સફીર પ્રીતમસિંગ (જ. 12 એપ્રિલ 1916, મલિકપુર, જિ. રાવલપિંડી – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાતનો વ્યવસાય; સર્વોચ્ચ અદાલતના સિનિયર ઍડવોકેટ અને એ સાથે એમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમણે અગાઉ દિલ્હીની વડી અદાલતમાં જજ (1969-78) તરીકે કામગીરી બજાવેલી. પંજાબી લેખકોની સહકારી મંડળી લિમિટેડના તેઓ સ્થાપક પ્રમુખ રહ્યા.
તેમને મળેલાં સન્માનમાં પંજાબ સરકાર તરફથી શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ (1966), પંજાબી કલા કેન્દ્ર ઍવૉર્ડ (1981), કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1983) અને આસન મેમૉરિયલ ઍવૉર્ડ (1988) વગેરે મુખ્ય છે.
પંજાબી ઉપરાંત અંગ્રેજીમાં પણ તેઓ લખતા રહ્યા છે. તેમનાં પ્રકાશનોમાં ‘કટ્ટક કુંજન’ (1941), ‘રક્ત બુંદન’ (1946), ‘સરબ કલા’ (1966), ‘અપાર અનૂપ’ (1975), ‘પાપ દે સોહલે’ (1979), ‘અનિક બિસ્તર’ (1981), ‘સંજોગ વિજોગ’ (1982) એ તમામ કાવ્યસંગ્રહો તથા ‘પંજ નાટક’ (1939) એ એકાંકીસંગ્રહ; ‘મેરી સાહિત્યિક જીવની’ (1993), ‘મેરી રચનાપ્રક્રિયા’ (1993) એ બંને નિબંધસંગ્રહો અને ‘મેરી સાહિત્યિક સ્વિયા જીવની’ (1993 એ આત્મકથા ઉપરાંત અંગ્રેજી પ્રકાશન ‘એ સ્ટડી ઑવ્ ભાઈ વીરસિંગ્ઝ પોએટ્રી’ (1985) જેવા વિવેચનસંગ્રહ તેમજ ‘ધ ટેન્થ માસ્ટર’(1983)નો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી