સદારંગાણી, હરુદાસ ઈસરદાસ (જ. 22 ઑક્ટોબર, 1913, શહેદાદપુર, જિ. નવાબશાહ, સિંધ; અ. 7 ડિસેમ્બર, 1992, દિલ્હી) : ‘ખાદિમ’ તખલ્લુસ ધરાવતા સિંધી કવિ અને ફારસી વિદ્વાન. તેમને તેમના મુક્તકસંગ્રહ ‘ચીખ’ (‘અ શ્રિક’, 1977) બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1938માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ તેઓ હૈદરાબાદ(સિંધ)ની ડી. જી. નૅશનલ કૉલેજમાં સિંધીના અધ્યાપક તરીકે જોડાયા. 1948માં સિંધમાંથી સ્થાનાન્તર કર્યું ત્યારે તેઓ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજના ફારસી વિભાગના વડા હતા. 1946માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘ધ પર્સિયન પોએટ્સ ઑવ્ સિંધ’ નામક સંશોધનકાર્ય માટે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
1954-56 દરમિયાન તેમને તેહરાન યુનિવર્સિટી તરફથી રિસર્ચ સ્કૉલરશિપ આપી નિમંત્રવામાં આવ્યા. ફારસીમાં તેમના વિવરણાત્મક પ્રબંધ ‘અ શૉર્ટ હિસ્ટરી ઑવ્ પર્સિયન પોએટ્રી ઇન ઈરાન, ઇન્ડિયા ઍન્ડ સિંધ’ માટે તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવેલી.
ભારતમાં સ્થાનાંતર કર્યા બાદ તેઓ 1948-54 દરમિયાન દિલ્હી કૉલેજમાં સિંધીના અધ્યાપક રહ્યા. ત્યારબાદ તેઓ દૂરદર્શનના એક્સ્ટર્નલ સર્વિસિસ ડિવિઝનના સુપરવાઇઝર તરીકે કાર્યરત રહ્યા અને 1974માં સેવાનિવૃત્ત થયા. 1957-77 સુધી તેઓ સાહિત્ય અકાદમીના સિંધી સલાહકાર બૉર્ડના સભ્ય, 1968-77 સુધી સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ તથા કાર્યકારી બૉર્ડના સભ્ય રહ્યા. વળી તેઓ કેન્દ્રીય હિંદી નિદેશાલયના અધ્યક્ષ પણ રહ્યા.
અભ્યાસકાળ દરમિયાન જ તેઓ સિંધી તેમજ ફારસી મધ્યકાલીન સૂફી સાહિત્યથી પ્રભાવિત થયા હતા. ઉમર ખય્યામ, રૂમી હાફિજ, અમીર ખુસરો તથા પાશ્ચાત્ય કવિઓ શેલી અને વર્ડ્ઝવર્થનો તેમના પર ભારે પ્રભાવ રહ્યો. તેમણે પ્રસિદ્ધ સિંધી ગઝલકાર પ્રો. લેખરાજ અઝીઝ પાસેથી ‘ઇલ્મ અરૂઝ’ની તાલીમ લીધી અને રુબાઈવિદ્યામાં કાર્ય-સર્જન કર્યું. મુંબઈ યુનિવર્સિટીમાં કૉલેજકાળ દરમિયાન તેમનાં કાવ્યો મૅટ્રિકના અભ્યાસક્રમમાં નિયત કરાયાં હતાં. તેમણે નઝમ, ગઝલ, અછાંદસ અને ગદ્યરચનાઓ પણ કરી છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગીન રુબાઈયાં’ (1959) પારસી નમૂનાની 194 રુબાઈઓનો સંગ્રહ છે. ભારતીય જ્ઞાનપીઠે તેમાંની 108 રુબાઈઓ તેના હિંદી અનુવાદ સાથે પ્રગટ કરેલી. બીજો કાવ્યસંગ્રહ ‘પ્રિહા જી બખ’ (1972) છે; જેમાં તેમની અંગત લાગણીઓ અને રોજિંદા જીવનના અનુભવો અભિવ્યક્ત કરાયા છે. ‘ખુશ્બૂ જો સફર’ (1984) 457 રુબાઈઓનો અદ્યતન સંગ્રહ છે.
તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં નીચેનાનો સમાવેશ થાય છે : સિંધી ‘રુહ દીનો રેલો’ (1963) કાવ્યસંગ્રહ; ‘કખા એં કાના’ (1966) નિબંધસંગ્રહ; તેમણે ફારસીમાંથી ‘બાબરનામા’ (1964) અને ‘પારસી ગુમાને હિંદ વા સિંધ’ (1977); ઉર્દૂમાંથી ‘ગુરુ ગોવિંદસિંહ’ (1966) અને ‘ઉમરાવજાન અદા’ (1978) તથા અંગ્રેજીમાંથી ‘વલ્લતોળ’ (1980) અને ‘ધ પર્સિયન પોએટ્સ ઑવ્ સિંધ’(1956)ના અનુવાદો આપ્યા છે.
1978માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરાંત 1981માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.
જયંત રેલવાણી