સમય અને ગતિ-અભ્યાસ / કાર્યપદ્ધતિ-અભ્યાસ અને કાર્યસમય-આંકન

January, 2007

સમય અને ગતિઅભ્યાસ (Time and Motion study) /

કાર્યપદ્ધતિઅભ્યાસ અને કાર્યસમયઆંકન (Method study and Work measurement)

કોઈ પણ કાર્ય પૂરું કરવામાં લાગતા સમય તેમજ તે કાર્ય દરમિયાન વ્યક્તિના તેમજ વસ્તુ / પદાર્થોના થતા બધા પ્રકારના હલનચલન-(આવનજાવન)ને લગતો તલસ્પર્શી અભ્યાસ.

સમય અને ગતિ-અભ્યાસને નામે વર્ષો પહેલાં કામ શરૂ થયા બાદ આજે તેના નામાભિધાનમાં ઘણા ફેરફાર થયા છે. નવા નામે તેનું કાર્યક્ષેત્ર ઘણું વધ્યું છે. મૂળભૂત રીતે તો મુખ્ય બાબતો સરખી હોવા છતાં સમય અને ગતિ-અભ્યાસને બદલે કાર્ય-અભ્યાસ (work study), કાર્ય-આલેખન (work design/job design), કાર્યપદ્ધતિ- અભ્યાસ (method study), કાર્યપદ્ધતિ ઇજનેરી (methods engineering), પ્રક્રિયા-અભ્યાસ (process study), કાર્ય-આંકન (work measurement) એવાં નામો આજે વધુ પસંદ કરાય છે. સમય-અભ્યાસનો આશય જે તે કામમાં ખરેખર કેટલો સમય લાગે છે તે જાણવાનો છે, જ્યારે ગતિ-અભ્યાસનો આશય કોઈ પણ કામ હાલ કેવી રીતે થઈ રહ્યું છે તે જાણી આદર્શ રીતે કેમ થવું જોઈએ તે જણાવવાનો છે.

સમય-અભ્યાસના પ્રણેતા ફ્રેડરિક ડબ્લ્યૂ. ટેઇલર ગણાય છે. જ્યારે તેઓ 1881ના સમય દરમિયાન મિડવેલ સ્ટીલ કંપની સાથે હતા ત્યારે તેમણે વિચાર્યું કે કંપનીમાં જે તે કામદારનું એક દિવસનું ખરેખર કામ કેટલું ? આ અંગે કોઈને સ્પષ્ટતા ન હતી. આ સ્પષ્ટતાના અભાવે કોઈ પણ કામદાર કામ બરોબર, ધીમું કે ઝડપી કરે છે કે કેમ તે કહી શકાય ? આ સ્પષ્ટતાના અભાવે કામદાર અને મૅનેજમેન્ટ વચ્ચે ગેરસમજણ અને અસંતોષ પેદા થાય તે શક્ય છે, વળી કારીગરને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ માપદંડ પણ શો ?

જ્યારે ટેઇલર મિડવેલ સ્ટીલ કંપનીમાં ‘સમય-અભ્યાસ’ પર કામ કરી રહ્યા હતા ત્યારે લગભગ તે જ અરસા(અમેરિકામાં)માં ગિલબ્રેથ ગતિ-અભ્યાસ (motion study) પર કાર્ય કરી રહ્યા હતા. બંને સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા હતા અને એકબીજાના કામનો ખ્યાલ ન હતો. સમયાંતરે આ બંને બાબતો ગાઢ રીતે સંકળાયેલ છે તે સમજાયું. ગિલબ્રેથે તેના અભ્યાસ દરમિયાન નોંધ્યું કે કોઈ એક કામ જુદા જુદા કારીગરો જુદી જુદી રીતે કરે છે એટલું જ નહિ, પરંતુ તે જ કામ તે જ કારીગરો એક જ રીતે ન કરતાં જુદી જુદી રીતે કરતા માલૂમ પડ્યા. ગિલબ્રેથે વિચાર્યું કે ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ એક કામ કરવા માટે આદર્શ રીત તો એક જ હોવી જોઈએ. ગિલબ્રેથના આ વિચારે ‘ગતિ-અભ્યાસ’ને જન્મ આપ્યો, જે પાછળથી (આજે) કાર્ય-અભ્યાસ, કાર્ય-પદ્ધતિ-અભ્યાસ, કાર્યપદ્ધતિ ઇજનેરી, કાર્ય-ડિઝાઇન એમ અનેક નામે પ્રચલિત છે.

કોઈ પણ કાર્યની સારી/સાચી પદ્ધતિ કઈ ? જો તમે કાર્યની સાચી પદ્ધતિ શું છે તે નક્કી ન કરો તો તે કાર્યનો સાચો સમય શું છે તે જાણવાથી વિશેષ ફાયદા મળે નહિ. એટલા માટે ગતિ-અભ્યાસ પહેલાં કરવો જોઈએ અને પછી સમય-અભ્યાસ. 19મી સદીના અંતમાં શરૂ થયેલ સમય અને ગતિ-અભ્યાસને બધા ઉદ્યોગોમાં/કારખાનાંમાં ધીરે ધીરે સ્વીકૃતિ મળી અને 20મી સદીના મધ્યકાળ સુધીમાં તે ખૂબ વિકસ્યો. સમય અને ગતિ-અભ્યાસ (કાર્યપદ્ધતિ-અભ્યાસ) એ ઔદ્યોગિક ઇજનેરી(industrial engineering)નું મહત્ત્વનું અંગ ગણાય છે. ઔદ્યોગિક ઇજનેરીનો ઉદ્દેશ તમામ સ્તરે કાર્યપદ્ધતિઓના અભ્યાસ દ્વારા ત્રુટિઓ શોધી, જરૂરી ફેરફાર કરી, ઉત્પાદકતામાં અને ગુણવત્તામાં વધારો કરવો અને ઉત્પાદન-ખર્ચમાં ઘટાડો કરવો એ રહ્યો છે. અમેરિકાની ‘The American Society of Mechanical Engineers(ASME)’એ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગને વિકસાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. ભારતમાં 1965 આસપાસ મુંબઈમાં શરૂ થયેલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેનિંગ ઇન ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE) દ્વારા ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટ ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની તાલીમ અપાય છે. તેણે પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામના મેળવી છે.

ગતિ અને સમય-અભ્યાસ એટલે કોઈ પણ કાર્યપદ્ધતિનો વ્યવસ્થિત (systematic) અભ્યાસ. તેના ઉદ્દેશ : (1) મુખ્યત્વે ખર્ચ ઓછું થાય તેવી કાર્યપદ્ધતિ (work system) અને કાર્યરીત (work method) તૈયાર કરવી. (2) આ પદ્ધતિ અને રીતને પ્રમાણિત (standardise) કરવી. (3) જે-તે કાર્ય (task/operation) માટે તાલીમ પામેલ વ્યક્તિ નિયમસર / સામાન્ય (normal) ઝડપે કામ કરે તો કેટલો સમય લાગે તેની ગણતરી કરવી. (4) પસંદ કરાયેલ / નક્કી કરાયેલ રીત પ્રમાણે અને ઝડપે બીજા કારીગરો કામ કરે તે માટે તેમને યોગ્ય સમજણ અને તાલીમ આપવી.

ગતિઅભ્યાસ/કાર્યપદ્ધતિઅભ્યાસ : નાની પ્રક્રિયાઓ-(operation)થી ક્રિયા (process) અને એક કે વધુ ક્રિયાઓથી સમગ્ર કાર્ય બને છે. એવું પણ બને કે જ્યારે સંદર્ભ બદલાય ત્યારે કાર્ય ક્રિયા અને ક્રિયા પ્રક્રિયા બની જાય છે. સમગ્ર રસોઈ બનાવવાને કાર્ય ગણીએ તો રોટલી બનાવવી તે ક્રિયા ગણાય અને રોટલી બનાવવાની ક્રિયા એ લોટ બાંધવો, ગુલ્લાં કરવાં, રોટલી વણવી, શેકવી વગેરે પ્રક્રિયાઓ ગણાય. દરેક પ્રક્રિયા છેવટે તો વ્યક્તિના હલન-ચલન અને વસ્તુના હલનચલનની જ બનેલી હોય છે. ગતિ-અભ્યાસમાં ક્રિયાઓ અને પ્રક્રિયાઓમાં થતાં હલનચલન (હાલ-ચાલ, movements) તેમજ આંખો કે સ્પર્શથી ચકાસણી/તપાસણીનો અભ્યાસ કરવાનો થાય છે.

આ અભ્યાસમાં નીચેનામાંથી કોઈ એક કે વધુ બાબતોનો સમાવેશ થાય છે : (1) ક્રિયા-અભ્યાસ એટલે કે ક્રિયા-વિશ્લેષણ (process analysis); (2) પ્રક્રિયા-અભ્યાસ એટલે કે પ્રક્રિયા-વિશ્લેષણ (operation analysis); (3) સૂક્ષ્મગતિ (હલનચલન-અભ્યાસ) (micromotion study); (4) હાથનાં મૂળભૂત હલનચલન (fundamental hand motions); (5) કાર્યસ્થળ પર થતા કાર્યમાં હલનચલનમાં કરકસરના સિદ્ધાંતો (principles of motion economy as related to work place).

(1) ક્રિયા-અભ્યાસ / ક્રિયા-વિશ્લેષણ : પ્રક્રિયા(operation)- અભ્યાસ પહેલાં ક્રિયા-અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે જો ક્રિયામાં જ દોષ હોય અથવા તો સુધારાને અવકાશ હોય તો પ્રથમ તે જ કરવું ઇષ્ટ છે. ક્રિયામાં ફેરફાર થાય તો પ્રક્રિયામાં ફેરફાર થાય જ. આ માટે કોઈ કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવો હોય તો પ્રથમ ક્રિયા- અભ્યાસ કરવો જરૂરી છે. ક્રિયા-અભ્યાસ માટેનું શ્રેષ્ઠ સાધન ક્રિયા-આલેખો (પ્રોસેસ ચાર્ટ્સ) છે.

ક્રિયા-આલેખ (process chart) : અહીં ક્રિયાનાં બધાં અંગોની વ્યવસ્થિત રીતે નોંધણી (રેકર્ડિંગ) થાય છે. ફૅક્ટરીમાં માલ / વસ્તુ દાખલ થાય ત્યાંથી શરૂઆત કરી તેના પર થતી બધી ક્રિયાઓનું આલેખન થાય છે. કોઈ પણ વસ્તુ કાં તો જે તે સ્થળે સંગ્રહાયેલી પડી હોય (લાંબા સમય માટે અથવા બહુ ટૂંકા સમય માટે) અથવા તો તેના પર ક્રિયા થઈ રહી હોય, નહિતર પછી તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન (transportation) થઈ રહ્યું હોય અથવા તો છેવટે તેનું નિરીક્ષણ (inspection) થઈ રહ્યું હોય. આમ, દાગીનો /વસ્તુ જુદી જુદી સ્થિતિમાં હોય. આ બધી સ્થિતિઓ ચોક્કસ ચિહ્ન(symbol)થી દર્શાવવામાં આવે છે. આ ચિહ્નો નીચે પ્રમાણે છે :

 ક્રિયા (operation) – જે દ્વારા વસ્તુના સ્વરૂપમાં કે ગુણધર્મોમાં ફેરફાર થાય છે.

 વહન (transportation) – એટલે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી તે.

નિરીક્ષણ (inspection) – ક્રિયા થયા પછી અમુક વખતે ચકાસણી / નિરીક્ષણ કરવું જરૂરી બને છે કે જેથી ત્રુટિવાળી વસ્તુઓ નોખી તારવી શકાય.

વિલંબ / ઢીલ (delay)  એટલે જ્યારે વસ્તુને એક ક્રિયા થયા પછી તુરત બીજી ક્રિયા માટે ન ખસેડતાં થોડા સમય માટે જે તે સ્થળે રાખી મૂકવામાં આવે.

 સંગ્રહ (storage) – ક્રિયા શરૂ થવાની હોય અથવા તો બધી ક્રિયાઓ થઈ ગયા પછી ચોક્કસ જગ્યાએ મૂકી રાખવી અને મંજૂરી મળે પછી જ ખસેડવી.

કોઈ પણ કાર્ય ક્રિયા-આલેખ દ્વારા દર્શાવવું હોય તો કાર્ય શરૂ થાય ત્યારથી તે તેના અંત સુધીમાં જે તે વસ્તુ જે બધા તબક્કા(સ્થિતિઓ)માંથી પસાર થાય તેને ઉપર્યુક્ત ચિહ્નો દ્વારા વિગતવાર દર્શાવવામાં આવે છે. વળી, દરેક તબક્કાની શક્ય તેટલી વિગતો પણ ચાર્ટમાં દર્શાવવામાં આવે છે. જે ક્રિયા (operation) થાય તેની વિગત, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને લઈ જવામાં આવે તો કેટલું અંતર છે તે, તેમજ તે કેવી રીતે લઈ જવામાં આવે છે તે દર્શાવાય, કોઈ જગ્યાએ ઢીલ / વિલંબ થાય તો કેટલો સમય અને શા કારણ તે દર્શાવાય. ક્રિયા-આલેખ ઉપરાંત ‘ક્રિયાપ્રવાહ-ચિત્ર’ (flow process diagram) તૈયાર કરવામાં આવે છે. અહીં વસ્તુ જે શોપ અને મશીનો દ્વારા તૈયાર થવાની છે તેના વિનિયોગ-નકશા (layout) ઉપર જ થતી ક્રિયાઓ, હલનચલન, નિરીક્ષણ, વિલંબ, સંગ્રહ વગેરે ચિહ્નો સાથે પ્રવાહની માફક નિશાનીથી દર્શાવવામાં આવે છે. જ્યારે દાગીનો (job) જુદા જુદા ભાગો (parts) બનાવીને અને પછી આ ભાગો ભેગા કરીને તૈયાર થતો હોય તેવી સ્થિતિમાં ક્રિયા-અભ્યાસ અને ક્રિયા-વિશ્લેષણ માટે ‘એસેમ્બલી પ્રોસેસ ચાર્ટ’ (એકત્રીકરણ ક્રિયા-આલેખ) તૈયાર કરવામાં આવે છે. આ આલેખમાં જુદા જુદા ભાગો માટે ક્રિયા-આલેખ તૈયાર કરી જે-તે ભાગ બીજા ભાગ સાથે કઈ ક્રિયા પૂરી થયા પછી જોડવામાં આવશે તે દર્શાવવામાં આવે છે અને તે રીતે જુદા જુદા ભાગો ભેગા કરી સમગ્ર દાગીનો કેવી રીતે તૈયાર થાય છે તેની બધી વિગતો મળે છે; જે વિશ્લેષણ / અભ્યાસમાં બહુ ઉપયોગી થાય છે.

