સમાધિ : યોગનાં આઠ અંગોમાંનું અંતિમ અંગ. ચિત્તની એકાગ્રતા એટલી બધી થાય કે દેશકાળાદિ બધી વસ્તુઓ ભુલાઈ જઈ ફક્ત ધ્યેયવસ્તુ જ યાદ રહે તેવી સ્થિતિ. તેનું નામ સમાધિ. એ સ્થિતિમાં ચિત્ત પવન વગરની જગ્યાએ રહેલા દીપની જ્યોત જેવું સ્થિર થઈ જાય છે. પતંજલિએ રચેલા યોગદર્શન મુજબ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર – એ યોગનાં પાંચ અંગોના પ્રાથમિક અભ્યાસ વડે નિરુદ્ધ ચિત્તને યોગી ચોક્કસ સ્થાનમાં જોડે તે યોગનું છઠ્ઠું અંગ ધારણા છે. એ ચોક્કસ સ્થાનમાં ધ્યેયવસ્તુનું જ્ઞાન એકાકાર બની પ્રવાહિત થાય અને એ જ્ઞાનને કોઈ દબાવી ન શકે તે યોગનું સાતમું અંગ ધ્યાન છે. એ પછી યોગનું અંતિમ આઠમું અંગ સમાધિ આવે છે, જેના બે પ્રકારો છે : જ્યારે ધ્યાન અને ધ્યેય એક જ થઈ જાય ત્યારે સંપ્રજ્ઞાત સમાધિ કે સવિકલ્પ સમાધિ કે સબીજ સમાધિ થાય છે, જેમાં જ્ઞાતાને પોતાનું જ્ઞાન રહે છે જ; જ્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય ત્રણેય એક જ થઈ જાય અને સ્થિર ચિત્તમાં એકમાત્ર ધ્યેયનું જ્ઞાન જ રહે ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ કે નિર્બીજ સમાધિ થાય છે.

હવે સંપ્રજ્ઞાત સમાધિના ચાર પ્રકારો આ પ્રમાણે છે : (1) સવિતર્કાનુગત સમાધિ, (2) સવિચારાનુગત સમાધિ, (3) સાનંદાનુગત સમાધિ અને (4) સાસ્મિતાનુગત સમાધિ. યોગદર્શનનાં 26 તત્ત્વોમાંથી પંચ મહાભૂતો અને દસ બાહ્ય ઇન્દ્રિયો – એ સ્થૂળ વિષયોનું આલંબન ધ્યાનમાં લેવામાં આવે તે સવિતર્કાનુગત સમાધિ છે. એ પછી જે સમાધિમાં પાંચ તન્માત્રાઓ અને અંત:કરણ – એ સૂક્ષ્મ વિષયોનું આલંબન ધ્યાનમાં લેવામાં આવે અને ધ્યાતાને દેશ, કાળ અને ધર્મનો વિચાર રહે તે સવિચારાનુગત સમાધિ છે. જ્યારે એમાં ફક્ત ધર્મનું જ ભાન રહે ત્યારે તે નિર્વિચારાનુગત સમાધિ થાય છે. એ પછી રજસ્ અને તમસ્ના ક્લેશોમાંથી મુક્ત થઈ ફક્ત બુદ્ધિતત્ત્વનું જ આલંબન થઈ સુખોત્પાદક સત્ત્વગુણનો ઉત્કર્ષ થતાં ધ્યાતાને આનંદ થાય તે સાનંદાનુગત સમાધિ છે. એ પછી ધ્યાતા સત્ત્વગુણનું આલંબન લઈ ધ્યાન કરે તેમાં સત્ત્વગુણ ધીરે ધીરે ક્ષીણ થાય અને ચિતિશક્તિ જ બળવાન રહે તથા ધ્યાતાને ‘હું (સુખરૂપ) છું’ એવું ભાન રહે તે સાસ્મિતાનુગત સમાધિ છે.

