સત્યાગ્રહ : અહિંસાના સાધન વડે સત્યની સ્થાપના કરવાની ગાંધીજીએ દેખાડેલી રીત. અસત્ય, અન્યાય કે અત્યાચારનો અહિંસાની શક્તિ વડે પ્રતિકાર કરી વ્યક્તિગત કે સામાજિક સંબંધોમાં સત્ય, ન્યાય કે સમત્વ પ્રતિષ્ઠિત કરવા પાછળ સત્ય અને પ્રેમનું તત્ત્વજ્ઞાન તથા અહિંસા અને સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાનાં તંત્ર કે પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકામાં નાતાલ અને ટ્રાન્સવાલમાં હિંદથી જઈને વસેલા લોકો પ્રત્યે ત્યાં શાસન કરી રહેલા ગોરા લોકો દ્વારા આચરવામાં આવતા અન્યાયપૂર્ણ વ્યવહારને દુરસ્ત કરવા, અરજી  વિનંતીઓ, વિરોધપ્રદર્શન વગેરે ઉપાયો નિષ્ફળ જતાં ત્યાંની હિંદી કોમે અન્યાય ભરેલા કાયદા જોડે સહકાર ન કરવાનો અને તેમ કરતાં જે સજા ભોગવવાની આવે તે સ્વેચ્છાપૂર્વક ભોગવી લેવાનો નિર્ણય 1906ની 11મી સપ્ટેમ્બરને દિને જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં મળેલ એક જાહેર સભામાં લીધો, ત્યારથી સત્યાગ્રહની ચળવળનો જન્મ થયો એમ ગણી શકાય. જોકે શરૂઆતના દિવસોમાં બીજા કોઈ યોગ્ય શબ્દને અભાવે આ ચળવળને ‘પૅસિવ રેઝિસ્ટન્સ’ કે ‘શાંત પ્રતિકાર’ કહેતા. ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં ચાલતા ‘પૅસિવ રેઝિસ્ટન્સ’ પાછળ અહિંસાનું તત્ત્વજ્ઞાન નહોતું અને માત્ર હિંસક સાધનના અભાવને કારણે જ શાંત પ્રતિકારને સ્વીકારવામાં આવ્યો હતો. તેથી ‘અહિંસાની સક્રિય સકારાત્મક શક્તિનો પ્રયોગ’ એવો અર્થ તેમાં સમાતો નહોતો. ગાંધીજીએ હિંદીઓની ચળવળને સારુ યોગ્ય શબ્દ સુઝાડવા માટે ઇનામ આપવાની જાહેરાત કરી હતી. એના જવાબમાં આવેલા ‘સદાગ્રહ’ શબ્દને થોડો બદલી એને ‘સત્યાગ્રહ’ એવું નામ આપવામાં આવ્યું હતું. સત્યાગ્રહને પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને પાછળથી ભારતમાં એટલી સફળતા મળી હતી, અને તેના અમલ દરમિયાન ગાંધીજીએ એના તત્ત્વ ને તંત્રને એટલાં વિશદ કર્યાં હતાં કે એક ઊંડા તત્ત્વજ્ઞાન અને પ્રભાવશાળી સાધન તરીકે સત્યાગ્રહને વિશ્વસમાજમાં કાયમી સ્થાન મળ્યું છે. સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન વ્યક્તિ અને સમાજના પરિવર્તન સારુ લોભ અને ભયનાં પરંપરાગત પ્રેરક બળોને બદલે પ્રેમ અને કરુણાનાં પ્રેરક બળોનો ઉપયોગ કરે છે. પ્રેમને તે એક નિષ્ક્રિય ગુણ નહિ પણ સક્રિય શક્તિ તરીકે લેખે છે અને સામા પક્ષને ભય દેખાડી કે લોભ દેખાડીને નહિ, પણ એને સમજાવી અથવા એનું હૃદય-પરિવર્તન કરાવીને કામ લેવા ઇચ્છે છે. સત્યાગ્રહના તત્ત્વજ્ઞાનની કેટલીક મૂળભૂત માન્યતાઓ કે શ્રદ્ધાઓ નીચે મુજબ છે :

સત્યાગ્રહી માને છે કે ગમે તેવા બૂરા માણસમાં પણ કાંઈક ને કાંઈક સારું તત્ત્વ હોય છે જ.

