સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ) (જ. 7 જાન્યુઆરી 1938, સુસંગ દુર્ગાપુર [હાલ બાંગ્લાદેશમાં]) : બંગાળી લેખક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે કોલકાતાની બી.ઈ.એસ. કૉલેજમાં બંગાળી વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે તેમની કારકિર્દી ઇન્ડિયન રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે શરૂ કરી. તેમણે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ બાબાસાહેબ બી. આર. આંબેડકર’નું બંગાળીમાં સંપાદન કર્યું.
તેમણે 60થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘જેતે જેતે’ (1981); ‘એખોન તથાગત’ (1987); ‘શ્રેષ્ઠ કવિતા’ (1990); ‘શ્રોતેર અવિરલ શબ્દ’ (1997) – આ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ભોરેર બ્રિસ્તી’ (1984) તેમની નવલકથા; ‘સ્વનિર્વાચિતા શ્રેષ્ઠ ગલ્પ’ (1997) તેમનો વાર્તાસંગ્રહ અને ‘નાદિર ઓપરે’ (1989) તથા ‘બંગલાર લોકકથા’ (1991) – બંને બાળસાહિત્યનાં પુસ્તકો છે. ‘કુયશા’ (1983) મલયાળમમાંથી કરેલી અનૂદિત કૃતિ છે. અંગ્રેજીમાં એમનો ગ્રંથ છે ‘કૉન્ટ્રિબ્યૂશન ઑવ્ બગાલી રાઇટર્સ ટુ નૅશનલ ફ્રીડમ મૂવમૅન્ટ’ (1989).
તેમને 1988માં કલા ભારતી ઍવૉર્ડ; 1992માં રામકુમાર ભુવાલ્કા ઍવૉર્ડ અને 1993માં માઇકલ મધુસૂદન ઍવૉર્ડ વગેરે પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા