સમુદ્રગુપ્ત (શાસનકાળ . . 335-375) : પ્રતાપી ગુપ્ત સમ્રાટ, મહાન વિજેતા અને કુશળ સેનાપતિ. ચન્દ્રગુપ્ત પહેલો (319-335) તથા તેની રાણી નેપાળના શક્તિશાળી લિચ્છવી કુટુંબની કન્યા કુમારદેવીનો પુત્ર હતો. તેના પિતાએ ભર્યા દરબારમાં તેને વારસ તરીકે પસંદ કર્યો અને પોતે પુત્રની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. કેટલાક વિદ્વાનોના મતાનુસાર શાસનના શરૂઆતના દિવસોમાં તેને ભાઈઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેણે બાહુબળથી રાજગાદી ટકાવી રાખી અને ગુપ્ત સામ્રાજ્યનો પાયો વધુ મજબૂત બનાવ્યો. અલ્લાહાબાદમાં અશોક સ્તંભ ઉપર તેના એક અધિકારી કવિ હરિષેણે રચેલ પ્રશસ્તિ પરથી તેના વિજયો તથા બીજાં કાર્યોની માહિતી મળે છે. કવિ જણાવે છે કે ચન્દ્રગુપ્ત પહેલાએ તેને પોતાનો વારસ જાહેર કર્યો ત્યારે દરબારીઓએ આનંદની ચિચિયારીઓથી તે સમાચાર વધાવી લીધા, પરન્તુ તેના હરીફ ઉમેદવારોમાં ખૂબ અસંતોષ ફેલાયો હતો.

ગાદીએ બેઠા પછી સમુદ્રગુપ્તે નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેના વિજયોની માહિતી અલ્લાહાબાદના પ્રશસ્તિલેખમાંથી પ્રાપ્ત થાય છે. તેનો ઇતિહાસ જાણવામાં આ લેખ ઘણો ઉપયોગી છે. તેનો રચનાર કવિ હરિષેણ તેના દરબારમાં સાંધિવિગ્રહિક, મહાદંડનાયક તથા કુમારામાત્યના હોદ્દા ભોગવતો હતો.

સૌપ્રથમ સમુદ્રગુપ્તે આર્યાવર્ત(પ્રાચીન સમયમાં હિમાલય અને વિંધ્યાચળ વચ્ચે આવેલ પ્રદેશ)માં વિજયો મેળવ્યા. આ પ્રદેશમાં તેણે રુદ્રદેવ, નાગદત્ત, નાગસેન, નંદિ, ચંદ્રવર્મા, મતિલ, ગણપતિનાગ, અચ્યુત, બલવર્મા વગેરે રાજાઓને હરાવીને તેમનાં રાજ્યો જીતી લીધાં. તેમનાં રાજ્યો તેણે ખાલસા કરીને પોતાના રાજ્યમાં તેમનું વિલીનીકરણ કર્યું. આ વિજયોને લીધે ઉત્તર ભારતનો વિશાળ પ્રદેશ તેના પ્રત્યક્ષ વહીવટ હેઠળ આવ્યો. તેનું સામ્રાજ્ય વાયવ્ય(ઉ.પ.)માં પૂર્વ પંજાબ સુધી, ઉત્તરમાં નેપાળ સુધી અને પૂર્વમાં બંગાળ તથા આસામ પર્યન્ત વિસ્તર્યું.

ત્યારબાદ તેણે મધ્યભારતના જંગલવિસ્તારના રાજાઓને હરાવીને દક્ષિણ તરફની વિજયયાત્રા આરંભી. તેમણે દક્ષિણની વિજયયાત્રા દરમિયાન મધ્યપ્રદેશના વિલાસપુર, રાયપુર તથા સંભલપુર વિસ્તાર(દક્ષિણ કોશલ)ના રાજા મહેન્દ્ર, મધ્યપ્રદેશના ગોંડવાણાની પૂર્વના જંગલવિસ્તારના રાજા વ્યાઘ્રરાજ, ઓરિસા અને તામિલનાડુ વચ્ચેના પ્રદેશના રાજા મંટરાજ, કલિંગ પ્રદેશ એટલે પિષ્ટપુર, મહેન્દ્રગિરિ અને કોટ્ટારના રાજા સ્વામીદત્ત, ગંજમ અને વિઝાગાપટ્ટમ્ પાસેના પ્રદેશ એરંડપલ્લના રાજા દમન, કાંચીના પલ્લવ રાજા વિષ્ણુગોપ, ગોદાવરી નદી પાસેના પ્રદેશ અવમુક્તના રાજા નીલરાજ, વેંગી(તામિલનાડુ રાજ્યનો કૃષ્ણા જિલ્લો)ના રાજા હસ્તિવર્મા, પાલક્કગંતૂર જિલ્લાના રાજા ઉગ્રસેન, વિઝાગાપટ્ટમ્ જિલ્લામાં આવેલ દેવરાષ્ટ્રના રાજા કુબેર તથા આકર્ટ જિલ્લામાં આવેલ કુસ્થલપુરના રાજા ધનંજયને હરાવ્યા. તે રાજાઓને તેણે ખંડિયા (સામંત) રાજા બનાવ્યા અને તે બધાને તેણે પોતાના સાર્વભૌમત્વ હેઠળ રાખી પોતપોતાના રાજ્યમાં શાસન કરવાની છૂટ આપી. તેની આ વિજયયાત્રા મધ્યપ્રદેશના પૂર્વ અને દક્ષિણ પ્રદેશમાં થઈને ઓરિસાને રસ્તે દક્ષિણ ભારતના પૂર્વ કિનારાનાં રાજ્યોમાં થઈ કૃષ્ણા અને કાવેરી નદીની વચ્ચે આવેલા પલ્લવ વંશના રાજ્ય સુધી પહોંચી હતી. દક્ષિણ ભારતના મધ્ય અને પશ્ચિમના પ્રદેશમાં શાસન કરતા વાકાટકો સાથે તેને લડાઈ થઈ ન હતી.

