સપ્તક : ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાઓનાં સંવર્ધન, પ્રસાર અને શિક્ષણને સમર્પિત, ભારતભરમાં તેના મહોત્સવો માટે ખ્યાતનામ બનેલી અમદાવાદની સંગીતસંસ્થા. સ્થાપના ઑક્ટોબર, 1980માં. સંસ્થાનું ઉદ્ઘાટન વિશ્વવિખ્યાત સિતારવાદક ‘ભારતરત્ન’ પંડિત રવિશંકરના સિતારવાદનથી થયેલું, જેમાં તબલાસંગત બનારસ ઘરાનાના તબલાવાદક ‘પદ્મવિભૂષણ’ કિશન મહારાજે કરી હતી. સંસ્થાના ઉદ્દેશો : ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અને તાલીમ ગુરુ-શિષ્યપરંપરા મુજબ આપવાં; આ ક્ષેત્રમાં ઊગતી પ્રતિભાઓને પ્રોત્સાહન અને સહાય પૂરાં પાડવાં; શાસ્ત્રીય સંગીતના ગુણદર્શનને પ્રોત્સાહિત કરવું; ભારતીય શાસ્ત્રીય સંગીતના વારસા સાથે સંકળાયેલાં સાધનો અને ઉપકરણોનો સંગ્રહ, તેમનાં સંકલન, સંહિતાકરણ, સંરક્ષણ તથા પ્રસાર અને પ્રચાર કરવા ઉપરાંત ચૈતન્યસભર તથા તરવરાટવાળા (vibrant) સંગીતરસિકોનો બનેલો સમાજ નિર્માણ કરવો. આ સંસ્થાની બે મુખ્ય પ્રવૃત્તિઓ છે :

સપ્તકની મહેફિલનું એક દૃશ્ય

(1) ગુરુ-શિષ્ય પરંપરા મુજબ શાસ્ત્રીય કંઠ્ય અને વાદ્ય-સંગીતનું શિક્ષણ અને તાલીમ આપવા માટે સંસ્થાએ ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિક’ની સ્થાપના કરી છે. સંગીતની આ શિક્ષણસંસ્થામાં તાલીમ આપતા શિક્ષકો પોતપોતાના ક્ષેત્રમાં નિપુણતા તો ધરાવતા હોય છે જ, પરંતુ તે ઉપરાંત તેઓ બધા જ વખતોવખત ભારતમાં અને વિદેશમાં આયોજિત થતા જાહેર સંગીત-કાર્યક્રમોમાં પોતાની કલા અને કૌશલ્ય ગુણગ્રાહકોની હાજરીમાં પ્રત્યક્ષ પ્રસ્તુત (performance) પણ કરતા હોય છે.

(2) શાસ્ત્રીય સંગીતના સમારોહો અને મહોત્સવોનું આયોજન કરવું. સ્થાપનાના વર્ષથી અત્યાર સુધી(2006)માં આ સંસ્થાએ પ્રતિ વર્ષ સતત 12-13 દિવસોના 26 જેટલા વાર્ષિક સંગીતમહોત્સવોનું આયોજન કર્યું છે, જેમાંથી દરેકમાં આશરે 125 જેટલા સંગીતદિગ્ગજોએ, સંગીતશાસ્ત્રના નિષ્ણાતોએ તથા સંસ્થાના કલાકારોએ પોતાનાં કલાકૌશલ્ય પ્રસ્તુત કરી તે દ્વારા શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞો, ચાહકો તથા પ્રશંસકોને વૈવિધ્યસભર શાસ્ત્રીય સંગીત પીરસ્યું છે. આવા મહોત્સવોમાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય અને વાદ્યસંગીત ઉપરાંત અપવાદ રૂપે દક્ષિણ ભારતનું કર્ણાટકી સંગીત, કથકશૈલીનું શાસ્ત્રીય નૃત્ય તથા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું લોકસંગીત સમાવિષ્ટ છે. આવા વાર્ષિક શાસ્ત્રીય સંગીતમહોત્સવોની સાથોસાથ ઊગતા અને નવોદિત કલાકારોને પોતાની સંગીતકલા અને કૌશલ્ય રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર ‘સપ્તક’ સંસ્થા દર વર્ષે ‘સંકલ્પ સપ્તાહ’નું આયોજન પણ કરે છે, જેથી આવા કલાકારોને મંચ પરથી પોતાની કલા પ્રસ્તુત કરવાની તક મળી શકે.

