સપૂયગડ (ગૂમડું, abscess)

January, 2007

સપૂયગડ (ગૂમડું, abscess) : એક સ્થળે પરુ ભરાવું તે. સાદી ભાષામાં તેને પાકી જવું કે પાકવું કહે છે. શાસ્ત્રીય રીતે તેને પૂયન(suppuration)ની ક્રિયા કહે છે. ચામડીની નીચેની પેશીમાં જ્યારે જીવાણુજન્ય (bacterial) ચેપ (infection) લાગે છે ત્યારે ત્યાંની પેશીને નુકસાન થાય છે અને તેમાં પેશીનાશ (necrosis) થાય છે. તેને કારણે પ્રતિક્રિયા રૂપે ત્યાં લોહીનું ભ્રમણ વધે છે, તે ભાગ ગરમ થાય છે, ત્યાં સોજો આવે છે, તે ભાગ લાલ થઈ જાય છે, તેમાં દુખાવો થાય છે અને ક્યારેક ત્યાંનું કાર્ય અટકી પડે છે. આવી પ્રતિક્રિયાને શોથ (inflammation) કહે છે. ચેપના વિસ્તારમાં જીવાણુઓની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તથા તેના મધ્યભાગમાં બહુરૂપકેન્દ્રી (polymorph) કે તટસ્થ કોષો (neutrophils) નામના લોહીના શ્વેતકોષો જમા થાય છે. સમગ્ર ક્રિયામાં જીવાણુઓ, તટસ્થ કોષો તથા સ્થાનિક પેશીના કોષો મરે છે. તેમના કચરાથી પરુ ઉત્પન્ન થાય છે, જે આ સૂજેલા ભાગના કેન્દ્રમાં હોય છે. તેની કિનારી પર નવી કેશવાહિનીઓ, તટસ્થ કોષો તથા થોડા તંતુબીજકોષો (fibroblasts) એક પૂયજન્ય પટલ (pyogenic membrane) બનાવે છે. તે પરુને અન્યત્ર ફેલાતું અટકાવે છે. ઉપરનું ચામડીનું પડ પાતળું થાય છે અને પરુ તે તરફ માર્ગ કરે છે. ધીમે ધીમે પરુ ચામડી પર દોષબિન્દુ સર્જે છે જ્યાંથી તે ફાટે છે અને પરુ બહાર નીકળે છે. બધું પરુ બહાર નીકળી જાય એટલે પરુ ભરેલું પોલાણ બંધ થઈ જાય છે અને તેમાં તંતુઓ વિકસે છે અને આમ તે અંતે એક ક્ષતચિહ્ન(scar)માં પરિવર્તિત થાય છે.

ક્યારેક ગૂમડું પેશીની અંદર ઊંડે આવેલું હોય અને તેમાં કોઈ બાહ્ય પદાર્થ આવેલો હોય તો તે આપમેળે રુઝાતું નથી અને તેમાંથી પરુ એક માર્ગ કરીને ચામડીની બહાર નીકળે છે. આવું લાંબા સમય સુધી ચાલે છે. આવા માર્ગને પૂયપથિકા (pus discharging sinus) કહે છે. ક્યારેક આવો બાહ્ય પદાર્થ અંદર ન હોય તો તે સ્થાનિક રહેલા નાના ગૂમડામાંથી પરુ શોષાઈ જાય છે અને ત્યાં ક્ષતચિહ્ન રહી જાય છે. જો તે મોટું ગૂમડું હોય તો તેમાંનું પરુ શુષ્ક બને છે, તંતુપેશીની દીવાલ વડે તે આસપાસની સામાન્ય પેશીથી અલગ રહે છે અને તેમાં કૅલ્શિયમના ક્ષારો જમા થાય છે.

ઘાવમાં થતા ગૂમડામાં ઘણે ભાગે સ્ટેફાયલોકોકસ ઑરિયસ નામના જીવાણુ હોય છે. જો એની ઍન્ટિબાયૉટિક (પ્રતિજૈવ) વડે સારવાર કરવામાં આવે તો ક્યારેક તે જીવાણુરહિત દીર્ઘકાલી ગૂમડામાં પરિવર્તિત થાય છે. તેને પ્રતિજૈવાર્બુદ (antibioma) કહે છે. ગૂમડાની સારવારમાં શસ્ત્રક્રિયા કરીને પરુ દૂર કરવું તથા દીવાલને ખોતરી કાઢીને બધો કચરો દૂર કરવાની ક્રિયા કરાય છે. જો ગૂમડામાં વિભાગો પડી ગયા હોય તો બધાં જ પોલાણોને ખોલીને સાફ કરાય છે. દીર્ઘકાલી પૂયપથિકા (sinus) કે સંયોગનળી (fistula) કરતાં ગૂમડાના અગત્યનાં કારણોમાં ક્ષય રોગ અને ઍક્ટિનૉમાસિસનો સમાવેશ થાય છે. ક્યારેક ફેફસાં કે પેટનાં પોલાણનાં આવરણોમાં પરુ ભરાય તો તેનું નિદાન મુશ્કેલ પણ બને છે. આવા સમયે વિશિષ્ટ ચિત્રણપ્રણાલીઓની મદદ લેવી પડે છે; દા.ત., સી. ટી. સ્કૅન, સોનોગ્રાફી, એમ. આર. આઇ. વગેરે.

ક્ષયરોગથી થયેલા ગૂમડાની સારવારમાં પૂયપથિકા થઈ હોય તો તેને દૂર કરવા અથવા ક્ષયરોગગ્રસ્ત લસિકાગ્રંથિઓને દૂર કરવાની શસ્ત્રક્રિયા કર્યા પછી ક્ષયરોગવિરોધી દવાઓ આપવામાં આવે છે. ક્ષયરોગથી થતા ગૂમડામાં તાપમાન વધેલું હોતું નથી અને તેમાં દુખાવો પણ હોતો નથી. તેથી તેને શીતપૂયગડ (cold abscess) કહે છે. તેમાંથી લાંબા સમય સુધી પરુ નીકળ્યાં કરે તેવી સંયોગનળી અથવા પૂયપથિકા બનતી હોય છે. ક્યારેક આવી પૂયપથિકા મૂળ ચેપના સ્થાનથી દૂર પણ નીકળી આવે છે.

પેટમાં થતાં ગૂમડાં : પેટમાં આંત્રપુચ્છ(appendix)નો ચેપ થાય તો તેને આંત્રપુચ્છશોથ (appendicitis) કહે છે. તેમાં ક્યારેક આંત્રપુચ્છ ફાટી જવાથી પેટના પોલાણમાં ચેપ પ્રસરે છે. તેને પરિતનગુહાશોથ (peritonitis) કહે છે. ક્યારેક તેમાં ઉરોદરપટલની નીચે, સ્થિરાંત્ર(large intestite)ની બાજુમાં, પેટના જમણા નીચલા ભાગમાં કે શ્રોણી(pelvis)માં ગૂમડું બને છે. તેમને અનુક્રમે અવોદરપટલી સપૂયગડ (sabdiaphragmatic abscess), પરાસ્થિરાંત્રી (paracolic) ગૂમડું, જમણા પત્રાસ્થિ વિસ્તાર(right iliac fossa)નું ગૂમડું અને શ્રોણીય (pelvic) ગૂમડું કહે છે. આવા સમયે મોટાભાગની તકલીફો સામાન્ય પ્રકારની હોય છે; જેમ કે, થાક લાગવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, થોડો તાવ આવવો, નાડીના ધબકારા વધવા, શ્વેતકોષોની સંખ્યા વધવી, સ્થાનિક સ્પર્શવેદના થવી વગેરે. પાછળથી ત્યાં ગાંઠ જેવું થાય છે. સામાન્ય રીતે ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરવાથી ગૂમડું શમે છે. જોકે તેની રોજરોજ તપાસ કરીને કદમાં થઈ રહેલા ઘટાડાનું સતત નિરીક્ષણ કરાય છે, જેથી જો કદ ઘટી ન રહ્યું હોય કે વધી રહ્યું હોય તો વધુ રાહ જોવાને બદલે શસ્ત્રક્રિયા કરીને પરુ દૂર કરવાની ક્રિયા કરાય છે. થોડાક દિવસ રાહ જોવાથી ગૂમડું પેટની દીવાલ સાથે ચોંટે છે અને તેથી તેનું પરુ દૂર કરતી વખતે પેટનું પોલાણ (પરિતનગુહા, peritoneal cavity) ખોલવું ન પડે. જો ગૂમડું પરિતનગુહાની અંદર હોય તો તેમાંના પરુને દૂર કરતી વખતે આંગળી વડે શોધ કરાય છે; જેથી ક્યાંક આંતરડામાં કાણું પડી જાય અને આંતરડાને જોડતી સંયોગનળી (fistula) ન બની જાય.

પરિતનગુહામાં જોવા મળતાં ગૂમડાંમાં સૌથી વધુ શ્રોણી-(pelvis)માં જોવા મળતું ગૂમડું છે. શ્રોણી પેટના પોલાણનો સૌથી નીચલો ભાગ છે જે કેડનાં હાડકાં વડે સુરક્ષિત છે અને તેમાં મૂત્રાશય, મળાશય અને સ્ત્રીઓમાં ગર્ભાશય આવેલાં છે. શ્રોણીમાં પરુ ભરાવાનાં કારણોમાં મુખ્ય કારણ આંત્રપુચ્છમાં લાગેલો ચેપ છે. ક્યારેક અંડવાહિનીમાંનો ચેપ પણ અહીં ગૂમડું કરે છે. વળી તે ક્યારેક સમગ્ર પરિતનગુહાના ચેપના ભાગ રૂપે પણ હોઈ શકે. ક્યારેક મળાશય પર કરાયેલી શસ્ત્રક્રિયામાં આંતરડાંના બે છેડાને જ્યાં જોડવામાં આવે છે ત્યાંથી પ્રવાહી ચૂએ તો તે પણ શ્રોણીય ગૂમડું કરે છે. અહીં ભરાતું પરુ ઘણી વખત શારીરિક તકલીફો કરતું ન હોવાથી ક્યારેક ઘણું પરુ ભરાઈ જાય ત્યાં સુધી કોઈ લક્ષણો કે ચિહ્નો ઉદ્ભવતાં નથી. તેનું મુખ્ય લક્ષણ ઝાડા થવા તે છે અને મળમાં શ્લેષ્મ (mucus) જાય છે. તે મળમાં ચીકાશ અથવા સફેદી જાય તેવું પણ કરે છે. ગુદા માર્ગે આંગળી મૂકીને તપાસ કરવાથી શ્રોણીમાં પોચું, પ્રવાહી ભરેલું ગૂમડું થયું છે કે કેમ તે જાણી શકાય છે. ઘણી વખત તેમાંનું પરુ શોષાઈ જાય છે, પરંતુ ક્યારેક તેને બહાર કાઢવું પડે છે. સ્ત્રીઓમાં પરુને યોનિમાર્ગે અને પુરુષોમાં જો શક્ય હોય તો મળાશય માર્ગે તેને બહાર કઢાય છે. ક્યારેક પેશાબ કરીને મૂત્રાશય ખાલી કરાવ્યા પછી પેટની દીવાલમાંથી સોય નાંખીને પરુ કઢાય છે. તેને અધિગુપ્તાસ્થિ નિષ્કાસન (suprapubic drainage) કહે છે. તેના નિદાનમાં સોનોગ્રાફી તથા સીટીસ્કૅન ઉપયોગી છે. પરુને બહાર કાઢવાની ક્રિયા માટે તેનું સ્થાન નિશ્ચિત કરીને સોય નાંખવા માટે સોનોગ્રાફી ઉપયોગી છે. આવું પરુ કાઢવા માટે પેટ ખોલવાની શસ્ત્રક્રિયા ભાગ્યે જ કરવી પડે છે. જો પરિતનગુહાથી શ્રોણીય ગૂમડું અલગ પડી ગયેલું હોય તો અધિગુપ્તાસ્થિ નિષ્કાસન કરતાં મળાશયમાર્ગી નિષ્કાસન વધુ પસંદગીને લાયક ગણાય છે; કેમ કે, તેથી ચેપના ફેલાવાને રોકતી સુરક્ષા-પ્રણાલી જળવાઈ રહે છે.

