સમાધાન (composition, compromise, conciliation, settlement) : ઉકેલ ન મળતા કોયડાનો ઉકેલ આવે, ઉપસ્થિત થયેલી કોઈ શંકાનું નિવારણ થાય, અથવા કોઈ તકરાર કે ઔદ્યોગિક ઝઘડો કે મતભેદ અરસપરસની સ્વૈચ્છિક સમજૂતીથી પતી જાય તેવી કાયદાકીય ભૂમિકા. આ માટે અંગ્રેજી ભાષામાં ‘કૉમ્પોઝિશન’, ‘કૉમ્પ્રોમાઇઝ’, ‘કન્સિલિયેશન’ અને ‘સેટલમેન્ટ’ આ શબ્દો વારંવાર વપરાય છે.

(1) પ્રૉવિન્શિયલ ઇન્સૉલ્વન્સી ઍક્ટની ક-38 અને પ્રેસિડન્સી ઇન્સૉલ્વન્સી ઍક્ટની કલમ 28 પ્રમાણે જ્યારે કોઈ દેણદાર (debtor) કે જેને નાદાર ઠરાવવામાં આવે તે અથવા તેની મારફત તેના દેવાની પતાવટ કે માંડવાળ માટે કોઈ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેને પતાવટ માટેની દરખાસ્ત કહે છે. આ સંબંધમાં આગળ કાર્યવહી કરીને સમાધાન સાધવામાં આવે તેને અંગ્રેજી ભાષામાં ‘કૉમ્પોઝિશન’ કહે છે.

(2) જ્યારે કોઈ તકરાર કે ઝઘડો ઉપસ્થિત થયો હોય અને તેનો નિકાલ ન લવાય તો ભવિષ્યમાં દાવાદૂવી ઉત્પન્ન થવાનો સંભવ હોય ત્યારે લેખિત સમાધાન કરવામાં આવે છે, જેને ‘ઍગ્રિમેન્ટ’ કહે છે. આવા સમાધાન(compromise)ના અવેજ(consideration)માં કોઈ હક કે અધિકાર જતો કરવાનો હોતો નથી, પરંતુ અરસપરસના અમુક હક-દાવાઓ (claims) સંપૂર્ણપણે અથવા અંશત: જતા કરવાના હોય છે.

(3) ભારતીય કરાર અધિનિયમની કલમ 63 અને ઇન્કમટૅક્સ ઍક્ટની કલમ 43 (5) અનુસાર જ્યારે વચનગ્રહિતા (promisee) એણે કરેલા કરારને આધારે એણે જે વસ્તુ વચનદાતા (promisor) પાસેથી મેળવવાની છે તેને બદલે અન્ય કોઈ વસ્તુનો અવેજ સ્વેચ્છાથી સ્વીકારે ત્યારે કરાર નિશ્ચિત (settle) થયો ગણાય છે.

(4) ભારતીય ટ્રસ્ટ અધિનિયમ પ્રમાણે જ્યારે ટ્રસ્ટનો કર્તા, દસ્તાવેજ કરી, તેની પોતાની અમુક મિલકત ટ્રસ્ટના હિતભોગીઓ (beneficiaries) સારુ, ટ્રસ્ટના ટ્રસ્ટી(trustee)ને સોંપે, ત્યારે ટ્રસ્ટના કર્તાએ એ મિલકત ‘સેટલ કરી’ એમ ગણાય છે, જેનાથી વ્યક્તિબંધક અધિકાર (right in personal) ઉત્પન્ન થાય છે. મિલકત સોંપવાના કાર્યને ‘સેટલમેન્ટ’ (settlement) કહે છે. [જુઓ : ગિફ્ટ ટૅક્સ ઍક્ટ, 1958, ક. 2. (24)].

(5) ઔદ્યોગિક તકરારના નિરાકરણ માટે પ્રથમ તબક્કો ‘સમાધાન’નો છે. સમાધાન કરાવવાની કામગીરી તે અંગેનો અધિકારી સંભાળે છે. ઔદ્યોગિક વિવાદો ઉપસ્થિત થાય ત્યારે તેમાં મધ્યસ્થી કરી સમાધાન સાધવાના પ્રયત્નો કરવાની મુખ્ય ફરજ સમાધાન-અધિકારીની છે. [ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ ઍક્ટ, કલમ 2 તથા બૉમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍક્ટ, કલમ 3 (10) અને 3(11)]. તકરાર સાથે સંબંધ ધરાવતા હોય તેવા પક્ષકારો વચ્ચે તકરારનું સમાધાન સાધવાની પ્રક્રિયાને conciliation કહે છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી