સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને સમૃદ્ધ કુટુંબનું સંતાન. ત્રણ મોટા ભાઈઓ અને એક બહેન સાથેનો પૂરો પરિવાર સુખશાંતિમય જીવનમાં વ્યસ્ત. પરંતુ બાળક કૈલાસ તો કંઈક કરવાની તમન્ના ધરાવતો હતો. તેને પૈત્તૃક નિવાસસ્થાન (છોટી હવેલી) પોતાનાં અરમાનોને પરિપૂર્ણ કરવા માટે નાનું પડતું હતું.
શાળાપ્રવેશના પ્રથમ દિવસે જ તેની આંખ અને હૃદય તાલ મેળવી શક્યાં નહીં. પ્રવેશમાર્ગના એક ખૂણા પર બેઠેલા મોચીકાકાનો દીકરો કેમ અભ્યાસ માટે શાળાએ જતો નથી – એવો સહજ પ્રશ્ન તેને થયો. વર્ગશિક્ષક તેના આ પ્રશ્નનો ખુલાસાભર્યો ઉત્તર ન આપી શક્યા. આ પ્રશ્નનો ઉત્તર તેને કિશોરકાળે કે કૉલેજકાળે પણ ન સાંપડ્યો. અન્યના શૈશવની સમસ્યા તેના મનને સતત કોરતી. સતત અજંપો જગાડતી. સમય, સંજોગો અને અવકાશ મળતાં આ અજંપો વ્યાપક બન્યો અન ‘બચપન બચાવ આંદોલન’નાં બીજ તેમના મનમાં રોપાયાં.
ઉપર્યુક્ત પ્રશ્નના ઉકેલના પ્રથમ પ્રયાસ તરીકે તે મિત્ર રમેશ વ્યાસ સાથે મળી એક કેડી બનાવે છે. નાણાંના અભાવે શાળાએ ન જઈ શકતાં બાળકો માટે ફૂટબૉલ ક્લબ સ્થાપી નાણાં રળે છે. વળી મેળા કે શાલેય કાર્યક્રમોમાં હાટડીઓ શરૂ કરી નાણાં ઊભાં કરે છે. ગરીબ સહપાઠીઓની ફી માટે આ નાણાં વપરાતાં. અભ્યાસનાં પુસ્તકો મેળવવા બીજી મોટી આર્થિક સમસ્યા હતી. તે માટે આ બંને મિત્રો આયોજનપૂર્વક હાથલારી લઈ નગરમાં જૂનાં પાઠ્યપુસ્તકો ઉઘરાવવાની ફેરી કરતા. ‘તમારાં જૂનાં નકામાં પુસ્તકો વંચિત બાળકોના જીવનને પ્રકાશથી ભરી દેશે’ – આ સંદેશા સાથે ફેરી ચાલતી. તેમાં આચાર્યશ્રીની મદદ મળી. બુકબૅન્કની વિભાવના સહજ રીતે આકાર થઈ. દીવામાંથી દીવો પ્રગટે તેમ આ પ્રવૃત્તિ વિસ્તરી. આ બંનેએ શાળા છોડી પણ તેમનો પરગજુ કાર્યોનો છોડ વિકસતો રહ્યો. શાંત ક્રાંતિના વિચારની કશીયે સભાનતા વિના તેમને ચોક્કસ દિશા લાધી હતી. તેમનું ‘બચપન બચાવો આંદોલન’ યોગ્ય દિશામાં આરંભાયું હતું.
ભોપાલની સમ્રાટ અશોક ટૅકનૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતકની પદલી લઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક શાખામાં હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગનો અનુસ્નાતક ડિપ્લોમા અંકે કરી પ્રારંભે તેઓ પ્રાધ્યાપક બન્યા. પુસ્તક-પ્રકાશનક્ષેત્રે આછી પાતળી નોકરી કરી. પ્રકાશકની પુત્રી સાથેનો પરિચય પ્રણયમાં પરિણમ્યો અને તેની સાથે લગ્નજીવનનો પ્રારંભ કર્યો. સાથે સાથે સ્વામી અગ્નિવેશ અને તેમની ‘બંધવા મુક્તિ મોરચા’ સંસ્થાનો પરિચય કેળવાયો. બાંધકામ-ક્ષેત્રના મજૂરોને મુક્ત કરાવવાના કામમાં તેઓ સક્રિય બન્યા ત્યારે તેમને ભાન થયું કે આ મજૂરોનાં બાળકો તો જીવનની બાલ્યાવસ્થાથી જ મજૂરોએ જોતરાયેલાં છે. દસેક વર્ષની આ ક્ષેત્રની સક્રિય કામગીરી સાથે તેમના મનમાંનું જીવનલક્ષ્ય સ્પષ્ટ બન્યું. તેમણે આવાં બાળકો માટે કામ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. 1977માં દિલ્હીમાં ‘બચપન બચાવો આંદોલન’નો નાનો શો આરંભ થયો. 1980મા તેમણે પૈત્તૃક અને જ્ઞાતિ-સૂચક શર્મા અટક છોડી નવી સત્યાર્થી અટક સ્વીકારી.