છાતી અને પેટનાં પોલાણોને અલગ પાડતા ઉરોદરપટલની નીચે પરુ ભરાય ત્યારે તેને અવોદરપટલી (subphrenic) ગૂમડું કહે છે. આ માટે આ વિસ્તારમાં કુલ 7 સ્થાનો છે; જેમાંનાં 4 પરિતનગુહામાં અને 3 એની બહાર આવેલાં છે. તેમાં એક લગભગ મધ્યરેખામાં છે, જ્યારે મધ્યરેખાની બે બાજુએ 3-3 સ્થાનો આવેલાં છે. તેમાં અવોદરપટલી ગૂમડું થાય છે. પરિતનગુહામાં આવેલાં અંત:પરિતની (intraperitoneal) 4 સ્થાનો જમણી બાજુએ યકૃતની ઉપર અને આગળ તેમજ નીચે અને પાછળ તથા ડાબી બાજુએ જઠરની ઉપર અને આગળ તેમજ નીચે અને પાછળ આવેલાં છે. તેમને ડાબા અને જમણા ઊર્ધ્વ (અગ્રસ્થ) અવોદરપટલી સ્થાનો તથા અધ: (પશ્ચસ્થ) અવોદરપટલી સ્થાનો કહે છે. પરિતનગુહાની બહાર 3 સ્થાનો આવેલાં છે, જેમને અનુક્રમે ડાબું, જમણું અને મધ્યરેખાનું બહિ:પરતની (extraperitoneal) સ્થાન કહે છે. ઘણી વખતે તેમનાં લક્ષણો અસ્પષ્ટ અને અવિશિષ્ટ હોય છે. એવું કહેવાય છે કે ‘ક્યાંક પરુ છે, પણ ક્યાંય જણાતું નથી તો ઉરોદરપટલની નીચે છે’. દર્દીના પેટમાંના ચેપને નિયંત્રણમાં લીધા પછી થોડાક સમયાંતરે ફરીથી તકલીફો શરૂ થાય છે. તેને પરસેવો વળવો, વજન ઘટવું, ભૂખ ન લાગવી જેવી તકલીફો રહે છે. પેટના ઉપરના ભાગમાં ભરાવો અને દુખાવો થાય છે અને ક્યારેક જે બાજુ પરુ હોય તે બાજુના ખભામાં દુખાવો થાય છે. ક્યારેક સતત હેડકી આવ્યા કરે છે. ઍન્ટિબાયૉટિક ન અપાય તો તાવ આવે છે, પેટના ઉપરના ભાગમાં સ્પર્શવેદના અને સ્નાયુઅક્કડતા થાય છે. ક્યારેક પરુના ગૂમડાને સંસ્પર્શી શકાય છે. મોટાભાગના કિસ્સામાં ફેફસું દબાય છે અને તેની આસપાસ પણ પરુ કે પ્રવાહી ભરાય છે. લોહીમાં શ્વેતકોષોની સંખ્યા વધે છે, ઍક્સ-રે ચિત્રણ, સોનોગ્રાફી તથા સીટીસ્કૅન નિદાનમાં મદદરૂપ થાય છે. સારવાર માટે શક્ય હોય ત્યારે ચિત્રણપ્રણાલીની મદદથી સ્થાન નક્કી કરીને ચામડીમાંથી નાંખેલી સોય કે નળી દ્વારા પરુને બહાર કઢાય છે. તેના દ્વારા ઍન્ટિબાયૉટિક પણ અંદર નાંખી શકાય છે. પરિતનકલાનું પરિઘીય પડ પણ અસરગ્રસ્ત થતું હોવાથી ચામડી પર ઊપસેલો લાલ ભાગ દેખાય તો ત્યાંથી કાપો મૂકીને પરુ કાઢવાની શસ્ત્રક્રિયા કરી શકાય છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરીને 12મી પાંસળીના બહારના છેડાને કાપીને પરુ સુધી પહોંચાય છે અને તે બહાર કઢાય છે. આવી શસ્ત્રક્રિયામાં ફેફસાં ફરતા આવેલા પરિફેફસીકલા (pleura) નામના આવરણમાં કાપો ન મુકાઈ જાય તેની સંભાળ રખાય છે, જેથી છાતીમાં ચેપ ન પ્રસરે. અંદર નાંખેલી નળીને 10 દિવસ પછી ધીમે ધીમે જેમ પરુનું પોલાણ ઘટતું જાય તેમ તેમ કઢાય છે. તે વખતે ચિત્રણપ્રણાલીઓ વડે નિર્ણય કરાય છે. તે માટે પરુના બહાર નીકળવાના માર્ગ-પૂયપથિકા(sinus)માં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને પૂયગુહિકા(pus cavity)ના કદ અંગે માહિતી મેળવી શકાય છે.

આંત્રપુચ્છીય ગૂમડું (appendicular abscess) પેટના જમણા અને નીચલા ભાગમાં પત્રાસ્થિ નવમાંશ(iliac fossa)માં જોવા મળે છે. તે સ્પર્શવેદના દર્શાવતો અને અમુક અંશની સ્થાનિક સ્નાયુ અક્કડતા કરતી ગાંઠ બને છે. શરૂઆતના તબક્કામાં તે ગૂમડામાં પરિવર્તિત ન થયેલી હોય એવું પણ બને છે. સામાન્ય રીતે 4થા કે 5મા દિવસે તે સુપરિઘકૃત (circumscribed) બને છે અને 5થી 10 દિવસમાં કાં તો તે ગૂમડું બને છે અથવા તો શમી જાય છે. જો ગૂમડું બને તો તાવ આવે છે, નાડીના ધબકારા વધે છે, પરંતુ 100/મિનિટથી ઓછા રહે છે અને લોહીમાં શ્વેતકોષો વધે છે. આંત્રપુચ્છના સ્થાન પ્રમાણે ગૂમડાનું સ્થાન થાય છે. સૌથી વધુ તે પેટના જમણા અને નીચલા ખૂણે જોવા મળે છે. બીજા ક્રમે શ્રેણીમાંનું ગૂમડું હોય છે. જમણા અને નીચલા ખૂણે આવેલું ગૂમડું અંધાંત્ર(caecum)ની પાછળ, તેની નીચે, અંતાંત્ર(ileum)ની પાછળ અને આગળ તથા પેટની આગળની દીવાલના સરલોદરી સ્નાયુ(rectus abdominis)ની પાછળ – એમ વિવિધ સ્થળોએ હોય છે. સ્પર્શવેદનાનું સ્થાન મોટાભાગના કિસ્સામાં જેને મેકબર્નીનું બિન્દુ કહે છે તેવા પેટના જમણા અને નીચલા ખૂણામાં હોય છે : સૉનોગ્રાફી વડે ગૂમડાનું સ્થાન નક્કી કરીને ચામડીમાંથી નાંખેલી સોય વડે પરુને બહાર કાઢી શકાય છે; પરંતુ જો ગૂમડામાં આંતરડાનો ભાગ પણ આવેલો હોય તો દવાઓ વડે સારવાર કરવાનું સૂચવાય છે. આ પ્રકારના ગૂમડાને અંધાંત્રનું કૅન્સર, અંડપિંડનું કૅન્સર તથા ક્રોહ્નના રોગથી અલગ પડાય છે. ક્યારેક તેને પરાગર્ભાશયશોથ (parametritis), ઍક્ટિનોમાયકોસિસ, ક્ષયરોગ, પત્રિકાસ્થિ (ileum) પાસે આવેલી લસિકાગ્રંથિઓના ચેપ તથા આગળ વળેલા અંડપિંડના વિકારોથી અલગ પાડવું જરૂરી બને છે.

આંત્રપુચ્છના સ્થાને ચેપજન્ય ગઠ્ઠો (appendicular mass) થયો હોય તો આધુનિક ઔષધીય અને નિરીક્ષણપરક સારવાર અપાય છે. તેને ઑશ્નર-શેરેન સારવાર પ્રણાલી (Ochsner Sherren regimen) કહે છે. તેમાં સ્પષ્ટ નૈદાનિક વૃત્તાંત નોંધાય છે તથા રોગનાં બધાં જ લક્ષણો અને ચિહ્નોની નોંધ રખાય છે. સ્પર્શવેદના તથા સ્નાયુ-અક્કડતાનું પ્રમાણ તથા ફેલાવો ખાસ જોતાં રહેવાય છે. જો ગઠ્ઠો થયો હોય તો 2 કલાકે ફરીથી મૂલ્યાંકન કરાય છે. નાડીદર, તાપમાન, ઊલટી, પ્રવાહી લેવાનો અને બહાર નીકળવાનો (દા.ત., મૂત્રમાર્ગે) દર વગેરે નોંધાય છે. દર્દીને દર કલાકે 30 મિલિ. મોં વાટે પાણી અપાય છે. વારેઘડીએ કોગળા કરીને મોં સાફ કરાય છે. જો ચોથા કે પાંચમા દિવસે ભૂખ લાગવા માંડે તો તે રૂઝની નિશાની ગણાય છે. શરૂઆત પ્રવાહી ખોરાકથી કરાય છે અને ધીમે ધીમે ઘન પદાર્થ અપાય છે. નસ વાટે પ્રવાહી તથા ઔષધો અપાય છે. દર્દીને પેનિસિલીન જૂથની તથા ઍમાયનોગ્લાયકોસાઇડ જૂથની ઍન્ટિબાયૉટિકો તથા મેટ્રોનિડેઝોલ અપાય છે. દર્દી લાંબો સમય પથારીમાં રહેતો હોવાથી પગની નસોમાં લોહી ન જામે તે માટે અલ્પ-આણ્વિક ભારી (low molecular weight) હિપેરિન અપાય છે.

નાડીના ધબકારા વધે, ઊલટીઓ થાય, નાક-જઠરી નળી દ્વારા પુષ્કળ પ્રમાણમાં જઠરનું પ્રવાહી બહાર આવે, પેટનો દુખાવો વધે કે ફેલાય તથા આંત્રપુચ્છ-ગાંઠનું કદ વધે તો ઔષધ-નિરીક્ષણીય સારવાર બંધ કરાય છે અને શસ્ત્રક્રિયા કરાય છે. જો આંત્રપુચ્છ ફાટ્યું હોય તેવી સંભાવના હોય, ચેપ અને શોથનો વિકાર આંત્રપુચ્છ સુધી સીમિત હોય કે વ્યક્તિની ઉંમર 10 વર્ષથી નીચે કે 65 વર્ષથી વધુ હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. આંત્રપુચ્છ ગૂમડામાં શસ્ત્રક્રિયા કરીને કે ધ્વનિચિત્રણ(sonography)ની મદદથી પરુ કાઢી નાંખવામાં આવે છે.

ગુદા-મળાશયી ગૂમડું : ગુદામાંની ગ્રંથિમાં લાગેલા ચેપમાંથી તે ઉદ્ભવે છે (90 %). ક્યારેક તે મળાશયની દીવાલમાં લાગેલી ઈજાથી, મળાશયના રોગ(ગાંઠ, ક્રૉહ્નનો રોગ વગેરે)થી પણ ઉદ્ભવે છે. મધુપ્રમેહ, એઇડ્ઝના રોગના દર્દીને પણ તેનું જોખમ રહે છે. એઇડ્ઝના દર્દીઓમાં અતિ આક્રમક રોગ થવાની સંભાવના રહે છે. આશરે 60 % દર્દીઓમાં ઇ. કોલી અને 23 % દર્દીઓમાં સ્ટેફ ઑરિયસ નામના જીવાણુઓનો ચેપ હોય છે. અન્ય દર્દીઓમાં બૅક્ટેરૉઇડ્ઝ, સ્ટ્રૅપ્ટોકોકસ અથવા પ્રોટિયસ જૂથનાં જીવાણુ હોય છે. ઘણી વખતે એકથી વધુ પ્રકારના જીવાણુઓ ચેપ કરે છે. મોટાભાગના કિસ્સામાં ગૂમડાનું પરુવાળું પોલાણ ગુદાના પોલાણ સાથે એક પૂયપથિકા દ્વારા જોડાય છે. તેને હરસ અથવા ગુદીય સંયોગનળી (fistula-in-ano) કહે છે. ઍન્ટિબાયૉટિક પૂરતા પ્રમાણમાં ગૂમડાના પરુ સુધી પહોંચી ન શકતાં હોવાથી શસ્ત્રક્રિયા મહત્ત્વની સારવાર બને છે. ગુદામળાશયી ગૂમડાનું કેશનાભિક પૂયપથિકા (pilonidal sinus), બાર્થોલિનની ગ્રંથિ કે કાઉપરની ગ્રંથિમાંના ચેપથી અલગ પાડીને નિદાન કરાય છે.