1981માં ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિક’ની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેના પત્રકમાં 77 તાલીમાર્થીઓ હતા, જે સંખ્યા વર્ષ 2005માં વધીને 208 થઈ છે. આમાંથી કેટલાકે આકાશવાણી દ્વારા યોજાતી અખિલ ભારતીય શોધપ્રતિભા-સ્પર્ધામાં તથા પંડિત ઓમકારનાથ સંગીતસ્પર્ધાઓમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આમાંથી 30 જેટલા કલાકારોએ આકાશવાણી, દૂરદર્શન તથા ભારતભરમાં આયોજિત સંગીતસમારોહોમાં પોતાની કલા અને નૈપુણ્ય દાખવી પ્રશંસા પણ પ્રાપ્ત કરી છે. કેટલાકે વિદેશોમાં પણ પોતાના કાર્યક્રમો રજૂ કર્યા છે. આમાંથી કેટલાક હવે પોતાની માતૃસંસ્થા ‘સપ્તક’ને અથવા શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અને તાલીમ આપી રહેલ અન્ય સંસ્થાઓને સેવાઓ આપી રહ્યા છે. વર્ષ 2005માં ‘સપ્તક’ સંસ્થાના પત્રક પર 228 તાલીમાર્થીઓ અને 19 શિક્ષકો હતા. વર્ષ 2005માં ‘સપ્તક’ની નિશ્રામાં આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોની સંખ્યા 16 તથા દિવસોની સંખ્યા 41 જેટલી હતી, તેમાં પોતાની કલા રજૂ કરનારાઓની સંખ્યા 228 હતી અને તેમાં હાજર રહેલા શ્રોતાઓની સંખ્યા 38,160 જેટલી હતી.

વર્ષ 2004માં ‘સપ્તક દફતર સંગ્રહસ્થાન’(Saptak Archives)ની સ્થાપના કરવામાં આવી છે જેમાં 570 ઉપરાંત ગાયક-વાદકોનાં ધ્વનિમુદ્રણો સંગૃહીત કરવામાં આવ્યાં છે, જે ડિજિટલ ફૉર્મેટમાં 1,140 કરતાં વધુ કલાક અને જેનું ઍનાલૉગ ફૉર્મેટમાં ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. તે 1,230 કલાક કરતાં વધુ કલાક જેટલું સંગ્રહસ્થાનમાં ઉપલબ્ધ છે. જ્યાં આ રાખવામાં આવેલ છે ત્યાં વાતાનુકૂલિત રૂમોમાં ગુણગ્રાહકો કોઈ પણ જાતના વિક્ષેપ વિના પોતાની પસંદગીના કલાકારની પોતે પસંદ કરેલ રાગ-રાગિણીનો આનંદ લઈ શકે તેવી સગવડ કરવામાં આવી છે અને તેનું રોજબરોજનું સંચાલન કરવા માટે યુવાસહાયકોનું એક ખાસ જૂથ ઊભું કરવામાં આવ્યું છે. આ સંગ્રહસ્થાનમાં ભારતમાં ભૂતકાળમાં થઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોના સંગ્રહો ઉપરાંત વર્તમાન હયાત ગાયક-વાદકોની કલાના સંગ્રહો પણ છે. ‘સપ્તક દફતર સંગ્રહસ્થાન’(Archives)ના ઉપક્રમે યોજેલા બીજા બે કાર્યક્રમો ઉલ્લેખનીય છે.