બાળમજૂરીએથી બાળકોને છોડાવવાનું કામ લગીરે આસાન નહોતું. તેમને મધરાત્રે કે યોગ્ય તક મળ્યે તેમનાં કાચાં રહેઠાણોમાંથી ખસેડી બહાર લાવવાં માલિકોની કે કૉન્ટ્રાક્ટરોની નજરથી છુપાવી રક્ષણ આપવું; લાઠી, દંડા કે મારના ભોગે પણ તેમને બચાવવાં — આ બધું ભારે જહેમતનું કામ હતું. આ કામ બદલ આ કર્મશીલોને વિવિધ રીતે ધમકીઓ મળતી. આ બાળકોની ખાધાખોરાકીની ચિંતા કરતાં કરતાં તેમને સરેરાશ જનજીવનમાં ગોઠવીને ભણાવવાં — આવાં બધાં કામ માટે સક્રિય ભાગીદારી જરૂરી બનતી. બાળમજૂરી વેઠતા શૈશવને બચાવવાનું ભગીરથ કામ ભારે સાવધાની માંગી લે છે. તેઓ ફરી વેઠ કે મજૂરીનો ભોગ ન બને તે માટે કાનૂની હક્કો અપાવવા સંસ્થાને લાંબો કાયદાકીય સંગ્રામ લડવો પડે. અલબત્ત, તેમના કામમાં નિષ્ઠા અને પ્રામાણિકતાની પ્રતીતિ થતાં તેમને અદાલત અને પોલીસતંત્રની સહાય મળી. દિલ્હીની વડી અદાલતે પોલીસતંત્રને આવાં બાળકોનું રજિસ્ટર રાખવા તાકીદ કરી. આ કામના માનવતાલક્ષી અભિગમથી પ્રેરાઈ ભારતની સર્વોચ્ચ અદાલતે પૂરા ભારતમાં બાળમજૂરોનું રજિસ્ટર રાખવાનું સૂચન અમલી બનાવવાનો હુકમ કર્યો. આ પ્રવૃત્તિ સંદર્ભે કાયદામાં નાના અને અંશતઃ સુધારા કરાયા જેથી બાળમજૂરોની શોષણમુક્તિ સરળ બને.
ઉત્તરપ્રદેશનો ભદોહી પટ્ટો બાળમજૂરી માટે કુખ્યાત છે. દક્ષિણ ભારતમાં શિવકાશીનો દારૂખાનાનો ઉદ્યોગ, બિહાર, ઝારખંડ, હરિયાણા વગેરે રાજ્યોમાં બાંધકામ પ્રવૃત્તિમાં બાળમજૂરોને જોતરીને તેમના પર અમાનુષી ત્રાસ વર્તાવવામાં આવે છે. તેમને નરી વેઠ કરવાની, ક્યારેક દેહવ્યાપાર કે ભીખના કામો કરવાની ફરજ પડાય છે. 1980માં ફરીદાબાદ ખાતે ‘બચપન બચાવ આંદોલન’નો સત્યાર્થીએ આરંભ કર્યો. 2013 સુધીમાં 83,525 બાળકોને તેમણે વેઠ, બાળગુલામી કે ગીરોખતમાંથી બચાવ્યા. આ અંગે વ્યાપક જાગૃત્તિ પેદા કરવા આ આંદોલનના એક ભાગ રૂપે ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર નામથી તેમણે વૈશ્વિક કૂચનું આયોજન કર્યું હતું. 103 દેશોમાં આવી કૂચ યોજીને તેમાં 72 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. બાળશોષણ અને મજૂરી વિરુદ્ધ સભાનતા પેદા કરવાનો આ પ્રયાસ પ્રશસ્ય હતો. એથી દુનિયાભરની પ્રજાઓ આ બાબતે થોડી ઘણી સભાન બની. એથી દુનિયાભરની પ્રજાઓ આ બાબતે થોડી ઘણી સભાન બની. એથી બાળકોના ખરીદ-વેચાણ, શોષણ અને મજૂરી સામે કાયદા ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ. એથી બાળમિત્ર સમાજની સ્થાપનાનું કામ સરળ બન્યું. આવી પ્રવૃત્તિ દ્વારા ભારતનાં 11 રાજ્યોમાં 365 ગામોને બાલમિત્ર ગામ બનાવવામાં આવ્યાં છે. એથી બાળકો અભ્યાસ પામે, બાળપંચાયત, યુવામંડળ અને મહિલામંડળ સાથે સંકળાઈ સામાન્ય જનપ્રવાહમાં ભળે છે. નાગરિક સમાજના મંડાણ સાથે બાળકનું પરિપક્વ નાગરિકમાં રૂપાંતર થાય છે. 