સમમૂલ્ય પદ્ધતિ (equivalent production)
January, 2007
સમમૂલ્ય પદ્ધતિ (equivalent production) : સતત ચાલુ પ્રક્રિયાવાળા ઉદ્યોગમાં વર્ષાન્તે સ્ટૉકમાં રહેલા અપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોનું સંપૂર્ણ પ્રક્રિયાન્વિત એકમોના ધોરણે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ. ઘણા પ્રક્રિયા-ઉદ્યોગોમાં પ્રક્રિયાઓ સતત ચાલુ જ રહે છે. કોઈ એક હિસાબી સમયના અંતે વસ્તુના ઉત્પાદન માટે થતી દરેક પ્રક્રિયામાં અપૂર્ણ એકમો તો રહે છે, જે આખરી સ્ટૉકમાં સમાવવામાં આવે છે. આવા એકમોનું મૂલ્યાંકન કરવા માટે દરેક પ્રક્રિયાનાં ચાલુ કામો કેટલે અંશે પૂર્ણતાની કક્ષાએ પહોંચ્યાં છે તે ધ્યાનમાં લઈને તેમની સો ટકા સંપૂર્ણ એકમોમાં ગણતરી કરવાથી જે એકમો આવે તે સમાન ઉત્પાદન એકમો કહેવાય છે.
સામાન્ય રીતે કોઈ પ્રક્રિયાના એક સમયના ઉત્પાદનની ગણતરી કરવા માટે શરૂઆતના સ્ટૉકના એકમોમાં પ્રક્રિયામાં દાખલ કરેલ માલસામગ્રીના એકમો ઉમેરીને તે બંનેના સરવાળામાંથી આખરી સ્ટૉકના એકમો બાદ કરવામાં આવે છે. પરંતુ પડતરના દરેક તત્ત્વના સંદર્ભમાં દરેક એકમ સંપૂર્ણ થયો ન હોય તો તેના આધારે એકમદીઠ પડતરની ગણતરી કરી શકાતી નથી અને આવા અપૂર્ણ એકમોનું મૂલ્યાંકન થઈ શકતું નથી. અપૂર્ણ એકમો સો ટકાની પૂર્ણ કક્ષાએ પહોંચ્યા હોય તો કેટલા એકમો થાય તેની ગણતરી નીચેના સૂત્રથી કરી શકાય.
સમાન સંપૂર્ણ એકમો = (ઉત્પાદનની પ્રક્રિયાના ખરેખરા એકમો x પૂર્ણતાની કક્ષાના કામના ટકા)
દા.ત., વર્ષનો શરૂઆતનો સ્ટૉક 10,000 એકમો હોય અને તેના ઉપર પડતરનાં બધાં તત્ત્વોનું કામ 60 % થયું હોય તો શરૂઆતના સ્ટૉકનું સમાન ઉત્પાદન 6,000 એકમો ગણાય. આખરના 15,000 એકમો સ્ટૉકમાં હોય અને તેના ઉપર તે જ પ્રમાણે 80 % કામ થયું હોય તો સમાન ઉત્પાદન 12,000 એકમો ગણાય.
સમાન ઉત્પાદનની ગણતરી માટેના તબક્કા : (1) ભૌતિક પ્રવાહ : હિસાબમાં લેવાના એકમોની સંખ્યા અને તેની રીત; (2) સમાન એકમો : પ્રક્રિયાની ઘટ, કાર્યપૂર્ણતાની કક્ષા, આખરી સ્ટૉકને લક્ષમાં લઈને (1)ના ઉત્પાદનના સમાન એકમોમાં ગણતરી. આ ગણતરીમાં સામાન્ય ઘટના એકમોનો સમાવેશ થતો નથી, અસામાન્ય ઘટ પડતરના દરેક તત્ત્વ માટે સો ટકા પૂર્ણ ગણાય (પૂર્ણતાની કક્ષા ન આપી હોય તો.) તે જ પ્રમાણે તૈયાર થયેલા એકમો પણ. (3) કુલ ખર્ચ : હિસાબમાં લેવાના પડતરના દરેક તત્ત્વ માલસામગ્રી મજૂરી અને શિરોપરી ખર્ચની અને કુલ ખર્ચની ગણતરી. (4) સમાન સંપૂર્ણ એકમદીઠ પડતર : કુલ ખર્ચની રકમને સમાન એકમોથી ભાગીને દરેક તત્ત્વની એકમદીઠ પડતરની ગણતરી. (5) મૂલ્યાંકન પત્રક : ઉપરના (4)ના આધારે અસામાન્ય ઘટની રકમ, તૈયાર એકમોની રકમ તથા શરૂઆતના અને આખરના ચાલુ કામની પડતરની ગણતરી. આ બધાંનો સરવાળો કુલ ખર્ચની રકમ જેટલો થાય. (6) પ્રક્રિયાનું ખાતું : ઉપર (5) પ્રમાણે દરેકનું મૂલ્યાંકન કર્યા પછી પ્રક્રિયાનું ખાતું તૈયાર કરી શકાય.