(1) વર્ષ 2004માં આમંત્રિતો માટે આઠ વિશિષ્ટ સંગીત કાર્યક્રમો (chamber concerts) આયોજિત કર્યા હતા; જેમાં પંડિત રાજન-સાજન મિશ્રા, પંડિત ઉલ્હાસ કશાળકર, પંડિત અરુણ કશાળકર, વિદુષી શુભા મુદગલ તથા પંડિત હરિચરણ વર્માનું શાસ્ત્રીય કંઠ્ય- સંગીત; સ્વ. ઉસ્તાદ વિલાયતખાં સાહેબના પુત્ર ઉસ્તાદ સુજાનખાનનું સિતારવાદન અને પંડિત અનિષ પ્રધાનનું એકલ તબલાવાદન ઉપરાંત વિખ્યાત સિતારવાદક પંડિત અરવિંદ પરીખ દ્વારા તૈયાર કરવામાં આવેલ તેમના ગુરુ સ્વ. ઉસ્તાદ વિલાયતખાં સાહેબના સિતારવાદનની કલાનાં સંસ્મરણો પર આધારિત એક કલાક અને દસ મિનિટનું દૃશ્ય-શ્રાવ્ય રેકૉર્ડિગનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા.

(2) વર્ષ 2004થી સંગીતશ્રોતાઓની જૂથ બેઠકો (listening group sessions) યોજવામાં આવે છે, જેમાં દેશના દિગ્ગજ સંગીતજ્ઞોના સંગૃહીત ધ્વનિમુદ્રિત ગાયન-વાદનનાં ધ્વનિમુદ્રણો શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. વર્ષ 2005 દરમિયાન આવી સાત બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદુષી કિશોરી આમોણકર, ગંગુબાઈ હંગલ, પંડિત રવિશંકર, તબલાનવાજ સ્વ. પંડિત સામતાપ્રસાદ, પંડિત જસરાજજી, સ્વ. ઉસ્તાદ શરાફતહુસેનખાં સાહેબ, સ્વ. ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સાહેબ તથા વિદુષી સ્વ. રસૂલનબાઈએ પ્રસ્તુત કરેલ ગાયન-વાદનનો શ્રાવ્ય માધ્યમ દ્વારા ઉપસ્થિતોને પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દરેક બેઠકમાં તેના પર ગુણગ્રાહક ચર્ચા પણ કરવામાં આવી હતી.

‘સપ્તક’ સંસ્થાની છેલ્લાં 26 વર્ષની કારકિર્દી (1980-2006) દરમિયાન તેના દ્વારા આયોજિત વાર્ષિક શાસ્ત્રીય સંગીત સમારોહોમાં જે કેટલાક સંગીત દિગ્ગજોએ નિયમિત રીતે પોતાનાં ગાયન-વાદન પ્રસ્તુત કર્યાં છે, તેમાં પંડિત રવિશંકર, પંડિત જસરાજ, વિદુષી ગિરીજા દેવી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત કિશન મહારાજ, વિદુષી કિશોરી આમોણકર, પંડિત રાજન મિશ્ર અને પંડિત સાજન મિશ્ર, પંડિત શિવકુમાર શર્મા, પંડિત વિશ્વમોહન ભટ્ટ, ઉસ્તાદ શાહિદ પરવેઝ, વિદુષી શોભા ગુર્ટુ, વિદુષી શુભા મુદગલ, ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત કૃષ્ણમોહન ભટ્ટ, ઉસ્તાદ શૌકત હુસેનખાં, ઉસ્તાદ સુલતાનખાન, પંડિત ઉમાકાંત અને પંડિત રમાકાંત ગુંડેચા, પંડિત નંદન મહેતા, વિદુષી મંજુ મહેતા અને વિદુષી રૂપાંદે શાહનો સમાવેશ થાય છે.

