સપ્તતીર્થ : સાત નગરીઓનાં તીર્થ. તીર્થ એટલે પાપનો નાશ કરનારું અને પુણ્ય આપનારું સ્થળ. નદી, તળાવ, નગરી, પર્વત, ઘાટ, દેવમંદિર, ગુરુ, બ્રાહ્મણ વગેરે તમામને ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે છે, તેથી તીર્થની સંખ્યા કરોડોની છે.
પુરાણો અનુસાર સાત મોક્ષદાયિની નગરીઓને તીર્થ સમાન ગણવામાં આવી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિ અને દ્વારવતી. (ગરુડપુરાણ, પ્રેતખંડ 34/56)
એ જ નગરીતીર્થો સ્કંદપુરાણ, કાશીખંડ, 237માં પણ મળે છે.
(1) અયોધ્યા : ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ જિલ્લામાં સરયૂ (હાલની ઘાઘરા) નદી પર આવેલ અયોધ્યા સાત પવિત્ર નગરીઓમાંની એક છે. આ નગરી એ ઋતુપર્ણ રાજા અને રામની રાજધાની હતી. કોસલ દેશમાં સરયૂ નદીને કાંઠે આવેલ અયોધ્યા નગરી બાર યોજન લાંબી અને ત્રણ યોજન પહોળી હોવાનો ઉલ્લેખ રામાયણ (1/5/57)માં આવે છે. સોળ મહાજનપદોમાંના એક કોસલ જનપદના ઉત્તર અને દક્ષિણ કોસલ પ્રદેશને સરયૂ નદી વિભાજિત કરે છે. રઘુવંશ (6/71; 9/1) અનુસાર અયોધ્યા ઉત્તર કોસલની રાજધાની હતી. એમાં સાકેત અને અયોધ્યાને એક જ ગણાવેલ છે. ટૉલેમીએ એને ‘સાગેદ’ કહી છે. પતંજલિના મહાભાષ્યમાં યવને (મિનેન્ડરે) સાકેતને ઘેરી લીધું એવો ઉલ્લેખ છે (3/2/111). કાશિકા(પાણિનિ – 5/1/116 ઉપર વૃત્તિ)માં સાકેતમાં પણ પાટલિપુત્રની જેમ ખાઈ હોવાનો ઉલ્લેખ છે. અયોધ્યા જૈનોનું પણ તીર્થસ્થળ મનાય છે.
(2) મથુરા : મથુરા સાત પવિત્ર નગરીઓમાંની એક હતી. એ પ્રાચીન શૂરસેન જનપદની મુખ્ય નગરી હતી. ઐતિહાસિક પ્રમાણોથી ઈ.પૂ. 5મી-6ઠ્ઠી સદીમાં મથુરા એક સમૃદ્ધ નગરી હોવાનું જણાય છે. અહીં હિંદુ ધર્મ પ્રચલિત હતો. આગળ જતાં બૌદ્ધ અને જૈન ધર્મનું પ્રાધાન્ય જોવા મળે છે. 11મી સદીમાં ફરી બ્રાહ્મણ ધર્મનું વર્ચસ્ જોવા મળે છે. લગભગ બે હજાર વર્ષથી પણ વધુ સમયથી મથુરામાં કૃષ્ણપૂજા અને ભાગવત-ધર્મ કેન્દ્રસ્થાને હતાં. વરાહપુરાણ(અ. 152-178)માં મથુરાની મહત્તા અને એનાં ઉપતીર્થો વિશે એક હજાર જેટલા શ્લોક મળે છે. ભાગવતપુરાણ (સ્કંધ 10) અને વિષ્ણુપુરાણ(5-6)માં કૃષ્ણ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, કૃષ્ણલીલા વિશે ઘણું લખાયું છે. વરાહપુરાણ (152/8-10) અનુસાર મથુરા વિષ્ણુનું પ્રસિદ્ધ ક્ષેત્ર છે અને મુક્તિદાયક છે. પદ્મપુરાણ (4/69/12)માં ‘માથુરક’ નામ વિષ્ણુને અત્યંત પ્રિય હોવાનું જણાવ્યું છે. હરિવંશ(વિષ્ણુપર્વ, 57/23)માં મથુરાનું સુંદર વર્ણન કરેલું છે. એ મધ્ય દેશનું કકુદ (અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન) છે, જ્યાં લક્ષ્મીનો નિવાસ છે, જે પૃથ્વીનું શૃંગ છે, જે ખૂબ ધન-ધાન્યથી પૂર્ણ છે. વરાહપુરાણ અને નારદીય સૂક્તમાં મથુરા અને એની આસપાસનાં તીર્થોનું વર્ણન કર્યું છે. વૃંદાવન યમુના-કિનારે મથુરાથી પાંચ યોજન દૂર છે. એ કૃષ્ણની લીલાભૂમિ હતી. ગોવર્ધન મથુરાથી પશ્ચિમમાં લગભગ બે યોજન દૂર હતો. 16મી સદીમાં વૃંદાવન ચૈતન્ય ભક્તિ-સંપ્રદાયનું કેન્દ્ર હતું. શ્રી વલ્લભાચાર્યે પ્રાચીન ગોકુળના જેવું નૂતન ગોકુળ મહાવનથી એક માઈલ દૂર પશ્ચિમમાં વસાવ્યું હતું.
