સત્યાશિયો દુકાળ : વિક્રમ સંવત 1687(ઈ. સ. 1630-32)માં ગુજરાતમાં પડેલો દુકાળ. તે વખતે ગુજરાતમાં મુઘલ શહેનશાહ શાહજહાંનું શાસન હતું. ઈ. સ. 1628નું વર્ષ અપૂરતા વરસાદને કારણે અછતનું વર્ષ હતું. 1630માં ગુજરાતમાં વરસાદ ન પડ્યો અને 1631માં અતિવૃદૃષ્ટિને લીધે પાક નિષ્ફળ ગયો. પૂરને કારણે સૂરત પાસેનાં બધાં ખેતરો પાણીમાં ડૂબી ગયાં. પાક ધોવાઈ ગયો. સૂરતમાં લોકોને હોડીઓમાં ફરવું પડતું.

દુકાળની અસર વધવાથી લોકો કસબા અને ગામો છોડીને બીજે ગયા. અનાજ ન મળવાથી માણસો પોતાની પત્ની અને બાળકોને છોડીને જતા રહ્યા. સ્ત્રીઓ પોતાની જાતે ગુલામ તરીકે વેચાઈ, માતાઓએ બાળકોને વેચ્યાં, કેટલાંક માતાપિતા બાળકોને છોડીને ચાલ્યાં ગયાં, તે જાતે વેચાયાં. કેટલાંક કુટુંબના સભ્યોએ ઝેર પીધું, કેટલાંક નદીમાં મરવા માટે કૂદી પડ્યાં. એક ડચ વેપારીએ સૂરત જતાં માર્ગમાં અનેક શબ પડેલાં જોયાં. સૂરતમાં લગભગ 30,000 માણસો મરણ પામ્યાં હતાં. તેમને દફન કરનાર કોઈ ન હતું. સૂરતની ઇંગ્લિશ કોઠીના પ્રમુખ થૉમસ રાસ્ટેલે 31 ડિસેમ્બર, 1630ના રોજ ઇંગ્લૅન્ડ લખેલા પત્રમાં જણાવ્યું કે અગાઉની કિંમત કરતાં સાત ગણો ભાવ આપવા છતાં માણસને ખાવા અનાજનો દાણો પણ મળતો નથી. તેથી આ વિસ્તારના વણકરો, રંગરેજો, મિકેનિક વગેરે કારીગરો તેમનાં ઘર છોડીને મોટી સંખ્યામાં ચાલ્યા ગયા છે અને રાહતના અભાવે મરણ પામ્યા છે. સૂરતમાં અંગ્રેજ વેપારીઓને પણ જરૂર પૂરતું અનાજ મળતું ન હતું. તેમણે પર્શિયન અખાતના દેશોમાંથી અનાજ મંગાવવાની વ્યવસ્થા કરી. સૂરત અને નંદુરબાર વચ્ચેના માર્ગમાં અંગ્રેજ વેપારી પીટર મુંડીએ અનેક શબ પડેલાં જોયાં હતાં. એક ખાડામાં 30થી 40 શબ પડેલાં હતાં. મે, 1633માં આગ્રાથી સૂરત પાછા ફરતાં સિદ્ધપુર, મહેસાણાના માર્ગમાં તેણે હાડકાંના ઢગલા તથા અમદાવાદ શહેર અડધું ખાલી અને પાયમાલ થયેલું જોયું હતું.

મૃત્યુનો અંદાજ : આ દુકાળમાં ગુજરાતમાં કેટલા લોકો મરણ પામ્યા તેનો અંદાજ મૂકવો મુશ્કેલ છે. ભૂખમરાને લીધે તથા તે પછી થયેલા રોગચાળાને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા. ઑક્ટોબર 1631માં ગોવાના વાઇસરૉયે લિસ્બનમાં તેના રાજાને લખ્યું કે છેલ્લા દસ મહિનામાં ગુજરાતમાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. અંગ્રેજ વેપારી પીટર મુંડીએ 1633માં લખ્યું હતું કે દુકાળમાં દસ લાખથી વધુ ગરીબ લોકો મરણ પામ્યા છે. તે પછી પણ બીજા અનેક લોકો મરણ પામ્યા હતા. ગુજરાતનાં અનેક કસબા (towns) અને ગામો નિર્જન થઈ ગયાં હતાં.

રાહતનાં પગલાં : શહેનશાહ શાહજહાંએ અમદાવાદ, સૂરત અને બુરહાનપુરમાં મફત રસોડાં (લંગરખાનાં) ખોલવાની તેના અધિકારીઓને સૂચના આપી. અમદાવાદમાં પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી તે સૂબા(પ્રાંત)ના દીવાને સરકારી તિજોરીમાંથી રૂપિયા 50,000 તે શહેરમાં ખોરાક પૂરો પાડવા આપવા જણાવ્યું. આ ઉપરાંત શહેનશાહ બુરહાનપુરમાં હતા ત્યાં સુધી, દર સોમવારે ગરીબોને રૂપિયા પાંચ હજાર વહેંચવામાં આવતા. આ રીતે વીસ સોમવાર સુધી કુલ એક લાખ રૂપિયા ગરીબોને વહેંચવામાં આવ્યા. વળી શહેનશાહે ખેડૂતોનું આશરે 70 લાખ રૂપિયાનું મહેસૂલ માફ કર્યું હતું. એ રીતે અમીરોની જાગીરો અને મનસબોમાં પણ મહેસૂલ માફ કરવામાં આવ્યું; પરંતુ ઇતિહાસકાર ડબ્લ્યૂ. એચ. મોરલૅન્ડના જણાવવા મુજબ આ બધાંની અસર ન-જેવી હતી. તે વખતે ઉત્તર ભારતમાં અનાજ ઘણું હોવા છતાં ત્યાંથી લાવવાનું ખર્ચ ઘણું વધારે થતું અને લાવવું શક્ય ન હતું.

અસરો : લોકોને આ દુકાળમાં ઘણું સહન કરવું પડ્યું. અનેક લોકો પોતાનાં ગામ કે નગર છોડીને બીજે જતા રહ્યા. ખંભાતથી કેટલાક ગરીબો હોડીઓમાં દખ્ખણ તરફ ગયા. માલનું ઉત્પાદન અટકી જવાથી વિદેશ વ્યાપારને ગંભીર અસર થઈ.

ઈ. સ. 1630-31નાં વર્ષોમાં કાપડના હસ્તઉદ્યોગ પર ઘણી અસર થઈ. ભરૂચમાં અનેક વણકરો મરણ પામ્યા. તેથી અંગ્રેજોની કોઠીને રોજના કાપડના પુરવઠામાં ખૂબ ઘટાડો થયો. વળી નિષ્ણાત કારીગરો મરણ પામવાથી ઊંચા પ્રકારનો માલ મળતો ન હતો. અમદાવાદના ગળીના વેપારને પણ ખરાબ અસર થઈ અને પુરવઠો ઘટી ગયો.

જયકુમાર ર. શુક્લ