સપાદલક્ષ : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે શાકંભરી(સાંભર)ની આસપાસનો પ્રદેશ. તે જાંગલ દેશ પણ કહેવાતો હતો. ત્યાં અર્ણોરાજ (ઈ.સ. 1139-1153), વિગ્રહરાજ (ઈ.સ. 1153-1164) અને પૃથ્વીરાજ ચૌહાણ (ઈ.સ. 1178-1192) જેવા પરાક્રમી અને નામાંકિત રાજાઓ થઈ ગયા. ત્યાંના રાજવંશનો સ્થાપક વાસુદેવ હતો. તેના વંશજોમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ 1લો વગેરે રાજાઓ થઈ ગયા. ગુજરાતના સોલંકી વંશના અજયપાલ(ઈ.સ. 1172-1176)ના શાસન દરમિયાન સપાદલક્ષની ગાદી ઉપર સોમેશ્વર (1169-1177) હતો. તે ગુજરાતના સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનો દૌહિત્ર થતો હતો. તે અણહિલપાટકમાં વર્ષો સુધી રહીને ઊછર્યો હતો. અજયપાલે સપાદલક્ષકે જાંગલ દેશના રાજા પાસેથી નજરાણું લીધું હતું. આ પ્રદેશના ચાહમાન કે ચૌહાણ વંશના રાજાઓ શાકંભરીદેવીને પોતાની કુળદેવી માનતા હતા. તેમનું પ્રસિદ્ધ મંદિર અજમેર નજીક સાંભરમાં આવેલું છે.

અર્ણોરાજ પરાક્રમી હતો અને તેણે સપાદલક્ષ ઉપર ચડી આવેલા તુર્કોને ભારે પરાજય આપી, હાંકી કાઢ્યા હતા. ઈ. સ. 1301માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીએ જાતે રણથંભોર ઉપર ચડાઈ કરી અને તેણે સપાદલક્ષ-શાકંભરી-અજમેરનું સંપૂર્ણ રાજ્ય જીતીને દિલ્હી સલ્તનત સાથે જોડી દીધું હતું.

જયકુમાર ર. શુક્લ