(3) માયાનગરી (હરિદ્ધાર) : હરિદ્વારને ગંગાદ્વાર કે માયાપુરી કહે છે. ઉત્તરપ્રદેશના સરહાનપુર જિલ્લામાં ગંગાના કિનારે આવેલું પવિત્ર નગર છે. ગંગાદ્વારમાં હજારો લોકો સ્નાન કરે છે. પદ્મપુરાણ (4/17/66) અનુસાર માંડવ્ય ઋષિએ આ નગરીમાં તપ કર્યું હતું. અલબિરૂનીએ હરિદ્વારને માટે ગંગાદ્વાર નામ પ્રયોજ્યું છે. પદ્મપુરાણ (4) અને સ્કંદપુરાણ(4)માં હરિદ્વારનો ઉલ્લેખ આવે છે. નારાયણ ભટ્ટકૃત ‘ત્રિસ્થલીસેતુ’માં અને બ્રહ્માંડપુરાણમાં ‘કુરુક્ષેત્ર, પ્રયાગ, ગંગાસાગરસંગમ, પુષ્કર, ગંગાદ્વાર અને નૈમિષારણ્યમાં શક્તિપૂર્વક જે દાન કરવામાં આવે છે તે દાન અનંતકાલ સુધી ફળ આપે છે’ એવો ઉલ્લેખ કરેલો છે.
(4) કાશી : હિંદુઓ માટે આ નગર અતૂટ ધાર્મિક પવિત્રતા, પુણ્ય અને વિદ્યાનું પ્રતીક મનાય છે. સદીઓથી કાશીનાં પાંચ નામ પ્રસિદ્ધ છે : વારાણસી, કાશી, અવિમુક્ત, આનંદકાનન અને શ્મશાન કે મહાશ્મશાન. કાશી ઇંટ્ટન્ ધાતુ – ચમકવું પરથી બનેલ છે. સ્કંદપુરાણ (કાશીખંડ, 26/67) અનુસાર કાશી નિર્વાણના માર્ગમાં પ્રકાશ ફેલાવે છે. અહીં અનિર્વચનીય જ્યોતિ અર્થાત્ ભગવાન શિવ પ્રકાશમાન છે. આ નગર વરણા અને અસિ નામની બે ધારાઓની વચ્ચે છે અને એ એની ઉત્તર-દક્ષિણ સીમાઓ બનાવે છે. ઘણાં પુરાણો અનુસાર આ પવિત્ર સ્થળનું નામ ‘અવિમુક્ત’ એટલા માટે પડ્યું કે શિવે ક્યારેય એનો ત્યાગ કર્યો નહોતો કે છોડ્યું નહોતું. (સ્કંદપુરાણ, કાશી. 26/27). લિંગપુરાણ(પૂર્વાર્ધ, 92/143)માં એક જુદી વ્યુત્પત્તિ આપેલી છે. ‘અવિ’નો અર્થ પાપ થાય છે. એટલે અવિમુક્ત = પાપમાંથી મુક્ત.