1980થી તેઓ આ લોકલડતને સંકોરતા રહ્યા છે. આ ઢબે આ આંદોલન વિશ્વના 144 દેશોમાં પ્રસર્યું છે. વિશ્વના દેશોના 70,000 નાગરિકોના સમર્થન સાથે તે 750 નાગરિક સંગઠનો થકી કામ કરે છે. આ માટે ત્રણ બિનસરકારી સંગઠનોનાં જોડાણ સાથે સક્રિય છે. જેમાં (1) ધ ઍસોસિયેશન ઑવ્ વોલન્ટરી એક્શન (2) બાળઆશ્રમ ટ્રસ્ટ અને (3) સેવ ધ ચાઇલ્ડહુડ ફાઉન્ડેશન — જેવાં સંગઠનો સતત કામગીરી બજાવે છે. પ્રથમ બાળમજૂર લક્ષ્મણસિંહ આજે 20,000નો પગાર કમાતો ઠરીઠામ થયેલો સદગૃહસ્થ છે. તે 80,000 સ્વયંસેવકોની ફોજની આર્થિક વ્યવસ્થા સંભાળે છે. તે વર્ષે સાડા ત્રણ કરોડની આવકજાવકનો હિસાબ રાખનાર ખજાનચી છે. અહીં મહત્વની વાત એ પણ છે કે આંદોલન માત્રને માત્ર ગાંધીશૈલીથી જ કામ કરે છે. અપમાનો કે ગેરરીતિઓ પચાવીને માર્ગચ્યુત થયા વિના તે વણથંભ્યું કામ કર્યા જ કરે છે. ગાંધી અને ગાંધીચીંધ્યા માર્ગ પર તેમને અતૂટ આસ્થા છે. આ આંદોલન ધરાતલ કક્ષાએથી બાળરક્ષણ સાથે સંકળાયેલું સૌથી મોટું આંદોલન છે.
તેમનાં આ કાર્યો, આંદોલન અને તેની નીતિરીતિ વ્યાપક સ્વરૂપે પોંખાયાં. ઇટાલી અને સ્પેનના દેશોએ તેમના પર ઍવૉર્ડની નવાજેશ કરી. અમેરિકાએ રૉબર્ટ કેનેડી ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા. અમેરિકાની વિકિટમ્સ ઑવ્ ટૉર્ચરની સંસ્થાના તેઓ સભ્ય છે. આ સિદ્ધિઓની ચરમસીમા એ હતી કે 10 ઑક્ટોબર, 2014ના રોજ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર (પાકિસ્તાનની મલાલા યૂસૂફઝાઈ સાથે) સરખે હિસ્સે એનાયત થયો છે. નોબેલ સમિતિના એક પ્રવક્તાએ ગાંધી સંદર્ભનો હવાલો ટાંકી આ આંદોલન અહિંસક માર્ગો પર ચાલ્યું છે તેને વિશેષ ઉલ્લેખનીય બાબત ગણાવી છે. એથી હિંસાનું વિષચક્ર તૂટે છે. આમ બાળઅધિકારોને પ્રોત્સાહન પૂરું પાડતી શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર પામ્યા છે.
આ પુરસ્કાર કૈલાસ સત્યાર્થીએ ભારતીય જનતાને અર્પણ કર્યો છે. તેમનાં પત્ની સુમેધા અને પુત્ર-પુત્રી બંને બાળઅધિકારના ક્ષેત્રે સક્રિય છે. દિલ્હીના કાલકાજી વિસ્તારની એક ત્રણ મજલાની ઇમારત ‘બચપન બચાવ આંદોલન’નું મુખ્ય કાર્યાલય છે. ભારત આવીને સત્યાર્થીએ આ ચંદ્રક ભારતના રાષ્ટ્રપ્રમુખને દેશની જનતા માટે સમર્પિત કર્યો છે.
રક્ષા મ. વ્યાસ