ક્રિયાવિશ્લેષણ-આલેખ, ક્રિયાપ્રવાહ-ચિત્ર કે એકત્રીકરણ ક્રિયા- આલેખમાં જુદી ક્રિયાઓ, હલનચલન / વહન, નિરીક્ષણ, વિલંબ અને સંગ્રહ વગેરેની માહિતી મળે છે. પરંતુ પ્રક્રિયાઓમાં કેટલો સાપેક્ષ સમય લાગે છે અથવા તો વ્યક્તિ જ્યારે એક કે વધુ મશીનો પર કાર્ય કરતી હોય ત્યારે વ્યક્તિ કેટલા પ્રમાણમાં અને મશીન / મશીનો કેટલા પ્રમાણમાં વ્યસ્ત રહે છે તે પ્રકારની વિગત જોઈતી હોય તો પ્રવૃત્તિ-આલેખો(activity charts)નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવૃત્તિ-આલેખો બે પ્રકારના હોય છે : સાર પ્રવૃત્તિ-આલેખ અને માનવમશીન-આલેખ (man machine chart). આ આલેખો દ્વારા પ્રવૃત્તિઓનો સમય ચિત્રાત્મક રીતે મળે છે. એટલે વધુ સરળતા રહે છે. ક્રિયા-વિશ્લેષણમાં પ્રવૃત્તિ-આલેખોનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

જે વસ્તુ / ભાગની એક કે તેથી વધુ ક્રિયાનું ક્રિયા-વિશ્લેષણ કરવું હોય ત્યારે તેના સંબંધિત ક્રિયા-આલેખો, ક્રિયાપ્રવાહ ચિત્રો, એકત્રીકરણ ક્રિયા-આલેખો અને પ્રવૃત્તિ-આલેખોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. શું જરૂરી છે ? શા માટે ? કોણ ? ક્યાં ? કેવી રીતે ? વગેરે પ્રશ્નો પુછાય છે. વળી વસ્તુનું વહન અંતરાય વગર અને સીધું થાય છે કે આડુંઅવળું ? વસ્તુનો વિલંબ, ક્યાં અને શા માટે થાય છે ? આવી રીતે વિશ્લેષણ થયા બાદ ફેરફારો, સુધારાઓ  નવી ક્રિયાઓ, નવા હલનચલન-રસ્તાઓ વગેરે નક્કી કરાય છે અને આ બધા ફેરફારોથી શા ફાયદા થશે, ફેરફાર માટે કેટલું ખર્ચ કરવું પડશે એવી બધી ગણતરી કરી છેવટનો નિર્ણય લઈ અને પછી તેનો અમલ કરવામાં આવે છે. વિશ્લેષણની આ પ્રકારની રીતને પ્રશ્ન હલ કરવાની રીત (problem solving process) પણ કહેવાય છે. તેમાં 5W, 1H (Why, What, Where, When, Who and How) સિદ્ધાંત પ્રચલિત છે, તે માટે અનેકવિધ પત્રકો તેમજ ક્રિયા- આલેખ(method design)-પત્રકો તૈયાર થયાં છે. તેના આધારે ચાલુ ક્રિયા પદ્ધતિ / રીતમાં વિશ્લેષણ કરીને નવી રીત તૈયાર કરી શકાય.

પ્રક્રિયા-આલેખ (operation chart) અને પ્રક્રિયા-વિશ્લેષણ (operation analysis) : ગતિ-અભ્યાસમાં વસ્તુનું વહન / હલનચલન તેમજ કામ કરનાર વ્યક્તિના હલનચલનનો અભ્યાસ કરાય છે. આ બંને હલનચલન વસ્તુ / દાગીનો એક કાર્યસ્થળેથી બીજા કાર્યસ્થળે લઈ જવામાં આવે ત્યારે (તે દરમિયાન) થતાં હલનચલન તેમજ જે તે કાર્યસ્થળ (work station) ઉપર થતા વસ્તુ અને વ્યક્તિનાં હલનચલન. એક કાર્યસ્થળેથી બીજા કાર્યસ્થળે વસ્તુ લઈ જતાં થતાં હલનચલન બહોળાં / મોટાં હલનચલન (macro movement) કહેવાય, જ્યારે કાર્યસ્થળ પર થતાં હલનચલન સૂક્ષ્મ હલનચલન (micro movement) કહેવાય. આ બંને પ્રકારનાં હલનચલનમાં પ્રથમ શેના પર ભાર મૂકવો અને કેટલા ઊંડાણમાં અભ્યાસ કરવો તેનો આધાર છેવટે અભ્યાસ અને તેના દ્વારા સુધારાથી કેટલો ખર્ચબચાવ થવાની શક્યતા છે તેના પરથી નક્કી કરાય છે. અગાઉ ક્રિયા-આલેખ અને ક્રિયા-વિશ્લેષણમાં જે હલનચલન છે તે મુખ્યત્વે એક કાર્યસ્થળથી બીજા કાર્યસ્થળ પર જવાના હલન-ચલનને લગતી છે, જ્યારે પ્રક્રિયા-આલેખ અને વિશ્લેષણમાં જે તે સ્થળ પર થતા હલનચલનનો અભ્યાસ થાય છે.

કોઈ પણ કાર્યસ્થળ પર થતા કાર્યમાં વ્યક્તિ જ્યારે (મશીન ઉપર અથવા તો મશીન વગર પણ) કાર્ય કરે છે તે મુખ્યત્વે તેના હાથોનું હલનચલન (hand movements) જ હોય છે. આ માટે પ્રક્રિયા આલેખમાં મુખ્ય આલેખ તે (ડાબા-જમણા હસ્ત(ચલન)-આલેખ (left hand right hand chart) હોય છે. આને હસ્તચલન-આલેખ (hand motion chart) પણ કહેવાય.

