સમર્સ્કાઇટ : યુરેનિયમનું આંશિક પ્રમાણ ધરાવતું ખનિજ. રાસા. બં. : (F, Y, U)2 (Nb, Ti, Ta)2 O7. સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : લંબચોરસ આડછેદ ધરાવતા પ્રિઝમ-સ્વરૂપી સ્ફટિકો; મોટા (101) ફલકોવાળા લાંબા સ્ફટિકો પણ ક્યારેક મળે; (010) કે (100) ફલકોવાળા ચપટા કે મેજસ્વરૂપી સ્ફટિકો પણ હોય. સામાન્ય રીતે તો તે દળદાર, ઘનિષ્ઠ અને સ્પર્શે બરછટ હોય. કઠિનતા : 5થી 6. ઘનતા : રાસાયણિક બંધારણ અને જલમાત્રા પર આધારિત હોવાથી પરિવર્તી, મોટેભાગે 5.25થી 5.69. સંભેદ : (010) ફલક પર અસ્પષ્ટ. પ્રભંગ : વલયાકાર, બરડ. રંગ : મખમલી કાળો, પરિવર્તનથી મંદ પડે. બાહ્ય સપાટી કથ્થાઈ કે પીળી-કથ્થાઈ. અપારદર્શક, પાતળા ટુકડા પારભાસક. ચમક : રાળમય, કાચમય. તાજી તૂટેલી સપાટી આછી ધાત્વિક; ફલકો ચીકણાથી મંદ ચમક દર્શાવે. ચૂર્ણરંગ : પરિવર્તનવિહીન હોય ત્યારે કાળાથી માંડીને રાતો કથ્થાઈ મળે.

પ્રાપ્તિસ્થિતિ : ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં કોલંબાઇટના સહયોગમાં મળે. ભૌતિક સંકેન્દ્રણોમાં કણજન્ય ખનિજ તરીકે મળે, પરંતુ વિરલ.

પ્રાપ્તિસ્થાનો : કૅલિફૉર્નિયા, ઇડાહો, કૉલોરાડો, મેઇન, મૅરીલૅન્ડ અને ઉત્તર કૅરોલિના (યુ.એસ.); કૅનેડા, બ્રાઝિલ, નૉર્વે, સ્વીડન, રશિયા, માડાગાસ્કર, ઝાયર, ભારત, બૉર્નિયો, જાપાન તેમજ અન્યત્ર.

યુરેનિયમ-પ્રાપ્તિ માટે તે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા