સમુદ્રવેલ (મરજાદવેલ)

January, 2007

સમુદ્રવેલ (મરજાદવેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કોન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea pes-carpae (Linn.) Sweet syn. I. biloba Forsk.; I. maritima R. Br. (હિં. દોપાતી લતા, બં. છાગાકુરી, મ. મર્યાદવેલ, સમુદ્રફેન) છે.

તે એક મોટી આરોહી કે તલસર્પી (trailing), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને જાડાં લાંબાં મૂળ ધરાવે છે. તે ભારતના પૂર્વીય અને પશ્ચિમી રેતાળ દરિયાકિનારે, સુંદરવન, પિલાની (રાજસ્થાન) અને આંદામાનના ટાપુઓમાં થાય છે. તે કેટલીક વાર નદીકિનારે, જાહેર અને ભેજવાળી જમીનમાં પણ થાય છે. પર્ણો વર્તુલાકાર (orbicular), દ્વિખંડી, ઊંડે સુધી છેદન પામેલાં અને જાડાં હોય છે. પુષ્પો મોટાં, ગળણી-આકારનાં, ચકચકિત ગુલાબી-જાંબલી, ગુલાબી કે જાંબલી રંગનાં હોય છે અને કક્ષીય સદંડી (pedunculate) પરિમિત (cyme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, નાનું, અંડાકાર અને અરોમિલ (glabrous) હોય છે. બીજ 4, ઘેરાં બદામી અને ઘનરોમિલ (tomentose) હોય છે.

સમુદ્રવેલ રેતીબંધક તરીકે ઉપયોગી છે. મોટાભાગનાં પ્રાણીઓ તેને ખાય છે. સમુદ્રવેલ ખાતી ગાયોનું દૂધ દૂષિત (tainted) હોય છે. પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.

સમુદ્રવેલ (Ipomoea pes-carpae)

તે શ્લેષ્મી (mucilaginous) અને સંકોચક (astringent), ક્ષુધાપ્રેરક (stomachic), પરિવર્તક (alterative), બલ્ય (tonic), મૂત્રલ (diuretic) અને રેચક (laxative) ગણાય છે. તે ત્વચાના રોગોમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પરમિયા(gonnorrhoea)માં અને મસામાં થાય છે. તેનાં પર્ણો સંધિવા, જલશોફ (dropsy) અને શૂલ(colic)માં વપરાય છે. પર્ણોનો રસ મૂત્રલ હોય છે. દાઝ્યા પર સોજો, ઘા અને ચાંદાં પર તેનાં પર્ણોની પોટીસ બાંધવામાં આવે છે. બીજ જઠરના દુખાવા અને તાણ કે આંકડી(cramp)માં વપરાય છે. પ્રકાંડનો રસ માછલી ડંખ અને કરડવા પર લગાડવામાં આવે છે. મૂળનો સૂકો રસ રેચક છે. મૂળમાં સેપોનિન હોવાનું નોંધાયું છે.

છોડ શ્લેષ્મ, બાષ્પશીલ તેલ (0.05 %), રાળ (7.3 %), કડવાં દ્રવ્યો, લાલ રંગનાં દ્રવ્યો, પેન્ટાટ્રાઇકોન્ટેન, ટ્રાઇકોન્ટેન, એક સ્ટેરોલ (C29H50O) અને બેહેનિક, મેલિઝિક, બ્યુટિરિક અને મિરિસ્ટિક ઍસિડ ધરાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