સદવિચાર પરિવાર : સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતું એક બિનસરકારી સંગઠન. ગુજરાત તેની સ્વૈચ્છિક સેવાસંસ્થાઓ થકી ઊજળું છે. જીવદયાના પ્રભાવી મૂલ્યવાળી સમાજરચનામાં કેટલાક ‘વૈષ્ણવજનો’એ આ મૂલ્યને ઉજાગર કરવાનું મિશન સ્વીકાર્યું અને પોતપોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરી. શરૂમાં વ્યક્તિગત રીતે થતું કામ વિસ્તરતું ગયું તેમ તેમ સંસ્થાકીય સ્વરૂપ બંધાતું ગયું. વૈષ્ણવજનના વિચારદેહ અને કાર્યદેહના વિસ્તરણ-સ્વરૂપની આવી સંસ્થાઓ અનેક છે. તેમાંની એક સંસ્થા તે સદ્વિચાર પરિવાર.
સદ્વિચાર પરિવાર માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં અને કંઈક અંશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જાણીતી છે. સંસ્થાના સ્થાપક હરિભાઈ પંચાલ (જ. 1928) કૌટુંબિક સંસ્કારો થકી સેવાભાવના પામેલા. આથી સારાં કામોના સાથીદાર થવાનું લક્ષ્ય પ્રારંભથી જ સેવ્યું. તેમના મનમાં સદ્વિચારનું સિંચન અને પીડિતોની સેવાની પ્રવૃત્તિઓ વસતી હતી. તેથી ઈ. સ. 1949માં, એકવીસ વર્ષની યુવાન-વયે, સદ્વિચાર પરિવાર સંસ્થાની સ્થાપના કરીને પોતાના મનોગતને સાકાર કરવાનું તેમણે શરૂ કર્યું. સંસ્થાને આજીવન અવેતન અને છતાં પૂર્ણકાલીન સેવા આપવાનું જવલ્લે જ જોવા મળતું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. તેમની ભૌતિક-નાણાકીય જરૂરિયાતો તેમનાં કુટુંબીજનોએ પૂર્ણ કરી. સમર્પણ વિદ્યાપીઠના એક ખંડમાં રહી સાદું જીવન જીવતા હરિભાઈ અનેક આપત્તિઓ વેઠવા છતાં, પીડિતોની સેવામાં 78 વર્ષની વયે પણ અડીખમ ઊભા છે. એ ઉપરાંત તેમને માનવીય મૂલ્યો અંગે જે નવા વિચારો આવે તે અંગેની પ્રવૃત્તિ આજે પણ સદ્વિચાર પરિવાર થકી ચાલે છે. છપ્પન વર્ષના સદ્વિચાર પરિવારના ઇતિહાસમાં આવી અનેક પ્રવૃત્તિઓ થઈ છે. કેટલીક પ્રવૃત્તિઓ પ્રાસંગિક સ્વરૂપની રહી, જ્યારે કેટલીક પ્રવૃત્તિઓએ સંસ્થાકીય કાયમી સ્વરૂપ ધારણ કર્યું. સદ્વિચાર પરિવારની તમામ પ્રવૃત્તિઓને ચાર વિભાગમાં વહેંચી શકાય :
1. સદ્વિચાર–પ્રસાર : ઉદાત્ત વિચારોના પ્રસાર માટે સંસ્થાએ આશરે 3,000 પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. છેલ્લાં 50 વર્ષથી ‘અમૃતબિંદુ’ વાર્ષિકનું તથા 41 વર્ષથી ‘સુવિચાર’ માસિકનું પ્રકાશન થાય છે. માનવકલ્યાણનો માર્ગ ચીંધતા ધાર્મિકઆધ્યાત્મિક વિચારો આ બંને સામયિકોમાં આવતા રહ્યા છે. ધાર્મિક સંતો અને કથાકારોનાં પ્રવચનો તો અનેક યોજાયાં છે. શ્રાદ્ધ પ્રસંગે જમણવારને બદલે ‘મનનો જમણવાર’ નામે પ્રવચનસત્રો યોજાયાં છે. સદ્ભાવનાના પ્રતીક રૂપે જેલના કેદીઓને રાખડી બાંધવાનો ચાલ સદ્વિચાર પરિવારે શરૂ કર્યો હતો, જે હવે રૂઢ બનતો ચાલ્યો છે. આવા રક્ષાબંધનના પ્રયોગો શાળા, કૉલેજ, હૉસ્પિટલ, રક્તપિત્ત દર્દી વસાહત વગેરેમાં યોજી માનવતાને