સબમરીન : સામાન્ય રીતે દરિયાના પાણીની સપાટીની નીચે અદૃશ્ય રીતે યુદ્ધના કામે લગાડવામાં આવતી સ્વચાલિત નૌકા. મોટા ભાગની સબમરીનોને મુખ્યત્વે બે પ્રકારની કામગીરી કરવાની હોય છે : (1) શત્રુપક્ષની સબમરીનો તથા અન્ય પ્રકારનાં જહાજો કે વહાણો પર હુમલા કરી તેમને નષ્ટ કરવાની કામગીરી; (2) શત્રુપક્ષના વિસ્તારો પર મિસાઇલ દ્વારા હુમલા કરવાની કામગીરી. સબમરીનનો આવિષ્કાર થયો, ત્યારથી બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત સુધી જે દરિયાઈ સંઘર્ષો થયા તેમાં ઉપયોગમાં લેવામાં આવેલી સબમરીનો મહદ્અંશે દરિયાના પાણીની સપાટી પરથી જ તેમને સોંપવામાં આવતી યુદ્ધને લગતી કામગીરી કરતી રહી હતી, કારણ કે એક જ સાથે સબમરીનો દરિયાના પાણીની સપાટી કરતાં નીચે બહુ લાંબા સમય સુધી પ્રાણવાયુના પુરવઠા વિના રહેવાની ક્ષમતા ધરાવતી ન હતી. માત્ર અનિવાર્ય બને ત્યારે જ સબમરીનો દરિયાના પાણીની સપાટીની નીચે જઈને યુદ્ધની કામગીરી પૂરી પાડતી હતી; પરંતુ હવે એવી સબમરીનો બનાવવામાં આવે છે જેમાં પ્રાણવાયુનો જરૂરી પુરવઠો અંતર્નિહિત તકનીક દ્વારા પાણીની અંદરથી જ પ્રાપ્ત કરી શકાતો હોય છે. બીજું, દરિયાના પાણીની સપાટીથી નીચે ગયેલી સબમરીન પાસે જૂના વખતમાં એવાં કોઈ સાધનો ન હતાં, જેના દ્વારા તેમાં સવાર નૌકાદળના સૈનિકો કે લડવૈયાઓ પાણીની સપાટી પરની કે તેનાથી ઉપરની ચીજવસ્તુઓ જોઈ શકે અને તેમને અંદરથી જ નિશાન બનાવી નષ્ટ કરી શકે. 1902માં અમેરિકાના સંશોધક સાયમન લેકે એવો પરિદર્શક (periscope) બનાવ્યો, જેની મદદથી દરિયાના પાણીની સપાટીની નીચે કામ કરતી સબમરીન પર સવાર નૌકાદળના સૈનિકો અંદરથી જ પાણીની સપાટી પરની કે તેની ઉપરની ચીજવસ્તુઓ જોઈ શકે છે અને તેમને નિશાન બનાવી શકે છે. તેના અરીસાના ઉપરના ભાગ પર સૂક્ષ્મદર્શક કાચ બેસાડવામાં આવેલો હોય છે, જેથી ઉપરની વસ્તુ અંદરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય. આમ પ્રાણવાયુના પુરવઠાની સમસ્યા તથા પાણીની અંદરથી સપાટી પરની કે તેનાથી ઉપરની ચીજવસ્તુઓ જોવાની સમસ્યાનું નિરાકરણ થતાં હવે જે સબમરીનો બનાવવામાં આવે છે તે દરિયાના પાણીની સપાટીની નીચે ઊંડે સુધી જઈને યુદ્ધને લગતી પોતાની કામગીરી અસરકારક રીતે કરી શકતી હોય છે.

