સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્વને ધ્યાનમાં રાખીને જ ભારતની ધર્મપરંપરામાં નીતિનિયમોનું વર્ણન કરનારાં શાસ્ત્રોને ‘ધર્મશાસ્ત્રો’ કહેવામાં આવે છે. આ રીતે જૈન, બૌદ્ધ કે હિંદુ ધર્મમાં જ્યારે ગૃહસ્થ કે સાધુએ પાળવાના નીતિનિયમોની વાત કરવામાં આવે છે ત્યારે એ નીતિનિયમોને ગૃહસ્થ કે સાધુના ધર્મો તરીકે જ ઓળખવામાં આવે છે.

સદાચાર એ સમગ્ર ધાર્મિક જીવન નથી પણ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે. પરંતુ આ અંગ સામાજિક દૃષ્ટિએ એટલું બધું મહત્વનું છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર  એટલે ધર્મ એવું સમીકરણ આપીને ભારતીય ધર્મમીમાંસકોએ કોઈ પણ માણસ ધાર્મિક છે કે નહિ તેનો નિર્ણય કરવા માટેની એક જાહેર કે સામાજિક કસોટી રજૂ કરેલી છે. આધુનિક ભારતના જગવિખ્યાત તત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણને પણ સદાચારને ધાર્મિકતાની કસોટી ગણાવેલી છે. તેઓ કહે છે, ‘ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પણ પરિવર્તિત જીવન છે. માણસના ધર્મની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહિ પણ તેના ચારિત્ર્યથી અને વલણથી થાય છે.’ સદાચારીનું વર્તન સમજાવતાં કન્ફ્યુશિયસ કહે છે, માણસને પોતાને જે પ્રતિકૂળ લાગે તેવું આચરણ તેણે અન્ય માણસો સાથેના વ્યવહારમાં ન કરવું અથવા સામા માણસ પાસેથી આપણે જેવા વર્તનની અપેક્ષા રાખીએ છીએ તેવું વર્તન આપણે સામા માણસ સાથે કરવું જોઈએ. એ માટે પારસ્પરિક આત્મીયતાભર્યું આચરણ એ સુવર્ણ નિયમ છે. આવો સદાચારી મનુષ્ય પુત્ર તરીકે ઉત્તમ પ્રકારની પિતૃભક્તિ દાખવતો હોય છે, પિતા તરીકે તે માયાળુ અને ન્યાયી હોય છે, અમલદાર તરીકે તે ભરોસાપાત્ર અને વફાદાર હોય છે, પતિ તરીકે તે નીતિનિષ્ઠ અને શાણો હોય છે અને મિત્ર તરીકે તે ચોખ્ખા દિલનો અને ચતુર હોય છે. આવા સદાચારી મનુષ્યમાં પાંચ સદગુણો પ્રગટ થતા હોય છેઃ (1) સ્વમાન, (2) ઉદારતા, (3) નિખાલસતા, (4) ગંભીરતા અને (5) પરોપકાર. આવી વ્યક્તિ બોલતાં પહેલાં આચરે છે અને પછી પોતે જે કર્યું હોય તે જ બીજાને કરવાનો ઉપદેશ આપે છે. આમ સદાચારી વ્યક્તિનાં વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ એકરૂપતા હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