સમર્સ, લૉરેન્સ એચ. (. 30  નવેમ્બર 1954, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અમેરિકન અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લોકસેવક. પિતા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક. શિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. 1982માં સમર્સે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ‘પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક એડ્વાઇઝર્સ’માં સેવા આપ્યા પછી 1983માં હાર્વર્ડ પરત ગયેલા. 28 વર્ષની ઉંમરે કાયમી પ્રાધ્યાપકપદ (tenured faculty) મેળવનાર જૂજ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. 1987માં ‘ઍલન ટી. વૉટરમૅન ઍવૉર્ડ ઑવ્ નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન’ મેળવનાર પહેલા સમાજવિદ્યાના વિદ્વાન હતા. 1993માં જૉન બેટ્સ ક્લાર્ક મેડલ મેળવનાર 40 વર્ષથી નીચેની વયના જૂથમાં તેમનું નામ જાણીતું બન્યું છે. 46 વર્ષની વયે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ (કુલપતિ) તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. તેમના આત્યંતિક નિર્ણયોને લીધે યુનિવર્સિટીમાં તેમનું નામ ચર્ચાસ્પદ બન્યું હતું.

1991માં સમર્સ વર્લ્ડ બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા. જોકે તે ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સંબંધોના વિભાગમાં તેમની વરણી અન્ડરસેક્રેટરી તરીકે થઈ. 1999માં ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તેઓ સર્વોચ્ચ વડા તરીકે નિમાયા હતા. પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનના મુખ્ય સલાહકાર અર્થશાસ્ત્રી તરીકે તેમણે કાર્ય કર્યું.

હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે જે તે જ્ઞાનશાખાના પ્રાધ્યાપક સાથે વિચારવિમર્શ કરી તેમને યુનિવર્સિટી-સુધારણા કરવી હતી. કૉર્નેલ વેસ્ટ નામના આફ્રિકન-અમેરિકન સાહિત્ય અને ધર્મના વિષયના વિદ્યાર્થીઓમાં અતિપ્રિય પ્રાધ્યાપકના સંદર્ભમાં સમર્સને એમ જાણવા મળ્યું કે તેઓ વર્ગો લેવામાં અનિયમિત હતા અને પક્ષપાત કરીને વિદ્યાર્થીઓને ‘એ’ ગ્રેડ આપવામાં ઉદાર પણ હતા. ઉપરાંત પોતાના વિષયના શિક્ષણ અંગેના જ્ઞાનની સાધનામાં અને જ્ઞાનવર્ધનની પ્રવૃત્તિઓમાં વધુ યોગ્યતા દાખવવાને બદલે યુનિવર્સિટીમાં હલકું રાજકારણ ખેલતા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ એક રેવરન્ડ ફાધર અલ શાર્પટનના પક્ષપાતી વલણમાં પ્રો. વેસ્ટ સીધી મદદ કરતા હતા. સંગીતના કોઈ ‘રેપ આલબમ’માં પણ તેમને સીધો ભાગ લેવાનું સાબિત થયેલું. જોકે પ્રો. વેસ્ટે રંગભેદ અને માનહાનિની નીતિવાળા પ્રેસિડેન્ટ સમર્સ છે તેવો મત દર્શાવી પોતે તો ‘સ્કૉલર ચળવળના માણસ’ છે એમ કહી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયેલા.

પ્રો. વેસ્ટના બનાવના અનુસંધાનમાં સમર્સે યુનિવર્સિટી સુધારણા ચળવળને આગળ ધપાવતાં યુનિવર્સિટીની જુદી જુદી જ્ઞાનશાખાઓના અધ્યક્ષોની સત્તાને આંચકી લઈને યુનિવર્સિટી પ્રેસિડેન્ટની સત્તાને સર્વોચ્ચ બનાવી દીધી. પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાનાં ધોરણોને ઊંચા માપદંડવાળાં અને કડક બનાવ્યાં. વરિષ્ઠ અધ્યાપકોએ અન્ડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓના વર્ગ લેવાના નિયમો કર્યા. સામાજિક જવાબદારીથી પ્રાધ્યાપકોને સભાન કર્યા અને અભ્યાસક્રમોમાં સુધારણા કરાવી વિદ્યાર્થીઓના ઘનિષ્ઠ જ્ઞાનમાં વધારો થાય તે માટેનાં જરૂરી પગલાં ભર્યાં. સમર્સે રજૂ કરેલા શિક્ષણ-સુધારણા અંગેના મુદ્દાઓ પ્રત્યે શિક્ષણશાસ્ત્રીઓનું ધ્યાન દોરાયેલું તે હકીકત છે.

વિ. પ્ર. ત્રિવેદી