એ તત્ત્વને જો જાગ્રત કરી શકાય તો માણસમાં પરિવર્તન લાવી શકાય.

એક જ આત્મતત્ત્વ સૌમાં વસે છે. માટે માણસ જ્યારે ચાહીને પોતાના પર કષ્ટ વહોરી લે છે ત્યારે બીજાના હૃદયમાં તેનો પડઘો અવદૃશ્ય પડે છે. અને તેથી સત્યાગ્રહીનું કષ્ટસહન પ્રતિપક્ષીના હૃદયમાં પહોંચવાનાં દ્વાર ઉઘાડી દે છે.

સત્યાગ્રહ પાપ અને પાપી વચ્ચેનો તફાવત જાણે છે. તે પ્રતિકાર પાપનો કરે છે, પાપીનો નહિ, બલકે દાક્તર જેમ રોગીને બચાવવા રોગને ખતમ કરે છે તેમ સત્યાગ્રહી પણ સત્યાગ્રહ દ્વારા જુલમને ખતમ કરીને જુલમ કરનાર અને જુલમ વેઠનાર બંનેને બચાવવા પ્રયાસ કરે છે. શિક્ષક શિષ્યના અજ્ઞાનને ખતમ કરવા મથે છે. તેમ કરીને તે અજ્ઞાની શિષ્યનો વિકાસ કરે છે, એ જ રીતે સત્યાગ્રહી અસત્ય, અન્યાય કે અત્યાચારથી ભરેલી વ્યવસ્થાને ખતમ કરી એ વ્યવસ્થામાં જાણ્યે-અજાણ્યે ફસાયેલ વ્યક્તિ કે સમૂહનું કલ્યાણ ઇચ્છે છે. સત્યાગ્રહીને અહિંસા પર અતૂટ વિશ્વાસ હોય છે; પણ એની અહિંસા નિષ્ક્રિય નથી, સક્રિય હોય છે, સત્યાગ્રહ સારુ ગાંધીજીએ ‘સત્યબળ’, ‘પ્રેમબળ’ કે ‘આત્મબળ’ જેવા શબ્દો વાપર્યા છે. સત્યાગ્રહ એટલે સત્યને સ્થાપિત કરવા, પ્રેમપૂર્વક વાપરેલા આત્મબળનો પ્રયોગ. સત્યાગ્રહી પોતે જે સત્યને સમજે છે તેને પ્રાણપણે વળગી રહે છે, પણ તે સદા એ બાબતમાં સભાન હોય છે કે પોતાને જે સત્ય લાધ્યું છે, તે પૂર્ણ સત્ય ન પણ હોય, સત્યનો એક અંશ જ હોય. તેથી તે નમ્રતાપૂર્વક અને ખુલ્લું મન રાખીને પોતાના પ્રયાસમાં આગળ વધે છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા સારુ સામેનાને કષ્ટ નહિ આપતાં પોતે કષ્ટ વેઠવા તૈયાર રહે છે. આને જ અહિંસાવૃત્તિ કહે છે. તે પલાયન નથી જાણતી. અહિંસા વેર નથી જાણતી ને અહિંસા ભય નથી જાણતી કે બદલો લેવા નથી ચાહતી. સત્યાગ્રહી સૌમાં એક જ આત્માને જુએ છે. તેને કોઈ પરાયું નથી. તેથી સત્યાગ્રહી સામેનાની ત્રુટિઓને પોતાની ગણી પોતે શુદ્ધ થવાનો નિરંતર પ્રયત્ન કરતો રહે છે. તે જાણે છે કે સામેનાની ત્રુટિઓ દૂર કરાવવા કરતાં પોતાની ત્રુટિઓ દૂર કરવી સહેલી છે, કારણ તે પોતાના હાથની વસ્તુ છે. તેથી સત્યાગ્રહીને એ વિશ્વાસ હોય છે કે પોતે જેટલી શુદ્ધિ કેળવી હશે એટલા પ્રમાણમાં એનામાં આચરણ કરવાની શક્તિ આવશે, એને સાચો માર્ગ દેખાશે, એને યોગ્ય રીતો સૂઝશે.

સત્યાગ્રહીને સફળતા-અસફળતાની ચિંતા નથી હોતી; કારણ કે કર્મ એના હાથમાં હોય છે, ફળ નહિ. પરંતુ આત્મશુદ્ધિની શિસ્ત જેણે સ્વીકારી છે, તેને બાહ્ય સફળતા મળે કે ન મળે, આંતરિક સમાધાન તો મળે જ છે; કેમ કે, તે પોતાના પ્રયાસના પ્રમાણમાં સત્યને એટલો વધુ ઓળખતો થાય છે.

સત્યાગ્રહીને પોતાનો કક્કો ખરો કરાવવામાં રસ નથી હોતો. એને સત્યને સ્થાપિત કરવામાં રસ હોય છે એટલે કોઈ પણ ક્ષણે એને પોતાની ભૂલ સમજાય ત્યારે તેને સ્વીકારી લઈ સંશોધિત કરવા એ તૈયાર હોય છે. સત્યાગ્રહીને પોતે જીતવામાં અને સામેનાને હરાવવામાં રસ નથી, એને રસ સત્યની જીતમાં છે. તેથી તેને જીત મેળવવા કરતાં સામેનાનું હૃદય જીતી લેવામાં વધુ રસ હોય છે. અને તેથી જ તે એમ પણ માને છે કે સાચા સત્યાગ્રહમાં જીત એક પક્ષે નહિ, પણ ઉભય પક્ષે થાય છે.

સત્યાગ્રહનું તંત્ર અને એની વ્યૂહરચના ગાંધીજી સારુ બદલાતી જતી પરિસ્થિતિ મુજબ વિકસતાં રહ્યાં, સત્યાગ્રહનાં સાધનોને તેમણે કદી પૂર્ણ થઈ ગયેલાં માન્યાં નહોતાં. સત્ય અંગે માણસની જેમ જેમ સમજ વધતી જાય તેમ તેમ સત્યાગ્રહની એની પદ્ધતિઓમાં પણ વિકાસ થતો જાય એમ તેઓ માનતા. એટલે સત્યાગ્રહનો પ્રયોગ તેમના ગયા પછી પણ અને હિંદ બહાર પણ થશે એવી એમને શ્રદ્ધા હતી, અને તે સાચી પણ ઠરી છે. વળી સત્યનો શોધક જીવનને ટુકડા ટુકડામાં જોતો નથી, સમગ્ર રૂપે જુએ છે; તેથી સત્યાગ્રહનો પ્રયોગ પણ વ્યક્તિગત સંબંધોના પ્રશ્નથી લઈને સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થઈ શકે એમ તેઓ માનતા હતા. જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સત્યાગ્રહના જે પ્રત્યક્ષ પ્રયોગો થયા છે, તેમાંથી સેંકડો કાર્યપદ્ધતિઓ તારવી શકાય એમ છે; પણ આ પદ્ધતિઓને નીચેના મુખ્ય વિભાગો હેઠળ વહેંચી શકાય :

1. સત્ય કે ન્યાય પ્રસ્થાપિત કરવા વિવિધ પ્રકારનાં દેખાવો કે પ્રદર્શનો દા.ત., સભા, સરઘસ, પ્રભાતફેરી, કૂચ, વેશભૂષા, પત્રિકાઓ, ચોપાનિયાંઓ વગેરે વગેરે.

2. અસત્ય સાથે સહકાર કરવાનો ઇનકાર દા.ત., પિકેટિંગ; આર્થિક બહિષ્કાર, સામાજિક બહિષ્કાર, રાજનૈતિક બહિષ્કાર; કોર્ટ, કચેરીઓ, ઇલકાબો, વિદ્યાલયોનો ત્યાગ, વગેરે.

3. અન્યાયી કાયદાનો સવિનય ભંગ દા.ત., સભા-સરઘસબંધીનો છડેચોક ભંગ, વસ્તીની સંચારબંધીનો ભંગ, કાગળો પર ફરજિયાત અંગૂઠાની છાપ આપવાનો ઇનકાર, પ્રતિબંધિત સીમાઓ ઓળંગવી વગેરે.

4. સીધો કબજો લેવો દા.ત., મીઠાના અગરનો કબજો લેવો, કોઈ જાહેર સંસ્થા, ગામસભા, જિલ્લા કે પ્રદેશ-સ્તરનો વહીવટ કરનાર સંસ્થાનો વહીવટ ચલાવવો વગેરે.

