સતાબ (સિતાબ) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ruta graveolens Linn. (સં. સર્પદ્રષ્ટા, વિષાપહા; હિં. શિતાબ, મ. સતાપ; અં. ગાર્ડન રુ) છે. તે અત્યંત સુગંધિત, ટટ્ટાર, અરોમિલ, 30 સેમી.થી 90 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તે ભૂમધ્ય પ્રદેશની મૂળનિવાસી છે. આ છોડ બાલ્કન, ઇટાલી, દક્ષિણ ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ આલ્પ્સમાં કુદરતી રીતે ઊગે છે. ભારતીય ઉદ્યાનોમાં તેને ઉછેરવામાં આવે છે. પર્ણો 2થી 3 પિચ્છાકાર, 4 સેમી.થી 11 સેમી. લાંબાં, પર્ણિકાઓ લંબચોરસ(oblong)થી માંડી ચમચાકાર (spathulate) હોય છે. તેઓ પુષ્પગુચ્છો વડે આવરિત હોય છે. પુષ્પો નાનાં, પીળાં અને તોરાં (corymb) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રોની કિનારી દંતુર (dentate) કે તરંગી હોય છે. ફળ પ્રાવર પ્રકારનું અને તેના ખંડો ગોળાકાર હોય છે.

આ જાતિની બે ઉપજાતિઓ છે : (1) નાનાં પર્ણો ધરાવતી જાત અને (2) મોટાં પર્ણો ધરાવતી જાત. નાનાં પર્ણો ધરાવતી જાત ઓછી હિમ-સંવેદી હોય છે. તાજી વનસ્પતિના બાષ્પ-નિસ્યંદન દ્વારા, આછું પીળું કે લીલાશ પડતું, ઘણી વાર પ્રસ્ફુરણ આપતું બાષ્પશીલ તેલ (રુ તેલ) 0.06 % જેટલું ઉત્પન્ન થાય છે. પર્ણો અને મૂળમાંથી અલ્પ જથ્થામાં આ તેલ પ્રાપ્ત થાય છે, પરંતુ બીજમાંથી તે વધારે પ્રમાણમાં મળે છે. તેલના નિસ્યંદન માટે પુષ્પનિર્માણ સમયે તાજા છોડ એકત્રિત કરવામાં આવે છે. પુષ્પોવાળા છોડની પરાગરજ ચામડી પર ફોલ્લા પાડતી હોવાથી કાળજી રાખવી પડે છે. રુના તેલની ગંધ તીવ્ર અને સ્વાદ કડવો-તીખો હોય છે. સમય જતાં તેલ બદામી રંગનું બને છે. તેલમાં મુખ્યત્વે મિથાઇલ નોનાઇલ કિટોન (80 %થી 90 %) અને અલ્પ પ્રમાણમાં મિથાઇલ હેપ્ટાઇલ કિટોન હોય છે. અન્ય ઘટકોમાં l-a-પિન્ટેન, l-લિમોતેન, સિનિયોલ, મિથાઇલ-એન-હેપ્ટાઇલ કાર્બિનોલ અને મિથાઇલ-એન-નોનાઇલ કાર્બિનોલ (10 % સુધી, મુક્ત અને ઍસિટેટ સ્વરૂપે), ઇથાઇલ વેલરેટ, મિથાઇલ સેલિસિલેટ, મિથાઇલ ઍન્થ્રેનિલેટ અને ક્વિનોલિન જેવી ગંધ ધરાવતા એક બેઝનો સમાવેશ થાય છે. કિટોન દ્રવ્ય જેમ વધારે તેમ તેલની ગુણવત્તા ઊંચી ગણાય છે. તેલ કેટલીક વાર પેટ્રોલિયમ અને ટર્પેન્ટાઇન સાથે મિશ્ર કરવામાં આવે છે.

રુ તેલ ખાસ કરીને પશુચિકિત્સામાં કૃમિઘ્ન (anthelmintic), પ્રતિઉદ્વેષ્ટી (antispasmodic), અપસ્મારરોધી (antiepileptic), રક્તિમાકર (rubifacient) અને આર્તવપ્રેરક (emmenagogue) ગણાય છે. તે ઊંચી માત્રામાં અતિમાદક (acronarcotic) વિષ તરીકે કાર્ય કરે છે. તેનાથી ઊલટી તેમજ અવસન્નતા (prostration) થાય છે. નાડી નબળી અને ધીમી પડે છે, અત્યંત ઠંડી અનુભવાય છે. જઠરાંત્રશોથ (gastro-enteritis), જીભ ફૂલવી અને લાળનો સ્રાવ થાય છે. તેલનો સુગંધીકારક તરીકે અત્તર માટે અને સાબુમાં ઉપયોગ કરવામાં આવે છે. મિથાઇલ નોનાઇલ કિટોનયુક્ત તેલ સંશ્લેષિત અત્તર, મિથાઇલ-એન-નોનાઇલ એસિટાલ્ડિહાઇડ બનાવવા પુષ્કળ પ્રમાણમાં વપરાય છે.

