સધમ્પ્ટન (1) (Southampton) : ઇંગ્લૅન્ડના હૅમ્પશાયર પરગણાનું શહેર, વિભાગીય મથક તેમજ ઇંગ્લિશ ખાડી પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 1° 21´ પ. રે.. તે ટેસ્ટ અને આઇચેન (Itchen) નદીઓની બે નાળ (estuaries) વચ્ચે મુખભાગ પર ભૂશિર આકારનું ભૂપૃષ્ઠ રચે છે.

આઇચેન નદીના પૂર્વકાંઠા પર અગાઉના સમયમાં ઈ. સ. 40થી 50ના દાયકા દરમિયાન રોમનોએ બ્રિટન પર આક્રમણ કરેલું,  તે પછી ત્યાં રોમન વસાહત વસી હતી; ત્યારે અહીંથી ઉત્તર તરફ આવેલા વિંચેસ્ટરને આ બંદરનો લાભ મળતો હતો. 1086 પહેલાં સધમ્પ્ટન એક શાહી વિભાગનો દરજ્જો ભોગવતું હતું. મધ્યયુગમાં તે ઇંગ્લૅન્ડનાં મુખ્ય બંદરો પૈકીનું એક ગણાતું હતું. તેના પીઠપ્રદેશમાંથી આવતાં ઊન અને ચામડાંની આ બંદરેથી નિકાસ થતી હતી, જ્યારે બૉર્ડોક્સમાં દારૂની આયાત થતી હતી. તત્કાલીન નૉર્મનો તથા ઇંગ્લિશ ખાડીની પેલી પારનાં ફ્રેન્ચ રાજ્યો માટે તે કડીરૂપ બની રહ્યું હતું. 1415માં હેન્રી પાંચમાએ અજિનકૉર્ટની લડાઈમાં ફ્રાન્સ સામે લડવા માટે સધમ્પ્ટન ખાતે લશ્કર ભેગું કરેલું. 1620માં ઉત્તર અમેરિકા ખાતે યાત્રીઓને લઈ જવા માટેના મેફ્લાવર જહાજની સફર પણ અહીંથી શરૂ કરેલી.

17મી અને 18મી સદી દરમિયાન આ શહેર તેમજ બંદરનું મહત્ત્વ તદ્દન ઘટી ગયેલું; પરંતુ 1840માં લંડન-સધમ્પ્ટન વચ્ચે રેલમાર્ગ શરૂ થવાની સાથે 19મી સદીમાં ફરીથી તેનું મહત્ત્વ ઊભું થતું ગયું. અહીંના ઊંડા જળના બારાનો લાભ મળવાથી બંદરી જલાગ્રભાગના ઓવારા પર નવી ગોદીઓ વિકસતી ગઈ. કિનારાથી થોડેક દૂર આવેલા આઇલ ઑવ્ વ્હાઇટ(ટાપુ)ને કારણે આ બારાને ભરતીનાં પાણીનો બે બાજુથી લાભ મળતો હોવાથી અહીં પાણીનો ભરાવો રહેતો હતો.

1951માં તેના પશ્ચિમ કાંઠા પર ઑઇલ ટૅન્કરો માટેનું અંતિમ મથક અને રિફાઇનરી સ્થપાયાં. 1978માં ઉત્તર સમુદ્રના ખનિજતેલનો અહીં ઉપયોગ થતો ગયો. તે માટે લંડનના હવાઈ મથક સુધી સીધી પાઇપલાઇન જોડવામાં આવી. 1980 સુધીમાં તો સધમ્પ્ટન બ્રિટનનું બીજા ક્રમનું બંદર બની ગયું. ઇંગ્લૅન્ડ અને યુરોપના દરિયાકાંઠાના દેશો વચ્ચે થતી રહેતી જહાજી માલસામાનની તથા મુસાફરોની હેરફેર માટે આ શહેર મુખ્ય મથક બની રહેલું છે.

20મી સદીનાં બે વિશ્વયુદ્ધોમાં થયેલી લાંબા ગાળાની તારાજી બાદ આ શહેર નવનિર્માણ પામ્યું છે. હવાઈ યાનો, ઑટોમોબાઇલ, કેબલ, વીજ-ઇજનેરી પેદાશો અને પેટ્રોરસાયણો જેવાં નવાં ઉત્પાદનોનું કામ આ બંદર સાથે જોડાયું છે; તે સાથે જહાજી બાંધકામના અને તેના સમારકામના, અનાજ દળવાની ઘંટીઓના અને વાહનોના પુરજાઓના ઉત્પાદનના તથા તમાકુ-પ્રક્રમણના ઉદ્યોગોનું કામ પણ આ બંદર સાથે જોડાયું છે.

