સમયાનુસારી વિભાગો (time-zones) : પૃથ્વી પર પાડવામાં આવેલા જુદા જુદા 24 ભૌગોલિક વિભાગો કે જે વૈશ્વિક ધોરણે પ્રમાણભૂત સમય દર્શાવવાની પદ્ધતિ જાળવવા માટે રચવામાં આવેલ છે. કોઈ એક સમય-વિભાગ(time zone)માં અમુક ક્ષણે તમામ પ્રમાણભૂત ઘડિયાળો એકસરખો સમય બતાવે છે. એ મુજબ એક વિભાગનો સમય તેની તુરત નજીકના પશ્ચિમ તરફના વિભાગ કરતાં 1 કલાક આગળ હોય છે. અર્થાત્ આપણે ત્યાં જો બપોરના 12 વાગ્યા હોય તો આપણી પૂર્વના સમય-વિભાગમાં બપોર બાદ 1 વાગ્યો હોય, જ્યારે પશ્ચિમના વિભાગમાં હજુ દિવસના 11 વાગ્યા હોય. પ્રત્યેક સમય-વિભાગ વ્યાખ્યાયિત કરવા માટે જે તે સ્થળ, ઇંગ્લૅન્ડ(U.K.)ના ગ્રિનિચ(Greenwitch)થી પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે, તે બાબતનો આધાર લેવામાં આવે છે.
19મી સદીના લગભગ ઉત્તરાર્ધ સુધી જગતનાં ઘણાંખરાં ગામો – શહેરોમાં સમય નક્કી કરવા માટે જે તે સ્થળે થતા સૂર્યોદય અને સૂર્યાસ્તનો આધાર લેવામાં આવતો હતો. હકીકતે પૃથ્વીની દૈનિક ભ્રમણગતિ(daily rotation)ને કારણે પ્રભાત (સૂર્યોદય) તેમજ સાયંકાળ (સૂર્યાસ્ત) થવાનો સ્થાનિક સમય જુદો જુદો રહે છે. પહેલાંના જમાનામાં જ્યારે વાહનવ્યવહાર ઝડપી નહોતો ત્યારે દૂર દૂરનાં સ્થળોએ જવામાં દિવસો લાગતા, તેથી સ્થાનિક સમયના આ તફાવતનું મહત્ત્વ હતું નહિ. પશ્ચિમના દેશોમાં રેલવે અને અન્ય વાહનવ્યવહારનો વિકાસ થયો તેમજ તાર-ટેલિફોનની સગવડ થવા લાગી તે સાથે દૂરનાં સ્થળો સાથે ઝડપી સંપર્ક કરવાનું શક્ય બનવા લાગ્યું, અને જુદા જુદા સ્થાનિક સમયનો ફરક સ્પષ્ટપણે વરતાવા લાગ્યો. ખાસ કરીને રેલવે-વ્યવહારમાં વધારો થવા લાગતાં ટ્રેનના સમયપત્રકમાં જુદા જુદા સ્થાનિક સમયને લીધે ગૂંચવણ થવા લાગી. આવાં કારણોસર ભૌગોલિક સમય-વિભાગોનો ખ્યાલ વિકાસ પામ્યો. 1884માં બ્રિટનની દોરવણી હેઠળ આંતરરાષ્ટ્રીય ધોરણે સમય-વિભાગની રચના કરવામાં સહકાર સાધવામાં આવ્યો.
પૃથ્વીનો ધરી-ભ્રમણકાળ (લગભગ) 24 કલાક છે, તેથી તેની સપાટીનું કોઈ એક બિન્દુ એક કલાકમાં (360°/24 કલાક) 15° (અંશ) જેટલું ફરે છે. હવે કુલ સમય-વિભાગો 24 હોવાથી દરેક વિભાગ 15°ની પહોળાઈ ધરાવતો પટ્ટો ગણી શકાય. આ વિભાગો નિયત કરવા માટે ઇંગ્લૅન્ડના ગ્રિનિચમાંથી પસાર થતા રેખાંશ(longitude)ને 0° રેખાંશ અથવા meridian ગણવામાં આવે છે. તે સ્થળથી પૂર્વના 12 વિભાગોમાં સમય ક્રમશ: એક એક કલાક આગળ હોય છે અને પશ્ચિમના 12 વિભાગોમાં તેની વિરુદ્ધ હોય છે. આંતરરાષ્ટ્રીય તિથિરેખા (International Date-line) પૃથ્વીના ગોળા પર ગ્રિનિચથી બરોબર સામા છેડે એટલે કે 180° રેખાંશ પર રહેલ છે. આ રેખા પૂર્વના સમય-વિભાગોને પશ્ચિમના વિભાગોથી જુદા પાડે છે. આ તિથિરેખાની આજુબાજુનાં બે બિન્દુઓ વચ્ચે 24 કલાકનો સમયગાળો રહે છે. આ બાબત પર આધારિત, જુલે વર્નની પ્રવાસકથા ‘Around the World in 80 Days’ ખૂબ રસપ્રદ છે.
એક સમય-વિભાગને બીજા સમય-વિભાગથી જુદો પાડતી સીમા(boundary)માં કોઈ સ્થળની વિશેષતાને અનુલક્ષીને થોડોઘણો ફેરફાર કરવામાં આવે છે. યુ.એસ. મોટો દેશ હોવાથી ત્યાં મુખ્ય ચાર સમય-વિભાગોની જરૂર પડી છે. ચીનનો વ્યાપ તો તેથી પણ મોટો છે, છતાં ત્યાં એક જ સમયને અનુસરવામાં આવે છે, જે તેના પૂર્વના પ્રદેશના સમયવિભાગને અનુલક્ષીને ગણવામાં આવે છે. ભારતનો ઘણોખરો ભાગ +5મા વિભાગમાં આવે છે (જુઓ સાથેના નકશા, આકૃતિ 1, 2 અને 3); તેથી ભારતની ઘડિયાળ યુ.કે.ના સમય કરતાં સામાન્ય રીતે સાડાપાંચ કલાક આગળ હોય છે. જોકે યુ.કે.(તથા અન્ય દેશો)માં ઉનાળા દરમિયાન ‘day light saving’(દિવસના પ્રકાશ દ્વારા બચત)ની પદ્ધતિ અખત્યાર કરવામાં આવે છે. તે મુજબ યુ.કે.માં ઉનાળામાં ઘડિયાળો 1 કલાક આગળ મૂકવામાં આવતાં હોવાથી ભારત કરતાં તેનો સમય સાડાચાર કલાક પાછળ રહે છે.
ભારત દેશનો પૂર્વ-પશ્ચિમ વ્યાપ પણ મોટો છે. પૂર્વમાં મિઝોરમના ઐજોલમાં અમદાવાદ કરતાં લગભગ દોઢ કલાક વહેલો સૂર્યોદય (તેમજ સૂર્યાસ્ત) થાય છે, છતાં હાલમાં આખા દેશમાં એક જ પ્રમાણ સમય રાખવામાં આવેલ છે.
કમલનયન જોષીપુરા