મહા. વનપર્વ (84/79-80) અનુસાર ‘અવિમુક્ત’(કાશી)માં આવનાર અને રહેનાર તીર્થસેવી વ્યક્તિ વિશ્વેશ્વરનું દર્શન કરી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. ત્યાં જો મૃત્યુ પામે તો મોક્ષ પામે છે. માટે તેને ‘અવિમુક્ત’ નામ આપ્યું છે.
સ્કંદપુરાણ(કાશીખંડ, 32/111)માં જણાવ્યા અનુસાર વારાણસી શિવને ખૂબ પ્રિય હતી અને એ એમને આનંદ આપતી. આથી એ નગરી શિવનું સદા ‘આનંદકાનન’ (આનંદવન) હતી. લોકોનો એવો વિશ્વાસ હતો કે કાશી મનુષ્યને સંસારમાંથી મુક્તિ અપાવે છે અને ધાર્મિક હિંદુઓની તીવ્રેચ્છા કાશીની પવિત્ર માટીમાં લીન થઈ જવાની હોય છે. તેમનો અગ્નિદાહ પણ ગંગાના તટ પર મણિકર્ણિકા ઘાટના શ્મશાનમાં અપાય છે. આથી આ નગરીને ‘શ્મશાન’ પણ કહે છે. ‘શ્મ’નો અર્થ સ્કંદપુરાણમાં ‘શબ’ અને ‘શાન’નો અર્થ ‘શયન’ કે ‘પૃથ્વી પર પડી જવું’ એવો કરવામાં આવ્યો છે. પ્રલય-સમયે મહાન તત્ત્વ પણ શબની જેમ અહીં પડી જાય છે. આથી આ સ્થાન ‘મહાશ્મશાન’ તરીકે પણ ઓળખાય છે.
ચીની યાત્રી હ્યુ-એન-શ્વાંગના વર્ણન અનુસાર 7મી સદીમાં બનારસમાં એકસો મંદિર હતાં. એમાં વારાણસીના રક્ષક દેવ વિશ્વેશ્વર-વિશ્વનાથનું મંદિર સર્વોચ્ચ અને પવિત્ર મનાતું. મત્સ્યપુરાણ(185/68-69)માં જણાવ્યા અનુસાર ‘આનંદકાનન’(કાશી)માં વિશ્વેશ્વરનાં પાંચ પ્રમુખ તીર્થ હતાં : દશાશ્વમેધ, લોલાર્ક, કેશવ, બિન્દુમાધવ અને મણિકર્ણિકા. આધુનિક કાલમાં કાશીનાં પાંચ પ્રમુખ તીર્થોમાં અસિ અને ગંગાનો સંગમ, દશાશ્વમેધ ઘાટ, મણિકર્ણિકા ઘાટ, પંચગંગા ઘાટ અને વરણા-ગંગાના સંગમનો સમાવેશ થાય છે.
તામ્રપત્રો અને શિલાલેખોના ઉલ્લેખો પરથી પણ વારાણસીમાં લગભગ એક હજાર વર્ષોથી તીર્થઘાટો હોવાનું નિશ્ચિત થાય છે. કનોજના ગઢવાલ રાજા લોગના ઈ. સ. 1097થી 1187 સુધીનાં 55 જેટલાં તામ્રપત્ર અને ત્રણ શિલાલેખ મળે છે. આ વિષ્ણુભક્ત રાજાએ આદિકેશવ ઘાટ ઉપર કેટલાંક દાન આપ્યાં હોવાના ઉલ્લેખો એમના અભિલેખોમાં આવે છે. રાજા ચંદ્રાદિત્યદેવે આદિકેશવ ઘાટ પર ગંગા-વરણાના સંગમ પર સ્નાન કરીને સં. 1156માં અક્ષય તૃતીયાના દિવસે 30 ગામ 500 બ્રાહ્મણોને આપ્યાં. સમ્રાટ ગોવિંદચંદ્રદેવે કાશીમાં કપાલમોચન ઘાટ પર સ્નાન કરીને બ્રાહ્મણને એક ગાયનું દાન કર્યાનો ઉલ્લેખ ઈ. સ. 1120ના અભિલેખમાં આવે છે.
