સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં)

January, 2007

સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં) : યાસ્કે આપેલી सम्-उद्-द्रवन्ति नद्य​: એવી નિરુક્તિ અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે ‘પૃથ્વી પર રહેલો પાણીનો સમૂહ’. अन्तरिक्ष वै समुद्र​: એટલે કે ચડી આવતાં જળભર્યાં વાદળો એવો અર્થ પણ યાસ્કે આપ્યો. ‘અમરકોષ’માં બધાંને ભીંજવનાર જળભર્યા સાગરને ‘સમુદ્ર’ કહ્યો છે. સાગરની ઉત્પત્તિ બ્રહ્માના મેઢ્ર(જનનેન્દ્રિય)થી થઈ છે. તેના સાત ભેદ છે — लवण-इक्षु-सुरा-सर्पि-दधि-दुग्ध​-स्वादूदकाख्या: – લવણ, ઇક્ષુ-શેરડીનો રસ, સુરા-મદિરા, સર્પિ-ઘી, दधि-દહીં, દુગ્ધ-દૂધ અને સ્વાદૂદક. સાગરની ભરતી-ઓટનું કારણ મત્સ્યપુરાણ(1.22)માં કહ્યું છે. તદનુસાર શુક્લ પક્ષમાં ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે છે અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ-બળ ઓછું થવાથી જળનો ક્ષય થાય છે અને ઓટ આવે છે. સમુદ્રનાં જળ ઓસરી જાય છે. આમ શુક્લ-કૃષ્ણ પક્ષના ચંદ્રના ઉદયની અસર સાથે સમુદ્રજળનાં વૃદ્ધિ-ક્ષય સંકળાયેલાં છે.

બધી નદીઓ સમુદ્રને જઈને મળે છે. સરસ્વતી નદી સમુદ્રને મળતી ન હોવાથી તે કુમારિકા કહેવાઈ છે. સમુદ્ર કે સાગર નદીઓનો સ્વામી છે. ક્ષુદ્ર નદીઓ ગંગા, બ્રહ્મપુત્રા જેવી અન્ય નદીઓને મળીને તેમની મારફતે સમુદ્રને જઈ મળે છે.

અગસ્ત્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યું હતું.

પૃથ્વીને સમુદ્રમેખલા કહેવામાં આવે છે. સમુદ્ર એક તીર્થ હોવાથી ધર્મશાસ્ત્રોમાં સમુદ્રયાત્રાનો નિષેધ કરવામાં આવ્યો છે. સમુદ્રને પૃથ્વીનું વસ્ત્ર કહેવામાં આવે છે.

સમુદ્ર સાથે હિમાલયના પુત્ર મૈનાક્ધો મૈત્રી હોવાથી ઇન્દ્રે પર્વતોની પાંખો છેદવા માંડી ત્યારે તેણે સમુદ્ર-સાગરમાં શરણ લીધું હતું.

ઔર્વના અગ્નિને સરસ્વતીએ વડવાનલ તરીકે સમુદ્રમાં પ્રસ્થાપિત કર્યો છે.

ભગવાન નારાયણ શેષશાયી બની ક્ષીરસાગરમાં નિદ્રાસુખ માણે છે.

સાતેય સમુદ્રો સાત દ્વીપોને ઘેરી રહેલા છે. જંબૂદ્વીપ વગેરે સાત દ્વીપો સમુદ્રોને કારણે જુદા પડેલા છે. પ્રત્યેક દ્વીપ સમુદ્રથી ઘેરાયેલો છે અને પ્રત્યેક દ્વીપ કરતાં પછીનો દ્વીપ બમણો મોટો છે. તે જ પ્રમાણે સમુદ્રનો વિસ્તાર પણ અનુક્રમે વધે છે.

પહેલાં તે એક પુરુષરૂપ સાગર હતો. તે સાત ભાગમાં વહેંચાયા પછી એકરૂપ બન્યો એમ વરાહપુરાણમાં કહ્યું છે. અગ્નિપુરાણ (0/2) અનુસાર ક્ષારોદ, ક્ષીરોદ, દધ્યુદ, ઘૃતસાગર, ઇક્ષુ, કાદંબરી અને સ્વાદૂદક સાત સમુદ્ર છે.

સમુદ્રજળ અપેય બન્યું તે અંગે એવી એક કથા છે કે પ્રાચીન સમયમાં બ્રાહ્મણો ખેચરત્વ શક્તિ ધરાવતા હતા. ભૂખ્યા થયેલા બ્રાહ્મણોએ સમુદ્ર પાસે અન્નદાન માગતાં સમુદ્રે મત્સ્યાન્ન (માછલાં રૂપે અન્ન) આપ્યું. આ જાણી તેમણે સાગરજળને અપેય થવાનો અને સજ્જનો માટે અસ્પૃશ્ય થવાનો શાપ આપ્યો. આ શાપને લીધે સમુદ્ર શોષાવા લાગ્યો. દેવોની પ્રાર્થનાથી બ્રહ્માએ સમુદ્રને બ્રાહ્મણોને રત્નો આપવા સમજાવ્યા. તેમણે બ્રાહ્મણોને ભૂદેવત્વ આપ્યું. તેથી સમુદ્ર ઉપર બ્રાહ્મણો પ્રસન્ન થયા. આ પ્રસંગે નદી-સાગરનાં સંગમનાં સ્થળોને તીર્થ તરીકે જાહેર કરવામાં આવ્યાં. (સ્કંદ પુ. VII 1.29-91).

