સતનામી પંથ : મધ્યકાલીન ભારતનો એક નિર્ગુણવાદી સંપ્રદાય. સંત કબીરના પ્રભાવથી જે અનેક નિર્ગુણવાદી સંપ્રદાયોનો ઉદય થયો તેમાં સતનામી પંથ પણ છે. દાદૂ દયાળના સમકાલીન સંત વીરભાને ‘સાધ’ કે સતનામી પંથની સ્થાપના કરી. તેઓ રૈદાસની પરંપરામાં થયેલા ઊધોદાસના શિષ્ય હતા. આથી પોતાને ‘ઊધોના દાસ’ તરીકે ઓળખાવતા. ઈ. સ. 1600ની આસપાસ આ સંપ્રદાયનો ઉદય થયો. તેનું નામ ‘સતનામી’ એટલે પડ્યું કે તેમાં ‘સત્યનામ’(વાસ્તવમાં ઈશ્વરનું નામ)ની ઉપાસના પર ભાર મૂકવામાં આવ્યો હતો. કબીરના નામોપાસના સાથે તે મળતો આવે છે, તેથી કબીરનો પ્રભાવ તેમાં સ્પષ્ટ છે. પરમેશ્વર ‘સંતનામ’ છે, તેથી ‘સતનામ’નો સતત જાપ કરવો જોઈએ. ઈશ્વરનું નિરંતર ધ્યાન ધરતાં સાંસારિક કાર્યો કરવાં જોઈએ. ઈશ્વરનો માનસિક જાપ જપવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પંથમાં જ્ઞાતિ કે જાતિભેદ નથી. એમાં બધા વર્ણના લોકોને સ્વીકારવામાં આવ્યા છે. તેઓ અંદરો-અંદર રોટી-બેટી વ્યવહાર કરે છે. તેમાં માંસાહાર, મદ્યપાન અને મૂર્તિપૂજાનો નિષેધ છે. ‘પોથી’ને પૂજ્ય ગણવામાં આવે છે અને તેનું ‘જુમલાઘર’ અથવા ‘ચોકી’માં રાખીને વાચન કરવામાં આવે છે. ઈ. સ. 1672માં દિલ્હીની નૈર્ઋત્યે નારનૌલ નામના સ્થળે શાસકકર્તાઓ અને સતનામીઓ વચ્ચે ઔરંગઝેબની કટ્ટર ધાર્મિક નીતિની બાબતે વિવાદ થવાથી સતનામીઓએ બળવો કર્યો. ઔરંગઝેબની સેનાએ મોટી સંખ્યામાં સતનામીઓની હિંસા કરી. આ પંથની ત્રણ શાખાઓ છે : (1) સાધપંથ, (2) ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના કોટવા સ્થળના જગજીવનદાસે ઈ. સ. 1750ની આસપાસ પુનર્ગઠિત કરેલો પંથ. જગજીવનદાસ ચંદેલ ઠાકુર જાતિના હતા. તેઓ યોગી અને કવિ હતા. તેમણે ‘જ્ઞાનપ્રકાશ’, ‘મહાપ્રલય’, ‘પ્રથમગ્રંથ’ વગેરેની રચના કરી છે, જેમાં આ પંથનું તત્વજ્ઞાન સંગ્રહાયેલું છે. જગજીવનદાસના સતનામી પંથમાં વિષ્ણુના દશ અવતારો પૈકી રામ અને કૃષ્ણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેઓ હનુમાનની પણ ઉપાસના કરે છે. પોતાની ઓળખ માટે હાથે ધોળો અને કાળો દોરો ધારણ કરે છે અને કપાળે ભસ્મ લગાવે છે. તેઓ ભૌતિક જગતના વિશેષ કરીને માનવીના સુખદુ:ખ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખીને પોતાનાં કર્તવ્યો કરે છે. જગજીવનદાસના શિષ્ય દૂલનદાસ હતા. તેઓ પણ કવિ હતા. તેઓ આજીવન રાયબરેલી જિલ્લામાં રહ્યા. (3) છત્તીસગઢમાં ઘાસીદાસે 1820થી 1830 દરમિયાન આ પંથની ત્રીજી શાખા શરૂ કરી હતી. આ શાખાનો પ્રચાર વિશેષ કરીને ચમાર લોકોમાં અને અન્ય અવર્ણ જ્ઞાતિઓમાં થયો. એકેશ્વરવાદ, મદ્યપાન-માંસાહારનો નિષેધ, મૂર્તિપૂજાનો ત્યાગ, સૂર્યપૂજા, સમાનતા વગેરે પર આ સંપ્રદાયમાં ભાર મૂકવામાં આવ્યો છે, 1850ના મધ્યમાં ઘાસીરામનું અવસાન થતાં આ સંપ્રદાયમાં અંધશ્રદ્ધા અને ધાર્મિક દુરાચાર પણ પ્રવેશ્યા. તેમાંના કેટલાક લોકોએ મૂર્તિપૂજા શરૂ કરી અને એમાંથી ચૂંગિયા નામનો એક ઉપ-પંથ શરૂ થયો.
આજે સતનામી પંથનાં કેન્દ્રો દિલ્હી, રોહતક, આગ્રા, ફરુખાબાદ, જયપુર અને મિરઝાપુરમાં આવેલાં છે.
થૉમસ પરમાર