લિંગપુરાણ, પદ્મપુરાણ, કૂર્મપુરાણ અને સ્કંદપુરાણના કાશીખંડમાં કાશીનાં ઘણાં શિવલિંગો અને તીર્થોનો નિર્દેશ આવે છે. કાશી.(73/32-36)માં દર્શાવેલ ચૌદ મહાલિંગોનાં નામ આ પ્રમાણે છે : ઓંકાર, ત્રિલોચન, મહાદેવ, કૃત્તિવાસ, રત્નેશ્વર, ચંદ્રેશ્વર, કેદાર, ધર્મેશ્વર, વીરેશ્વર, કામેશ્વર, વિશ્વકર્મેશ્વર, મણિકર્ણીશ, અવિમુક્ત અને વિશ્વેશ્વર.
કાશી સાથે વિદ્યાની મહાન પરંપરા જોડાયેલી છે. પ્રાચીન કાળથી આ નગરી વિદ્યાની પ્રથમ પીઠ રહી છે. હિંદુ શાસ્ત્રગ્રંથોની ઉત્તમ પાઠશાળાઓ પણ અહીં પ્રસિદ્ધ હતી.
(5) કાંચી (હાલનું કાંજીવરમ્) : કાંચી ભારતની સાત પવિત્ર નગરીઓમાંની એક છે અને દક્ષિણ ભારતનાં અતિ પ્રાચીન નગરોમાં મુખ્ય છે. હ્યુ-એન-શ્વાંગની નોંધ અનુસાર કાંચી 30 લી (લગભગ સાડા પાંચ માઈલ) વિસ્તારમાં હતી અને એની આસપાસ આઠ દેવમંદિર હતાં. ઘણા નિર્ગ્રન્થ લોકો ત્યાં રહેતા હતા. પતંજલિના મહાભાષ્ય(વાર્ત્તિક 26, પાણિનિ 4/2/104)માં પણ કાંચીપુરક(કાંચીના નિવાસી)નો ઉલ્લેખ છે. પલ્લવ રાજાઓના ઘણા અભિલેખો કાંચીના પ્રાચીન ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. સમુદ્રગુપ્ત(ઈ.સ. 350-370)ની પ્રયાગ-પ્રશસ્તિમાં સમુદ્રગુપ્તની રાજકીય સિદ્ધિઓના વર્ણનમાં આ ગુપ્ત સમ્રાટે કાંચીના વિષ્ણુગોપને હરાવ્યાનો ઉલ્લેખ છે.
પૌરાણિક ઉલ્લેખોમાં બ્રહ્માંડપુરાણમાં કાશી અને કાંચી એ બંનેને ભગવાન શિવનાં બે નેત્રો ગણાવ્યાં છે. કાંચી એ પ્રસિદ્ધ વૈષ્ણવ ક્ષેત્ર છે; પરંતુ અહીં શિવનું પણ સાન્નિધ્ય છે. બાર્હસ્પત્ય સૂત્ર(3/124)માં કાંચી એક વિખ્યાત શાક્ત ક્ષેત્ર હોવાનો અને દેવી ભાગવત(7/38/8)માં કાંચી અન્નપૂર્ણાદેવીનું સ્થાન હોવાનો ઉલ્લેખ છે. વામનપુરાણ(12/50)માં જણાવ્યું છે, ‘પુષ્પોમાં જાતી (ચમેલી), નગરોમાં કાંચી, નારીઓમાં રંભા, આશ્રમોમાં ગૃહસ્થ, પુરોમાં કુશસ્થલી અને દેશોમાં મધ્ય દેશ સર્વશ્રેષ્ઠ છે.’ કાંચી મંદિરો અને તીર્થોથી પરિપૂર્ણ છે, જેમાં અત્યંત પ્રસિદ્ધ પલ્લવ રાજા રાજસિંહ દ્વારા નિર્મિત કૈલાસનાથનું શિવમંદિર અને વિષ્ણુનું વૈકુંઠ પેરુમલ મંદિર પ્રસિદ્ધ છે. પ્રથમ મંદિરમાં 1000 સ્તંભ છે. અહીં એક પ્રાચીન જૈન મંદિર પણ છે.
(6) અવન્તિ : દેશસૂચક અને નગરસૂચક નામ છે. અવન્તિ દેશ(માળવા)ની રાજધાની ઉજ્જયિની નગરી છે. એને અવન્તિ કે અવન્તિકા પણ કહેવામાં આવતી. આ નગરી વિશાલા, અમરાવતી, કુશસ્થલી, કનકશૃંગા, પદ્માવતી, કુમુદ્વતી, ઉજ્જયિની વગેરે નામોથી ઓળખાતી. મહાક્ષત્રપ રુદ્રદામાના ગિરનાર શૈલલેખ(શક સં. 72-ઈ. સ. 150)માં ‘આકર-અવન્તિ’નો ઉલ્લેખ છે. એમાં અવન્તિ એ ઉજ્જૈનવાળો માળવાનો ભાગ ગણાતો. મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’ (6.32) અને ‘મેઘદૂત’ (1.30)માં ‘અવન્તિ’નો ઉલ્લેખ છે. તેના મુખ્ય નગર તરીકે વિશાલા(ઉજ્જયિની)નું વર્ણન ‘મેઘદૂત’માં કરેલું છે. ‘દશકુમારચરિત’ (ઉચ્છ્વાસ : 5) ‘અવંતિનગરી ઉજ્જયિની’ને વિદ્યાક્ષેત્ર તરીકે વર્ણવે છે.
અવન્તિક્ષેત્ર ઉજ્જૈનને ફરતું ક્ષેત્ર છે. એમાં મહાકાલવનનું એક યોજન પર્યંતનું ક્ષેત્ર છે. એમાં 200 જેટલાં તીર્થો આવેલાં છે. સ્કંદપુરાણના ‘આવન્ત્યખંડ’(અ. 36/57)માં ઉજ્જયિનીનાં, જુદા જુદા સાત કલ્પોમાં અલગ અલગ નામ ગણાવવામાં આવ્યાં છે :
પ્રથમ કલ્પ | સ્વર્ણગંગા |
બીજો કલ્પ | કુશસ્થલી |
ત્રીજો કલ્પ | અવન્તિકા |
ચોથો કલ્પ | અમરાવતી |
પાંચમો કલ્પ | ચૂડામણિ |
છઠ્ઠો કલ્પ | પદ્માવતી |
સાતમો કલ્પ | ઉજ્જયિની |
આ ઉપરાંત કુમુદ્વતી અને પ્રતિકલ્પા નામ પણ ગણાવ્યાં છે. ઉજ્જૈનમાં શિપ્રા નદી પરના મહાકાલના મંદિરમાંનું શિવલિંગ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક છે. ‘અવન્ત્યભિધાન કથાવર્ણન’ (સ્કંદ. આવન્ત્ય. 42) અધ્યાયમાં સંસ્કૃત अव – પાલન કરવું ઉપરથી ‘અવન્તિ’ શબ્દ ઘટાવવામાં આવ્યો છે. કુશસ્થલીની વ્યુત્પત્તિ (સ્કંદ. 42/32) બ્રહ્મા વડે કુશ-દર્ભ ઘાસથી છવાયેલી હોવાથી ‘કુશસ્થલી’ કહેવાઈ એ પ્રમાણે આપી છે. પૃથ્વી, સાગર અને પર્વતો પ્રતિકલ્પે ફરી ફરી નાશ પામ્યાં ને ઉત્પન્ન થયાં; પણ આ નગરી અચલ રહી તેથી તે પ્રતિકલ્પા કહેવાઈ.
અવન્તિક્ષેત્રનાં તીર્થોમાં કપાલમોક્ષણતીર્થ, અપ્સરસ્તીર્થ, વિદ્યાધરતીર્થ, શંકરવાપીતીર્થ, દશાશ્વમેધતીર્થ, પિશાચકતીર્થ, સ્વર્ગદ્વારતીર્થ, કોટિતીર્થ, જ્વરઘ્નીતીર્થ, વિષ્ણુષોડશપદી તીર્થ, ભાર્ગવરામ તીર્થ, નાગતીર્થ, નૃસિંહતીર્થ, વિધૂમાર્ચિસ્તીર્થ જેવાં અનેક તીર્થો આવેલાં છે.