હવે અસંપ્રજ્ઞાત સમાધિના બે પ્રકારો છે : (1) ભવપ્રત્યય સમાધિ અને (2) ઉપાયપ્રત્યય સમાધિ. જે સમાધિમાં જ્ઞાનનો ઉદય ન થાય, પરંતુ અવિદ્યાનું અસ્તિત્વ કર્મજન્ય સંસ્કારો નાશ ન પામવાને લીધે ચાલુ જ રહે તેથી મોક્ષને બદલે થોડો સમય સ્વર્ગમાં દેવપણું મળે પણ તે પછી ફરી જન્મ લેવો પડે તે ભવપ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિ છે. જ્યારે ઉપાયપ્રત્યય અસંપ્રજ્ઞાત સમાધિમાં ઉત્તમ કક્ષાના વૈરાગ્યને લીધે ચિત્ત નિર્વિષય બને અને સંસ્કાર પણ પામી જાય છે. તે પછી શુદ્ધ જ્ઞાનનો ઉદય થતાં સંસારના બીજનો નાશ થાય એટલે મોક્ષ મળે અર્થાત્ પુનર્જન્મ લેવાનો રહેતો નથી. પતંજલિએ આને ધર્મમેઘ સમાધિ નામથી પણ ઓળખાવી છે, કારણ કે તેમાં શ્રેષ્ઠ યોગી ધર્મરૂપી અમૃતની હજારો ધારાઓ વહાવે છે. આ બધી સમાધિઓ પતંજલિએ પ્રબોધેલા વેદમૂલક રાજયોગની છે કે જે મોક્ષ સાથે સંબંધ ધરાવે છે.

જ્યારે શરીરવિકાસ અને કાયાકલ્પ સાથે સંબંધ ધરાવતા તંત્રશાસ્ત્રમૂલક હઠયોગની સમાધિ ભિન્ન છે. એને હઠસમાધિ કહે છે. તેમાં મનુષ્યના અગ્નિચક્રમાં રહેલી કુંડલિની-શક્તિના જાગરણની વાત મુખ્ય છે. સાધક પોતાના શરીરને ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલિ અને કપાલભાતિ – એ છ કર્મો વડે શુદ્ધ કરી, એ પછી આસન, ખેચરી વગેરે મુદ્રાઓ; પ્રાણાયામ, ધ્યાન અને અંતે સમાધિ વડે કુંડલિની-શક્તિને જગાડી; મૂલાધાર વગેરે છ ચક્રોને ભેદી; સુષુમ્ણા નાડીની મધ્યમાં થઈ અંતિમ ચક્રમાં લઈ જઈ અમૃતપાન કરાવે છે. આમ, હઠસમાધિ વધુ કઠિન છે. તેમાં ह એટલે સૂર્યચક્રથી ठ એટલે (અમૃત વરસાવતા) ચંદ્ર સુધીની યાત્રા છે, જેમાં વચ્ચે છ ચક્રોનું ભેદન કરવામાં આવે છે. પતંજલિના રાજયોગની અને તંત્રના હઠયોગની હઠસમાધિ બંને વધુ જાણીતી છે.

એ રીતે બૌદ્ધદર્શન અને જૈનદર્શનમાં પણ સમાધિની વાત રજૂ થઈ છે. બૌદ્ધોના આર્ય અષ્ટાંગિક માર્ગમાં અંતિમ આઠમો માર્ગ સમાધિ છે. આગલા સાત માર્ગો ‘સમ્યગ્’ વિશેષણવાળાં દૃષ્ટિ, સંકલ્પ, વાણી, કર્મ, આજીવિકા, વ્યાયામ અને વિચારને પ્રાપ્ત કરી ચાર પ્રકારનું ધ્યાન ધરી મનુષ્ય સમાધિમાં પહોંચે છે અને એ સમાધિ દ્વારા નિર્વાણ મેળવે છે. તે સમાધિ થોડો સમય ટકે તો ઉપચાર-સમાધિ અને ઇચ્છેલા સમય સુધી ટકે તો અપર્ણા-સમાધિ કહેવાય છે. અપર્ણા-સમાધિમાં પ્રથમ ધ્યાનમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા હોય છે. તે પછી બીજા ધ્યાનમાં વિતર્ક અને વિચાર હોતા નથી. ત્રીજા ધ્યાનમાં પ્રીતિ પણ જતી રહે છે. ચોથા ધ્યાનમાં સુખનો લોપ થઈ માત્ર એકાગ્રતા રહે છે. બૌદ્ધમતે સમાધિમાં ધ્યાન મહત્ત્વનું છે.

જૈનદર્શન મુજબ, સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે સમાધિ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય (દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય), આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય – એ આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય થાય એટલે મનુષ્ય શુદ્ધ થાય છે. વળી કર્મના સંબંધને લીધે આત્માની ચાર પ્રકારની અવસ્થા થાય છે. કર્મના ઉપશમથી જન્મતી ઔપશમિક, કર્મના ક્ષયથી જન્મતી ક્ષાયિક, કર્મના ઉપશમ અને ક્ષય બંનેથી જન્મતી ક્ષાયોપશમિક અને કર્મના ઉદયથી જન્મતી ઔદયિક – એ ચારેય અવસ્થામાંથી મુક્ત થઈ સમાધિ પ્રાપ્ત થાય છે. એ પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં મોક્ષ થાય છે. આમ સમાધિ મોક્ષનું દ્વાર છે.

પ્રવીણ શાહ