આ તમામ પ્રકારની પદ્ધતિઓમાં સત્ય અને અહિંસા બે અનિવાર્ય શરતો છે. એટલે સાચો સત્યાગ્રહી ઉપર્યુક્ત કોઈ પણ પદ્ધતિ અથવા તેના વિવિધ પ્રકારો વાપરતી વખતે કોઈ કામ ચોરીછૂપીથી નહિ કરે, સામેના પક્ષને કષ્ટ આપવાના હેતુથી નહિ કરે, વેરભાવ નહિ રાખે અને કોઈ પણ પ્રકારની હિંસા નહિ આચરે.

બ્રિટિશ શાસનના ગેરકાનૂની વહીવટી પગલા સામે મહિલાઓનો સત્યાગ્રહ

સત્યાગ્રહની કળા અને એનું શાસ્ત્ર સમજવા સારુ સત્યાગ્રહો જે જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે તેમને નજર સમક્ષ રાખીને સત્યાગ્રહની સોળ કળાઓનો વિચાર કરવો જોઈએ. તેમ કરતાં સત્યાગ્રહના પ્રત્યક્ષ પ્રયોગ વખતે આ કળાઓનો કેવી રીતે ઉપયોગ થયેલો તેનો પણ થોડો ખ્યાલ આવી શકે.

એક લાક્ષણિક સત્યાગ્રહ નીચેના સોળ તબક્કાઓમાંથી પસાર થઈ શકે :

1. પરિસ્થિતિમાં રહેલા અસત્ય કે અન્યાયનું ભાન : એ ભાન થયા વિના કોઈ પણ સત્યાગ્રહનો પ્રારંભ થતો નથી. દક્ષિણ આફ્રિકામાં કે અમેરિકામાં રંગભેદ અને ભારતમાં ગુલામી ચાલી આવતી હતી એ અન્યાય છે, એ વાતનું ભાન થયા પછી જ સત્યાગ્રહનો આરંભ થઈ શક્યો.

2. અન્યાયી પરિસ્થિતિ અંગે અસંતોષની અભિવ્યક્તિ : બારડોલીમાં 1928માં અન્યાયપૂર્વક મહેસૂલની આકારણી વધારવામાં આવી. આ અન્યાય છે તેની અભિવ્યક્તિ ખેડૂતોએ તાલુકામાં ઠેર ઠેર સભા-સંમેલનો ભરી તથા ઠરાવો દ્વારા કરી. તમામ પ્રકારના સત્યાગ્રહોનો આ પણ એક સામાન્ય તબક્કો હોય છે. સત્યાગ્રહી આ બાબત એ કાળજી રાખશે કે તેની અભિવ્યક્તિમાં જરાય અતિશયોક્તિ કે અવિનય ન હોય. ખેડા સત્યાગ્રહમાં અને બારડોલી સત્યાગ્રહમાં જે આંકડાઓ અપાયેલા તેમાં પણ આ બાબતની કાળજી રખાયેલી.

3. વિરોધી પાસે વિશ્વાસપૂર્વક જવું : દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનો મતદાનનો અધિકાર છીનવાતો જોઈને ગાંધીજી ત્યાંની ધારાસભા પાસે વિશ્વાસપૂર્વક ગયેલા. એમના આત્મવિશ્વાસ અને એમની સ્પષ્ટ છતાં નમ્ર વાણીની અન્યાયી કાયદો ઘડનારાઓએ પણ નોંધ લીધેલી.

4. વિરોધીને પોતાની વાત સમજાવવી : આ કામ એમની જોડે પત્રવ્યવહાર કરીને, છાપાંઓમાં લેખ કે પત્રો લખીને, સામા પક્ષને જેમની ઉપર વિશ્વાસ હોય તેવી વ્યક્તિ મારફત અથવા પ્રત્યક્ષ મુલાકાત માગીને થઈ શકે, દાંડીકૂચ પહેલાં ગાંધીજીએ વાઇસરૉયને ખૂબ વિગતવાર પત્ર લખેલો અને જરૂર હોય તો તેમને મળવા જવાની પણ તૈયારી બતાવેલી. કેરળમાં વાઇકોમ સત્યાગ્રહ વખતે શરૂઆતમાં સ્થાનિક સત્યાગ્રહીઓએ અને પાછળથી ગાંધીજીએ સનાતની બ્રાહ્મણોની તથા ત્રાવણકોરની રાણીની મુલાકાત લીધેલી.

5. વિરોધીને ન્યાય કરવા અપીલ કરવી : આ પણ દાંડીકૂચ અને વાઇકોમ સત્યાગ્રહ વખતે થયેલું. 1932માં ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા પછી તેમજ 1942માં ‘ભારત છોડો’નો ઠરાવ થયો ત્યાર પછી ગાંધીજીએ આ પ્રકારની અપીલ કરેલી.

6. અન્યાય બાબત જનતાનું શિક્ષણ અને લોકજાગરણ કરવાના પ્રયાસો : આ દરેક સત્યાગ્રહનું અનિવાર્ય અંગ છે. 1930માં પ્રથમ લેખો દ્વારા, પછી દાંડીકૂચ વખતની સભાઓ દ્વારા એ કામ વિશાળ પાયા પર થયેલું. ચંપારણમાં 1917-1918માં કિસાનોની ફરિયાદોની નોંધણીના કામ દ્વારા વ્યાપક લોકશિક્ષણ થયું હતું. લગભગ તમામ સત્યાગ્રહો વખતે સભાસરઘસો દ્વારા તો એ થતું જ.

7. વિરોધપ્રદર્શન : બોરસદમાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવેલા જુલમો અંગે વિરોધ પ્રદર્શિત કરવા સ્ત્રીઓએ ભારે સરઘસ કાઢેલું. એ સરઘસ પર થયેલા લાઠીમાર અને વિવિધ પ્રકારના અન્ય સિતમોને લીધે આ વિરોધપ્રદર્શન વધુ તીવ્રપણે પ્રગટ થયું હતું. અસહકારના આંદોલન (1919-1921) વખતે દેશભરમાં આવાં વિરોધપ્રદર્શનો થયેલાં. 1928માં સાઇમન કમિશનનો વિરોધ કરતા સરઘસમાં લાલા લાજપતરાયને એટલો માર પડેલો કે તેઓ ત્યાર બાદ થોડા દિવસમાં મૃત્યુ પામ્યા હતા. આ જ દિવસોમાં પં. જવાહરલાલ નહેરુ તથા તેમનાં મા સ્વરૂપરાણી દેવીએ પણ માર ખાધેલો.

8. સીધી કાર્યવહી : એનો સીધો નમૂનો સાબરમતીથી દાંડી સુધી ગાંધીજીની કૂચ અને ત્યાર બાદ સરોજિનીદેવી, ઇમામ અબ્દુલ બાવાઝીર, મણિલાલ ગાંધી વગેરે દ્વારા કરવામાં આવેલી ધરાસણાના અગરો પરની કૂચ હતી. અમેરિકામાં રંગભેદની વિરુદ્ધ, વિયેટનામ-યુદ્ધની વિરુદ્ધ, પરમાણુશસ્ત્રોની વિરુદ્ધ આવી સેંકડો સીધી કાર્યવહીઓ થઈ હતી.

9. સ્વૈચ્છિક, રાજીખુશીથી વહોરેલું કષ્ટસહન : ધરાસણાના અગરો પર જાહેર રીતે શાંતિપૂર્વક પાડવામાં આવેલી ધાડ એ આનો આબાદ નમૂનો છે. હજારો સ્વયંસેવકોએ રાજીખુશીથી અને પૂરી જાણ સાથે આ સત્યાગ્રહમાં કષ્ટ સહેલું. તેમાં શરીરના માથાથી પગ સુધીનાં હાડકાં ભાંગવાં, ગુપ્ત ઇંદ્રિયો પર પ્રહારો, મીઠાની ખાઈમાં ઘાવાળા શરીરથી ડૂબકાં ખવડાવવાં વગેરે અત્યાચારો થયેલા. આના કરતાંયે ચડી જાય એવો સત્યાગ્રહ વાયવ્ય સરહદ પ્રાન્તમાં એ જ વખતે (1930માં) ખાન અબ્દુલ ગફારખાન દ્વારા તાલીમ પામેલા લાલ ડગલીવાળા ખુદાઈ ખિદમતગારોએ કરેલો. એમાં અનેક પઠાણોએ સામી છાતીએ ગોળી ઝીલેલી અને ગઢવાલ રાઇફલ્સની ટુકડીએ શાંત પઠાણો પર ગોળી ચલાવવાનો ઇનકાર કરતાં લશ્કરી કાયદા મુજબ જન્મટીપની સજા ભોગવેલી.

