સપ્તાંગ સિદ્ધાંત

January, 2007

સપ્તાંગ સિદ્ધાંત : રાજ્યનાં સાત અંગો હોવાની માન્યતા ધરાવતો પ્રાચીન, પૌરસ્ત્ય સિદ્ધાંત. રાજ્યની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો વિવિધ દર્શનોમાં જોવા મળે છે. પાશ્ચાત્ય દર્શનમાં રાજ્યની ઉત્પત્તિ અંગે દૈવી સિદ્ધાંત, બળનો સિદ્ધાંત, સામાજિક કરારનો સિદ્ધાંત, આંગિક સિદ્ધાંત તેમજ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પ્રચલિત છે. લગભગ તેવી જ રીતે પૌરસ્ત્ય દર્શનમાં પણ આવા વિચારો જોવા મળે છે, જેમાંનો એક જાણીતો સિદ્ધાંત તે સપ્તાંગ સિદ્ધાંત.

ઋગ્વેદના ‘પુરુષસૂક્ત’માં સપ્તાંગ સિદ્ધાંતનાં મૂળ જોવા મળે છે. મહાભારત, ‘શુક્રનીતિ’ વગેરે ગ્રંથોમાં પણ રાજ્યનાં સાત અંગોનું વર્ણન કરાયું છે. પરંતુ સપ્તાંગ સિદ્ધાંતરાજ્યનાં સાત અંગો-નો પ્રથમ અને સ્પષ્ટ ઉલ્લેખ કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં મળે છે. તેના મતે આ સાત અંગો – સપ્તાંગ વિના રાજ્યની રચના શક્ય નથી : 1. સ્વામી, 2. અમાત્ય, 3. જનપદ, 4. દુર્ગ, 5. કોષ, 6. બળ અને 7. મિત્ર. ડૉ. જયસ્વાલ અને ડૉ. દિક્ષિતારના મતે રાજ્યરૂપી શરીરનાં આ સાત અનિવાર્ય અંગો છે. તેમના મત મુજબ પ્રાચીન ભારતમાં આંગિક સિદ્ધાંત (organic theory) વિશેની સમજ પ્રવર્તતી હતી. પાશ્ચાત્ય દર્શનમાં જેમ હર્બર્ટ સ્પેન્સરે આંગિક સિદ્ધાંતની ઓળખ આપી તેમ ભારતમાં પણ વિવિધ પ્રાચીન ગ્રંથોએ સપ્તાંગ સિદ્ધાંત દ્વારા આંગિક સિદ્ધાંતનો પરિચય કરાવ્યો. મહાભારતમાં પણ રાજ્યનાં સપ્તાંગના નિર્દેશો પ્રાપ્ત થયેલા છે; જોકે તેમાં કૌટિલ્યની જેમ વિગતપૂર્ણ ચર્ચા કે લંબાણભર્યું વિવેચન જોવા મળતું નથી. ‘મનુસ્મૃતિ’ પણ આ અંગોને મહાભારત કે ‘અર્થશાસ્ત્ર’ કરતાં વધુ સ્પષ્ટ રીતે ઉલ્લેખે છે. તેનો ઉલ્લેખ મહાભારતના નિર્દેશોને મળતો આવે છે; પરંતુ તેનું વર્ણન ‘અર્થશાસ્ત્ર’ કરતાં થોડું ભિન્ન છે. ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ અને ‘વિષ્ણુસ્મૃતિ’ પણ રાજ્યનાં સાત અંગોનો નિર્દેશ કરે છે. કામન્દક નીતિસારમાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’નું પુનરાવર્તન થતું જણાય છે. તે આંગિક સિદ્ધાંતની સ્પષ્ટ રજૂઆત કરે છે. આમ, પ્રાચીન ભારતીય સાહિત્યના ગ્રંથોમાં રાજ્યની ઉત્પત્તિ અંગેની વિવિધ માન્યતાઓ જોવા મળે છે.

સપ્તાંગ સિદ્ધાંત મુજબ રાજ્યનાં સાત અંગોમાં પ્રથમ સ્થાને સ્વામી છે.

સ્વામી : પ્રાચીન સાહિત્યમાં ‘સ્વામી’ શબ્દપ્રયોગ રાજાના અર્થમાં વપરાયો છે. તેમાં ‘રાજન્’ મુખ્ય શબ્દ છે, જે ‘જ્રઋન્’ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે. તેનો અર્થ ‘ચમકવું’ તેવો થાય છે; પરંતુ મહાભારતના શાંતિપર્વમાં તેને ‘જ્રદ્વઋન્’ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો દર્શાવાયો છે, જેનો અર્થ છે ‘પ્રસન્ન કરવું’. એટલે કે પ્રજાને પ્રસન્ન કે સુખી રાખે તે રાજા.

