સમુદ્ર-વાતાવરણ આંતરસપાટી (sea-air interface)

January, 2007

સમુદ્રવાતાવરણ આંતરસપાટી (sea-air interface) : સમુદ્ર-મહાસાગર જળરાશિ અને વાતાવરણ વચ્ચેની સંપર્કસપાટી. આ બંને માધ્યમો વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ થતી રહે છે, એ રીતે આ સપાટી પર્યાવરણ માટે ભૌતિક અને રાસાયણિક પરિબળો મારફતે ક્રિયાશીલ રહે છે, જેને પરિણામે જળરાશિની નજીકની જીવસૃદૃષ્ટિને જરૂરી પોષણ મળી રહે છે.

અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તારમાં સૂર્યાઘાતથી જળસપાટી ગરમ થાય છે, આથી સંપર્કમાં રહેલી હવા પણ ગરમ થાય છે. ગરમ થયેલું વાતાવરણ તે ગરમીનું અભિસરણ કરે છે અને ઊંચા અક્ષાંશીય વિસ્તારની જળસપાટીને ગરમી આપે છે. આ પ્રક્રિયાને કારણે સમુદ્ર-મોજાં તથા સમુદ્ર-પ્રવાહો ઉદ્ભવે છે. સમુદ્ર-વાતાવરણ આંતરપૃષ્ઠ પર થતા રહેતા બાષ્પીભવનથી ભેજ અને ઊર્જા પ્રસરે છે. આ આંતરપૃષ્ઠ પર ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનો મોટા પાયા પર વિનિમય પણ થાય છે. આંતરસપાટી પર પ્રવર્તતી આબોહવાની અસર જળસપાટીના તાપમાનના વધારા-ઘટાડા પર તેમજ ક્ષારતા પર થાય છે. આ પરિબળો દ્વારા જળરાશિની ઘનતા નક્કી કરી શકાય છે. વળી સમુદ્રના પ્રવાહોના વહનની ક્યાં, કેટલી ઊંડાઈ સુધી ક્ષમતા રહેશે તેનો પણ અંદાજ કાઢી શકાય છે.

પ્રકાશસંશ્લેષણની ક્રિયા, જે દરિયાઈ જીવસૃદૃષ્ટિ માટે આધાર સમાન ગણાય છે; તે જળસપાટીથી અમુક ઊંડાઈના સ્તર સુધી કાર્યરત રહે છે; જીવસૃદૃષ્ટિને આ રીતે સૂર્ય-ઊર્જા, કાર્બન ડાયૉક્સાઇડ અને પોષણક્ષમ સમુદ્રક્ષારો ઉપલબ્ધ થાય છે.

નીતિન કોઠારી