સપ્તવાર્ષિક યુદ્ધ (૧૭૫૬-૧૭૬૩)

January, 2007

સપ્તવાર્ષિક યુદ્ધ (1756-1763) : યુરોપના મુખ્ય તથા શક્તિશાળી દેશો વચ્ચે સાત વર્ષ લડાયેલું યુદ્ધ. તે 7 વર્ષ સુધી ચાલ્યું એટલે ઇતિહાસમાં સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે પ્રસિદ્ધ બન્યું. પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિકે ઑસ્ટ્રિયા પાસેથી સાઇલેશિયા પ્રાંત પડાવી લીધો. ઑસ્ટ્રિયાની રાણી મેરિયા થૅરેસા એ પ્રાંત ફ્રેડરિક પાસેથી પાછો મેળવવા ઇચ્છતી હતી. તેથી તેણે રશિયાની રાણી ઇલિઝાબેથ સાથે સંધિ કરી. એ પછી મેરિયા થૅરેસાએ ફ્રાન્સ સાથે પણ સંધિ કરી. બીજી તરફ પ્રશિયાએ બ્રિટન સાથે સંધિ કરી. આમ, યુરોપના દેશો બે શક્તિશાળી છાવણીઓમાં વહેંચાઈ ગયા.

યુદ્ધની શરૂઆતમાં એટલે કે ઑગસ્ટ 1756માં પ્રશિયાના મહાન ફ્રેડરિકે જર્મનીના સેક્સની રાજ્ય પર હુમલો કરી તે જીતી લીધું. તેની સામે ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, રશિયા અને સ્વીડનનું સંગઠન સધાયું. છતાં ફ્રેડરિકે સેક્સનીના રોઝબૅક નામના સ્થળે નવેમ્બર 1757માં ફ્રેન્ચ લશ્કરને હરાવ્યું. એક મહિના પછી એણે સાઇલેશિયામાં લ્યુથેન નામના સ્થળે ઑસ્ટ્રિયન લશ્કરને પરાજય આપ્યો. 1758માં બ્રિટનના વિલિયમ પિટ્ટે ફ્રાન્સને હરાવ્યું અને પ્રશિયાને વધારે મદદ આપવા માંડી. પ્રશિયાનો ફ્રેડરિક સતત લડાઈઓથી થાક્યો હતો. પરંતુ એના વિરોધી દેશો એનો લાભ લઈ સંયુક્ત આક્રમણ કરવામાં નિષ્ફળ ગયા. 1762માં રશિયાની ઝરિના ઇલિઝાબેથનું અવસાન થયું અને પિટર-3 રશિયાનો ઝાર બન્યો. એણે ઑસ્ટ્રિયાનો પક્ષ છોડીને પ્રશિયાના મહાન ફ્રેડરિક સાથે સંધિ કરી. તેથી ફ્રેડરિકની સ્થિતિ મજબૂત બની. 1763ની શરૂઆતમાં થયેલી સંધિથી આ યુદ્ધનો અંત આવ્યો અને સાઇલેશિયાનો પ્રાંત પ્રશિયાની સત્તા નીચે રહ્યો. એ પછી 1763ની 10મી ફેબ્રુઆરીએ થયેલી પૅરિસની સંધિથી ફ્રાન્સ, સ્પેન અને ગ્રેટ બ્રિટન વચ્ચેના પ્રાદેશિક વિવાદોનું સમાધાન કરવામાં આવ્યું.

યુરોપમાં આ યુદ્ધ મુખ્યત્વે પ્રશિયા અને ઑસ્ટ્રિયા વચ્ચે લડાયું. પરંતુ આ યુદ્ધ દરમિયાન ઉત્તર અમેરિકામાં બ્રિટન તથા ફ્રાન્સ વચ્ચે લડાઈઓ થઈ, જેમાં ફ્રાન્સનો પરાજય થતાં તેણે ઉત્તર અમેરિકામાંનાં બધાં સંસ્થાનો તથા સમુદ્રો પરનું પ્રભુત્વ બ્રિટનને સોંપવાં પડ્યાં. એવી જ રીતે આ યુદ્ધ દરમિયાન ભારતમાં પણ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ત્રીજો કર્ણાટક-વિગ્રહ થયો, જેમાં ફ્રાન્સનો પરાજય થતાં બ્રિટન ભારતમાં બિનહરીફ તથા સર્વોપરિ બન્યું. બંગાળમાં ફ્રેન્ચોને લશ્કર રાખવાની મનાઈ કરવામાં આવી અને તેઓને માત્ર વેપારીઓ તરીકે રહેવાની છૂટ આપવામાં આવી. આમ, સપ્તવાર્ષિક યુદ્ધને અંતે ફ્રાન્સે ઉત્તર અમેરિકા અને ભારતમાંનાં એનાં સંસ્થાનો ગુમાવ્યાં અને આ દેશોમાં બ્રિટનનું સામ્રાજ્ય વધારે વિશાળ બન્યું.

મુગટલાલ પોપટલાલ બાવીસી