રાજ્યનું સૌથી અગત્યનું પાસું રાજા હોવો તે છે; કારણ, રાજાવિહીન રાજ્યમાં ધર્મ, સંપત્તિ અને જીવન ટકી શકતાં નથી, બલ્કે નાશ પામે છે. આ સંદર્ભમાં રાજામાં સારા ગુણો હોય તે આવશ્યક છે. રાજા શક્તિમાન, દયાળુ, તપ અને જ્ઞાનવાળો, અનુભવી, સારા કુળવાળો, સત્યવાદી, મન અને દેહથી પવિત્ર, કાર્યપટુ, સ્મૃતિમાન, મેધાવી, સાહસી, ચતુર; તર્કશાસ્ત્ર, શાસનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ત્રણે વેદોમાં પ્રશિક્ષિત હોય. પરાક્રમી, ક્ષમાશીલ, દાનશીલ અને બીજાંઓની યોગ્યતા સમજી શકનાર હોય. નાસ્તિકતા, અસત્યવાદ, ક્રોધ, પ્રમાદ જેવા ચૌદ અવગુણોથી દૂર હોવો જોઈએ. આ ગ્રંથોમાં રાજાની શિક્ષા-દીક્ષા અંગે પણ વિસ્તારથી રજૂઆત છે. તેનાં કર્તવ્ય/ફરજો પર ભાર મુકાયો છે. રાજાનું પ્રધાન કર્તવ્ય પ્રજારક્ષણનું દર્શાવાયું છે. પ્રજારક્ષણના વિશિષ્ટ ઉત્તરદાયિત્વ સાથે વર્ણાશ્રમધર્મનું પાલન, દુષ્ટોને દંડ કરવો તેમજ ન્યાય ચૂકવવો વગેરે રાજાનાં મહત્ત્વનાં કર્તવ્ય મનાયાં હતાં.

‘અર્થશાસ્ત્ર’, મહાભારત અને અન્ય ગ્રંથોએ ‘પ્રજાના સુખમાં રાજાનું સુખ અને પ્રજાના હિતમાં રાજાનું હિત’ હોવાનો બહુ ઊંચો આદર્શ વ્યક્ત કર્યો છે. બહુ પ્રાચીન કાળથી રાજાઓને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરાયા છે. રાજ્યાભિષેકને અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સંસ્કાર ગણીને રાજાની સુરક્ષા તથા તેના ખાનપાનની બારીક વિગતો અંગે ચિંતા સેવવામાં આવી છે. આ અંગેનું સમગ્ર વર્ણન દર્શાવે છે કે સ્વામી અર્થાત્ રાજા સાત અંગોમાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે.

અમાત્ય : રાજ્યનાં સાત અંગોમાંનું આ બીજું અંગ છે. વર્તમાન પરિભાષા સંદર્ભે તેને સચિવ કે મંત્રી તરીકે ઓળખાવી શકાય. ‘અમાત્ય’ શબ્દનું આરંભિક રૂપ ઋગ્વેદમાં જોવા મળે છે. ‘આપસ્તમ્બધર્મસૂત્ર’માં તે તેના વાસ્તવિક અર્થમાં પ્રયોજાયેલો જોવા મળે છે. ઐતરેય બ્રાહ્મણ આ માટે ‘સચિવ’ શબ્દ પ્રયોજે છે. મહાભારતના શાંતિપર્વ, ‘રાજનીતિપ્રકાશ’, ‘અર્થશાસ્ત્ર’, ‘મનુસ્મૃતિ’ વગેરેમાં ‘સચિવ’ અને ‘અમાત્ય’ પરસ્પર સમાનાર્થી શબ્દો તરીકે પ્રયોજાયેલા છે.

સચિવોને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે : (અ) નિર્ણયો કે કાર્યોમાં સંમતિ આપનાર અને (આ) નિર્ણયો કાર્યાન્વિત યા અમલ કરનાર. આ બધા ગ્રંથો અમાત્ય યાને સચિવની આવશ્યકતાનું વર્ણન કરે છે. પ્રજા-કલ્યાણને પરમ લક્ષ્ય માનનાર શાસનકાર્ય આ કક્ષાના અમાત્ય વગર શક્ય હોતું નથી તેમ જણાવે છે.

