સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે કર્યાં.

સત્યભામા એક વાર કૃષ્ણ સાથે ઇન્દ્રલોક ગયાં અને ત્યાં પારિજાતનું વૃક્ષ જોયું. આ વૃક્ષ મેળવવાની હઠ કરતાં શ્રીકૃષ્ણ ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને પારિજાત વૃક્ષ લઈ આવ્યા. પાંડવો વનવાસમાં હતા ત્યારે કૃષ્ણ સાથે જઈ તેમને મળ્યાં અને દ્રૌપદીને પતિને વશ કરવાના ઉપાય પૂછ્યા. સત્યભામા ઘણાં ભોળાં હતાં. નારદના કહેવાથી તેણે પારિજાત સહિત શ્રીકૃષ્ણનું નારદજીને દાન કરી દીધુ હતું. જેથી તેને પછીના જન્મમાં પણ પતિ રૂપે શ્રીકૃષ્ણ મળે અને એણે ખરેખર આ દાન કરી દીધું હતું. પાછળથી નારદજી પાસે ક્ષમા માગીને ખૂબ દક્ષિણા આપીને તેમને પાછા મેળવ્યા. કૃષ્ણથી સત્યભામાને દશ સંતાનો થયાં હતાં.

પ્રવીણચંદ્ર પરીખ