સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન)

January, 2007

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન) : સમુદ્રમાં હાલમડોલમ થતા પહોળા જહાજ પર સંતુલન અંગેની વિષમતા ઉદ્ભવે ત્યારે પેદા થતી તકલીફવાળી અવસ્થા. તે એક પ્રકારે ચાલતા વાહનમાં થતા ગતિજન્ય વ્યાધિ (motion sickness) જેવી જ સ્થિતિ છે. તેમાં કાનની અંદરના ભાગમાં આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી એવી સ્થિતિ ઉદ્ભવે છે. દર્દીને ચક્કર આવે છે, ઊબકા અને ઊલટી થાય છે અને તે માંદો પડી ગયો હોય તેવી ભાવના ઉદ્ભવે છે. સારવાર માટે પ્રતિહિસ્ટામિન તથા અન્ય દવાઓ વપરાય છે. મુખ્ય પ્રતિહિસ્ટામિન ઔષધોમાં સિનેરિઝિન, ફલ્યુનેરિઝિન, પ્રોમિથેઝિન, હાઇડ્રૉક્સિઝિન, ડાયમૅન્હાડ્રિનેટનો સમાવેશ થાય છે. ચક્કરના ઉગ્ર હુમલામાં પ્રોક્લોરપરેઝિનનું નિક્ષેપન (injection) કરાય છે અને ત્યારબાદ મુખમાર્ગી દવા વડે ચક્કરનું નિયંત્રણ કરાય છે.

શિલીન નં. શુક્લ