અમાત્યની નિમણૂક માટે ધર્મ, અર્થ, કામ અને ભય કે પ્રલોભન આદિ દ્વારા પરીક્ષા લેવાનું સૂચન પણ વિવિધ ગ્રંથોમાં સામેલ છે. અમાત્ય અંગે યોગ્ય તપાસ રાખવાનું સૂચન કરાયું છે. અમાત્ય અંગેની તપાસપદ્ધતિ ‘ઉપધા’ તરીકે ઓળખાતી. કૌટિલ્ય મંત્રી અને અમાત્ય વચ્ચે તફાવત પાડી મંત્રીને અધિક ઉચ્ચ પદાધિકારી તરીકે રજૂ કરે છે. કૌટિલ્ય ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન – એમ ત્રણ શ્રેણીના મંત્રીઓ દર્શાવે છે. રામાયણમાં સુમન્ત્રને અમાત્ય યા સર્વશ્રેષ્ઠ મંત્રી તરીકે ઓળખાવાયા છે.

તેમની સંખ્યા અંગે મતભેદ છે તેમજ તે અંગે વિવિધ નિર્દેશ મળે છે. કૌટિલ્ય ‘આવશ્યકતાનુસાર’ની સંખ્યાની ભલામણ કરે છે. અમાત્યના ગુણોની યાદી પણ દર્શાવાયેલી છે. કૌટિલ્યનું મંતવ્ય છે કે તે દેશવાસી, ઉચ્ચ કુળનો, પ્રભાવશાળી, નિપુણ, દૂરદર્શી, સમજદાર, તેજ સ્મૃતિ ધરાવતો, જાગરૂક, સારો વક્તા, નિર્ભીક, મેધાવી તેમજ ચારિત્ર્ય, બળ, સ્વાસ્થ્ય અને સ્નેહવાન હોવો જોઈએ. હઠ, ચાંચલ્ય તેમજ ઈર્ષ્યાથી દૂર રહે તેવો હોવો જોઈએ. મોટાભાગના ગ્રંથોમાં દર્શાવાયેલ અભિપ્રાય અનુસાર મંત્રીપદ વંશપરંપરાગત હોય તે ઇચ્છનીય ગણાયું છે.

મંત્રીપરિષદ સાથે રાજાએ એકાંતમાં વિચારવિમર્શ કરવો હિતાવહ ગણ્યો છે, જેથી કોઈ વાત બહાર જાય નહિ. મંત્રીઓનાં કાર્યોની યાદીમાં શાંતિ અને યુદ્ધ, કરવેરા, સંરક્ષણ, ઉત્પાદન, નીતિમત્તા વગેરે દર્શાવવામાં આવ્યાં છે. આમ, મંત્રીનાં હોદ્દા અને કાર્યોની વિશદ છણાવટ કરવામાં આવી છે.

જનપદ : જનપદ રાજ્યનું ત્રીજું અંગ છે, જેને માટે ઋગ્વેદમાં ‘રાષ્ટ્ર’ શબ્દ પ્રયોજાયો છે. અમરકોશ અનુસાર ‘દેશ’, ‘રાષ્ટ્ર’ અને ‘જનપદ’ શબ્દો પર્યાયવાચી છે. રાષ્ટ્રની સમૃદ્ધિથી રાજાની સમૃદ્ધિ નીપજે છે. આથી ખનીજ અને ઉપજાઉ ભૂમિ રાજા પાસે હોવી જોઈએ. ફળફૂલ, પશુપાલન, પ્રચુર માત્રામાં જળ વગેરે ઉપલબ્ધ હોય તે જાનપદી સમૃદ્ધિ માટે ઇચ્છનીય ગણાયું છે. વળી રાષ્ટ્ર નાનાં ગામડાંઓથી બનેલું હોય, તેમજ ગામનો વિસ્તાર (રકબા) એકથી બે કોસનો હોય, જેથી તેની વચ્ચે પરસ્પર સહકાર સાધી શકાય. વૈદિક અને અન્ય સાહિત્યમાં જાનપદી સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓના ઉલ્લેખો મળે છે.

પ્રાચીન ભારતમાં આધુનિક સંદર્ભની રાષ્ટ્રીયતાની ભાવના દૃશ્યમાન થતી નથી (રાષ્ટ્રીયતા આ સંદર્ભમાં પાશ્ચાત્ય વિભાવના છે.); પરંતુ સારાયે દેશને એક છત્ર નીચે લાવવાની ચક્રવર્તી સમ્રાટની કલ્પના જોવા મળે છે. અલબત્ત, શાસકના પ્રજા પ્રત્યેના ઉત્તરદાયિત્વ અંગેની વ્યાપક સભાનતા પણ તે સાથે વણાયેલી છે.