સતાબ

છોડ વિયોજક (resolvent), મૂત્રલ (diuretic), આર્તવપ્રેરક, ઉત્તેજક (stimulant) અને પ્રતિઉદ્વેષ્ટી (antispasmodic) ગણાય છે. તે વાઈ અને અનાર્તવ(amenorrhoea)માં ઉપયોગી છે. તેનો રસ દાંત અને કાનના દુખાવાને મટાડે છે. મરઘાં-બતકાંની ઉગ્ર ખાંસી(croup)ની ચિકિત્સામાં તેનો ઉપયોગ થાય છે. વધારે માત્રામાં તે સ્વાપક (narcotic), વિષ અને ગર્ભપાતક (abortifacient) તરીકે કાર્ય કરે છે. તેનો સંધિવામાં ઉપયોગ થાય છે. છોડનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli પર પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે.

ઉદ્વેષ્ટી (spasmolutic) સક્રિયતા કૉમેરિન, બાષ્પશીલ તેલ અને ભૂરા પ્રસ્ફુરક પ્રક્રિયકની હાજરીને કારણે હોય છે. રુટિન (આશરે 2 %), ઇમ્પેરેટોરિન, આઇસોઇમ્પેરેટોરિન, ઝેન્થોટૉક્સિન, બર્ગાપ્ટેન, સોરેલેન વગેરે ઘટકોનો સમાવેશ થાય છે. છોડ કેટલાંક આલ્કેલૉઇડ ધરાવે છે. પ્રકાંડ અને પર્ણોમાં સ્કિમ્મિયેનિન (C14H13O4N), ગ્રેવિયોલિનિન (C12H13O3N), કોકુસેજિનિન (C14H13O4N) હોય છે; જ્યારે મૂળમાં ડિકહેમાઇન અને g-

ફેગરિન હોય છે. ગ્રેવિયોલિન (C17H13O3N) અને રુટેમાઇન (C19H17O3N) પણ છોડમાં હોય છે. ઝેન્થાઇલેટિન અને બાઇકાન્જેલિસિનનાં મૂળમાંથી અલગ પાડવામાં આવ્યાં છે.

તેનાં પર્ણો મરીમસાલા તરીકે અને સુશોભનમાં વપરાય છે. તેમનો અથાણાં બનાવવામાં અને ખોરાક અને પીણાંઓને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે. તેઓ કૅરોટિન (94.4 મિગ્રા./100 ગ્રા.) અને ઍસ્કોર્બિક ઍસિડ (479 મિગ્રા./100 ગ્રા.) ધરાવે છે. પર્ણોનો કાઢો તાવમાં અપાય છે. તેનો આસવ સંમોહક (hypnotic) ગણાય છે. જોકે પર્ણો ત્વચાશોથ (dermatitis) માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : નાઇટ્રોજનયુક્ત પદાર્થો 21.6 %, સ્થાયી તેલ 36.8 % અને ભસ્મ 13.8 %.

ભારતીય બજારોમાં વેચાતું ઔષધ ‘સદાબ’ Euphorbia dracunculoidesમાંથી મેળવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર સતાબ કડવી, ઉષ્ણ, દીપન, ઉત્તેજક, કૃમિઘ્ન, સંકોચ-વિકાસ, પ્રતિબંધક, સ્વેદજનક, મૂત્રલ અને આર્તવજનક છે અને વાતનાશક વનસ્પતિ છે. તેનો ઉપયોગ નાનાં બાળકોને શરદી થાય તે ઉપર અને કૃમિ, ઉધરસ, સસણી અને જ્વર પર કરવામાં આવે છે.

સતાબની ઉત્તેજક ક્રિયા ચામડી, ચેતાતંત્ર અને ગર્ભાશય પર વિશેષ રૂપે થાય છે. સગર્ભાને રોજ આપવામાં આવે તો 10 દિવસમાં વેણ શરૂ થઈ ગર્ભપાત થઈ જાય છે. બાળકોના ધનુર્વાતમાં સતાબનો સ્વરસ ગોરોચન મેળવીને આપવામાં આવે છે. ચક્કર, બુદ્ધિમાંદ્ય, અપતંત્રક (હિસ્ટીરિયા), અનાર્તવ, પીડિતાર્તવ, અપચન, આફરો અને ઉદરપીડામાં તેની ફાંટ આપવામાં આવે છે. મોટી ઉધરસ(whooping cough)માં સતાબના સ્વરસમાં થોડી હિંગ અને ફુલાવેલી ફટકડી મેળવીને આપવામાં આવે છે.

હોમિયોપથીમાં તે મચકોડ તથા ઘા ઉપર અને વાંકી વળી ગયેલી પગની રુધિરવાહિનીઓમાં અને વામાં ઉપયોગમાં લેવાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