સત્યાર્થી, દેવેન્દ્ર

January, 2007

સત્યાર્થી, દેવેન્દ્ર (. 28 મે 1908, ભાદૌર, જિ. સંગરુર, પંજાબ; . 12 ફેબ્રુઆરી 2003) : પંજાબી તથા હિંદી લેખક અને લોકસાહિત્યકાર. તેઓ 1948-56 દરમિયાન હિંદી માસિક ‘આજકાલ’ના સંપાદક રહેલા. તેઓ લોકગીતોના સંગ્રાહક તરીકે વધુ જાણીતા હતા. તેઓ બંગાળી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ તથા પંજાબી ભાષાના જાણકાર હતા. લોકગીતોનો સંગ્રહ કરવા તેમણે ભારતના જુદા જુદા ભાગોનો પ્રવાસ કર્યો હતો. 1936માં તેમણે પંજાબી લોકગીતોનો સંગ્રહ ‘ગિદ્દા’ (ક્લૅપિંગ) પ્રગટ કર્યો, જેનાથી તેમને વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત થઈ.

ત્યારબાદ તેમણે લોકગીતોસભર આ પંજાબી કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા અને લોકોમાં પ્રગતિશીલ કવિ તરીકે જાણીતા થયા : ‘ધરતી દિયાં વજન’ (‘એકૉઝ ઑવ્ ધી અર્થ’); ‘મુર્હકા તે કનક’ (‘સ્વીટ ઍન્ડ વ્હીટ’, 1950); ‘બુઢ્ઢી નહીં ધરતી’ (‘ધી અર્થ ઇઝ નૉટ ઓલ્ડ’); ‘લાક તુનુતુનુ’ (‘ધ ડૉવ્ઝ સાગ’, 1958). તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : હિંદી : ‘ધરતી ગાતી હૈ’ (1948), ‘બેલા ફૂલે આધી રાત’ (1949) – બંને લોકસાહિત્યના ગ્રંથો; ‘બંદનવાર’ – કાવ્યસંગ્રહ; ‘ચાય કા રંગ’ (1949), ‘સરાક નહિ બંદૂક’ (1950) – બંને વાર્તાસંગ્રહ; ‘રથ કે પહિયે’ (1950), ‘તેરી કસમ સતલુજ’ (1989 – બંને નવલકથાઓ; ‘ચાંદ સૂરજ કે બિરન’ (1959), ‘નીલ યક્ષિણી’ (1986), ‘સફરનામા પાકિસ્તાન’ (1989) – તમામ આત્મકથાત્મક ગ્રંથો; ઉર્દૂ : ‘મેં હૂં ખાનબડોશ’ (લોકસાહિત્ય); પંજાબી : ‘દેવતા દિગ્ગાપ્પા’ (1953), ‘તિન બુહિયાં વાલા ઘર’ (1961) – બંને વાર્તાસંગ્રહો; ‘સુઈ બજાર’ (1982)  નવલકથા; અંગ્રેજી : ‘મીટ માય પીપલ’ (1946) – લોકગીતો તથા ‘એક યુગ એક પ્રતીક ઍન્ડ રેખાયેં બોલ ઊઠી’ નિબંધસંગ્રહ – બધા મળી તેમણે 60 ગ્રંથો આપ્યા છે.

તેમણે ભારતભરમાં પ્રવાસ ખેડીને વિવિધ બાબતો વિવિધ રીતે પીરસી છે; જેમ કે, નૃત્યાંગના ગુલેર અને નૂરજહૉ સાથે સંકળાયેલ નૂરપુર તળાવ, કાંગરાની ખીણની પ્રેમકથાઓ; ‘દક્ષિણના પવનોનું સુખડ’, ‘વિંધ્યાચલની ટેકરીઓ’, ‘ઉત્કલની રોમાંચક ઘટનાઓ’ અને ‘હિમાલયનો બરફ’ તથા ઘણાંબધાં દૂરનાં અને નજીકનાં વર્ણનો તેમનાં કાવ્યોમાં ગૂંથી લેવામાં આવ્યાં છે. આમ, તેમનાં લખાણો લોક-તત્ત્વસભર છે.

તેમને લોકસાહિત્યવિષયક પ્રદાન બદલ દિલ્હી સાહિત્યકલા પરિષદ ઍવૉર્ડ; પંજાબ સરકારના ભાષાવિભાગ તરફથી બેસ્ટ હિંદી રાઇટર ઍવૉર્ડ; તથા ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો ખિતાબ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા