સમયસુંદર [. ? સાંચોર, રાજસ્થાન; . 1646 (સં. 1702, ચૈત્ર સુદ 13), અમદાવાદ] : મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુકવિ. તેમનો જન્મ પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમનું જન્મવર્ષ નિશ્ચિત રીતે ઉપલબ્ધ નથી. પરંતુ એમની ગુજરાતી કૃતિ ‘સાંબ-પ્રદ્યુમ્ન રાસ’નું સૌથી વહેલું રચનાવર્ષ ઈ. સ. 1603 અને ‘દ્રૌપદી રાસ’નું રચનાવર્ષ ઈ. સ. 1644 મળતું હોઈ એમનો કવનકાળ ઈશુની 17મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. જોકે એમની એક સંસ્કૃત કૃતિ ‘ભાવશતક’ની રચના ઈ. સ. 1585ની  છે.

એમના અવસાનના સ્થળ-સમયનો ઉલ્લેખ રાજસોમ નામક એક કવિના અંજલિગીતમાં મળે છે. તે સિવાય એ અંગે અન્ય કોઈ આધાર મળતો નથી.

સમયસુંદર ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ ઉપા. સકલચંદ્રના શિષ્ય હતા. જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથેના સાધુસમુદાયમાં સમયસુંદર પણ હતા. ઈ. સ. 1593માં લાહોરમાં જિનચંદ્રસૂરિએ સમયસુંદરને ઉપાધ્યાયપદ પ્રદાન કર્યું. કહેવાય છે કે પોતાની સંસ્કૃત કૃતિ ‘અષ્ટલક્ષી’ની તત્કાલ આંશિક રચના કરીને અકબરને એમણે પ્રસન્ન કરેલા. એ પછી મુખ્યત્વે ગુજરાત, મારવાડ, મેવાડ અને સિંધ પ્રદેશોમાં એમના વ્યાપક વિહારો થતા રહ્યા. એમણે રચેલા ગ્રંથોનાં સ્થળનામો એમના નિશ્ચિત પુરાવા છે. 1620માં એમણે રાણકપુરની યાત્રા કરી હતી. ઈ. સ. 1626માં જેસલમેર પાસેના થેરુ ભણસાલીએ કાઢેલા શત્રુંજયયાત્રાના સંઘમાં સમયસુંદર જોડાયા હતા. એમના શિષ્યમંડળમાંથી હર્ષનંદન, હર્ષકુશલ અને મેઘવિજય નામના શિષ્યો સમયસુંદરને સહાયક બન્યાના ઉલ્લેખો એમની રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે.

સમયસુંદર ભાષાવિદ, શાસ્ત્રજ્ઞાની અને કાવ્યકલાના અભ્યાસી હતા. તેઓનું સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, ગુજરાતી, સિંધી ભાષાઓ ઉપર પ્રભુત્વ હતું. સંસ્કૃતમાં એમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિવિધ વિષયોની કૃતિઓ આપી છે.

ગુજરાતીમાં એમણે 21 જેટલી રાસાકૃતિઓ તથા પાંચસોથીએ વધુ ગેયત્વથી સભર લઘુ કાવ્યકૃતિઓ આપી છે. લોકગીતોના ઢાળ અને વિવિધ દેશીઓના તેઓ મર્મજ્ઞ હોઈને ગેયતાની દૃષ્ટિએ પણ એમની આ રચનાઓ નોંધપાત્ર બની છે.

એમણે રચેલી દીર્ઘ કથનાત્મક, રાસકૃતિઓ આ પ્રમાણે છે : 535 કડીનો ‘સાંબ-પ્રદ્યુમ્ન રાસ’ (1603), 840 કડીનો ‘ચાર પ્રત્યેક બુદ્ધ રાસ’ (1609), ‘રાણી પદ્માવતીનો રાસ’ (1609), ‘મયણરેહા રાસ’ (1609), 744 કડીનો ‘મૃગાવતી ચરિત્ર રાસ’ (1612), 3700 કડીની ‘સીતારામ ચોપાઈ’ (1612), 230 કડીનો ‘સિંહલસુત પ્રિયમેલક રાસ’ (1616), 270 કડીની ‘પુણ્યસાર ચોપાઈ’ (1617), 225 કડીનો ‘વલ્કલચીરી રાસ’ (1625), 40 કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ (1626), ‘બારવ્રત રાસ’ (1629), 108 કડીનો ‘શત્રુંજયતીર્થ રાસ’ (1630), 448 કડીની ‘થાવચ્ચાસુત ઋષિ ચોપાઈ’ (1635), 54 કડીનો ‘ક્ષુલ્લક ઋષિરાસ’ (1638), 506 કડીની ‘ચંપકશ્રેષ્ઠિ ચોપાઈ’ (1639), 74 કડીની ‘ગૌતમપૃચ્છા ચોપાઈ’ (1639), 161 કડીની ‘ધનદત્ત શ્રેષ્ઠિની કથા’ (1640), 519 કડીનો ‘સાધુવંદના રાસ’ (1641), 37 કડીનો ‘પુંજા ઋષિ રાસ’ (1642), 606 કડીનો ‘દ્રૌપદી રાસ’ (1644) અને 57 કડીનો ‘કેશી-પ્રદેશી પ્રબંધ’.

આ કૃતિઓનાં કથાનકોનો આધારસ્રોત આગમગ્રંથો-ધર્મગ્રંથોમાં મળતી જૈન કથાઓ છે. નળ-દમયંતી, રામસીતા, દ્રૌપદીનાં જૈનેતર કથાનકો પણ તેમના રાસાઓનો વિષય બન્યા છે; પણ મૂળ રામાયણ-મહાભારતથી અલગ પડીને જૈન પરંપરામાં રૂપાંતરિત થયેલ કથાગ્રંથોને આધારે એ રચનાઓ થઈ છે. સૌથી વધારે ધ્યાનાર્હ રચના છે ‘સીતારામ ચોપાઈ’. જૈન પરંપરામાં રચાયેલ ‘પદ્મચરિત્ર’ ગ્રંથ એનો મુખ્ય આધાર છે. વિવિધ દેશીઓમાં કાવ્યચાતુરીથી સભર રસિક રાસકૃતિ એ બની છે. ‘નલ-દવદંતી રાસ’, ‘પાંડવચરિત્ર’ અને ‘નેમચરિત્ર’ની નલકથાને અનુસરતી એ રચના છે. એમાં નળ-દમયંતીના ત્રણ ભવનું આલેખન છે. એ જ રીતે ‘દ્રૌપદી રાસ’ પણ ‘જ્ઞાતાસૂત્ર’ના 16મા અધ્યયનને આધારે આલેખાયેલી કથા છે. ‘વસ્તુપાલ-તેજપાલ રાસ’ જેવી રચના ઐતિહાસિક વિષયવસ્તુને નિરૂપે છે.

સમયસુંદરસૂરિની લઘુકાવ્ય સ્વરૂપની ગેય રચનાઓમાં ચોવીસી, વીસી, સ્તવન, સજ્ઝાય, ફાગુ, પદ, ગીત, ભાસ, સ્તુતિ, સંવાદ, હરિયાળી જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. સ્તવનોમાં તીર્થંકરોનાં તેમજ વિવિધ તીર્થસ્થાનોનાં સ્તવન ધ્યાનપાત્ર બન્યાં છે. જુદા જુદા સાધુમહાત્માઓનાં તપ-ત્યાગ-વૈરાગ્યને નિરૂપતી તેમજ બોધપ્રધાન સજ્ઝાયો પણ વિપુલ સંખ્યામાં મળે છે. ગુરુગીતો અને નેમિનાથ-રાજિમતીવિષયક પદો પણ ઉત્કટ ભક્તિભાવથી સભર છે. ‘દાન-શીલ-તપ-ભાવના સંવાદ’માં આ ચારેય ગુણો પોતાનું સર્વોપરીપણું સિદ્ધ કરવા મથે છે. છેવટે મહાવીર પ્રભુ એમનું સમાધાન કરાવે છે. આ કવિનાં ગીતો માટે કહેવાતું કે ‘સમયસુંદરનાં ગીતડાં, કુંભારાણાનાં ભીંતડાં.’

આ કવિએ નવેક છત્રીસીઓ રચી છે. જેમાં ‘સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી’નો તથા ક્ષમા, કર્મ, પુણ્ય, આલોખણા-વિષયક છત્રીસીઓનો સમાવેશ થાય છે. ‘સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી’માં સં. 1687માં પડેલા દુષ્કાળનું કરુણ ચિત્ર નોંધપાત્ર છે.

‘ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ’ (1627) અને ‘યતિઆરાધના ભાષા’ (1629) એ આ કવિના ગદ્યગ્રંથો છે.

આ કવિએ ‘ભાવશતક’, ‘રૂપકમાલા અવચૂરિ’, ‘વિચારશતક’, ‘રઘુવંશ ટીકા’, ‘દશવૈકાલિક સૂત્ર’ પર ‘શબ્દાર્થવૃત્તિ’, ‘કલ્પકલ્પલતાવૃત્તિ’, ‘અષ્ટલક્ષી’ જેવી સંસ્કૃત કૃતિઓ પણ આપી છે.

કાન્તિભાઈ શાહ