મહેકાવી છે. વૃદ્ધાશ્રમોને બદલે સંતાનો કુટુંબમાં જ વૃદ્ધ મા-બાપને રાખે તેવો ચાલ પણ આ સંસ્થાએ પાડ્યો છે. ભક્તિસંગીત-સત્રો, ફાંસી-કેદીનાં હૃદયપરિવર્તનના પ્રયોગો, મૂલ્યનિષ્ઠા-શિબિરો, રાહતમાં જેમને કંઈક આપ્યું તેમનામાં પ્રતિદાનની ભાવના, લગ્નમાં રક્તદાન શિબિર, દેહદાન તથા ચક્ષુદાનની ભાવના વગેરેને અનુલક્ષતા અનેક પ્રકારના, સુવિચારો ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
2. સદ્–સમાજનિર્માણ : હરિભાઈ જેને રાષ્ટ્રનિર્માણ કહે છે તે સારા વિચારો ડ્ડ સારા માનવી ડ્ડ સુચારુ સમાજના નિર્માણ માટે પણ સદ્વિચાર પરિવારે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર આમાં અગત્યનું છે. પર્યાવરણ-સંરક્ષણ માટે ઓછાં લાકડાં વપરાય તેવી શબદાહિની, વનસંવર્ધન, જલસ્રાવ-આયોજન, નર્મદા(યોજના)-સમર્થન, મતદાર-જાગૃતિ અભિયાન તથા કુટુંબ-સુમેળ અભિયાન, દુષ્કાળ-નિવારણ, કોમી એખલાસ વગેરે કાર્યક્રમો વધુ સારા સમાજ તરફ લઈ જતા કાર્યક્રમો છે.
3. રાહત અને પુનર્વસન : આસમાની-સુલતાની આફતોથી પીડિત લોકોનાં રાહત અને પુનર્વસન માટે સંસ્થા જાણીતી બની છે. ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં દુષ્કાળ, અતિવૃદૃષ્ટિ, પૂર, વાવાઝોડું, ધરતીકંપ વગેરે સામે પીડિતોને રાહત પહોંચાડવામાં અને ત્યારબાદ મકાનો બાંધી, શસ્ત્રક્રિયા કરી, આર્થિક સહાય કરી પુનર્વસનનાં કામો કરવા માટે તે પ્રસિદ્ધ છે.
કોમી રમખાણો, મહાગુજરાત કે નવનિર્માણ આંદોલનો, અનામત-સંઘર્ષ, વિમાન કે રેલવે હોનારત જેવી માનવસર્જિત હોનારતોમાં પણ રાહત અને પુનર્વસનનાં કામો આ સંસ્થાએ જ્ઞાતિ, ધર્મ કે રાજકીય વિચારસરણીથી પર રહી ‘માનવમાત્ર મદદને પાત્ર’ના સૂત્રને ધ્યાનમાં રાખીને કર્યાં છે. નર્મદા-યોજનાને ટેકો કરવામાં તથા તેના અસરગ્રસ્તોના પુનર્વસનમાં સદ્વિચાર પરિવારે ઘણી સક્રિય ભૂમિકા ભજવી છે.
4. સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની પ્રવૃત્તિને બે વિભાગમાં વહેંચી શકાય : શિબિરો તથા દવાખાનું. સંસ્થાએ ગુજરાતભરમાં દર્દીઓની રાહત માટે અનેક પ્રકારની શિબિરો કરી છે; જેમાં સામાન્ય રોગોની શિબિરો ઉપરાંત નેત્ર, દંત વગેરેના ખાસ રોગોની શિબિરો પણ આવી જાય છે. આ ઉપરાંત સંસ્થાએ અનેક લોકોને રક્તદાન, ચક્ષુદાન, કિડનીદાન, દેહદાન અને છેલ્લે છેલ્લે ત્વચાદાન માટે પ્રેર્યા છે અને આવી પ્રવૃત્તિઓને સંસ્થાકીય સ્વરૂપ પણ આપ્યું છે. વળી આ સંસ્થાએ ઍમ્બુલન્સ સેવા, રક્તપિત્ત-નિવારણ, બિનવારસી લાશના અંતિમ સંસ્કાર જેવી પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત વ્હિલચૅર, પાણીની પથારી, વૉકર વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડી છે. વાડીલાલ કે શારદાબહેન હૉસ્પિટલોમાં દર્દીનારાયણ સેવાકેન્દ્રો સ્થાપી દવા, ફળ, દૂધ તથા સાધનસેવા પૂરી પડાય છે.
