સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી શિખરો પર બેઠા હતા ત્યારે તેઓને વિચાર આવ્યો કે અમૃતપ્રાપ્તિ માટે તેઓએ ઉપાય કરવા જોઈએ. તે સમયે ભગવાન નારાયણ ત્યાં આવ્યા અને બ્રહ્માજીને કહ્યું કે ‘સમસ્ત દેવો અને અસુરો મળીને મહાસાગરનું મંથન કરે તો તેમાંથી અમૃતની પ્રાપ્તિ થશે. સૌપહેલાં ઔષધિઓ, પછી રત્નો મળે, ત્યારબાદ પણ મંથન ચાલુ રાખવાથી અંતમાં નિશ્ચિત રૂપે અમૃત પ્રાપ્ત થશે.’

આથી બધા દેવતાઓ સાથે મળી મંદરાચલ પર્વતને ઉખાડવા તેની પાસે ગયા. તે પર્વત પર અનેક જાતનાં પશુઓ, પંખીઓ, વાઘ, સિંહ જેવાં હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. તેનાં શિખરો પર અપ્સરાઓ, કિન્નરો તેમજ દેવોનો વાસ હતો. તેની ઊંચાઈ અગિયાર હજાર યોજન હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ દેવતાઓ તેને ઉખાડી શક્યા નહિ. આથી તેમણે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજીના કહેવાથી વિષ્ણુ ભગવાને ‘તથાસ્તુ’ કહી નાગરાજ અનન્તને આજ્ઞા કરી. શેષનાગે પોતાના તમામ બળથી પ્રહાર કરી મંદરાચલને ઉખાડી નાખ્યો. તે પછી દેવતાઓ સમુદ્રતટ પર ગયા અને કહ્યું, ‘અમે અમૃત મેળવવા માટે તમારું મંથન કરીએ ?’ ત્યારે સમુદ્રે કહ્યું કે, ‘જે અમૃત નીકળે તેમાં જો મને ભાગ આપો તો મંદરાચલ ઉખાડવાથી જે મને પીડા થઈ છે તે હું સહન કરી લઈશ.’ તે પછી સમુદ્રતળમાં રહેતા કચ્છપરાજને આધાર બનાવી તેની પીઠ પર પર્વતનો નીચેનો ભાગ રાખી તેમજ દેવરાજ ઇન્દ્રના વજ્રથી તેનો ઉપરનો ભાગ સ્થિર રાખી દેવો, દૈત્યો અને દાનવોએ વાસુકિ નાગને દોરડું બનાવી સમુદ્રમંથનનો આરંભ કર્યો. અસુરોએ વાસુકિના મુખને અને દેવોએ તેના પુચ્છને પકડ્યું. દેવો અને દાનવો દ્વારા વારંવાર ખેંચાવાથી વાસુક્ધિો ઘણી પીડા થતી હતી અને તેના મોંમાંથી ફીણ પણ નીકળતું હતું. દેવો અને દાનવોને ઘણો પરિશ્રમ અને ઉકળાટ થયો હતો. આથી સંપૂર્ણ મેઘો દેવતા પર વૃદૃષ્ટિ કરી જલની ધારાથી શાંતિ કરતા હતા. આ મંથનથી સમુદ્રનાં અનેક જલચર પ્રાણીઓનો સંહાર થયો હતો અને વૃક્ષો પર રહેતાં પક્ષીઓ પણ મૃત્યુ પામ્યાં હતાં. વૃક્ષોમાં ભયંકર આગ લાગી અને આખો મેરુ પર્વત પ્રજ્વલિત થઈ ગયો. તે સમયે દેવરાજ ઇન્દ્રે જલની વૃદૃષ્ટિ કરી. વૃક્ષો અને ઔષધિઓના અમૃતતુલ્ય પ્રભાવશાળી રસોથી તેમજ દિવ્ય મણિના રસથી દેવોને અમૃતત્વ પ્રાપ્ત થયું; પરંતુ અમૃત હજુ સુધી પ્રાપ્ત થયું નહોતું. આથી દેવોએ બ્રહ્માજીને કહ્યું કે આ સમુદ્રમંથન શરૂ થયે ઘણો વખત થયો, પરંતુ અમૃત પ્રાપ્ત થયું નથી. આથી બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે, ‘તમો દેવોને બળ પ્રદાન કરો.’ બધા દેવો અને દાનવોએ પોતાના તમામ બળથી મંથન શરૂ કર્યું અને સમુદ્રને ક્ષુબ્ધ કર્યો. સૌપ્રથમ સમુદ્રમાંથી શીતળ, શ્વેત અને પ્રસન્નાત્મા ચંદ્રમા પ્રકટ થયા. તે પછી લક્ષ્મીદેવીનો પ્રાદુર્ભાવ થયો. સુરાદેવી અને શ્વેત અશ્વ પ્રકટ થયા. કૌસ્તુભમણિ કે જે ભગવાન નારાયણના વક્ષ:સ્થળ પર સુશોભિત છે તે પણ પ્રકટ થયો. સંપૂર્ણ કામનાઓ પરિપૂર્ણ કરનાર પારિજાત વૃક્ષ અને સુરભિ ગાયની ઉત્પત્તિ થઈ. આ તમામ આકાશમાર્ગે દેવતાઓ રહેતા હતા ત્યાં જતા રહ્યા. જેમના હાથમાં અમૃતનો શ્વેત કળશ હતો તે ભગવાન ધન્વંતરિ તે પછી પ્રકટ થયા. આ અદ્ભુત દૃશ્ય જોઈ દાનવોમાં કોલાહલ મચી ગયો અને બધા કહેવા લાગ્યા કે, ‘આ કુંભ અમારો છે.’ શ્વેત ચાર દંત સાથે મહાનાગ ઐરાવત પ્રકટ થતાંની સાથે દેવરાજ ઇન્દ્રે પોતાના હસ્તક લઈ લીધો. તે પછી મહાવિષ કાલકૂટ ઉત્પન્ન થયું અને તે સમસ્ત જગતમાં વ્યાપ્યું. તેની માત્ર ગંધથી જગતનાં તમામ પ્રાણીઓ મૂર્છિત થઈ ગયાં. આથી બ્રહ્માજીએ શંકર ભગવાનને પ્રાર્થના કરી કે તમે આ ભયંકર વિષ પી જાઓ કે જેથી આ જગતની રક્ષા થાય. આથી ભગવાન શંકરે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું; ત્યારથી તેઓ પોતે નીલકંઠ કહેવાયા.

આ બધાં દિવ્ય અને અદ્ભુત દૃશ્યો જોઈ દાનવો નિરાશ થઈ ગયા અને અમૃત અને લક્ષ્મીજી મેળવવા માટે તેઓએ દેવો સાથે નિરંતર વેર બાંધ્યું. આથી ભગવાન વિષ્ણુ મોહિની-સ્વરૂપ ધારણ કરી દાનવો પાસે ગયા અને તેઓને માયા વડે મોહિત કરી તેમની પાસેથી અમૃત લઈ દેવોને આપ્યું. આથી દાનવોને ઘણું દુ:ખ થયું. તેઓએ પોતાનાં તમામ અસ્ત્ર-શસ્ત્ર લઈ દેવો સાથે સંગ્રામ કર્યો. આ સમયે રાહુ નામનો દાનવ દેવનું રૂપ લઈ છળકપટથી દેવોની પંગતમાં આવી અમૃત પીવાની શરૂઆત કરતો હતો. એટલામાં સૂર્ય અને ચંદ્રે આ કપટનો ભેદ પ્રકટ કર્યો. આથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મુગટમંડિત મસ્તક કાપી નાખ્યું. ત્યારથી રાહુનું મસ્તક અને ધડ જુદાં છે અને સૂર્ય અને ચંદ્ર સાથે કાયમનું વેર રાખી રાહુ તેઓ પર ગ્રહણ કરે છે. વિષ્ણુ ભગવાને પોતાના મોહિની-સ્વરૂપનો ત્યાગ કરી દાનવોને ભયભીત કર્યા અને દેવો અને દાનવો વચ્ચે મહાસંગ્રામ થયો. આ સમયે ભગવાન વિષ્ણુનાં બે સ્વરૂપો નર અને નારાયણે સમરાંગણમાં આવી સુદર્શન ચક્ર વડે દાનવો પર પ્રહાર કર્યો અને તેઓને ભયભીત કરી પરાજિત કર્યા. આથી સમસ્ત પૃથ્વી ભયભીત થઈ કંપવા લાગી અને દાનવો સમુદ્રમાં ચાલ્યા ગયા. દેવોનો વિજય થયો અને મંદરાચલને પોતાના પૂર્વસ્થાનમાં મૂકી દેવરાજ ઇન્દ્રે આ અમૃતનો નિધિ કિરીટધારી ભગવાન વિષ્ણુને તેની રક્ષા માટે સોંપ્યો. આથી આ સમસ્ત જગત દેવોના આશીર્વાદ અને ભગવાન વિષ્ણુની અમૃતવર્ષાથી સુખ અને શાંતિ અનુભવે છે. વા. રા. બા. 45; મ. ભા. આ. પ. 18; હરિવંશ ભવિ. 3; ભાગવત 8/6-8, 8/8; અગ્નિ પુ. 3; મત્સ્ય પુરાણ 249-50; સ્કંદ પુ. 119; દેવીભા. 9/40-41; પદ્મ પુ. 3.259-260; વિષ્ણુ પુ. 1-9; બ્રહ્મ વૈ. પ્ર. 36 વગેરેમાં આ કથા મળે છે.

નટવરલાલ જ. શુક્લ