આ આલેખ તૈયાર કરતાં પહેલાં કાર્યસ્થળનો વિનિયોગ-નકશો (workplace layout) તૈયાર કરાય છે, જેમાં જે વસ્તુ પર કામ કરવાનું છે તે ક્યાંથી લેવામાં આવશે, કામ પૂરું થયે ક્યાં મૂકવામાં આવશે, કારીગરનાં ઓજારો ક્યાં ગોઠવાશે વગેરે બાબતો દર્શાવાય છે. ત્યારપછી હસ્તચલનની નોંધ માટે પહેલા થોડો સમય કારીગર/વ્યક્તિ કેવી રીતે બંને હાથોનો ઉપયોગ કરે છે તે જોવાનું અને તે માનસિક ચિત્ર સ્પષ્ટ કરવાનું. ત્યારબાદ ડાબા હાથના હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરી ક્રમમાં કયા પ્રકારનું ચલન થાય છે તેની નિશ્ચિત કરાયેલ પત્રકમાં નોંધ લેવામાં આવે. ત્યારબાદ તેવી જ રીતે જમણા હાથની બધી ચલન(ગતિ)ની નોંધ લેવામાં આવે. એકીસાથે બંને હાથના ચલનની નોંધ લેવી મુશ્કેલ છે. ત્યારબાદ આ બંને નોંધ પરથી એક હાથના સંદર્ભમાં બીજો હાથ શું કરે છે તેનો સમન્વય કરી પૂરો આલેખ તૈયાર કરવાનો. બંને હાથ પૂરેપૂરા કાર્યરત રહે છે કે એક હાથ વધુ અને બીજો ઓછો એવી સ્થિતિ છે, તેવી બધી વિગત આ આલેખથી મળી રહે. હસ્તગતિ છેવટે ક્રિયા માટે જ હોય છે. માટે ક્રિયા-આલેખમાં જે ચિહ્નો વાપરીએ છીએ તે ચિહ્નો પ્રક્રિયા-આલેખમાં એટલે કે હસ્તચલન-આલેખમાં પણ વપરાય છે. દાગીનાનાં કદ અને આકાર, કારીગરને વાપરવાનાં ઓજાર, ટેકા, (જિગ્ઝ, ફિક્સર), વસ્તુ / દાગીનો લેવા-મૂકવા માટે કોઈ ખાસ સાધન વાપરવામાં આવે તો કાર્યસ્થળ પરના હવા-ઉજાસ, પવન, ગરમી એમ અનેક બાબતો પરથી કાર્યસ્થળ પર વ્યક્તિને કરવું પડતું હસ્તચલન તેમજ તેમાં મળતી સુવિધા નક્કી થાય છે. પ્રક્રિયા-વિશ્લેષણમાં આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ પ્રશ્નપત્રક (question sheet) અને ચકાસણી નામાવલી (check list) તૈયાર કરવામાં આવે છે અને તેના પરથી છેવટે પ્રક્રિયામાં ફેરફારો  સુધારાવધારા સૂચવી નવી પદ્ધતિ / રીત તૈયાર થાય છે. અલબત્ત, શ્રેષ્ઠ રીત અશક્ય ન હોવા છતાં ઘણી મુશ્કેલ હોય છે. ઔદ્યોગિક ઇજનેર / પદ્ધતિ ઇજનેરનું કાર્ય છે  શ્રેષ્ઠ રીત મેળવવાનું.

હાથનાં મૂળભૂત હલનચલન (fundamental hand motions) : અગાઉ જણાવ્યું છે તેમ ઘણુંખરું મનુષ્યનું શારીરિક (manual) કાર્ય હાથથી થતું હોય છે અને તેમાં પણ અમુક મૂળભૂત હલનચલનની ક્રિયાઓનો જ કાર્ય દરમિયાન વારંવાર ઉપયોગ થતો હોય છે. દા.ત., મેળવો (get) અથવા ઉપાડો (pick up) અને મૂકો /નીચે મૂકો (place / put down) એ વારંવાર કામમાં થતાં હસ્તચલન (hand motions) છે. ગતિ-અભ્યાસમાં ગિલબ્રેથનું પ્રદાન સૌપ્રથમનું તેમજ સૌથી મોટું છે. માનવ-હલનચલનકાર્ય(manual work motions)નો અભ્યાસ કરી ગિલબ્રેથે 17 જુદી જુદી હલન-ચલનક્રિયાઓ નક્કી કરી. આ ખૂબ પ્રચલિત છે અને તે ‘થર્બ્લિગ’ના નામે ઓળખાય છે. Therblig એ ગિલબ્રેથનો ઊંધી દિશાનો સ્પેલિંગ છે અને એ રીતે ‘થર્બ્લિગ’ ગિલબ્રેથની યાદ તાજી રાખે છે. સૂક્ષ્મ સ્તરનાં બધાં હલનચલન ‘થર્બ્લિગ’ તરીકે જ ઓળખાય છે. આ 17 મુખ્ય હલનચલન (થર્બ્લિગ) નીચે મુજબ છે :

(1) શોધો (search – sh) : હાથ કે આંખો જોઈતી વસ્તુ શોધે તે.

(2) પસંદ કરો (select – st) : વધુ નંગ / વસ્તુમાંથી એકને પસંદ કરવાની હોય તે.

(3) પકડો (grasp – G) : પસંદ કરેલ વસ્તુને આંગળીઓ વડે પકડો.

(4) ખાલી ચલન (transport empty – TE) : વસ્તુ પકડવા ખાલી હાથ ફરે / ચલન થાય તે.

(5) ભરેલ ચલન (transport lodaed – TL) : વસ્તુને પકડીને પછી હાથનું ચલન થાય તે.

(6) પકડી રાખો (hold – H) : વસ્તુને પકડી લીધા પછી હલનચલન ન થાય તે સ્થિતિ.

(7) ભાર છૂટો કરો (release load – RL) : હાથમાંથી વસ્તુ(ભાર)ને છૂટી કરવી.

(8) સ્થિતિમાં મૂકવું / સ્થિતિમાં લાવવું (position – P) : ઉપાડેલ વસ્તુને તેના ચલન દરમિયાન તેના પર થવાની ક્રિયા માટે યોગ્ય સ્થિતિમાં લાવવી.

(9) સ્થિતિમાં ગોઠવવું (pre-position – PP) : આમ તો આ થર્બ્લિગ ‘position’ જેવું જ છે. પરંતુ ફેર એે કે અહીં વસ્તુને તેના પછીના કાર્ય માટે કોઈ પેટી કે બેઠક(જિંગ / ફિક્સર)માં ગોઠવવામાં આવે છે.

(10) ચકાસવું / તપાસવું / નિરીક્ષણ કરવું (inspect – I) : વસ્તુ તેનાં રંગ, રૂપ, કદ, પરિમાણો વગેરે બાબતોમાં બરોબર છે તે તપાસવું, તે માટે નિરીક્ષણ કરવું.

(11) ભેગું કરવું (assemble – A) : એક ભાગ(part)ને બીજા સાથે જોડવો.

(12) છૂટું કરવું (dissemble – DA) : એક ભાગને બીજા ભાગમાંથી છૂટો કરવો.

(13) ઉપયોગ કરવો (use – U) : ક્રિયા માટે જે તે સાધન / ઓજારનો ઉપયોગ કરવો. અગાઉનાં બધાં હલનચલન (movements) છેવટે આ ક્રિયા માટેની તૈયારી માટેનાં જ હોય છે.

(14) અનિવાર્ય ઢીલ (unavoidable delay – UD) : ‘ઑપરેટર’ / કારીગરના હાથની બહાર હોય તેવાં કારણોને લીધે કાર્યમાં વિલંબ / ઢીલ થાય તે સ્થિતિ.

(15) નિવારી શકાય તેવી ઢીલ (avoidable delay – AD) : ઑપરેટર ધારે તો નિવારી શકે તેવી ઢીલ અથવા તો એવી ઢીલ જે માટે ઑપરેટર જવાબદાર હોય.

(16) આયોજન (plan – P) : હલનચલન શરૂ કરતાં પહેલાં ઑપરેટર માનસિક રીતે વિચારે કે હવેનું કામ કેવી રીતે કરવું.

(17) થાક ઉતારવા આરામ (rest – R) : સતત કાર્યથી લાગતો થાક દૂર કરવા અમુક અમુક અંતરે કારીગર આરામ કરે તે સ્થિતિ.

ઉપર્યુક્ત 17 થર્બ્લિગ વ્યક્તિ દ્વારા થતા કોઈ પણ કાર્ય માટે થતી હલનચલન પ્રકારની ક્રિયાઓને આવરી લે છે. કોઈ પ્રવૃત્તિ(activity)ની વિગતવાર નોંધ લેવી હોય અને તે પણ તેના નાનામાં નાના ચલન(થર્બ્લિગ)ની વિગત નોંધવી હોય તો સૂક્ષ્મગતિ-અભ્યાસ (micro motion study) કરવો જરૂરી બને અને તે માટે જે-તે કાર્યનું કૅમેરા દ્વારા અથવા તો વિડિયો કૅમેરા દ્વારા ગતિ-ચિત્રાંકન (motion picture) કરવામાં આવે છે અને તે દ્વારા બધાં સૂક્ષ્મ હલનચલનનો અભ્યાસ કરાય છે અને ત્રુટિઓ શોધી સુધારાવધારા સૂચવાય છે.

હલનચલનના કરકસરના સિદ્ધાંતો (principles of motion economy) : શક્ય હોય ત્યાં સુધી હલનચલન એવું હોવું જોઈએ કે કાર્યમાં સમય ઓછો લાગે તેમજ કામ કરનાર વ્યક્તિને થાક પણ ઓછો લાગે. આવી સ્થિતિને હલનચલનની કરકસરયુક્ત સ્થિતિ કહેવાય. હલનચલનના કરકસરના સિદ્ધાંતો ત્રણ સંદર્ભમાં વહેંચી શકાય : (1) માનવશરીરના સંદર્ભમાં, (2) કાર્યસ્થળની ગોઠવણીના સંદર્ભમાં અને (3) મશીનો અને ઓજારોની ડિઝાઇનના સંદર્ભમાં.

માનવશરીરના સંદર્ભમાં ગતિમાં (હલનચલનમાં) કરકસરના સિદ્ધાંતો નીચે મુજબ છે :

(1) બંને હાથોની ગતિની શરૂઆત તેમજ પૂર્ણાહુતિ એકસાથે થવી જોઈએ.

(2) આરામ સિવાયના સમયમાં હાથ બિનકાર્યકારી (idle) ન રહેવા જોઈએ.

(3) બંને હાથોની ગતિ વિરુદ્ધ દિશાઓમાં, પરંતુ એકસાથે અને એકસરખી (symmetrical) હોવી જોઈએ.

(4) બને ત્યાં સુધી શરીર અને હાથના નિમ્ન / નીચા વર્ગ(lowest classification)ના હલનચલનથી કાર્ય થવું જોઈએ. (જ્યારે માત્ર આંગળીઓની ગતિથી કાર્ય થાય તે સૌથી નીચો વર્ગ, ગતિમાં કાંડું ઉમેરાય તો ઉપરનો વર્ગ, હાથ પણ ઉમેરાય તો તેથી પણ ઉપરનો વર્ગ.)

(5) શક્ય હોય ત્યાં સુધી કારીગરને હાથની અને વસ્તુની ગતિ(momentum)નો લાભ મળે તેવું આયોજન થવું જોઈએ. આમ થાય તો કારીગરને ઓછું બળ આપવું પડે.

(6) આંચકા કે ધક્કા વગરની (smooth), સતત (continuous) અને થોડી ગોળાઈ(curved)માં હોય તેવી ગતિ, નહિ કે સીધી અને એકદમ ફેરફાર (sharp changes) હોય તેવી પસંદ કરાય છે.

(7) અવરોધવાળી કે નિયમન(control)વાળી ગતિને બદલે સ્વાભાવિક છુટ્ટી (ballistic) ગતિ વધુ અનુકૂળ રહે છે.

(8) કાર્યની યોગ્ય ગોઠવણી કરીને શક્ય હોય ત્યાં લયબદ્ધ (rythmic) ગતિ વાપરવી.

(9) આંખોની સ્થિરતા બને તેટલી ઓછી જરૂરી બને તેમજ આંખોને બહુ દૂર જોવાનું થાય તેવી પરિસ્થિતિ ટાળવી જોઈએ.

કાર્યસ્થળના સંદર્ભમાં ગતિકરકસરના નિયમો નીચે મુજબ છે :

(10) કાર્યસ્થળ પર બધાં ઓજારો અને વસ્તુઓ માટે નિશ્ચિત જગ્યા હોવી જોઈએ.

(11) ઓજારો, વસ્તુઓ અને નિયમન-કેન્દ્રો (controls) ઉપયોગના સ્થળની નજીક જ હોવાં જોઈએ.

(12) ઉપયોગના સ્થળે દાગીના / વસ્તુ પહોંચાડવા ગુરુત્વાકર્ષણ- ટોપલીઓ / પેટીઓ(gravity feed bins)નો ઉપયોગ કરવો જોઈએ.

(13) તૈયાર થયેલ દાગીનાને ‘ડ્રૉપ-ડિલિવરી’નો ઉપયોગ કરી જે તે જગ્યાએ લઈ જવા કે મૂકવા જોઈએ.

(14) શ્રેષ્ઠ ક્રમ(best sequence)નો ઉપયોગ થઈ શકે તે પ્રમાણે ઓજારો (tools) અને વસ્તુઓ ગોઠવવાં જોઈએ.

(15) બરોબર (ચોખ્ખું) જોઈ શકાય તેવી પ્રકાશની વ્યવસ્થા હોવી જોઈએ.

(16) કાર્યસ્થળ ઊંચાઈ અને ખુરશીની ઊંચાઈ એટલી હોવી જોઈએ કે કારીગર બેસીને કે ઇચ્છા થાય તો ઊભા રહીને પણ કાર્ય કરી શકે.

(17) ખુરશીની ડિઝાઇન (આકાર અને ઊંચાઈ) કારીગરને બેસતાં થાક લાગે તેવી નહિ, પરંતુ આરામ લાગે એવી હોવી જોઈએ.

ઓજારો અને સાધનોના સંદર્ભમાં ગતિકરકસરના નિયમો નીચે મુજબ છે :

(18) હાથથી કાર્ય કરવાને બદલે શક્ય તેટલો ‘જીગ’, ‘ફિક્સર’ અને પગલાં-પેડલનો ઉપયોગ કરી હાથને બને તેટલો ઓછો શ્રમ આપો.

(19) એકથી વધારે ઓજારોનું કામ બને તેટલું ભેગું કરો.

(20) જ્યાં શક્ય હોય ત્યાં બધી જગ્યાએ ઓજારો અને દાગીનાઓને કાર્ય શરૂ કરતાં પહેલાં ચોક્કસ સ્થિતિમાં ગોઠવવા(preposition)ની વ્યવસ્થા કરવી.

(21) ઉચ્ચાલકો (levers), હાથચક્રો (hand wheels) અને તેના જેવી અન્ય નિયમન કરવા માટે વપરાતી યુક્તિઓ (devices) એવી સ્થિતિમાં મુકાવવી જોઈએ કે જેથી કરીને તેનો ઉપયોગ કરવામાં કારીગરને વધુ હલનચલન કરવું પડે નહિ અને સહેલાઈથી તેમજ ઝડપથી કરી શકે.