ચાલુ કામના મૂલ્યાંકન માટે સમાન એકમોની ગણતરી માટેની પદ્ધતિઓ : (1) ફિફો પદ્ધતિ, (2) લિફો પદ્ધતિ અને (3) ભારિત સરેરાશ પદ્ધતિ.
ફિફો પદ્ધતિમાં શરૂઆતના સ્ટૉકની પડતર અને વર્તમાન સમયમાં શરૂ કરેલા અને પૂર્ણ થયેલા એકમોની પડતર એમ જુદી જુદી પડતર શોધવામાં આવે છે. આમ, નવા એકમોની પડતર અને શરૂઆતના ચાલુ કામના સ્ટૉકના એકમોની પડતરની ગણતરી અલગ થાય છે. અપૂર્ણ એકમોને સંપૂર્ણ કરવા માટે થયેલ પ્રમાણસર ખર્ચને તેમની શરૂઆતના સ્ટૉકની પડતરમાં ઉમેરવામાં આવે છે. આથી સમાન એકમોની કુલ પડતરની ગણતરી થાય છે, જેમાં બધી જ પ્રક્રિયાઓ પૂરી થઈ હોય તેવા એકમોની પડતર ઉમેરવાથી આગળ લઈ ગયેલા ઉત્પાદનના એકમોની કુલ પડતર અને એકમદીઠ પડતરની ગણતરી થાય.
લિફો પદ્ધતિમાં પ્રક્રિયામાં છેલ્લા દાખલ કરેલ એકમોનો ઉત્પાદન માટે પ્રથમ ઉપયોગ થાય છે એમ અનુમાન કરવામાં આવે છે. પૂર્ણ કરેલા એકમો અને ચાલુ કામના આખરી સ્ટૉકની પડતરમાં જુદી અસર થાય છે. પૂર્ણ થયેલા એકમોનું મૂલ્યાંકન તેની વર્તમાન પડતરથી થાય છે, જ્યારે છેવટના ચાલુ કામના સ્ટૉકનું મૂલ્યાંકન શરૂઆતના ચાલુ કામના સ્ટૉકની પડતર પ્રમાણે દર્શાવવામાં આવે છે.
ભારિત સરેરાશ પદ્ધતિમાં શરૂઆતના ચાલુ કામના સ્ટૉકની પડતરને વર્તમાન સમયની પડતરમાં સામેલ કરવામાં આવે છે. અગાઉના સમયમાં કરેલ કામને ગણતરીમાં લેવાતું નથી, કારણ કે તે નવા ચાલુ ઉત્પાદનનો જ એક ભાગ છે એમ ગણવામાં આવે છે. આવી કુલ પડતરને ઉત્પાદનના સમાન એકમોથી ભાગીને સમાન એકમદીઠ પડતર શોધવામાં આવે છે. આમ આ પદ્ધતિમાં પ્રક્રિયાના શરૂઆતનાં કાર્યોના એકમો અને પડતર બંનેની શરૂઆત અને પૂર્ણતા વર્તમાન સમયમાં જ થઈ હોય એમ માનવામાં આવે છે.
શિરીષભાઈ શાહ