ઉપર્યુક્ત વિજયો બાદ તેણે સરહદનાં પાંચ રાજ્યો તથા નવ ગણ-રાજ્યો ઉપર પણ જીત મેળવી. તેમણે સમુદ્રગુપ્તનું સાર્વભૌમત્વ સ્વીકારી તેને કર ભરવાની તૈયારી દર્શાવી; અને ખંડણી ભરવાની શરતે તે બધાં ખંડિયાં રાજ્યો બન્યાં. પાંચ રાજ્યોમાં દક્ષિણ-પૂર્વ બંગાળ, ઉત્તર બંગાળ (ડવાક), કામરૂપ (અસમ), નેપાળ તથા કર્તૃપુર(પૂર્વ પંજાબ)નો સમાવેશ થાય છે. ત્યારપછી તેણે પોતાના સામ્રાજ્યની પશ્ચિમ સરહદે આવેલાં નવ ગણરાજ્યો જીતી લીધાં. તેમાં માલવો, અર્જુનાયનો, યૌધેયો, મદ્રકો, આભીરો, પ્રાર્જુનો, સનકાનીકો, કાક અને ખડપરિકોનો સમાવેશ થાય છે. માલવો પૂર્વ રાજસ્થાનમાં મેવાડ, ટોંક અને કોટાના પ્રદેશમાં વસ્યા હતા. યૌધેયોનું સતલજ અને યમુના નદીઓ વચ્ચે ભરતપુર સહિતના પ્રદેશમાં રાજ્ય હતું. મદ્રકો રાવી તથા ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. તેમનું પાટનગર શાકલ (હાલનું સિયાલકોટ) હતું. અર્જુનાયનોનો પ્રદેશ જયપુર પાસેનો હોઈ શકે. સનકાનીકોનો પ્રદેશ ભીલસા પાસે હતો. આભીરો ભીલસા અને ઝાંસી વચ્ચે આવેલા આહિરવાડા પર શાસન કરતા હતા.

સમુદ્રગુપ્તના વિજયોનો બીજાં રાજ્યો પર પ્રભાવ પડ્યો. વાયવ્ય ભારતના કુષાણ રાજાએ અને પશ્ચિમ ભારતના શક-ક્ષત્રપોએ સમુદ્રગુપ્તને ભેટો મોકલી તેની કૃપાની યાચના કરી. આમ કુષાણ અને શક-ક્ષત્રપોએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એ રીતે સિંહલ(શ્રીલંકા)ના રાજા મેઘવર્ણે સમુદ્રગુપ્તની રજા લઈ બોધિગયામાં પોતાના દેશના બૌદ્ધ યાત્રિકો માટે વિહાર બંધાવ્યો હતો.

સમુદ્રગુપ્ત મહાન વિજેતા, કુશળ સેનાપતિ અને પ્રતાપી સમ્રાટ હતો. તેણે હજારો કિમી.ની વિજયયાત્રાઓ કરીને પોતાનો વિજયધ્વજ લહેરાવ્યો. જીતેલાં બધાં રાજ્યોને તેણે ખાલસા કર્યાં નહિ, પરંતુ પોતાનું આધિપત્ય સ્વીકારાવી ખંડિયાં બનાવ્યાં. તેમાં તેનું દૂરંદેશીપણું હતું. તેણે ઉત્તર ભારત અને મધ્યપ્રદેશ પર જ સીધું શાસન સ્થાપ્યું. તેણે સીમાવર્તી રાજ્યો જીતી ખાલસા કર્યાં નહિ અને વિદેશી આક્રમણો સામે સંરક્ષણાત્મક દીવાલ ઊભી કરી. તેણે સોનાના સિક્કા પડાવ્યા હતા. તેના કેટલાક સિક્કામાં તે એક હાથમાં ધ્વજદંડ રાખી બીજા હાથે વેદીમાં હોમ કરતો, કેટલાક સિક્કામાં તેને શિકાર કરતો અને કેટલાકમાં તેને વીણાવાદન કરતો દર્શાવ્યો છે. આમ, તે ધાર્મિક વૃત્તિનો, પરાક્રમી, શિકારનો શોખીન અને સંગીતકાર હોવાની સાબિતી મળી છે. તેના શરીર પર અનેક ઘા પડ્યા હતા. તે પરાક્રમો કરવામાં અદ્વિતીય હતો. તે શસ્ત્રો અને શાસ્ત્રોમાં પ્રવીણ હતો. તેણે દુ:ખી, ગરીબો તથા અનાથોને દાન કર્યાં હતાં. તેણે વહીવટ માટે સામ્રાજ્યના વિભાગો પાડ્યા હતા. તેના ઉપર અધિકારીઓ નીમ્યા હતા. તેણે પ્રજાની સગવડો વધારી હતી. ઇતિહાસકાર વિન્સન્ટ સ્મિથે તેને ‘ભારતનો નેપોલિયન’ કહ્યો છે.

જયકુમાર ર. શુક્લ