ઉપર્યુક્ત બધા નિયમોનું પાલન બધી જગ્યાએ શક્ય નથી તેમજ જરૂરી પણ નથી. ઓછા ખર્ચે વિશેષ ફાયદો થતો હોય તેવા નિયમો અગ્રતાક્રમે અમલમાં મુકાય છે. મહત્ત્વની વાત એ છે કે આ નિયમોને ધ્યાનમાં લઈ કાર્યપદ્ધતિ અને કાર્યસ્થળની ડિઝાઇન કરવાથી કાર્યમાં લાગતો સમય ઘટાડી, કારીગરને વધુ અનુકૂળતા આપી ઉત્પાદકતા વધારી શકાય છે.

સમયઅભ્યાસ / કાર્યનું સમયઆંકન (માપણી) (time study / work measurement) : કાર્યના સમય-આંકન માટે વપરાતી મુખ્ય રીતો તે  (1) સમય-અભ્યાસ, (2) પૂર્વનિશ્ચિત સમય-પદ્ધતિઓ (predetermined time systems), (3) પ્રમાણિત / પ્રમાણભૂત વિગત (standard data) અને (4) કાર્ય-નમૂનાવિધિ (work sampling) છે.

કાર્યનો પ્રકાર કેવો છે, કાર્યસમય-આંકન કયા હેતુ માટે વાપરવાનું છે તેને ધ્યાનમાં લઈ ઉપર જણાવેલ ચાર રીતોમાંથી કોઈ પણ એક રીત પસંદ કરાય છે. સમય-અભ્યાસ અને કાર્ય-નમૂનાવિધિ  વર્ક સૅમ્પલિંગ વિશેષ પ્રમાણમાં વપરાય છે.

સારણીમાં બધા પ્રકારની સમયમાપણીની રીતો દર્શાવી છે.

બિનમપણી

(not measured)

અંદાજ (estimate) સામાન્ય રીતે બહુ અનુભવી અંદાજક (estimator) દ્વારા
અગાઉની કામગીરી

(past performance)

કંપનીના અગાઉના દફતરો (records) ઉપરથી (બજેટ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાય છે.)
સમયમાપણીની જુદી જુદી રીતો તથા યુક્તિઓ (devices) સમય-અભ્યાસ નીચેનાં સાધનોનો ઉપયોગ કરી સમય મપાય છે :
(1) સ્ટૉપવૉચ, જેમાં મિનિટ તેના 100મા ભાગ સુધી મપાય છે
(2) ‘ઇલેક્ટ્રૉનિક ડેટા કલેક્ટર’, જે કમ્પ્યૂટરની મદદ લે છે.
(3) મૉશન-પિક્ચર-કૅમેરા, જેમાં –

(i)         દર મિનિટે 960 ફ્રેમ (ફોટા) મળે, અથવા

(ii)        દર મિનિટે 1000 ફ્રેમ  (ફોટા) મળે, અથવા

(iii)       સમય ટાળીને 1થી 180 ફ્રેમ (ફોટા) દર મિનિટે મળે.

(4) વિડિયો કૅમેરા અને રેકર્ડર
(5) ફરતી ટેઇપ કે ડિસ્કનો ઉપયોગ કરતાં મશીનો
(6) ‘ઑડોમિટર’ પ્રકારનાં કાઉન્ટરો
પ્રમાણિત વિગત

(standard data)

સમય-અભ્યાસ પરથી મળેલ વિગતો અથવા તો પૂર્વનિશ્ચિત સમય-પદ્ધતિઓ દ્વારા ભેગી કરાયેલ વિગતો.
પૂર્વનિશ્ચિત સમય પદ્ધતિઓ

(predetermined time systems)

અનેક સંસ્થાઓએ 1924થી 1952 સુધીમાં ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી શરીરના હલનચલન (થર્બ્લિગ) માટે સમયમાપણી કરી તેને પ્રમાણિત કરી છે.
કાર્ય-નમૂનાવિધિ

(work-sampling)

નમૂનાવિધિથી સમયમાપણી
(1) દર્શક જરૂરી વિગતો મેળવે છે, નોંધે છે અને વિશ્લેષણ કરે છે.
(2) મોશન-પિક્ચર-કૅમેરા કે વિડિયો કૅમેરાથી કાર્યની નોંધ લે છે.
(3) કમ્પ્યૂટરની મદદવાળાં ‘ઇલેક્ટ્રૉનિક ડેટા-કલેક્ટર’ વડે નોંધ લે છે.

સારણી : કાર્યસમય-આંકન માટેની રીતો

શરૂઆતમાં સમયમાપણીનો મહત્તમ ઉપયોગ કામદારોના વેતન-ઉત્તેજન (wage incentive) માટે થયો; પરંતુ હવે તેનો ઉપયોગ અનેક કાર્યો માટે થાય છે :

(1) કાર્યના આયોજન અને સમયપત્રક (schedule) માટે;

(2) પ્રમાણિત ખર્ચાઓ (standard costs) અને બજેટો તૈયાર કરવા માટે;

(3) વસ્તુનું ઉત્પાદન શરૂ કરતાં પહેલાં તેના ખર્ચની ગણતરી માટે. આ વિગત કામના ‘ટેન્ડર’ ભરવા માટે અને વસ્તુની કિંમત નક્કી કરવા માટે ઉપયોગી થાય છે.

(4) મશીન-અસરકારકતા (machine effectiveness) નક્કી કરવા માટે, એક વ્યક્તિ કેટલાં મશીનો ચલાવી શકશે તે જાણવા માટે તેમજ ‘એસેમ્બલી’ લાઇનોનું સમતોલપણું (balancing) મેળવવામાં ઉપયોગી થાય છે.

(5) પ્રત્યક્ષ અને પરોક્ષ કામ (labour) માટેનાં ઉત્તેજન-મહેનતાણાં નક્કી કરવા માટે આધાર બની શકે તેવાં સમય-પ્રમાણો (timestandards) તૈયાર કરવા માટે;

(6) મજૂરી ખર્ચના નિયમન માટે સમય-પ્રમાણો તૈયાર કરવા માટે.

કાર્યનો પ્રકાર તેમજ ક્યાં ઉપયોગ કરવાનો છે તેને ધ્યાનમાં લઈ સમય-અભ્યાસ કરવાની રીતમાં ફેરફાર હોઈ શકે. તેમ છતાં સામાન્ય રીતે સમય-અભ્યાસ કરવામાં નીચે પ્રમાણેના ક્રમમાં કાર્યવહી કરાય છે :

(1) પ્રક્રિયા (operation) તેમજ તે માટેના કારીગરની બધી જરૂરી વિગતોની નોંધો લેવાની.

(2) પ્રક્રિયાને તેના નાના ભાગોમાં વહેંચવાની.

(3) ઑપરેટર આ પ્રક્રિયા માટે કેટલો સમય લે છે તેની નોંધ લેવાની.

(4) આ પ્રક્રિયાને કેટલી વખત (use of cycle) નોંધવાની થશે તે નક્કી કરવાનું ઉપરનું(3)માં નોંધેલ સમયમાં વધારે ફેર આવતો હોય તો વધારે ‘cycles’ અને ફેર ઓછો હોય તો ઓછી ‘cycles’ નોંધવાની થાય. આ માટે ચોક્કસ ગણતરી હોય છે.

(5) કારીગરના કાર્યની કામગીરી(performance)નું મૂલ્યાંકન (rating) કરવાનું. એટલે કે કામ બરોબર, ઝડપી કે ધીમું થાય છે તે સંખ્યાત્મક (રીતે (quantitatively) નક્કી કરવું. જો યોગ્ય કામની ઝડપ બરોબર હોય તો મૂલ્યાંકન 1, ઝડપી હોય તો 1થી મોટું (1.2, 1.4 એમ) અને ધીમું હોય તો 1થી ઓછું; જેમકે, 0.9, 095 મૂલ્યાંકન માટે ચોક્કસ રીત છે.