ગુદા-મળાશયી ગૂમડાને તેના સ્થાન પ્રમાણે 4 પ્રકારોમાં વહેંચવામાં આવે છે  પરિગુદીય (perianal), આસન-મળાશયી (ischiorectal), અવશ્લેષ્મકલાકીય (submucous) અને શ્રોણીમળાશયી (pelvirectal).

પરિગુદીય (perianal) ગૂમડું ગુદાની આસપાસની પેશીમાં હોય છે અને તે ગુદીય ગ્રંથિ(anal gland)માંના ચેપમાંથી ઉદ્ભવે છે. તે સૌથી વધુ જોવા મળે છે (60 %). તે ગુદાના બાહ્ય દ્વારરક્ષક(external sphincter)ની બહાર ચામડી નીચે થાય છે. ક્યારેક તે લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય તેવા વાહિનીમસા(piles)માં ચેપ લાગવાથી થાય છે. ક્યારેક ત્યાં લોહી ઝમ્યું હોય અને તે ગઠ્ઠો બનાવે તો તેવા રુધિરાર્બુદ(haematoma)માં ચેપ લાગવાથી પણ થાય છે. તે કોઈ પણ ઉંમરે થાય છે. દુખાવો તથા શારીરિક વિકાર પ્રમાણમાં ઓછા થાય છે. ગુદાની કિનારી પર ગોળ, સ્પર્શવેદનાવાળા પ્રવાહી ભરેલા ઊપસેલા ભાગ તરીકે તે જોવા મળે છે. ચોકડી આકારનો છેદ મૂકીને ગૂમડાની ‘છત’ને પૂરેપૂરી દૂર કરાય છે અને પરુ કાઢી નંખાય છે. ત્યારબાદ થોડા દિવસે ઘા રુઝાય છે.

આસનમળાશયી (ischiorectal) ગૂમડું ગુદામાંથી, લોહી દ્વારા કે લસિકાવાહિની માર્ગે આવતા ચેપથી થાય છે. તે ગુદામળાશયી ગૂમડાંના 30 % કિસ્સામાં જોવા મળે છે. મળાશય અને આસનાસ્થિ(ischium)ની પાસે સ્નાયુઓની વચ્ચે મેદપેશી ભરેલું એક પોલાણ હોય છે. તેને આસનમળાશયી ગુહિકા (ischiorectal fossa) કહે છે. અહીંની મેદપેશીમાં લોહીની નસો ઓછી હોય છે અને તેથી તેની ચેપવદૃશ્યતા વધુ રહે છે. એક બાજુની ગુહિકા બીજી બાજુની ગુહિકા સાથે પશ્ચદ્વારરક્ષક સ્થાન (post-sphincter space) દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે; તેથી એક બાજુનો ચેપ બીજી બાજુ પર પણ ફેલાય છે. જો ગુદામાં તે ખૂલી જાય તો ગુદાની પાછળ અને બાજુએ ઘોડાની નાળના આકારનું ગૂમડું બને છે. આ ગૂમડું ગુદામાં સ્પર્શવેદના કરતો કઠણ ઊપસેલો ભાગ બને છે. દર્દીને તાવ આવે છે. તેનાથી સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ અસરગ્રસ્ત થાય છે. ચોકડી આકારે છેદ મૂકીને પરુ કાઢી નંખાય છે. દરેક વખતે પૂરેપૂરી ‘છત’ કાઢવી જરૂરી નથી હોતી. ઉગ્ર ચેપ શમે એટલે કોઈ ગુદામાં કોઈ સંયોગનળી થઈ છે કે નહિ તે શોધી કઢાય છે અને જરૂર પડ્યે તેની સારવાર કરાય છે.

આશરે 5 % કિસ્સામાં ગુદાની દંતીય રેખા(dentate line)ની ઉપર શ્લેષ્મકલાની નીચે ગૂમડું થાય તો તેને અવશ્લેષ્મકલા (submucus) ગૂમડું કહે છે. જે વાહિનીમસામાં ઇન્જેક્શન આપવાને કારણે થયું હોય તો તે રુઝાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં શસ્ત્રક્રિયા કરીને પરુ કઢાય છે.

શ્રોણીમળાશયી (pelvirectal) ગૂમડું એક પ્રકારનું શ્રોણીય (pelvic) ગૂમડું છે, જે આંત્રપુચ્છશોથ, અંડવાહિનીશોથ (salpingitis), અંધનાલિશોથ (diverticulitis) અથવા પરાગર્ભાશયશોથ (parametritis) નામના વિવિધ પ્રકારના ચેપી રોગોમાં આનુષંગિક તકલીફ રૂપે થાય છે. આંત્રપુચ્છ(appendix)માં થતા ચેપને આંત્રપુચ્છશોથ કહે છે. અંડવાહિની (fallopian tube) અંડપિંડમાંથી છૂટા પડેલા અંડકોષને ગર્ભાશય સુધી લઈ જતી નલિકા છે. તેના શોથને અંડવાહિનીશોથ કહે છે. આંતરડાંની દીવાલમાં કોઈ ભાગ પહોળો થઈને એક કોથળી જેવું બનાવે; જેનું મોઢું આંતરડામાં ખૂલતું હોય અને તેને અન્ય બીજું મોઢું ન હોય તો તેને અંધનાલિ (diverticulum) કહે છે. તેમાં ચેપજન્ય શોથનો વિકાર થાય તેને અંધનાલિશોથ કહે છે. ગર્ભાશયની આસપાસની પેશીને પરાગર્ભાશયપેશી (paramatrium) કહે છે. તેના ચેપથી પરાગર્ભાશયશોથ ઉદ્ભવે છે. શ્રોણીમળાશયી ગૂમડું શ્રોણીય પરિતનકલા (pelvic peritoneum) નામના પેટના પોલાણના આવરણ અને ગુદાઊર્ધ્વક (levator ani) નામના સ્નાયુની વચ્ચે થાય છે.

પૂયરુધિરતાજન્ય ગૂમડાં (pyaemic abscess) : લોહી દ્વારા જીવાણુ વહન પામે તેને જીવાણુરુધિરતા (bacteraemia) કહે છે. જો શરીરમાંના ચેપને કારણે તીવ્ર પ્રકારની વિષરુધિરતા (toxaemia) થાય એટલે કે શરીરમાં લોહી દ્વારા ઝેરી અસર ફેલાય અને લોહીનું દબાણ ઘટે તો તેને સપૂયરુધિરતા (septicaemia) કહે છે. જો આવી સપૂયરુધિરતા સમયે જીવાણુઓનાં નાનાં નાનાં ઝૂમખાં પણ લોહીમાં ફરતાં હોય તો તેને પૂયરુધિરતા (tyaemia) કહે છે. પૂયવિષરુધિરતા અને પૂયરુધિરતાના કિસ્સામાં શરીરના વિવિધ અવયવોમાં ચેપ ફેલાઈને ત્યાં ગૂમડાં કરે તો તેને પૂયરુધિરી ગૂમડાં અથવા પૂયવિષરુધિરી ગૂમડાં કહે છે. ક્યારેક તે સપૂય પ્રણાશ (septic infarction) પણ કરે છે. લોહીનો પુરવઠો મળતો બંધ થવાથી અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને પ્રણાશ કહે છે. દાંતમાં પરુ થયું હોય કે હૃદયના વાલ્વમાં ચેપી મસા (vegetation) થયા હોય તો તે લોહી દ્વારા ફેલાઈને મગજ, હૃદય, ફેફસાં, મૂત્રપિંડ, યકૃત, બરોળ વગેરે અવયવોમાં પૂયરુધિરી ગૂમડાં કે સપૂય પ્રણાશ કરે છે.

અમીબાજન્ય ગૂમડું : અમીબાજન્ય રોગમાં જીવાણુઓ હોતાં નથી, પરંતુ કોષોનો નાશ કરવાથી પરુ જેવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે; તેથી તેને પણ ‘ગૂમડું’ કહે છે. સામાન્ય રીતે આવું ગૂમડું યકૃતમાં થાય છે, જે ફેલાઈને પેટમાં અને છાતી(પરિફેફસી કલા, ફેફસાં વગેરે)માં ફેલાય છે. તેની સારવારમાં અમીબાવિરોધી દવાઓ અપાય છે તથા પરુને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા કરાય છે.

શિલીન નં. શુક્લ