બીજી એક કથા પ્રમાણે કામદહન પ્રસંગે સર્વત્ર વ્યાપેલી અગનજ્વાળાને સાગરે વડવા-સ્વરૂપે પોતાનામાં સમાવી લીધી. (શિવપુરાણ II 20-2-19). દેવો અને દાનવોએ અમૃત માટે સાગરમંથન કર્યું અને સાગરમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. આ ચૌદ રત્નોમાં લક્ષ્મીજી પણ હતાં. દુર્વાસાએ આપેલી માળાની અવગણના થતાં દુર્વાસાના શાપથી ઇન્દ્રની બધી જ લક્ષ્મી સમુદ્રમાં સમાઈ ગઈ હતી. સમુદ્રમંથન થતાં તે લક્ષ્મીજી બહાર આવ્યાં અને સ્વયંવરથી તે વિષ્ણુને વર્યાં. (સ્કંદ પુ. II 9-10). સમુદ્રનું મંથન કરવા મન્દર પર્વતને રવૈયો અને વાસુકિને નેતરું બનાવ્યો હતો. વિષ્ણુએ કૂર્માવતાર લઈ સાગરમાં ડૂબી જતા મંદરને ટકાવી રાખ્યો હતો. (મત્સ્ય પુ. 248, 249, 250; બ્રહ્માંડ પુ. II 4-9-80; ભાગ. પુ. 8-7.8; મ. ભા. આરણ્યક 13, સ્કંદપુરાણ કેદારખંડ અ. 2-13.)

રામાયણ અનુસાર લંકા ઉપર આક્રમણ કરવા સમુદ્રને માર્ગ આપવા પ્રાર્થના કરી હતી; પરંતુ તેણે માર્ગ ન આપતાં તેના ઉપર ગુસ્સે થઈ રામે બાણાનુસંધાન કરતાં રામને પોતાના ઉપર સેતુ બાંધવા સમુદ્રે જણાવ્યું હતું.

ચંદ્રની પુત્રી ભદ્રાને ઉતથ્ય સાથે પરણાવવામાં આવી હતી. સમુદ્રે આ ભદ્રાનું અપહરણ કર્યું હતું. ઉતથ્યના શાપથી સમુદ્રનું જળ શોષાઈ જતાં મરુભૂમિ અસ્તિત્વમાં આવી હતી. (ભા. અ. અ. 154).

પૃથ્વી ઉપરના સાત દ્વીપો સાત સમુદ્રથી ઘેરાયેલા છે તે આ પ્રમાણે છે :

જંબુદ્વીપ લવણ સાગરથી ઘેરાયેલો છે. પ્લક્ષદ્વીપ ઇક્ષુરસ(શેરડીનો રસ)થી ઘેરાયેલો છે. શાલ્મલી દ્વીપને સુરાનો સાગર ઘેરી રહ્યો છે. કુશદ્વીપ ઘૃતોદધિ – ઘીના સાગરથી ઘેરાયેલો છે. ક્રૌંચ દ્વીપ દધ્યુદ(દહીં રૂપી જળ)થી ઘેરાયેલો છે. શાકદ્વીપને ક્ષીરસાગર ઘેરી વળેલો છે. પુષ્કરદ્વીપ શુદ્ધોદકથી ઘેરાયેલો છે.

સાત દ્વીપના સર્જન પાછળ એક કથા છે. સ્વાયંભુવ મનુના પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ સાથે આ કથા સંકળાયેલી છે. સૂર્યને પૃથ્વીની એક બાજુ જ ફરતો જોઈ પૃથ્વીના બીજા ભાગે અંધારું ઘેરાયેલું રહેતું તેથી બધે જ પ્રકાશ થાય તે માટે તેણે પૃથ્વીની સાત પ્રદક્ષિણાઓ કરી. આથી પૃથ્વી સાત ભાગમાં વહેંચાઈ ગઈ અને સાત દ્વીપો અસ્તિત્વમાં આવ્યા. રથનાં ચક્ર ફરવાથી સાત સાગર થયા. સાત દ્વીપોને રાજા ઉત્તાનપાદે અગ્નીધ્ર, ઈધ્મજિહ્વ, યજ્ઞબાહુ, હિરણ્યરેતસ્, ઘૃતપ્રસ્થ, મેધાતિથિ અને વીતિહોત્રને વહેંચી આપ્યા. (દેવી ભાગ., સ્કંધ 8).

દશરથલાલ વેદિયા