10. સત્યાગ્રહીઓમાં એકતા : જુદા જુદા વાતાવરણમાંથી આવેલ લોકો જ્યારે કોઈ એક સામાન્ય ઉદ્દેશ સારુ સત્યાગ્રહની લડતમાં સાથે જોડાતા હોય છે, ત્યારે સત્યાગ્રહનો આ તબક્કો અત્યંત મહત્ત્વનો બની રહે છે. ખિલાફત આંદોલન (1918-22) વખતે દેશના હજારો હિંદુ-મુસ્લિમ અસહકારીઓ વચ્ચે આવી એકતા પ્રત્યક્ષ જોવા મળી હતી. ત્યારે મસ્જિદોમાં ગાંધીજી અને પં. મદનમોહન માલવીયજી જેવાનાં અને મંદિરોમાં મૌલાના શૌકતઅલી, મહમદઅલી કે મૌલાના અબ્દુલબારી કે મૌલાના અબુલકલામ આઝાદનાં પ્રવચનો થતાં.

11. વાટાઘાટો સારુ દ્વાર ખુલ્લાં રાખવાં : દક્ષિણ આફ્રિકામાં ત્રણ ત્રણ વાર ગાંધીજીએ ચાલુ લડતે જનરલ યાન ક્રિશ્ચિયન સ્મટ્સ સાથે વાટાઘાટો કરી હતી, ભારતમાં ગાંધી-અર્વિન વાટાઘાટો આ બાબતમાં સૌથી વધુ પ્રસિદ્ધ છે.

12. સત્યાગ્રહની આખી વ્યૂહરચનાના ભાગ તરીકે રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવી : ગાંધીજીએ ઘણા સત્યાગ્રહો વખતે આનો આગ્રહ રાખેલો. તેથી આન્દોલનને ટકી રહેવામાં મદદ મળતી, નવા નવા કાર્યકર્તા મળી રહેતા અને મંદ પડેલું આન્દોલન ફરી તેજીલું બનાવવામાં રચનાત્મક કેન્દ્રો ઉપયોગી થઈ પડતાં. ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ, અસ્પૃદૃશ્યતાનિવારણ, કોમી એકતા, દારૂબંધી વગેરે રચનાત્મક કામોએ સ્વરાજની લડતમાં આ રીતે અસાધારણ ફાળો આપેલો.

13. વાટાઘાટો ચાલુ : કેટલાક પ્રસંગોએ વિરોધનું આન્દોલન ચાલુ હોય ત્યારે પણ સામા પક્ષ સાથે વાટાઘાટો ચાલુ રહે છે. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા સત્યાગ્રહ વખતે એમ ખાસ બનેલું, ગાંધી-અર્વિન વાટાઘાટો વખતે પણ કેટલીક મર્યાદાઓ જાળવીને આન્દોલન અને વાટાઘાટો બંને સાથોસાથ ચાલેલાં.

14. સંધિ : સત્યાગ્રહ જો બંને પક્ષે સત્યને સમજીને સમાધાન કરવાની પ્રક્રિયા હોય તો તેને અંતે સંધિ થવી અનિવાર્ય છે. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર સંધિ થયેલી, પણ તેમાં પહેલી બે વાર તે ભાંગી ગયેલી. ગાંધી-અર્વિન સંધિના કરારોની કેટલીય કલમોનો ભંગ થયેલો અને છેવટે 1932માં ફરી વાર સવિનય કાનૂનભંગ આન્દોલન છેડાયેલું, પણ ગાંધીજી સાથે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ વાઇસરૉય એક મેજ પર બેસી સમાન દરજ્જે કરાર કરવા અને સહી કરવા તૈયાર થયા. એ ઘટનાએ જ સત્યાગ્રહ આન્દોલનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવી હતી.