1980માં વાણિજ્ય અને ઔદ્યોગિક વિકાસના અનુષંગે શહેરવિભાગનું બાંધકામ પણ શરૂ થયું. શહેરના ઉત્તર તરફના પરામાં યુનિવર્સિટી (1952) આવેલી છે. સધમ્પ્ટનના સ્થાનિક સરકારી પ્રાંતમાં આવેલું એ મોટામાં મોટું શહેર છે. મધ્યયુગની જાહોજલાલી ધરાવતા આ શહેરના ભગ્નાવશેષોમાં સેન્ટ મિશેલ ચર્ચ(11મી સદી તથા તે પછીનો કાળ), ઇંગ્લૅન્ડની પ્રાચીન-મધ્યકાલીન ઇમારતો પૈકીનો રાજા જ્હૉનનો મહેલ (12મી સદી), નૉર્મંડીના ચૂનાખડકમાંથી બાંધેલા કોટની દીવાલ તથા બાર્ગેટની કમાનો પર બાંધેલા નગરગૃહ વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરનો કુલ વિસ્તાર 50 ચોકિમી. જેટલો છે. 1998 મુજબ તેની વસ્તી 2,16,000 જેટલી છે.

સધમ્પ્ટન (2) : યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયૉર્કના અગ્નિભાગમાં આવેલા સફોક પરગણાનો ગ્રામીણ વિભાગ તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 72° 23´ પ. રે.. તે અહીંના લૉંગ આઇલૅન્ડના પૂર્વ ભાગમાં દક્ષિણ કાંઠે આવેલું છે.

1640માં કૉન્સાયન્સ પૉઇન્ટ ખાતે મૅસેચૂસેટ્સ રાજ્યના લીનમાંથી વસાહતીઓ આવેલા અને ન્યૂયૉર્કમાં પ્રથમ ઇંગ્લિશ વસાહત સ્થાપેલી. 1640ના ડિસેમ્બરની 13મીએ કરેલો, મૂળ ઇન્ડિયન ભૂમિ-કરાર જાળવી રખાયેલો છે. ઘણી વસાહતી ઇમારતોનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવેલો છે, તેમાં હૅલ્સ હોમસ્ટેડ (1648-49 – રાજ્યનું જૂનામાં જૂનું ઇંગ્લિશ સૉલ્ટબૉક્સ મકાન) તથા જૂની જળચક્કી(1644)નો પણ સમાવેશ થાય છે. આ નગરમાં શિનેકૉક ઇન્ડિયન રિઝર્વેશન (1703) અને એક વખતના વહેલના શિકાર-સ્થળ સમું સૅગ હાર્બર (બંદર) પણ આવેલાં છે. 1963માં સધમ્પ્ટન કૉલેજ ઑવ્ લૉંગ આઇલૅન્ડ યુનિવર્સિટી ખુલ્લી મુકાઈ છે. અહીંના ગ્રામીણ વિભાગમાં પૅરિસ આર્ટ મ્યુઝિયમ આવેલું છે.

સધમ્પ્ટન ટાપુ : કૅનેડાના વાયવ્ય પ્રદેશના કિવાતિન જિલ્લામાં હડસનના અખાતના મુખ પાસે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 64° 20´ ઉ. અ. અને 84° 40´ પ. રે.. તે રૉઇસ વેલકમની ખાડી દ્વારા કૅનેડાના મુખ્ય ભૂમિભાગથી અલગ પડે છે. ત્રિકોણ આકારના આ ટાપુની લંબાઈ-પહોળાઈ અનુક્રમે આશરે 340 કિમી. અને 352 કિમી. જેટલી છે અને તેનો વિસ્તાર 41,214 ચોકિમી. જેટલો છે.

આખોય ભાગ 600 મીટર ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશથી બનેલો છે. તેના ઈશાન કિનારા પર 300 મીટરની ઊંચાઈવાળી ભેખડો આવેલી છે. આ ટાપુનો સામાન્ય ઢોળાવ દક્ષિણ તરફનો છે. ટાપુના અંદરના ભાગોમાં વહેતી વેગીલી નદીઓએ ઊંડાં કોતરો રચ્યાં છે. દક્ષિણી અખાતના શિરોભાગ (મથાળા) પર આવેલું કોરલ હાર્બર અહીંનું એકમાત્ર વેપારી મથક છે. મુન(Munn)ના અખાત ખાતે રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસમથક તથા હવાઈ મથક અને હવામાન-મથક આવેલાં છે. અહીંના કિનારાનાં સમુદ્રજળ ધ્રુવીય માછીમારી માટે જાણીતાં છે.

આ ટાપુની શોધ થૉમસ બટને 1613માં કરેલી અને સધમ્પ્ટનના ત્રીજા અર્લના માનમાં આ ટાપુને સધમ્પ્ટન નામ અપાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા