સમરાંગણ સૂત્રધાર : સમરાંગણ સૂત્રધાર 11મી સદીમાં રાજાભોજ દ્વારા લખાયેલ સંસ્કૃત ગ્રંથ. જેમાં ભારતીય સ્થાપત્ય શાસ્ત્ર, શિલ્પકલા, મંડળચિત્રો અને મકાન-નિર્માણ તથા તેની સાથે સંકળાયેલી તકનીકી બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સમરાંગણ સૂત્રધારનો શાબ્દિક અર્થ થાય છે ‘માનવ નિવાસસ્થાનના શિલ્પી’, જો કે એક અન્ય દાવા પ્રમાણે કોઈ તેનો અર્થ ‘યુદ્ધભૂમિનું નિયંત્રણ કરનાર’ પણ હોઈ શકે. ગ્રંથની વિષયસૂચિ જોતાં નિવાસસ્થાનની વાત વધુ યોગ્ય જણાય છે. એક મંતવ્ય પ્રમાણે આ ગ્રંથના લેખક રાજા ભોજ નથી, પરંતુ મોટાભાગના વિદ્વાનો તે વાત સાથે સહમત નથી. આ ગ્રંથમાં સ્થાપત્ય અને શિલ્પ વિજ્ઞાન સાથે ધાર્મિક દૃષ્ટિકોણ પણ સંકળાય છે.

આ ગ્રંથમાં પૃથ્વીની ઉત્પત્તિથી શરૂ કરી આવાસના પ્રત્યેક અંગની જાણે છણાવટ કરવામાં આવી છે. સનાતની સામાજિક વ્યવસ્થા અનુસાર નગરઆયોજનના સિદ્ધાંત, સ્થપતિનાં લક્ષણ, વાસ્તુ-પુરુષની છણાવટ, દિશા શાસ્ત્ર, બાંધકામ માટે સ્થળની પસંદગી, શિલાન્યાસથી શરૂ કરીને ગૃહપ્રવેશ સુધીની દરેક પ્રક્રિયાનું વર્ણન તથા તે તબક્કે જરૂરી ક્રિયાકાંડ વિશે સ્પષ્ટતા, વિવિધ પ્રકારનાં  આવાસ – મહેલની ભૂમિકા, સ્થાપત્યમાં સંભવિત દોષ અને તેનું નિરાકરણ, હાથી-ઘોડાં જેવાં પ્રાણી માટે જરૂરી આશ્રયનું વર્ણન, મંદિરની રચના માટે વિગતવાર વિવરણ, સ્થાપત્યમાં માટે જરૂરી પ્રમાણમાપનું વિજ્ઞાન, સ્થાપત્ય તથા શિલ્પની ભૂમિતિનું આલેખન, સામગ્રીની પસંદગી તથા રસ – રસદૃષ્ટિને સંલગ્ન પાસાં જેવી બાબતોનો મુખ્યત્વે ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત બારી-બારણાં, પ્રાથમિક રાચરચીલું, આવાસની અન્ય સજાવટની સંભાવના વિશે ચોખવટ તથા રંગરોગાન જેવી બાબતોનો પણ ઉલ્લેખ અહીં જોવા મળે છે. આ ઉપરાંત અહીં શિલ્પશાસ્ત્ર, યંત્ર વિદ્યા, તંત્રશાસ્ત્ર સંબંધિત વિષયોનો પણ ગ્રંથના ૮૩ અધ્યાયના ૭૪૩૦ શ્લોકમાં સમાવેશ કરાયો છે.

હેમંત વાળા