‘સપ્તક’ સંસ્થાએ અત્યાર સુધી સંસ્થાના વાર્ષિક સમારંભના પ્રસંગે વખતોવખત જે કેટલાક સંગીત-દિગ્ગજોનું જાહેર સન્માન કર્યું હતું તેમાં ઉસ્તાદ અલી અકબરખાં, ઉસ્તાદ અલ્લારખાં, ઉસ્તાદ અમજદઅલીખાં, પંડિત ભીમસેન જોષી,  વિદુષી ગંગુબાઈ હંગલ, પંડિત બિરજુ મહારાજ, પંડિત હનુમાનપ્રસાદ, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત કિશન મહારાજ, વિદુષી કિશોરી આમોણકર, પંડિત જસરાજ, પંડિત રામનારાયણ, પંડિત રવિશંકર, પંડિત શિવકુમાર શર્મા, વિદુષી શોભા ગુર્ટુ, વિદુષી ગિરીજાદેવી, ઉસ્તાદ ઝાકિર હુસેન, ઉસ્તાદ સુલતાનખાં અને કર્ણાટકી સંગીતના વિખ્યાત કલાકાર યુ. કે. શિવરામન્નો સમાવેશ થાય છે. ‘સપ્તક’ની શરૂઆતથી કરવામાં આવેલા આ સન્માન-સમારંભોમાં શાસ્ત્રીય સંગીતની સ્થાનિક સંસ્થાઓ પણ સામેલ થઈ હતી.

‘સપ્તકે’ તેની સ્થાપના પછીનાં વર્ષોમાં અમદાવાદ ખાતેની કાર્યરત સંસ્થાઓ તેમજ બહારની કેટલીક સંસ્થાઓ સાથે કાર્યગત સંબંધો (working relationships) પ્રસ્થાપિત કર્યા છે અને તેના સંદર્ભમાં તે કેટલીક પ્રવૃત્તિઓ કરે છે; દા.ત., ગાંધીનગરની નજીક આવેલી સિટી પલ્સ સ્કૂલ ઑવ્ ક્લાસિકલ મ્યુઝિક ઍન્ડ ડાન્સનું સંચાલન; અમદાવાદ ખાતેની શ્રેયસ સ્કૂલમાં સંગીતશિક્ષણનું આયોજન અને સંચાલન; અમદાવાદ ખાતે શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો આયોજિત કરવામાં નવી દિલ્હીની સંગીત સંકલ્પ નામની સંસ્થાના સહયોગથી ‘મીની સપ્તક’નું આયોજન; અમદાવાદની ‘કુમાર ક્લબ’ સંસ્થાના શાસ્ત્રીય ગ્રૂપ સાથે સહયોગ; ગાંધીનગર ખાતેની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ગુજરાત સરકારના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ સાથે કેટલીક પ્રવૃત્તિઓમાં સહકાર વગેરે.

‘સપ્તક’ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મંડળમાં રૂપાંદે શાહ, મંજુ મહેતા અને નંદન મહેતા જેવા સંગીતકારો તથા ભારતી પરીખ અને ડી. ડી. ત્રિવેદી તથા સલાહકારોમાં પ્રફુલ્લ અનુભાઈ તથા હિમ્મત કપાસી જેવા મર્મજ્ઞોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા હજુ સુધી ચાલુ છે.

‘સપ્તક’ની નિશ્રામાં આયોજિત થતા બધા જ મહોત્સવો શાસ્ત્રીય સંગીતમાં રુચિ ધરાવતા શોખીનો માટે નિ:શુલ્ક હોય છે, જે તેની આગવી લાક્ષણિકતા છે. મર્મજ્ઞો અને જાણકારોના મંતવ્ય મુજબ ‘સપ્તક’ની આ પ્રવૃત્તિ ભારતભરમાં આયોજિત થતી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સૌથી મોખરે મૂકી શકાય તેવી અનન્ય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે