સમયસાર : જૈન અધ્યાત્મની એક ઉત્કૃષ્ટ રચના. બધા જૈન સંપ્રદાયો તેનો સમાન રૂપે આદર કરે છે. તેમાં આત્માના ગુણોનું નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ દૃષ્ટાન્તો, ઉદાહરણો અને ઉપમાઓ સાથે વિવેચન કરવામાં આવ્યું છે. તેના 10 અધિકાર છે. પહેલા અધિકારમાં સ્વસમય, પરસમય, શુદ્ધનય, આત્મભાવના અને સમ્યક્ત્વનું નિરૂપણ છે. બીજામાં જીવ-અજીવ, ત્રીજામાં કર્મ-કર્તા, ચોથામાં પુણ્ય-પાપ, પાંચમામાં આસ્રવ, છઠ્ઠામાં સંવર, સાતમામાં નિર્જરા, આઠમામાં બંધ, નવમામાં મોક્ષ અને દસમામાં શુદ્ધ પૂર્ણ જ્ઞાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અમૃતચંદ્ર પ્રમાણે તેની 415 અને જયચંદ્ર પ્રમાણે 439 ગાથાઓ છે. ‘સમયસાર’ સાથે ‘પ્રવચનસાર’ અને ‘પંચાસ્તિકાય’ને નાટ્યત્રયી તરીકે ઓળખવામાં આવે છે.

‘સમયસાર’ના કર્તા કુંદકુંદાચાર્ય ઈ. સ.ની પાંચમી શતાબ્દીના પ્રારંભમાં કે તે પહેલાં થઈ ગયા હોવાનું મનાય છે. એક માન્યતા એવી પણ છે કે તેઓ ઈ. પૂ. ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા. તે પદ્મનંદિ, એલાચાર્ય અને ગુદ્ધપિચ્છના નામે ઓળખાયા છે; પણ તેમનું વાસ્તવિક નામ પદ્મનંદિ હોય એમ લાગે છે અને કોણ્ડકુણ્ડના નિવાસી હોવાને કારણે કુંદકુંદાચાર્ય તરીકે ઓળખાયા છે. દિગંબર જૈન પરંપરા પ્રમાણે કુંદકુંદાચાર્યે 84 પાહુડોની રચના કરી હતી; પણ અત્યારે તેમની ‘સમયસાર’, ‘પ્રવચનસાર’, ‘પંચાસ્તિકાય’ આદિ આઠ રચનાઓ ઉપલબ્ધ છે. દિગંબર-સંપ્રદાયમાં કુંદકુંદાચાર્યનું વિશિષ્ટ સ્થાન છે. તેમનું નામ મંગળ ગાનમાં ભગવાન મહાવીર અને ગૌતમ પછી ત્રીજા સ્થાને આવે છે. मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी । मंगलं कुंदकुंदाचार्यो जैनधर्मोऽस्तु मंगलम् ॥

કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ તેમજ ‘પ્રવચનસાર’ અને ‘પંચાસ્તિકાય’ પરની બે ટીકાઓ સુપ્રસિદ્ધ છે  એક 13મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા અમૃતચંદ્રની ‘આત્મખ્યાતિ’ નામે ટીકા અને બીજી દસમી શતાબ્દીના અંતમાં થયેલા જયસેનની ટીકા. બંને ટીકાઓ ખૂબ વિદ્વત્તાપૂર્ણ છે અને જૈન સિદ્ધાન્તો સંબંધી અનેક બાબતોની વિશદ સમજ માટે ખૂબ ઉપયોગી છે. ‘સમયસાર’ પરની અમૃતચંદ્રની ટીકામાં આવેલા શ્લોકોનો એક સ્વતંત્ર ગ્રંથ બન્યો છે. તેની ઉપર શુભચંદ્રે સંસ્કૃતમાં અને રાયમલ્લ તથા જયચંદ્રે હિન્દીમાં ટીકાઓ લખી છે. બનારસીદાસે ‘સમયસાર નાટક’ નામે આધ્યાત્મિક કાવ્ય રચ્યું છે. પ્રભાચંદ્ર, નયકીર્તિના શિષ્ય બાલચંદ્ર, વિશાલકીર્તિ અને જિનમુનિ આદિની ટીકાઓ પણ સુપ્રસિદ્ધ છે. ‘સમયસાર’ સાથે ‘પ્રવચનસાર’ અને ‘પંચાસ્તિકાય’  આ ત્રણેય ગ્રંથો પર બાલચંદ્ર દેવે (ઈ. સ. 12-13 શતાબ્દી) કન્નડ ટીકાઓ પણ લખી છે.

અમૃતચંદ્ર અને જયસેનની ટીકાઓ સહિત આ ગ્રંથનું રાયચંદ્ર જૈન ગ્રંથમાળામાં ઈ. સ. 1919માં મુંબઈથી પ્રકાશન થયું છે. જે. એલ. જૈનીએ ‘સેક્રેડ બુક ઑવ્ ધ જૈન્સ’ના ભાગ-8માં આ ગ્રંથ અંગ્રેજી અનુવાદ સાથે ઈ. સ. 1930મા લખનૌથી પ્રકાશિત કર્યો છે. પ્રોફેસર એ. ચક્રવર્તીએ અમૃતચંદ્રની ‘આત્મખ્યાતિ’નો અંગ્રેજી અનુવાદ 1950માં મૂર્તિદેવી ગ્રંથમાળામાં પ્રકાશિત કર્યો છે અને પં. કૈલાસચંદ્ર શાસ્ત્રીએ ‘કુંદકુંદપ્રાભૃત સંગ્રહ’ 1960માં જીવરાજ જૈન ગ્રંથમાળા, શોલાપુરના ઉપક્રમે બહાર પાડ્યો છે.

કાનજીભાઈ પટેલ