(6) જેટલી વાર જરૂરી હોય તેટલી વાર કાર્યની સમયનોંધણી થઈ છે કે કેમ તે ચકાસવાનું.

(7) જે જે પ્રકારની છૂટ (allowances) આપવી જરૂરી ગણાય તે નક્કી કરવાનું. વ્યક્તિ લાંબો સમય એકધારું કામ ન કરી શકે માટે તેને અનેક પ્રકારની છૂટ આપવામાં આવે છે. માનો કે તેને માટે છૂટની ગણતરી 0.15 થઈ હોય તો તે 15 % વધારે સમય લઈ શકે.

(8) ઉપરની સાતેય માહિતી / કાર્યવહી પછી છેલ્લે પ્રક્રિયા / કાર્ય માટે સમય-પ્રમાણની ગણતરી કરીને મેળવવાની. સમય-પ્રમાણમાં મૂલ્યાંકન (rating) અને છૂટની ગણતરી આવરી લેવાય છે.

પ્રમાણિત વિગતો તેમજ પૂર્વનિશ્ચિત સમયપદ્ધતિઓ : સમય-માપણીની આ રીતોમાં અગાઉ ગણતરી કરી નિશ્ચિત કરેલ સમય સ્વીકારવામાં આવે છે. કોઈ પણ કાર્ય મુખ્યત્વે હાથના ચલનથી થાય છે. આ ચલનમાં અમુક પ્રકારનાં ચલન (ગતિ) બહુ સામાન્ય (લગભગ બધાંમાં થતાં) હોય છે. તો પછી આવા ચલનનો અગાઉ મેળવેલ/ પૂર્વનિશ્ચિત સમય શા માટે ન વાપરવો ? આ પ્રકારના સમયમાં છૂટની ગણતરી કરવાની થતી નથી. આ રીત કાર્યપદ્ધતિ (work method) સુધારવામાં તેમજ પ્રસ્થાપિત કરવામાં વપરાય છે. વળી તે કાર્યસમય-માપણી (work measurement) માટે પણ વપરાય છે. આ રીતોનો ફાયદો એ છે કે તે પ્રમાણમાં ઓછો સમય લે છે. વળી કોઈ કાર્ય શરૂ પણ ન થયું હોય, આયોજન સ્તર પર હોય, તોપણ તેમાં કેટલો સમય લાગશે તેની ગણતરી કરી શકાય છે.

કાર્યનમૂનાવિધિ (work sampling) : આ રીતનો પ્રયોગ સૌપ્રથમ ઇંગ્લૅન્ડના કાપડ-ઉદ્યોગમાં અલ.એચ.સી. ટીપેટે કર્યો હતો અને 1940માં અમેરિકામાં ‘રેશિયો ડિલે’(ratio delay)ના નામે દાખલ કરાઈ હતી. આ રીતમાં કોઈ કાર્ય/પ્રક્રિયાના સમયની માપણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતી નથી, પરંતુ સંબંધિત માણસો પોતાનું કામ કરી રહ્યા છે કે નહિ તે હકીકત જાણવામાં ભાર મુકાય છે. આ રીત સત્યશોધક (fact finding) સાધન તરીકે વપરાય છે. આ રીત દ્વારા ઘણાંખરાં કામકાજોમાં માણસો અને મશીનોનો ઉપયોગ / વપરાશ બરોબર થઈ રહ્યો છે કે કેમ તે સહેલાઈથી અને ઓછા ખર્ચે જાણી શકાય છે.

કાર્ય-નમૂનાવિધિના ત્રણ મુખ્ય ઉપયોગ છે :

(1) પ્રવૃત્તિ અને વિલંબ / ઢીલ નમૂનાવિધિ (activity and delay sampling) – જેમાં વ્યક્તિઓ (કર્મચારીઓ) અને મશીનો / સાધનોની પ્રવૃત્તિઓ અને વિલંબ માપવામાં (ગણવામાં) આવે છે. દા.ત., કોઈ એક વ્યક્તિ પોતાના દિવસના સમયકાળ દરમિયાન કેટલા ટકા કામ કરે છે અને કેટલા ટકા કામ નથી કરતી ? એવી જ રીતે કોઈ એક મશીન દિવસમાં કેટલા ટકા વપરાય છે અને કેટલા ટકા બંધ રહે છે ?

(2) કામગીરી નમૂનાવિધિ (performance sampling) – જેમાં હાથે કરાતા કામ(manual work)માં કર્મચારી કેટલો સમય કાર્યરત રહે છે અને કેટલો સમય કાર્યવિમુખ (non-working) રહે છે તે માપવું, અને તેના પરથી તેનો કામગીરી-આંક (performance index) નક્કી કરવો.

(3) કાર્યમાપણી (work measurement) – જેમાં કોઈ પણ કાર્ય કે પ્રક્રિયા માટે સમય-પ્રમાણ નક્કી કરાય છે.

નમૂનાવિધિ એ સંભવતા(probability)ના નિયમ ઉપર આધારિત છે. મોટા જથ્થામાંથી એમ ને એમ (કોઈ ચોક્કસ રીતે નહિ – at random) અમુક નમૂના લેવામાં આવે તો સમગ્ર જથ્થો જે રીતે પોતાના ગુણ કે ખાસિયત ધરાવતો હોય તે પ્રમાણે નમૂના પણ મહદંશે જથ્થાના ગુણ કે ખાસિયત ધરાવતા હોય. એટલે કે નમૂનાઓ તેના જથ્થા(universe)નું પ્રતિનિધિત્વ કરે છે. નમૂનાઓ એવી રીતે લેવાવા જોઈએ કે જથ્થામાંના કોઈ પણ એકને નમૂનામાં આવવાની તક કોઈ પણ બીજા જેટલી (સરખી) હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે જથ્થામાંથી નમૂનાનો અભ્યાસ કરી તેની ખાસિયતો / ગુણધર્મો માપીને વલણ જાણવામાં આવે તો તેના પરથી સમગ્ર જથ્થાનું પણ અમુક ચોકસાઈએ (100 % નહિ) તેની ખાસિયતો / ગુણધર્મોનું વલણ જાણી શકાય. જ્યાં સમગ્ર જથ્થો માપવો શક્ય ન હોય ત્યાં નમૂના લઈ માપી શકાય. આ રીતને નમૂનાવિધિ (sampling method) કહેવાય.

કોઈ પણ કર્મચારી (worker) કે મશીન દિવસમાં કેટલા ટકા કાર્યરત રહે છે અને કેટલા ટકા બિનકાર્યરત એ જાણવા માટે સમયાંતરે કર્મચારી કે મશીન કાર્યરત કે બિનકાર્યરત છે તેની નોંધ (record) લેવામાં આવે અને કુલ જેટલી નોંધ લીધી તેમાંથી કેટલા ટકા કાર્યરત અને કેટલા ટકા બિનકાર્યરત તેની ગણતરી કરી કર્મચારી કે મશીન કેટલા પ્રમાણમાં કાર્યરત અને બિનકાર્યરત રહે છે તે જાણી શકાય. આ પરિણામ સત્યથી કેટલું નજીક છે તેનો આધાર કેટલી નોંધો લઈએ તેના પર નિર્ભર છે. જેમ નોંધો વધુ તેમ સત્યથી વધુ નજીક, પરિણામ વધુ વિશ્વસનીય.