15. ન્યાયસ્થાપના : સત્યાગ્રહો જો સફળ થાય તો છેવટે ન્યાયસ્થાપના થતી હોય છે. વાઇકોમના સત્યાગ્રહનો મુદ્દો એ હતો કે ત્યાંના મંદિરના રસ્તાઓ પરથી પણ અસ્પૃશ્યોને પસાર થવાનો અધિકાર નહોતો. મહિનાઓ સુધી સરકારે અને સનાતનીઓએ ઊભી કરેલી વાંસવળીની વાડ આગળ ઊભા રહીને નિયમિત રીતે તેઓ ભજનકીર્તન કરતા, અને ભરચોમાસામાં ઘૂંટણ કે કોઈ કોઈ વાર છાતી સમાણા પાણીમાં ઊભા રહી પ્રાર્થના કરતા સત્યાગ્રહીઓને સફળતા મળી હતી, એ સડકો ઉપરથી અસ્પૃશ્યોને છૂટથી હરવાફરવાનો અધિકાર મળ્યો હતો અને થોડા સમય પછી એ સત્યાગ્રહે ઊભા કરેલા વાતાવરણને લીધે આખા ત્રાવણકોર રાજનાં તમામ મંદિરોનાં દ્વાર હરિજનો માટે ખુલ્લાં મુકાયાં હતાં.

16. બંને પક્ષોનો વિજય : સત્યાગ્રહી એમ નથી ઇચ્છતો કે પોતાનો વિજય થાય તો સામાનો પરાજય થાય કે એને નીચાજોણું થાય. બારડોલી સત્યાગ્રહમાં સમાધાન એ પ્રકારનું થયેલું કે બંને પક્ષોને તેમાં પોતાનો વિજય લાગેલો. ભારતને સ્વરાજ મળ્યું તે સોએ સો ટકા સત્યાગ્રહને લીધે મળ્યું એમ ન કહેવાય; પણ બ્રિટિશ શાસકોએ પાર્લમેન્ટમાં એ સ્વીકારેલું કે એની પાછળ બહુ મોટું કારણ અહિંસક સત્યાગ્રહ-આન્દોલન હતું. સ્વતંત્રતા મળી પણ હિંદના ભાગલા પડ્યા એનું દુ:ખ સત્યાગ્રહીઓના મનમાં અવદૃશ્ય હતું, છતાં પોતાની હયાતી દરમિયાન બ્રિટિશ શાસનનું હઠવું એ સત્યાગ્રહીઓને મન પારાવાર સુખનું કારણ હતું. એ જ રીતે અંગ્રેજો પાર્લમેન્ટમાં સર્વ સમ્મતિથી હિંદને સ્વતંત્રતા આપવાનો ઠરાવ કરી શક્યા એ એમનામાંના રૂઢિચુસ્તો સારુ પણ ગર્વનો વિષય હતો. એમના એ કૃત્યથી બ્રિટિશ સરકારની નૈતિક આબરૂ તો વધી જ હતી.

સત્યાગ્રહ એ નબળાઓનું જ શસ્ત્ર નથી; કારણ કે નબળા પોતાની નબળાઈ ત્યાગે નહિ ત્યાં સુધી સત્યાગ્રહ સફળ થતો નથી, પણ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં સત્યાગ્રહના પ્રયોગોની અસર દુનિયાના બીજા દેશો પર પણ ખૂબ થઈ છે. ઠેર ઠેર ન્યાય-સ્થાપના અર્થે સત્યાગ્રહ કે અહિંસક પ્રતિકારપદ્ધતિના પ્રયોગો થયા છે. સત્યાગ્રહના આવિર્ભાવ પછી અહિંસા માત્ર વ્યક્તિગત ક્ષેત્રમાં અજમાવવાનો પ્રયોગ રહ્યો નથી, પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ઠાવાન માણસ કે સમૂહ તેનો ઉપયોગ કરી શકે છે. દુનિયાના અનેક નબળા, નિ:સહાય લોકોએ અહિંસાના પ્રયોગ દ્વારા શક્તિ અને સફળતા મેળવી છે.

ભારતમાં થયેલા સત્યાગ્રહના પ્રયોગોમાં અસહકાર અને સવિનય કાનૂનભંગ સૌથી વધુ પ્રબળ સાધનો હતાં. અસહકાર પાછળ તાત્ત્વિક તર્ક એ છે કે ગમે તેવી અન્યાયી કે આપખુદ વ્યવસ્થા કે સરકારને છેવટે પ્રજાના ટેકાની જરૂર પડતી હોય છે. એના વિના એ વ્યવસ્થા કે સત્તા પાયા વિનાની ઇમારત જેવી નબળી થઈ જાય છે. અસહકાર દ્વારા પ્રજા અન્યાયી વ્યવસ્થા પાછળ જાણ્યે-અજાણ્યે અપાતો ટેકો પાછો ખેંચી લે છે. એટલે જો અસહકાર સુનિયોજિત રીતે થાય અને તેને લીધે આવી પડનાર તમામ પ્રકારનાં કષ્ટો વેઠવા પ્રજા તૈયાર થાય તો તેને અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. ગાંધીજી એમ માનતા હતા કે જો પ્રજામાં એવી ભાવના આવી જાય કે અંતરમાંના આત્માને પિછાણી લઈએ તો પછી ત્રિભુવનમાં પશુબળથી બીવાપણું નથી. એટલે જ ગાંધીજી સત્યાગ્રહને આત્મબળ પણ કહેતા.

દક્ષિણ આફ્રિકામાં રંગભેદવિરોધી સત્યાગ્રહના નેતાના રૂપમાં રાષ્ટ્રપિતા ગાંધીજી

ગાંધીજીની માન્યતા હતી કે અન્યાયી કાયદાનો ભંગ જો સામાન્ય રીતે બીજા બધા કાયદાઓ શિસ્તબદ્ધ રીતે પાળનારા લોકો માનપૂર્વક અને વિરોધવૃત્તિ, દ્વેષ કે તિરસ્કાર વિના કરે તો તે શુદ્ધ સત્યાગ્રહ કહેવાય, સત્યાગ્રહ એ નાગરિકનો જન્મસિદ્ધ હક છે. સત્યાગ્રહી જે કાયદાને માન આપશે તે સમજપૂર્વક અને સ્વેચ્છાએ આપશે. એવી વ્યક્તિમાં જ સમાજના નિયમોની નીતિ-અનીતિનો ભેદ કરવાની શક્તિ આવે છે; તેથી તેને મર્યાદિત સંયોગોમાં અમુક નિયમોનો ભંગ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

સત્યાગ્રહ એ મૂળમાં પ્રજાજીવનમાં સત્ય અને અહિંસાનો પ્રવેશ કરાવવાનો પ્રયાસ છે. સત્ય અને અહિંસાનો જ્યાં સંગમ થાય છે ત્યાં આખી દુનિયાને વશ કરી શકાય છે, એવી ગાંધીજીની શ્રદ્ધા હતી. ક્રોધરહિત, દ્વેષરહિત, કષ્ટસહનના ઊગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ અને જડમાં જડ અજ્ઞાન દૂર થવું જ જોઈએ એવી એમની આસ્થા હતી. એમની પ્રતીતિ હતી કે પ્રજાને પ્રાણ સમાન એવી વસ્તુઓ કેવળ સમજાવટથી મળતી નથી, પણ કષ્ટસહનની કિંમત આપીને ખરીદવી પડે છે. કષ્ટસહન એ મનુષ્યનો કાયદો છે, શસ્ત્રયુદ્ધ એ જંગલનો કાયદો છે.

સત્યાગ્રહનું એક સાધન ઉપવાસ પણ હોઈ શકે, પરંતુ તે વિશે ગાંધીજીનું કહેવું હતું કે ‘‘ઉપવાસ યાંત્રિક રીતે ઉપાડી ન શકાય. એ જલદ વસ્તુ છે અને આવડત વિના ઉપાડવામાં આવે તો જોખમકારક છે, એ માટે સંપૂર્ણ આત્મશુદ્ધિની જરૂર છે. મનમાંયે વેરની વૃત્તિ રાખ્યા વિના મરણનો સામનો કરવાને માટે જોઈએ તેના કરતાંયે વિશેષ આત્મશુદ્ધિ આમાં જોઈએ. પૂર્ણ બલિદાનનું એક કૃત્ય આખી દુનિયા માટે પૂરતું થઈ પડે. ઈશુનું બલિદાન એવું લેખવામાં આવે છે.’’

નારાયણ દેસાઈ