દરિયાની સપાટી પર રહીને કામગીરી કરતી સબમરીનો દરિયાના પાણીને ભેદી ઊંચાં ઊઠતાં મોજાંઓનો સામનો કરી દ્રુતગતિથી આગળ દોડી શકે તે માટે તેમનો આગળનો નાક તરફનો ભાગ તીક્ષ્ણ કે અણીદાર બનાવવામાં આવે છે, જ્યારે પાણીની અંદરથી જે સબમરીનો કામગીરી કરતી હોય છે તેમનો આગળનો નાક તરફનો છેડો બુઠ્ઠો બનાવવામાં આવે છે. આ પ્રકારની સબમરીનો જાડી માછલીના આકારની હોય છે. આવી સબમરીનો મહિનાઓ સુધી દરિયાના પાણીની સપાટીની અંદરના ભાગમાં કોઈ પણ જાતની મુશ્કેલી વગર રહી શકતી હોય છે તથા પાણીની અંદર રહીને જ હજારો માઈલોનો પ્રવાસ પણ કરી શકતી હોય છે. યુદ્ધની કામગીરી વધુ ને વધુ અસરકારક અને સચોટ રીતે થઈ શકે તે માટે સબમરીનોના ક્ષેત્રમાં પણ અવનવાં સંશોધનો થઈ રહ્યાં છે, જેના પરિણામે જૂના જમાનામાં મૂળ લાકડાની બનેલી સબમરીનથી અદ્યતન ન્યૂક્લિયર ઊર્જા દ્વારા સંચાલિત સબમરીનના આવિષ્કાર સુધી પ્રગતિ સાધી શકાઈ છે. યુદ્ધશાસ્ત્રના નિષ્ણાતો તો એમ માને છે કે ન્યૂક્લિયર ઊર્જા દ્વારા ચાલતી સબમરીન એ જ સાચા અર્થમાં સબમરીન (submarine) કહેવાય, કારણ કે તે દરિયાના પાણીની સપાટીથી નીચે ગહેરાઈમાં જઈને યુદ્ધની કામગીરી સક્ષમ રીતે કરી શકવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. પરિણામે હવે સબમરીનોનો ઉપયોગ દરિયાના પાણીની ગહેરાઈમાં વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે વ્યાપક પ્રમાણમાં થવા લાગ્યો છે. જેમ તેમને ઊંડાણ સુધી અંદર લઈ જઈ શકાતું હોય છે તેવી જ રીતે તેમને જરૂર પડે ત્યારે પાણીની ઉપરની સપાટી પર પણ લઈ જઈ શકાય છે. અન્ય લડાયક જહાજોની સરખામણીમાં સબમરીનો ચાર બાબતોમાં વધારે લાભદાયી ગણાય છે : (1) તે વધારે ઝડપથી પાણીમાં આવાગમન કરી શકતી હોય છે. (2) તેમનું કદ નાનું હોવાથી શત્રુની નજરમાંથી તેમને સહેલાઈથી પાણીની અંદર સંતાડી શકાય છે. (3) તેમનું સંચાલન કરવા માટે ઓછા સૈનિકો અને કર્મચારીઓ(crew)ની જરૂર પડે છે અને એ રીતે તે અન્ય લડાયક જહાજો કરતાં ઓછી ખર્ચાળ હોય છે. (4) શત્રુ પર ઓચિંતો હુમલો કરવા માટે તે વધુ અનુકૂળ હોય છે. એટલા માટે જ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાને મિત્ર-રાષ્ટ્રોનાં જહાજો સામે સબમરીનોનો અસરકારક ઉપયોગ કર્યો હતો.

દ્વિતીય વિશ્વવિગ્રહમાં જર્મનીએ ઉપયોગમાં લીધેલી સબમરીન

અદ્યતન સબમરીનો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે : (1) શત્રુને શોધી કાઢી તેનો નાશ કરવા માટે બનાવવામાં આવેલી સબમરીનો જે સામાન્ય રીતે આશરે 75થી 110 મીટર જેટલી લંબાઈની હોય છે. હવે આ પ્રકારની સબમરીનો ન્યૂક્લિયર એન્જિનો દ્વારા ચલાવાય છે અને તેમના પર જળસુરંગ (ટૉર્પીડો) અને ગાઇડેડ મિસાઇલો ગોઠવાયેલાં હોય છે. (2) બૅલિસ્ટિક મિસાઇલોવાળી સબમરીનો જે આક્રમણ ન કરે ત્યાં સુધી દરિયાના ઊંડાણમાં છૂપેલી હોય છે અને તે 115થી 170 મીટર જેટલી લંબાઈની હોય છે. તેના પર સવાર સૈનિકો અને કર્મચારીઓની સંખ્યા આશરે 150 જેટલી હોય છે. તેના પર લાંબા અંતરની મિસાઇલો ગોઠવેલી હોવાથી તે દૂરથી દરિયાના કિનારા પરનાં ઠેકાણાં અને જહાજોને નિશાન બનાવી શકે છે. (3) લશ્કરની કાર્યવહી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સબમરીનો, જેમનો આવિષ્કાર કરવાનો જશ પ્રોફેસર જોસિયા ટક નામના સંશોધકને ફાળે જાય છે. આ ત્રીજા પ્રકારની સબમરીનો આવાગમન, સંશોધન (exploration) તથા બચાવકાર્ય માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ટક દ્વારા બનાવવામાં આવેલ આ પ્રકારની સર્વપ્રથમ સબમરીનનું નામ ‘પીસમેકર’ (શાંતિદૂત) રાખવામાં આવ્યું હતું, જે માત્ર નવ મીટર લંબાઈ ધરાવતી હતી.

આધુનિક સબમરીનોની બનાવટ એવી રીતે કરવામાં આવે છે કે જેથી તેમને પ્રાણવાયુનો પુરવઠો પ્રાપ્ત કરવા માટે વારંવાર દરિયાના પાણીની સપાટી પર આવવાની જરૂર પડતી નથી. પ્રાણવાયુ નિર્માણ કરવાની તકનીકનો સમાવેશ સ્વરૂપગત રીતે જ તેમનામાં કરવામાં આવેલો હોય છે. જૂની સબમરીનોમાં આ સગવડ ન હોવાથી તે પ્રાણવાયુ લેવા માટે પાણીની અંદરથી બહાર આવે એટલે તરત જ તે શત્રુનાં વિમાનો કે લડાયક જહાજોની નજરમાં આવી જતી હતી. તે ઉપરાંત, આધુનિક સબમરીનોના સંચલન માટે તેમના પર જે યંત્રો, અન્ય ઉપકરણો અને પંખા (propellers) ગોઠવાતાં હોય છે તેમનો અવાજ પણ ખૂબ જ ધીમો હોય છે; જેથી તેમને શોધી કાઢવી શત્રુ માટે મુશ્કેલ હોય છે.

આધુનિક સબમરીનોની ઉત્ક્રાંતિનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. ઈ. સ. 1620માં ડચ વૈજ્ઞાનિક કૉર્નેલિયસ વૉન ડ્રેબેલે આધુનિક સબમરીનનો આવિષ્કાર કરેલો અને ઇંગ્લૅન્ડના દરિયાકિનારે તેના કેટલાક પ્રયોગો તેમણે કરી બતાવેલા. તે પૂર્વે લાકડાની બનેલી સબમરીનો પ્રચલિત હતી, જે તદ્દન પ્રાથમિક સ્વરૂપની હતી. તેના પર યંત્રો ગોઠવવામાં આવતાં નહિ તથા દરિયાના પાણીની સપાટીની નીચે રહેવાની કે છૂપી રીતે શત્રુ પર આક્રમણ કરવાની તેમની ક્ષમતા તદ્દન ઓછી હતી. ડ્રેબેલ પછી લગભગ એક સદી દરમિયાન અન્ય ઘણાએ સુધારેલી સબમરીન બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ હાંસલ થઈ ન હતી. અમેરિકાની ક્રાંતિ (1775-83) દરમિયાન ડેવિડ બુશનેર નામના એક યુવાને 1776માં ‘ટર્ટલ’ નામની સબમરીન બનાવેલી જેના પર એક જ ચાલક સવાર થઈ શકતો અને જેણે તેના પરના પંખા (propellers) હાથથી ચલાવવા પડતા. ન્યૂયૉર્ક બંદર પર લંગર નાખીને ઊભા રાખવામાં આવેલા એક બ્રિટિશ લડાયક જહાજને ડુબાડવાની કામગીરી આ સબમરીન કરી શકી ન હતી. ત્યારબાદ ઈ.સ. 1800માં અમેરિકાના સંશોધક રૉબર્ટ ફ્લટને તાંબાના બાહ્ય આવરણવાળી સબમરીનનો આવિષ્કાર કર્યો, જેની લંબાઈ 6.4 મીટર જેટલી હતી. તેને ‘નૉટિલસ’ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રયોગમાં પણ અપેક્ષા મુજબ સફળતા મળી ન હતી. 1861-65 દરમિયાન અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળેલો જેના ગાળા દરમિયાન ‘હબલે’ નામ ધરાવતી સબમરીનને એક લડાયક જહાજને વિસ્ફોટકોની મદદથી જળસમાધિ આપવામાં સફળતા મળી હતી, પરંતુ તેની સાથે ‘હબલે’ સબમરીન પણ દરિયામાં ડૂબી હતી ! 1885-98ના ગાળામાં અમેરિકન વૈજ્ઞાનિક જૉન પી. હૉલંડે 16 મીટર લંબાઈ ધરાવતી, પેટ્રોલ દ્વારા ચલાવવામાં આવતી અને વીજળીની બૅટરીથી સુસજ્જ એવી એક સબમરીન બનાવી જે દરિયાના પાણીની અંદર છ નૉટિકલ માઈલ સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવતી હતી. વર્ષ 1900માં અમેરિકાના નૌકાદળે તે ખરીદી લીધી અને તેને નવું નામ ‘યુ.એસ.એસ. હૉલન્ડ’ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ અમેરિકન સંશોધક સાયમન લેક દ્વારા કેટલાક સુધારાવધારા સાથે નવી યુદ્ધનૌકા બનાવવાના પ્રયાસ હાથ ધર્યા અને 1902માં એક એવો પરિવીક્ષક બનાવ્યો જેની મદદથી દરિયાના પાણીની અંદરથી સપાટી પરની અને તેનાથી પણ ઉપરની ચીજવસ્તુઓ જોઈ શકાય. પરિણામે દરિયાના પાણીની અંદર ફરતી સબમરીનો પર સવાર સૈનિકો કે કર્મચારીઓ તેની મદદથી દરિયાની સપાટી પરના અને તેનાથી પણ ઉપરનાં જહાજોને નિશાન બનાવી શકે અને તેમનો નાશ પણ કરી શકે. ત્યારપછી વર્ષ 1908માં બ્રિટને ડિઝલથી ચાલતી વધારે શક્તિશાળી સબમરીનોનો આવિષ્કાર કર્યો જેનો બહોળો ઉપયોગ ત્યારપછીનાં યુદ્ધોમાં (1908-50) રોકટોક વિના કરવામાં આવ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન જર્મનીએ સબમરીનોનો વ્યાપક ઉપયોગ કરી યુદ્ધકૌશલમાં તેની વિનાશકારી ક્ષમતા અને અસરકારકતા પુરવાર કરી હતી. 1914માં યુ-9 નામની જર્મન સબમરીનોએ એક જ કલાકમાં બ્રિટનનાં ત્રણ લડાયક જહાજોને જળસમાધિસ્થ કર્યાં હતાં. તે ઉપરાંત યુ-બોટ તરીકે ઓળખાતી જર્મન સબમરીનોએ બ્રિટનને ઘેરો ઘાલી તે દેશનાં ઘણાં વ્યાપારી, પ્રવાસી અને લડાયક જહાજો ડુબાડ્યાં હતાં. મે, 1915માં જર્મનીએ ‘લુસિટાનિયા’ નામના બ્રિટિશ જહાજને ડુબાડી 1,200 જેટલા પ્રવાસીઓનો ભોગ લીધો હતો. જર્મન સબમરીનોએ અમેરિકાનાં જહાજોની પણ કફોડી હાલત કરી મૂકી હતી. આને કારણે જ 1917માં અમેરિકા જર્મની સામે યુદ્ધમાં સક્રિય રીતે ઊતર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં ‘વૂલ્ફ પૅકલ’ નામ ધરાવતી જર્મન યુ-બોટ ટોળકીઓએ મિત્ર-રાષ્ટ્રોનાં સેંકડો વ્યાપારી જહાજોને જળસમાધિ આપી હતી. ત્યારબાદ રડાર અને સોનાર ઉપકરણોનો આવિષ્કાર થતાં જર્મન યુ-બોટોનું નિશ્ચિત સ્થાન અને તેમની દિશા પકડી પાડવાનું શક્ય બન્યું. આ નવાં ઉપકરણોનો ઉપયોગ કરી પૅસિફિક સમુદ્રના વિસ્તારમાં અમેરિકાના નૌકાદળે જાપાનનાં અડધા ઉપરાંત વ્યાપારી જહાજો અને સાથોસાથ મોટી સંખ્યામાં લડાયક જહાજો નષ્ટ કર્યાં હતાં.