નરોડા ખાતે સંસ્થા દ્વારા પૂર્ણ કક્ષાની આંખની હૉસ્પિટલ ઈ. સ. 1970થી ચલાવાય છે. રાહતદરે ચાલતી આ હૉસ્પિટલ નેત્રચિકિત્સા માટેનાં તમામ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. માત્ર રાજ્યમાંથી જ નહિ, પાડોશી રાજ્યોમાંથી પણ આમજનો નેત્ર-સારવાર માટે અહીં આવે છે.
સંસ્થાનું માળખું : સદ્વિચાર પરિવાર ટ્રસ્ટ ઍક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે. હરિભાઈ પંચાલ તેના સ્થાપક પ્રમુખ છે. તે ઉપરાંત અન્ય દશ ટ્રસ્ટીઓ છે. આ સંસ્થાનાં મુખ્ય ત્રણ પ્રતિષ્ઠાનો છે :
(1) સમર્પણ વિદ્યાપીઠ : સંસ્થાનું કાર્યાલય, પ્રકાશનગૃહ, પ્રવચન મંચ, લાફિંગ ક્લબ, નિવૃત્તોની વિચારગોષ્ઠી, આધ્યાત્મિક શિબિરો તથા યુવાશિબિરો.
(2) હરગોવિંદદાસ પ્રભુદાસ આઇ હૉસ્પિટલ, નરોડા : નેત્રચિકિત્સા, દંતચિકિત્સા, ફિઝિયોથૅરપી-કેન્દ્ર તથા ઍમ્બુલન્સ સેવા.
(3) વિકલાંગ વિદ્યાલય, ઉવારસદ : વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, ટૅક્નિકલ તથા કમ્પ્યૂટર-તાલીમ વર્ગો.
ઉપર્યુક્ત ત્રણ પ્રતિષ્ઠાનો પર ચાલતી કાયમી પ્રવૃત્તિઓમાં લગભગ એંસી સવેતન કાર્યકરો છે. એ ઉપરાંત ગોધરામાં આઇ હૉસ્પિટલ ચાલે છે. તેનો વિકાસ થઈ રહ્યો છે. મોડાસા, મણિનગર અને ઈડરનાં કેન્દ્રોમાં જલસ્રાવ, પર્યાવરણ તથા ગ્રામવિકાસ-કાર્યક્રમો ચાલે છે; જેમાં પ્રકલ્પ(પ્રોજેક્ટ)-કાર્યકરો કામ કરે છે. હરિભાઈ ઉપરાંત અન્ય ત્રણ અવેતન કાર્યકરો પૂર્ણકાલીન છે; જ્યારે દસ અવેતન કાર્યકરો પ્રવૃત્તિ-આધારિત છે.
સંસ્થાનાં વિદ્યાલય અને આઇ હૉસ્પિટલને સરકાર તરફથી અંશત: નિભાવ-અનુદાન મળે છે; પરંતુ સંસ્થા મહદ્અંશે દાનના પ્રવાહથી ચાલે છે. વળી ચુસ્ત સંસ્થાકીય પ્રવૃત્તિના પ્રમાણમાં કાર્યક્રમ અને ઝુંબેશ-આધારિત પ્રવૃત્તિઓ વધારે ચાલે છે. આથી સંસ્થાનું માળખું સ્થિતિ-સ્થાપક રાખવું પડે છે. આથી એકસામટી અનેક પ્રવૃત્તિઓ આવી પડે ત્યારે માળખાં પર જરૂર કરતાં વધારે બોજ પડે તેવું પણ બને છે.
છેલ્લાં છપ્પન વર્ષથી ચાલતી સંસ્થા મૂલ્યોના આગ્રહો રાખે છે, તેથી પણ ક્યારેક મુશ્કેલી પડે. વૃદ્ધાશ્રમ કરવાનાં પચાસ લાખનાં દાનનો અસ્વીકાર કરી વૃદ્ધો માનભેર કુટુંબમાં જ રહે તે માટે કુટુંબ સુમેળ અભિયાન સંસ્થાએ ચલાવ્યું. સંસ્થાનો મુદ્રાલેખ છે : ‘માનવ થઈને જન્મ્યા, તો માનવ થઈને જીવીએ.’ એટલે કે વ્યક્તિ મોટો દાક્તર, મોટો ઇજનેર, મોટો અધિકારી કે મોટો ઉદ્યોગપતિ ભલે બને; પરંતુ સાથે સાથે સમાજનાં દુ:ખ અને આપત્તિમાં સપડાયેલા પોતાના માનવબાંધવોને મદદ કરનારો સારો માનવી પણ બને તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
વિદ્યુત જોશી