(7) દ્વારવતી : સૌરાષ્ટ્રની એક પવિત્ર નગરી અને પ્રાચીન આનર્ત(ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશ)ની રાજધાની. મહાભારતના વનપર્વ(80/82; 86/21)માં દક્ષિણ દિશાનાં સુરાષ્ટ્રનાં તીર્થો ગણાવતાં પ્રભાસ, પિંડારક, ઉજ્જયન્ત અને દ્વારવતી ગણાવવામાં આવ્યાં છે. મત્સ્યપુરાણમાં આનર્ત દેશમાં કુશસ્થલી નગરી જ દ્વારવતી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત દ્વારમતી, દ્વાર્વતી, દ્વારાવતી પણ દ્વારકાનાં નામો છે. વૈદિક સાહિત્યમાં આ તીર્થનું નામ જોવા મળતું નથી. મહાભારતના સભાપર્વ 14/50માં સહુ પ્રથમ એને ‘કુશસ્થલી’ નામથી ઓળખવામાં આવી છે. સ્કંદપુરાણમાં દ્વારકા ક્ષેત્રનાં 70 જેટલાં તીર્થોનાં નામ ગણાવ્યાં છે; જેમાં ચક્રતીર્થ, પિંડારકતીર્થ, ભૃગુતીર્થ, કૃકલાસતીર્થ, નૃગતીર્થ, વિષ્ણુપદતીર્થ, ગોપ્રચારતીર્થ, મયસરતીર્થ, બ્રહ્મતીર્થ, ઋષિતીર્થ, નાગતીર્થ, ચિત્રાતીર્થ, મહીષતીર્થ, મુક્તિદ્વારતીર્થ, સાંબતીર્થ, શાંકરતીર્થ, કુશતીર્થ, દ્યુમ્નતીર્થ, જાલતીર્થ, જરત્કારુતીર્થ, ખંજનકતીર્થ, આનકદુંદુભિતીર્થ, શૂરતીર્થ જેવાં અનેક તીર્થોનો સમાવેશ થાય છે.
દ્વારકાની સ્થાપના કૃષ્ણે કરી હોઈ એની પ્રાચીનતા કૃષ્ણ જેટલી માનવામાં આવે છે. મથુરામાં જન્મેલા અને ગોકુળમાં ઊછરેલા કૃષ્ણે દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. યાદવોના પૂર્વજ કકુદ્મી રૈવતે કુશસ્થલી સ્થાપી હતી. કૃષ્ણે અહીં જમીનનું પુરાણ કરી કુશસ્થલીનું સંસ્કરણ કરી ત્યાં દ્વારકાની સ્થાપના કરી. મહાભારતના મૌસલ પર્વમાં શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા કાલાંતરે સમુદ્રમાં ડૂબી ગઈ એવો ઉલ્લેખ આવે છે. જમીન અને દરિયાની નીચેનાં ઉત્ખનનો દ્વારા ઈ. પૂ.ની 1લી સદીનું અને ઈ.સ.ની 1લી સદીનું – એમ બે મંદિરોના અવશેષ પ્રાપ્ત થયા. સમુદ્રી ઉત્ખનનો દ્વારા ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીની મધ્યમાં વહાણ લાંગરવાનો ડક્કો ત્યાં હોવાનું જણાયું. આ ઉપરાંત 1986ના સંશોધનમાં કિલ્લેબદ્ધ નગરના અવશેષો પ્રાપ્ત થયા. આ સર્વ અવશેષો પરથી દ્વારકાનગરીની સ્થાપના ઈ. પૂ. 15મી સદીની આસપાસ થઈ હોવાનું જણાય છે. હાલ ગોમતીના તટ ઉપર આવેલ દ્વારકાધીશનું મંદિર પવિત્ર તીર્થધામ છે અને એની તીર્થયાત્રા એ મોક્ષમાર્ગનું ઉત્તમોત્તમ સાધન ગણાય છે.
ભારતી શેલત