1954માં અમેરિકાના નૌકાદળે ‘નૉટિલસ’ નામ ધરાવતી સર્વપ્રથમ ન્યૂક્લિયર સબમરીન દરિયામાં ઉતારી આ ક્ષેત્રમાં એક વિલક્ષણ સિદ્ધિ હાંસલ કરી હતી. ન્યૂક્લિયર ઊર્જાથી ચાલતી આ અદ્યતન સબમરીનોએ વિશ્વના અન્ય દરિયાઈ પ્રદેશો ઉપરાંત બરફથી ઢંકાયેલા ઉત્તરધ્રુવના પ્રદેશોનો દરિયાની સપાટીની અંદરથી પ્રવાસ ખેડ્યો હતો. 1960માં અમેરિકાની ન્યૂક્લિયર સબમરીન ‘ટ્રાઇટનો’એ વિશ્વનો દરિયાઈ પ્રવાસ ખેડ્યો હતો. 84 દિવસના આ વિશ્વપ્રવાસ દરમિયાન આ સબમરીનોએ કુલ 66,800 કિમી.નો દરિયાઈ પ્રદેશ ખેડ્યો હતો. 1960ના દાયકાની શરૂઆતમાં જ અમેરિકાના નૌકાદળે એક વધુ સિદ્ધિ હાંસલ કરી હતી અને તે હતી બેલિસ્ટિક સબમરીનનો આવિષ્કાર. આવી સબમરીનો પર એકસાથે 16 જેટલા વધુ વિનાશકારી પોલારિસ મિસાઇલો ગોઠવવામાં આવતાં હોય છે અને તે દરેકના કોઠા(hull)માં ન્યૂક્લિયર શસ્ત્રોનો સંગ્રહ રાખવામાં આવતો હોય છે. તે અગાઉનાં પોલારિસ મિસાઇલો 1930 કિમી. જેટલા અંતર પરના નિશાનને તાકી શકતાં હતાં જ્યારે આ નવાં વધુ આધુનિક પોલારિસ મિસાઇલોની ક્ષમતા 4,500 કિમી. જેટલી થઈ હતી. ઇંગ્લૅન્ડે છેક 1967માં આ પ્રકારની સબમરીન પોતાના નૌકાદળમાં સામેલ કરી હતી. 1981માં અમેરિકાના નૌકાદળમાં ‘ઓહાયો’ વર્ગની સબમરીનો દાખલ કરવામાં આવી હતી, જે આકારમાં મોટી અને વધુ સંહારશક્તિ ધરાવતી હોય છે. 1990ના દાયકાથી સબમરીનો પર પોલારિસ મિસાઇલોને બદલે ટ્રાઇડન્ટ મિસાઇલો ગોઠવવામાં આવે છે, જે વધુ અદ્યતન ગણાય છે.

મહાસાગરમાં સક્રિય સબમરીન

1950-90ના ચાર દાયકાઓ દરમિયાન સોવિયેત સંઘના નૌકાદળ પાસે જે સબમરીનો હતી તે પશ્ચિમના દેશો પાસેની સબમરીનો કરતાં આકારમાં વધુ મોટી અને 8,000 કિમી. અંતર પરના નિશાનને અચૂક તાકી શકે તેટલી શક્તિશાળી હતી. તેની પાસે ન્યૂક્લિયર સબમરીનોનો કાફલો પણ ઘણો મોટો હતો. સમયાંતરે બ્રિટન, ફ્રાન્સ અને ચીન જેવા દેશોએ પણ પોતપોતાનાં નૌકાદળમાં ન્યૂક્લિયર સબમરીનો દાખલ કરી છે. ફૉકલૅન્ડ ટાપુને લગતા સંઘર્ષમાં બ્રિટને આર્જેન્ટિના સામે સૌથી પહેલી વાર ન્યૂક્લિયર સબમરીનોનો ઉપયોગ કર્યો હતો.

વિશ્વના વિકસિત દેશો પાસે સબમરીનોનો જે કાફલો છે તેની સરખામણીમાં ભારત જેવા વિકાસશીલ દેશ પાસેની સબમરીનોની સંખ્યા, તેનું કદ અને તેની સંહારક શક્તિ વામણી જ કહેવાય. એટલું જ નહિ, પરંતુ તેમાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો છે એવી પ્રમાણભૂત વિગતો બહાર આવી છે. દા.ત., 1994માં ભારત પાસે 19 સબમરીનો હતી, જે 2005માં માત્ર 16 જેટલી રહી ગઈ છે. આમ 1994-2005ના દાયકામાં તેમાં 18 ટકાનો ઘટાડો થયો છે. સોળ જેટલી સબમરીનોમાં બે સબમરીનો ત્રણ દાયકા જૂની છે અને તેથી યુદ્ધ દરમિયાન તે અસરકારક કામગીરી કરી શકશે નહિ એવો તે ક્ષેત્રના નિષ્ણાતોનો અભિપ્રાય છે. બાકીની 14 રશિયન બનાવટની સબમરીનોમાંથી માત્ર બે સબમરીનો એવી છે જે અસરકારક કામગીરી કરવાની ક્ષમતા ધરાવે છે. બાકીની 12 સબમરીનો 14થી 20 વર્ષ જૂની હોવાથી હવે પછીનાં પાંચથી દસ વર્ષમાં તેમને ભારતીય નૌકાદળમાંથી ક્રમશ: રદ (decommission) કરવી પડશે. તેમને સક્ષમ (refurnish) રાખવા માટે તેમના પર સમારકામ કરવામાં આવે તો તે અત્યંત ખર્ચાળ કામગીરી સાબિત થશે. તાત્પર્ય એ કે ભારતીય નૌકાદળમાં સબમરીનોનો સક્ષમ કાફલો જાળવી રાખવા માટે હવે પછીનાં દસ વર્ષમાં ઓછામાં ઓછી 12 જેટલી સબમરીનો અનિવાર્યપણે પ્રાપ્ત કરવાની રહેશે અને તો જ ભારતનો સાગરકિનારો અંશત: સુરક્ષિત ગણાશે. ડિસેમ્બર 2005માં ભારતના સંરક્ષણપ્રધાને આ હેતુ માટે રશિયાની મુલાકાત લઈ તે દેશની સરકાર સાથે વાટાઘાટો કરી હતી; પરંતુ આવી વાટાઘાટો ગુપ્ત સ્વરૂપની હોવાથી તેના પરિણામ વિશે અટકળો જ કરવાની રહે છે.

ભારત પાસે સંખ્યા અને સંહારક શક્તિની દૃષ્ટિએ સબમરીનોનો કાફલો અન્ય દેશોની સરખામણીમાં ભલે ઓછો હોય તોપણ ભારતીય નૌકાદળમાંના સબમરીનોના ચાલકદળનું મનોબળ અને ખમીર દાદ માગે તેવાં છે; દા.ત., 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની ઘોરી નામની એક સબમરીન કરાચીથી છેક દક્ષિણ ભારતના દરિયાકિનારા સુધી ગુપ્ત રીતે ચેન્નાઈ બંદર પર ઊભેલાં લડાયક જહાજો પર આક્રમણ કરવાના ઇરાદાથી પહોંચી ગઈ હતી, જેની ભાળ મેળવી ભારતીય નૌકાદળે દરિયાના પાણીના ઊંડાણમાં જ તેને જળસમાધિ આપી હતી. આ જ યુદ્ધમાં બીજી એક ઘટના પણ ભારતીય નૌકાદળની સબમરીન પર સવાર જાંબાજ સૈનિકોના પરાક્રમ અને ત્યાગનો દાખલો પૂરો પાડે છે. આ યુદ્ધમાં પાકિસ્તાનની એક સબમરીન ‘હંગોર’માંથી ભારતીય યુદ્ધજહાજ ‘ખુકરી’ પર ટૉર્પીડો દ્વારા હુમલો થયો હતો, તે સમયે પોતાનાં લડાયક જહાજનો મધદરિયે ત્યાગ કરી પોતાનો જીવ બચાવવાને બદલે ભારતીય યુદ્ધજહાજના કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ જહાજ પર સવાર અઢાર અધિકારીઓ અને 176 સૈનિકો સહિત જહાજ સાથે સ્વેચ્છાથી જળસમાધિ લીધી હતી. ભારતીય નૌકાદળના આ અજોડ અને અવિસ્મરણીય પરાક્રમની સ્મૃતિમાં દીવ બંદરના કાંઠા પર એક શહીદ સ્મારક ઊભું કરવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે