર્ણ અને વિપુલ હોય તેવા તટ પર ભરતી મહત્ત્વનો ભાગ ભજવે છે. તે નિયતકાલિકતા (periodicity) માટે જવાબદાર છે. ભરતીની નિયતકાલિકતા લગભગ 12.5 કલાકની હોય છે. તેથી મોટાભાગનાં સ્થળોએ દિવસમાં બે વાર ઊંચી ભરતી આવે છે. પછીના ક્રમિક દિવસોમાં ભરતી લગભગ 50 મિનિટ મોડી આવે છે. પ્રત્યેક પખવાડિયે સૂર્ય અને ચંદ્ર એકસાથે કાર્ય કરે છે ત્યારે ભરતીનો વિસ્તાર વધે છે તેને ગુરુતમ ભરતી (spring tide) કહે છે. આ ભરતી-સમયે ઉચ્ચ ભરતી ખૂબ ઊંચી અને નિમ્ન ભરતી ખૂબ નીચી હોય છે. પખવાડિયાના મધ્યમાં ઉચ્ચ ભરતી અને નિમ્ન ભરતી વચ્ચેનો તફાવત સૌથી ઓછો હોય છે. તેને અલ્પતમ ભરતી (neap-tide) કહે છે. આ પ્રકારની ભરતી સૂર્ય અને ચંદ્ર એકબીજાની અસર નાબૂદ કરે ત્યારે જોવા મળે છે. ભરતી ખુલ્લા દરિયામાં 30 સેમી.થી ઓછી અને કેટલાક બંધ કિનારાઓમાં 15 મી. ઊંચી હોય છે.
દરિયાનાં પાણીમાં મળી આવતાં રસાયણોમાં ખનિજ ક્ષારો, વનસ્પતિ-પોષક તત્ત્વો, લઘુ પોષકો અને ઓગળેલા વાયુઓ મુખ્ય છે. એમ. એસ. ચૅલેન્જર નામના શોધક જહાજે 73 જેટલા જુદા જુદા સમુદ્રજળના નમૂનાઓ ભેગા કરી તેમાં રહેલા 99 % જેટલા રાસાયણિક પદાર્થો શોધીને યાદી બનાવી છે. આ પદાર્થોમાં મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ, મૅગ્નેશિયમ ક્લોરાઇડ, મૅગ્નેશિયમ સલ્ફેટ, કૅલ્શિયમ સલ્ફેટ, પોટૅશિયમ સલ્ફેટ, કૅલ્શિયમ અને પોટૅશિયમના કાર્બોનેટ, મૅગ્નેશિયમ બ્રોમાઇડ-ક્લોરાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ, બાયકાર્બોનેટ ઉપરાંત દરિયાઈ વનસ્પતિને જરૂરી એવા ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને સિલિકોન વધતાઓછા પ્રમાણમાં રહેલા છે. તેમાંથી છીપલાં, શંખલાં અને ડાયેટૉમ જેવા સજીવોનું બંધારણ થાય છે. પૅસિફિક સમુદ્રજળમાં કાર્બનિક ફૉસ્ફેટનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે હિંદી અને આટલાન્ટિકમાં તે સૌથી ઓછું છે. ફૉસ્ફરસ અને નાઇટ્રોજન નદીના મુખપ્રદેશ નજીક વધુ પ્રમાણમાં મળે છે. વનસ્પતિને ઉપયોગી એવા લઘુ પોષકોમાં જસત, કોબાલ્ટ, બોરોન, મગેનીઝ, વૅનિડિયમ, મોલિબ્ડિનમ મુખ્ય છે. સમુદ્રજળમાં ઓગળેલા વાયુઓમાં કાર્બન ડાયૉક્સાઇડ, ઑક્સિજન, એમોનિયા, નિયૉન, હિલિયમ, ઝેનૉન, આર્ગોન મુખ્ય છે. જૂજ માત્રામાં હાઇડ્રોજન પણ આવેલો છે. બંધિયાર દરિયાઈ પાણીમાં મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, નાઇટ્રોજન હોય છે. અમુક ઊંડાઈએ ઑક્સિજન હોતો નથી, તેથી ત્યાં જીવસૃદૃષ્ટિ આવેલી નથી.
સારણી 3 : સમુદ્રજળમાં રહેલાં મુખ્ય ઘટક તત્ત્વો
ક્રમ | તત્ત્વ/સંયોજન | ગ્રા./કિગ્રા. પાણી | કુલ લવણદ્રવ્યના સંદર્ભમાં પ્રમાણ (ટકાવારીમાં) |
1. | ક્લોરાઇડ | 18,980 | 55.044 |
2. | સલ્ફેટ | 2,649 | 7.682 |
3. | બાયકાર્બોનેટ | 0,140 | 0.406 |
4. | બ્રોમાઇડ | 0,065 | 0.189 |
5. | ફ્લોરાઇડ | 0,001 | 0.003 |
6. | બોરિક ઍસિડ | 0,026 | 0.075 |
7. | સોડિયમ | 10,556 | 30.613 |
8. | મૅગ્નેશિયમ | 1,272 | 3.689 |
9. | કૅલ્શિયમ | 0,400 | 1.160 |
10. | પોટૅશિયમ | 0,380 | 1.102 |
11. | સ્ટ્રૉન્શિયમ | 0,013 | 0.038 |
કુલ | 34,482 | 100.00 |
સમુદ્રજળ લવણયુક્ત હોય છે. તેની સરેરાશ લવણતા 3.5 % હોય છે. સોડિયમ ક્લોરાઇડ 2.7 % હોય છે. (મીઠા પાણીની લવણતા 0.5 હોય છે.) બાકીનામાં મૅગ્નેશિયમ, કૅલ્શિયમ અને પોટૅશિયમના ક્ષારોનો સમાવેશ થાય છે. ક્ષારો આયનસ્વરૂપે હોવાથી સમુદ્રજળનું બંધારણ ગ્રા./કિગ્રા.માં દર્શાવવામાં આવે છે.
મૂલકોનું પ્રમાણ અચળ રહેતું હોવાથી કુલ લવણતા ક્લોરાઇડ લવણતા દર્શાવે છે. ધન આયનોનું વિદ્યુત વિયોજન-બળ (electric dissociation force) ઋણ આયનો કરતાં 2.4 મિલી. તુલ્યાંક (mili equivalents) વધારે હોવાથી સમુદ્રજળ આલ્કલીયુક્ત હોય છે અને તેનો pH 8.2 હોય છે. વળી, તે જલદ ઉભયપ્રતિરોધી (buffer) હોય છે. આ ઉપરાંત બીજાં જૈવ આયનો (biogenic ions) સહિત ઘણાં આયનો સમુદ્રજળમાં હોય છે. જૈવ આયનો પ્રાથમિક ઉત્પાદન(primary production)ને મર્યાદિત રાખે છે. આ આયનો સમુદ્રજળની લવણતાનો 1 %થી ઓછો ભાગ બનાવે છે.
દરિયાઈ જળમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ તથા પ્રાણીઓ જોવા મળે છે.
સૂક્ષ્મ તરલ વનસ્પતિઓ અને પ્રાણીઓને અનુક્રમે વનસ્પતિ-પ્લવકો (phytoplanktons) અને પ્રાણી-પ્લવકો (zooplanktons) કહે છે. આ ઉપરાંત, તેમાં હરિત લીલ (chlorophyta), લાલહરિત લીલ (rhodophyta), નીલહરિત લીલ (cyanophyta), બદામી- હરિત લીલ (phacophyta), ડાયેટૉમ (bacillariophyta) અને બૅક્ટિરિયા (schizophyta) અને પ્રાણીઓમાં એકકોષી ડિનોફ્લેજિલેટ્સથી માંડી મહાકાય 150 ટનના વજનવાળી વહેલ, અનેક પ્રકારનાં સ્તરકવચીઓ, સંધિપાદો, સરીસૃપો, માછલીઓ તથા શૂળત્વચીઓ, છીપલાં, શંખ, કોરલ વગેરે જોવા મળે છે.
જૈમિન વિ. જોશી