કાર્ય-નમૂનાવિધિ અભ્યાસ દ્વારા કાર્યમાપણી કરવા માટે નીચે પ્રમાણે કાર્યવાહી કરવી જરૂરી છે :

(1) પ્રશ્ન શું છે તે નક્કી કરવાનું એટલે કે –

        (અ) જે કાર્ય હાથ પર લેવાનું હોય તે દ્વારા શું મેળવવાનું છે ?

        (બ) કાર્ય / ક્રિયાના દરેક પાસાં કે જે માપવાનાં છે તેનું વર્ણન.

(2) જે વિભાગ / ખાતામાં કાર્ય-નમૂનાવિધિ કરવાની હોય તેના સુપરવાઇઝર / વડાની અનુમતિ મેળવવાની. સંબંધિત કર્મચારીઓનો સહયોગ મેળવવો જરૂરી છે. શું કરવાનું છે અને શા માટે કરવાનું છે તે તેમને સમજાવવાનું.

(3) મળતાં પરિણામોમાં કેટલા પ્રમાણમાં ચોકસાઈ (accuracy) એટલે કે કેટલા પ્રમાણમાં ભૂલ(error)ને ક્ષમ્ય ગણવી તે નક્કી કરવાનું. વળી વિશ્વસનીયતાનું સ્તર (confidence level) કેટલું રહેશે તે પણ જણાવવાનું. સામાન્ય રીતે ણ્ 5 % ભૂલ ક્ષમ્ય ગણાય અને વિશ્વસનીયતા સ્તર 95 % લેવાય છે.

(4) જે પ્રવૃત્તિ (activity) કે વિલંબ (delay) કેટલા ટકા હશે તેનો અભ્યાસ કરવાનો છે, તે પ્રવૃત્તિ કે વિલંબનો પ્રાથમિક અભ્યાસ કરી અડસટ્ટો (estimate) બાંધવાનો. અગાઉની વિગત ઉપરથી અથવા તો એક કે બે દિવસ ખરેખર અભ્યાસ કરી આ કિંમત (ટકા) મેળવવાની.

(5) મુખ્ય અભ્યાસનું આયોજન કરવાનું :

        (અ)    કુલ કેટલી નોંધો લેવી પડશે તે ગણતરી કરી નક્કી કરવાની.

        (બ)    કેટલા દર્શકો (observers) જોઈશે તે નક્કી કરી તેમની પસંદગી કરવાની.

        (ક)     કેટલા દિવસો (કેટલી ‘શિફ્ટ’) જોઈશે તે નક્કી કરવાની.

        (ડ)     શેની નોંધ અને કેટલા સમયાંતરે લેવાની થશે તેમજ કયા મશીન / કારીગરના ક્રમ(route)માં થશે તે પણ નક્કી કરવાનું.

        (ઇ)    નિરીક્ષણ અંગેનું નોંધપત્રક(observation sheet) નક્કી કરવાનું.

(6) નક્કી કર્યા પ્રમાણે નોંધણી કરવાની અને વિગતો તૈયાર કરવાની. દરેક દિવસ(કે ‘શિફટ’)ને અંતે વિગતોની તારવણી (summary) તૈયાર કરવાની અને તેના પરથી અંકુશ-મર્યાદાઓ (control limits) નક્કી કરી ‘કંટ્રોલ ચાર્ટ’ દોરવાનો.

(7) અભ્યાસને અંતે મેળવેલ વિગતોની ચોકસાઈ અને સચોટતા (precision) નક્કી કરવાની.

(8) છેલ્લે રિપૉર્ટ તૈયાર કરી ઉપસંહાર જણાવવાનો. જો સૂચનો અને ભલામણો અપેક્ષિત હોય તો તે આપવાના.

કાર્ય નમૂનાવિધિના ફાયદા અને મર્યાદાઓ :

ફાયદાઓ :

(1) ઘણી ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ સમય-અભ્યાસથી માપવી મુશ્કેલ હોય છે અથવા તો ખર્ચાળ બની રહે તેવી હોય છે. તેવી જગ્યાએ નમૂનાવિધિ પસંદ કરાય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો મોટી હૉસ્પિટલમાં નર્સોનાં કામની માપણી કરવી હોય તો સમય-અભ્યાસની કોઈ રીત ન ચાલે, પરંતુ નમૂનાવિધિ જ અનુકૂળ રહે. તેવી જ રીતે કારખાનાંના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓની કાર્યમાપણી કરવી હોય તો ત્યાં પણ નમૂનાવિધિ જ અનુકૂળ રહે. જ્યાં એક પ્રકારનું, એકધારું અને સતત કાર્ય થતું હોય, જ્યાં ચોક્કસ કાર્યપદ્ધતિ નક્કી કરી શકાતી હોય ત્યાં સમય-અભ્યાસ પસંદ થાય, અન્યથા કાર્ય-નમૂનાવિધિ પસંદ કરાય.

(2) નમૂનાવિધિમાં નોંધણી-સમય દિવસો અને અઠવાડિયાં સુધી લંબાતો હોઈ કોઈ એક દિવસે, કોઈ પણ કારણસર કાર્યગતિમાં ફેરફાર થઈ જાય તોપણ પરિણામ પર ખાસ વિપરીત અસર થાય નહિ.

(3) સતત સમય-અભ્યાસની સરખામણીમાં નમૂનાવિધિથી થતા અભ્યાસમાં સમય અને ખર્ચ ઓછો થાય છે.

(4) કોઈ પણ વિપરીત અસર પડ્યા સિવાય નમૂનાવિધિ અભ્યાસમાં વિક્ષેપ પાડી (બંધ-ચાલુ કરી) શકાય છે.

(5) દર્શકને સમયાંતરે નોંધ લેવાની થતી હોય તેને થાક કે કંટાળો ઓછો આવે છે.

(6) નમૂનાવિધિમાં દર્શકને કારીગર પાસે સતત (માથે) ઊભું રહેવું પડતું હોતું નથી, વળી તેને કામનો સમય પણ માપવાનો હોતો નથી. આ કારણોસર કારીગરને નમૂનાવિધિ પ્રત્યે અણગમો ઊભો થતો નથી.

મર્યાદાઓ :

(1) કોઈ પણ એક મશીન કે કારીગરનો સમય-અભ્યાસ નમૂનાવિધિ દ્વારા કરવો બહુ ખર્ચાળ બની રહે છે.

(2) ઓછો સમય લેતા સતત કામ માટે નમૂનાવિધિ સારાં પરિણામ આપી શકે નહિ.

(3) સમૂહમાં મશીનો કે કારીગરોનો નમૂનાવિધિ દ્વારા થયેલ અભ્યાસ સરેરાશ કિંમત આપે છે. તે વ્યક્તિઓ વચ્ચેના તફાવતને જાણી શકતો નથી.

(4) નમૂનાવિધિમાં કામ કઈ રીતે થઈ રહ્યું છે તે પદ્ધતિ ઉપર ભાર મુકાતો નથી. માટે તે કાર્યપદ્ધતિમાં ફેરફાર કે સુધારા દર્શાવી શકે નહિ.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