સતલજ : ભારત અને પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં થઈને વહેતી પાંચ નદીઓ પૈકીની છેક પૂર્વ તરફની નદી. સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઈએ તિબેટના ઉચ્ચપ્રદેશ નજીક કૈલાસ પર્વતના વાયવ્ય ઢોળાવ પરથી, રાક્ષસતાલની પશ્ચિમે ઝરણા સ્વરૂપે તે ઉદ્ગમ પામે છે. તે સિંધુ નદીની મોટામાં મોટી સહાયક નદી ગણાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશનાં સ્થાનોને વીંટળાતી જઈને વાયવ્ય ભારતમાં પ્રવેશે છે. ભારતમાંથી તે નૈર્ઋત્યનો વળાંક લઈ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વહે છે. ફિરોઝપુરથી 160 કિમી. દૂર ભારત-પાકિસ્તાનની સરહદેથી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. પાકિસ્તાનના પૂર્વ-મધ્ય ભાગમાં તે ચિનાબને મળે છે. ત્યાં સુધીની તેની કુલ લંબાઈ 1,440 કિમી. જેટલી છે. સતલજ-ચિનાબનાં સંયુક્ત પાણી ત્યાંથી થોડાક કિમી.ના અંતરે સિંધુ નદીમાં ભળી જાય છે.

સતલજ નદીનો પ્રવહનમાર્ગ

પંજાબનાં સૂકાં મેદાનોને જળપુરવઠો અને કાંપજથ્થો પૂરો પાડવામાં તે મુખ્ય સ્રોત બની રહે છે. ભારતમાં નિર્માણ કરાયેલો. દુનિયામાં ઊંચા ગણાતા બંધો પૈકીનો 226 મીટર ઊંચો ભાકરા બંધ સતલજ નદી પર બાંધવામાં આવેલો છે. ભાકરા બંધ અને ગોવિંદસાગર જળાશયનું નિર્માણ થતાં સતલજ કાંઠે વસેલું હિમાચલ પ્રદેશમાં આવેલું બિલાસપુર નગર ડૂબમાં ગયેલું, જે નજીકના સ્થળે ફરીથી પુનર્નિર્માણ પામ્યું છે. બંધના ઉપરવાસ તરફ ઘણી લંબાઈમાં ગોવિંદસાગર જળાશય પથરાયેલું હોવાથી તેની પૃષ્ઠભૂમિ રમણીય કુદરતી દૃશ્ય રચે છે. આ નદીના જળાશયમાંથી આજુબાજુના પ્રદેશને સિંચાઈનો લાભ મળે છે. આ ઉપરાંત નાંગલ પાસે પણ બીજો સહાયકારી બંધ બાંધવામાં આવેલો છે. ભાકરા-નાંગલના બંધનિર્માણથી સ્વતંત્ર ભારતની સર્વપ્રથમ બહુહેતુક યોજના સાકાર પામેલી.

પ્રાચીન સમયમાં આ નદી ‘શતદ્રુ’ નામથી ઓળખાતી હતી. એક સમયે સતલજ નદીનો પ્રવહન માર્ગ સ્વતંત્ર હતો, ત્યારે તે કચ્છના રણમાંથી વહેતી હતી. ઈ. સ. 1000ના અરસામાં તે હકારા નદીની શાખા હતી અને પૂર્વ નારામાં વહેતી હતી. 1245માં હકારા નદી વધુ દક્ષિણ તરફ ફંટાતાં તે સુકાઈ ગઈ, ત્યાંથી ત્યાંના વસાહતીઓને સ્થળાંતર કરવું પડેલું. અહીંનો કેટલોક પ્રદેશ સિંધુ સંસ્કૃતિના પ્રદેશ તરીકે ઓળખાય છે. 1593માં સતલજ નદીએ ફરીથી માર્ગ બદલેલો. 1796માં પણ તેનો થોડોક માર્ગ બદલાયેલો.

મધ્ય નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધીની શિયાળાની ઋતુ દરમિયાન આ નદીમાં ઓછામાં ઓછો જળપુરવઠો રહે છે; પરંતુ ઉનાળાની ઋતુ શરૂ થતાં હિમગલનને કારણે એપ્રિલથી જુલાઈ-સપ્ટેમ્બર સુધી તેમાં પાણીપુરવઠો વધે છે. આ નદી દર વર્ષે 1,677.533 અબજ ઘનમીટર જળજથ્થો લાવે છે.

ગિરીશભાઈ પંડ્યા