સમતુલા (equilibrium) : આર્થિક ઘટનાઓના વિશ્લેષણ માટેની એક વિભાવના (concept). તમામ આર્થિક કર્તાઓ(economic agents)નાં કાર્યો પરસ્પર સુસંગત હોય એવી સ્થિતિ; દા.ત., સ્પર્ધાત્મક બજારમાં કોઈ એક વસ્તુ માટેની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા એવી કિંમત નક્કી કરે છે જે કિંમતે આર્થિક કર્તા તરીકે ગ્રાહકો તેમની ખરીદીમાં કે ઉત્પાદકો તેમના ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવાનું વિચારતા નથી. આ ઉદાહરણમાં ગ્રાહકો જેટલા જથ્થામાં વસ્તુ ખરીદવા ઇચ્છે છે તેટલા જ જથ્થામાં ઉત્પાદકો વસ્તુનું ઉત્પાદન કરે છે અથવા એમ પણ કહી શકાય કે ઉત્પાદકો જેટલા જથ્થામાં વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર એટલા જ જથ્થામાં ગ્રાહકો તે ખરીદે છે. આ સ્થિતિને બીજા શબ્દોમાં મૂકીએ તો સમતુલા એવી સ્થિતિ છે જેમાં કોઈ આર્થિક કર્તાને તેના પ્રસ્તુત નિર્ણયમાં ફેરફાર કરવા માટેની ચાલના (incentive) હોતી નથી. ઉપરના ઉદાહરણના સંદર્ભમાં કહીએ તો ગ્રાહકોને તેમની ખરીદીમાં વધારોઘટાડો કરવા માટેની અને ઉત્પાદકોને તેમના ઉત્પાદનમાં વધારો-ઘટાડો કરવા માટેની ચાલના હોતી નથી. અર્થશાસ્ત્રીય વિશ્લેષણમાં આને સ્થિતિલક્ષી (static) સમતુલા કહેવામાં આવે છે. એની સાથે ગત્યાત્મક (dynamic) સમતુલાનો ખ્યાલ પણ રજૂ થયેલો છે. તેમાં કોઈક પરિબળમાં થયેલા ફેરફાર સાથે સમાયોજન સાધી રહેલા અર્થતંત્રનો વિવિધ સમયગાળામાં વહેંચીને સમતુલાની ચર્ચા કરવામાં આવે છે. આ પરિપ્રેક્ષ્યમાં અર્થતંત્ર ટૂંકા ગાળાની કામચલાઉ સમતુલાઓની હારમાળા ધરાવતું હોય છે.

આર્થિક વિશ્લેષણ માટે સમતુલાનો ખ્યાલ હાર્દરૂપ છે. આર્થિક વિશ્લેષણમાં સમતુલા પર જે ભાર મૂકવામાં આવે છે તે માટે વિવિધ ખુલાસાઓ આપી શકાય. પહેલાંના અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રને પોતાની જાતે જ દુરસ્ત કરી લેતા (self-correcting) તંત્ર તરીકે જોયું હતું. અર્થતંત્રની કામગીરીમાં કોઈક કારણે વિક્ષેપ પડ્યો હોય તો તેનાથી સર્જાયેલી અસમતુલા આપમેળે દૂર થાય એવાં પરિબળો અર્થતંત્રમાં કાર્યરત બને છે, જે છેવટે સમતુલા પ્રસ્થાપિત કરે છે; દા.ત., કુદરતી કારણોથી દેશમાં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો હોય તો માંગ-પુરવઠાનાં પરિબળોની કામગીરીને પરિણામે અનાજના ભાવો વધશે, જે ગ્રાહકોને ઓછા જથ્થામાં અનાજ ખરીદવા પ્રેરશે. એ રીતે ગ્રાહકોની અનાજની ખરીદી, અનાજના ઉત્પાદિત જથ્થાને અનુરૂપ થઈ રહેશે. આ મત પ્રમાણે સમય જતાં અર્થતંત્રમાં હમેશાં સમતુલા સ્થપાઈને જ રહે છે. કોઈ એક વસ્તુ કે સેવા માટે આ સાચું છે, પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે એ સાચું નથી. સમગ્ર અર્થતંત્રમાં પ્રવર્તતી બેકારી શ્રમ માટેની માંગ અને શ્રમના પુરવઠા વચ્ચેની અસમતુલા દર્શાવે છે, જે લાંબો સમય ટકી રહે છે. આ મર્યાદા છતાં આર્થિક વિશ્લેષણનો આરંભ સમતુલાની સ્થિતિથી કરવામાં આવે છે, કેમ કે, આર્થિક વિશ્લેષણ માટે એનાથી કોઈ જુદી સ્થિતિની ધારણા કરવાનું સગવડભરેલું નથી.

રમેશ ભા. શાહ