કૌટિલ્યે રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિપત્તિઓ વિશે આખું પ્રકરણ ફાળવ્યું છે. આગ, પૂર, રોગ, દુર્ભિક્ષ, જંગલી પ્રાણીઓ તેમજ ભૂત-પ્રેત આદિથી રાષ્ટ્રની રક્ષા કરવાનું તે સ્પષ્ટ જણાવે છે.

પ્રજાને રાજાની સાથે રાખવા માટે સામ, દામ, ભેદ અને દંડને આવશ્યક લેખવામાં આવ્યા છે.

દુર્ગ (કિલ્લો યા રાજધાની) : દુર્ગ વડે રાજ્ય, રાજા, પ્રજા અને કોશ રક્ષાય છે તેથી તે રાજ્યનું એક અગત્યનું અંગ છે. કૌટિલ્ય ચાર પ્રકારના દુર્ગનો ઉલ્લેખ કરે છે. તે મુજબ ઔદક (જળથી સુરક્ષિત દુર્ગ), પાર્વત (પહાડ યા ગુફાવાળો દુર્ગ), ધાન્વન (મરુભૂમિમાં આવેલો દુર્ગ) અને વનદુર્ગ (જ્યાં ઝાડઝાંખરાં અને લીલોતરી હોય) જરૂરિયાત મુજબ રચાવા જોઈએ. આ પ્રત્યેક પદ્ધતિનો દુર્ગ યોગ્ય સંદર્ભમાં મહત્ત્વ ધરાવે છે. ‘મનુસ્મૃતિ’ અને મહાભારત (શાંતિપર્વ) જેવા ગ્રંથો અન્ય છ પ્રકારના દુર્ગ બતાવે છે.

રાજધાની આવા દુર્ગોથી સુરક્ષિત હોવી જોઈએ, જેથી પ્રજાના વિવિધ વર્ગોની સંપત્તિનું તેમજ રાજ્યના કોશનું રક્ષણ કરી શકાય.

કોષ : ‘કોષ’ અહીં ‘સંપત્તિ’ અને ‘નાણાં’નો અર્થ ધરાવે છે. રાજ્યનો કોષ યા તિજોરી નાણાંથી ભરપૂર રહેવાં જોઈએ તેવો મત કૌટિલ્ય ધરાવે છે. તેના મતે ખાલી કોષ ધરાવતું રાજ્ય પ્રજાજનોને ચૂસવા લાગે છે અને શોષણ પેદા કરે છે. આથી કોષ પર શાસકે સૌપ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેના મતે કોષ રાજ્યરૂપી વૃક્ષનાં મૂળિયાં ધરાવે છે. કોષમાં આવક અને ખર્ચનો હિસાબ સ્પષ્ટ હોવો જોઈએ.

કોષ ભરવાનું મુખ્ય સાધન કરવેરા છે. જોકે રાજા મનમાન્યા કે મુનસફી અનુસારના કરવેરા ઉઘરાવી શકે નહિ. કરવેરા બે બાબતો પર આધાર રાખતા : એક, ચીજવસ્તુઓના મૂલ્ય પર અને બે, સમય પર. આપત્તિના સમયે ઊંચા કરવેરા નાખવા આવશ્યક હોય છે. વળી કરદાતાને કર હળવા લાગે તે રીતે નાંખવા જોઈએ, કરવેરા કઠિનાઈ વગરના હોવા જોઈએ. કૌટિલ્યના મતે મધમાખી જેમ થોડો થોડો રસ ચૂસીને મધનો સંગ્રહ કરે છે તેમ થોડો થોડો કર લઈને રાજ્યે તેનો કોષ સંચિત કરવો જોઈએ. આ અંગે ખૂબ વિગતે કૌટિલ્યે અનેક સલાહસૂચનો આપ્યાં છે.

બળ (સેના/દંડ) : બળ યા શક્તિ કે તાકાત રાજ્યનું અગત્યનું ઘટક છે. ઋગ્વેદમાં આ સંદર્ભમાં ‘સેનાની’ શબ્દ પ્રયોજાયો છે. તેમાં અસ્ત્ર, શસ્ત્ર અને યુદ્ધોનાં વર્ણન ઉપરાંત ધનુષ, બાણ, કવચ, પ્રત્યંચા, તૂણીર, સારથિ, રથ વગેરે વિવિધ આયુધોની ચર્ચા આવરી લેવામાં આવી છે.

બળ કે સેના પ્રજારક્ષણનું પ્રમુખ સાધન હતું. બળવાન સૈન્યને કારણે પ્રજા, મિત્રો અને વ્યાપારીઓની સંપત્તિ તેમજ રાજ્યની સીમાઓ સુરક્ષિત રહેતાં. શક્તિશાળી સૈન્યને કારણે સંપત્તિ અને સીમાઓની વૃદ્ધિ શક્ય બનતી.

સેના હસ્તી, અશ્વ, રથ અને પદાતિથી બનતી હતી. કામન્દક આ ચાર ઉપરાંત મંત્ર (નીતિ) અને કોષને સેના માટે આવશ્યક ગણાવે છે. શાંતિપર્વ આ સંદર્ભમાં આવાગમનના માર્ગોને આવશ્યક બાબત ગણે છે. ટૂંકમાં વિશાળ સેના રાજ્યનું આવશ્યક અંગ હતી. સેનાની વ્યવસ્થા, પદાધિકારીઓ, આક્રમણ, પ્રસ્થાન વગેરે અંગે વિશદ વર્ણન વિવિધ ગ્રંથોમાં જોવા મળે છે.

મિત્ર (સુહૃદ) : રાજ્યનું અન્ય આવશ્યક તત્ત્વ સારો મિત્ર છે. ‘મનુસ્મૃતિ’ના મતે અટલ મિત્ર મેળવીને રાજ્ય સોનાથી પણ વધુ સમૃદ્ધ બની શકતું. હિતેચ્છુ મિત્ર રાજાને સારા કામમાં સમર્થન પૂરું પાડી તેને અડીખમ દૃઢતા પૂરી પાડવામાં સહાયક બનતો. એ જ રીતે અહિતકારી મિત્ર રાજ્યનો જાન લેવા દુશ્મન પુરવાર થતો.

આ સંદર્ભમાં વિજયી રાજાનાં કર્તવ્યો, રાજ્યભાગની પ્રાપ્તિ, સોનું, ચાંદી, ઘોડાર અને શસ્ત્રાગારનાં સાધનોની પ્રાપ્તિ વગેરે મહત્ત્વનાં બની રહેતાં.

આમ, રાજ્યનાં આવશ્યક અંગોમાં મિત્રને સ્થાન આપીને વાસ્તવમાં વિદેશ-સંબંધોની પ્રાથમિક ચર્ચા વિવિધ ગ્રંથોએ આવરી લીધી છે.

રાજ્યની આ પ્રાચીન ભારતીય વિચારધારા સપ્તાંગ સિદ્ધાંત દ્વારા મૂળભૂત અને આવશ્યક રાજકીય પાસાંઓ પર પ્રકાશ પાડે છે. અલબત્ત, તેમાં ધર્મનો રંગ ચડેલો હતો. વળી નૈતિકતાના ધોરણે આ સર્વ બાબતો સ્થાન પામતી. તે પછીનાં બે હજાર વર્ષો સુધી નવા રાજકીય વિચારોનો ઉદ્ભવ કે માવજત થયાં નથી. પરિણામે પ્રાચીન પરિપાટીનું માત્ર અનુસરણ કરાયું, એથી રાજ્ય અને રાજકીય વિચારો જીવંતપણાને બદલે સ્થગિત બની ગયાં. રાજા અને સામાન્ય પ્રજા વચ્ચે ન તો કોઈ શક્તિશાળી વિરોધી વર્ગ હતો કે ન હતી કોઈ શક્તિશાળી ધાર્મિક સંસ્થા; એથી રાજ્યની સંસ્થા જીવંત રહી પરંતુ નિષ્પ્રાણ બની રહી. તેનો ધર્મ અને નૈતિક મૂલ્યો સાથેનો અનુબંધ તૂટતાં પ્રજાકલ્યાણને સ્થાને આતતાયીપણું પાંગરતું રહ્યું, જેથી રાજાશાહીની શાસનવ્યવસ્થામાં અનેક દોષો પેદા થતાં તે બંધિયાર રાજકીય વ્યવસ્થામાં પરિણમી. કાળક્રમે તેમાં અનેક દોષો પેદા થતાં શાસનવ્યવસ્થાનું સમગ્ર શાસ્ત્ર ગતાનુગતિક બની રહ્યું.

રક્ષા મ. વ્યાસ