સટ્ટક અને સટ્ટક-સાહિત્ય : પ્રાચીન ભારતીય નાટ્યપ્રકાર અને તે નાટ્યપ્રકારનું સાહિત્ય. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર કાવ્યના બે મુખ્ય પ્રકારો છે : દૃશ્યકાવ્ય અને શ્રવ્યકાવ્ય. દૃશ્યકાવ્યમાં રૂપકો અને ઉપરૂપકોનો, જ્યારે શ્રવ્યકાવ્યમાં મહાકાવ્યથી માંડીને મુક્તક સુધીના કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. નાટકાદિ રૂપકોમાં રસનું પ્રાધાન્ય હોય છે, જ્યારે નાટિકાદિ ઉપરૂપકોમાં તાલ અને લય-આશ્રિત નૃત્ત અને ભાવાશ્રિત નૃત્યનું પ્રાધાન્ય હોય છે. જોકે ‘નાટ્યદર્પણ’કાર રામચન્દ્ર-ગુણચન્દ્ર નાટિકા અને પ્રકરણીને રૂપકમાં જ સમાવિષ્ટ કરીને દસને બદલે બાર રૂપકો સ્વીકારે છે.

‘ભરતનાટ્યશાસ્ત્ર’માં ‘ઉપરૂપક’ શબ્દનો નિર્દેશ નથી. આચાર્ય અભિનવગુપ્ત પણ ડોંબિકા, ભાણ, પ્રસ્થાન, ષિદ્ગક, ભાણિકા, રામાક્રીડમ્, હલ્લીસક અને રાસકનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેમને ‘ઉપરૂપક’ સંજ્ઞા આપતા નથી.

‘દશરૂપક’કાર ધનંજય પણ ‘ઉપરૂપક’નો નિર્દેશ કરતા નથી; પરંતુ તેમના ટીકાકાર ધનિક સાત ઉપરૂપકોનું નામાંકન કરી તેને વિસ્તારે છે : ડોંબી, શ્રીગદિત, ભાણી, ભાણ, પ્રસ્થાન, રાસક તથા કાવ્ય. તદુપરાંત ‘ભાવપ્રકાશન’, ‘નાટ્યદર્પણ’ અને ખાસ કરીને ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકોનું વિસ્તૃત નિરૂપણ જોવા મળે છે. શારદાતનય 20 અને વિશ્વનાથ 18 પ્રકારનાં ઉપરૂપકો વર્ણવે છે.

સટ્ટક ઉપરૂપકનો એક ભેદ છે. સટ્ટકની રચના પ્રારંભથી અંત સુધી પ્રાકૃત ભાષામાં થાય છે. એમાં વિષ્કંભક અને પ્રવેશક હોતા નથી તથા અદ્ભુત રસ પુષ્કળ માત્રામાં હોય છે. સટ્ટકમાં અંકોની યોજના હોતી નથી. તેને બદલે જવનિકાની યોજના કરવામાં આવે છે. જવનિકા અથવા યવનિકાનું સ્વરૂપ જોકે નાટકના અંકો જેવું જ હોય છે. વિશ્વનાથ કહે છે કે બાકીનું સ્વરૂપ નાટિકા જેવું હોય છે.

નાટિકાની જેમ સટ્ટકમાં પણ કથાનક કાલ્પનિક હોય છે. સટ્ટકમાં જ અંકો=જવનિકા હોય છે. સ્ત્રીપાત્રોનું બાહુલ્ય હોય છે. પ્રધાનરસ શૃંગાર હોય છે. રાજા ધીરલલિત પ્રકારનો નાયક હોય છે. શૃંગારરસની પ્રધાનતા હોવાથી ‘કૈશિકી’ નામની નાટ્યવૃત્તિનો પ્રયોગ વિશેષ પ્રમાણમાં સટ્ટકમાં જોવા મળે છે. આથી એમાં ગીત, નૃત્ય અને સંગીત; વાદ્ય તથા હાસ્યનું પ્રમાણ વિશેષ રૂપે હોય છે. નાયિકા રાજવંશી હોય છે, પણ કોઈ કારણસર અપ્રસિદ્ધ હોય છે. દેવીની નિકટની સંબંધી પણ હોય છે. નાયિકા નાયક રાજા પ્રત્યે ગાઢ અનુરાગ ધરાવતી હોય છે. દેવી અથવા મહારાણી બીજું મુખ્ય સ્ત્રીપાત્ર હોય છે. દેવી પ્રૌઢ, માનિની, દક્ષ અને ચતુર હોય છે. રાજા તેનાથી બીતો હોય છે. આથી રાજાના કન્યા-નાયિકા પ્રત્યેના પ્રેમમાં બાધા આવે છે. કન્યા મુગ્ધા અને સુંદર હોય છે; પરંતુ દેવી તરફથી આશંકા રાખવામાં આવતી હોય છે. અન્ય સ્ત્રીપાત્રોમાં દૂતી, સખી, ચેટી તથા કન્યા વગેરે હોય છે.

સટ્ટકમાં વિમર્શ સંધિ અંશમાત્ર જ હોય છે. બાકીની મુખાદિ જ સંધિઓ હોય છે. મહારાણી અહીં પણ રાજા અને મુગ્ધા રાજવંશી નાયિકાનું મિલન અંતે કરાવી આપે છે. કેટલાંક સટ્ટકોમાં સંધિનું આયોજન હોતું નથી. શારદાતનયના મત પ્રમાણે તેમાં રૌદ્રરસ અને સંધિ હોતાં નથી.

‘કાવ્યાનુશાસન’કાર હેમચન્દ્રના મત પ્રમાણે સટ્ટકની રચના માત્ર પ્રાકૃતમાં જ થાય છે; નાટિકાની જેમ સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં નહિ.

સટ્ટકમાં છાદન, સ્ખલન, ભ્રાંતિ અને નિહ્નવનો અભાવ હોય છે. ‘સાહિત્યદર્પણ’ સટ્ટકને પૂર્ણતયા પ્રાકૃતમાં જ રચવું જોઈએ તેમ કહે છે. (6/27677)

‘કર્પૂરમંજરી’કાર સટ્ટકને નાટિકા સમાન કહે છે. (1.6) સટ્ટકનું શીર્ષક પ્રાય: નાયિકાના નામ પર હોય છે. રાજશેખર તેને ચ્ખ્ૐદ્વક્ષ્ કહે છે. આનો અભિનય નૃત્ય દ્વારા કરવામાં આવે છે.

રાજશેખરકૃત ‘કર્પૂરમંજરી’ પ્રાકૃત ભાષાનું સુપ્રસિદ્ધ સટ્ટક છે. આ ઉપરાંત ‘વિલાસવઈ’, ‘ચંદલેહા’, ‘આણંદસુંદરી’, ‘રંભામંજરી’ અને ‘સિંગારમંજરી’ નામનાં અન્ય 5 સટ્ટકો પણ છે. આમાંથી ‘વિલાસવઈ’ નામનું સટ્ટક હાલ ઉપલબ્ધ નથી; બાકી બધાં સટ્ટકો પ્રાપ્ત થાય છે.

(1) ‘કર્પૂરમંજરીસટ્ટક : ‘કર્પૂરમંજરી’ના રચયિતા યાયાવરીય રાજશેખર (ઈ. સ. 900) છે. રાજશેખરે ‘બાલરામાયણ’ વગેરેની સંસ્કૃતમાં રચનાઓ કરી છે; છતાં તેમને પ્રાકૃત ભાષા પણ અતિપ્રિય છે. ‘કર્પૂરમંજરી’ સટ્ટકની રચના શૌરસેની પ્રાકૃત ભાષામાં થઈ છે. તેમણે હરિઉ, ણન્દિઉડ્ઢ, પોટ્ટિસ આને હાલ વગેરે પૂર્વકવિઓનો ઉલ્લેખ કર્યો છે. ‘કર્પૂરમંજરી’માં કુલ 144 પદ્યો છે, જેમાં 17 પ્રકારના છંદ પ્રયુક્ત થયા છે. એમાં શાર્દૂલવિક્રીડિત, વસન્તતિલકા, શ્લોક અને સ્રગ્ધરા વગેરે મુખ્ય છંદો છે. ગીતિસૌન્દર્ય સ્થળે સ્થળે જોવા મળે છે. વળી વસંત, ચન્દ્રોદય, ચર્ચરીનૃત્ય ઇત્યાદિનાં વર્ણનો કવિત્વસભર છે.

કથાસાર : રાજશેખરકૃત ‘કર્પૂરમંજરી’ સટ્ટકની કથા ‘દશકુમારચરિત’ના કથાનક પર આધારિત છે. સટ્ટકની વસ્તુગુંફના પર કાલિદાસ અને શ્રીહર્ષનાં નાટકોનો પ્રભાવ વરતાય છે. સટ્ટકમાં સમય, સ્થળ અને કાર્ય ત્રણેયની અન્વિતિ જળવાઈ છે.

ચાર જવનિકાન્તરમાં કથાવસ્તુ વિભક્ત છે : પ્રથમ જવનિકામાં જ્યોતિષીઓના ભવિષ્ય પ્રમાણે રાજા ચંડપાલ જો કુંતલનરેશની રાજકુમારી કર્પૂરમંજરીને પરણે તો ચક્રવર્તીપદને પામે. આથી પ્રથમ અંકમાં ચંડપાલની રાણી વિભ્રમલેખા અને રાજા વસંતઋતુને વધાવવા સાથે બેઠાં હોય છે, ત્યારે ભોળી વિભ્રમલેખાના તાંત્રિક ગુરુ પોતાની તંત્રશક્તિથી સ્નાનનો અભિનય કરતી વિદર્ભની રાજકુમારી કર્પૂરમંજરીનો પ્રવેશ કરાવે છે. રાજા અને રાજકુમારી બંને વચ્ચે તારામૈત્રક રચાય છે. વિદર્ભની રાજકુમારી રાણી વિભ્રમલેખાની પિતરાઈ બહેન હોવાથી રાણી તેને તાંત્રિકની અનુમતિથી પોતાની સાથે લઈને અંત:પુરમાં જાય છે.

બીજી જવનિકામાં રાજાને કર્પૂરમંજરીના પ્રેમમાં પડતો બતાવ્યો છે. આ બાજુ કર્પૂરમંજરી પણ રાજાના પ્રેમમાં પડે છે. કેતકપત્ર પર પ્રેમપત્ર લખી સખી દ્વારા રાજાને પહોંચાડે છે. વિરહપીડાથી રાજકુમારી દુ:ખી હોય છે.

ત્રીજી જવનિકામાં રાજાને વિદૂષક સ્વપ્ન-વર્ણન કરે છે. રાજા છાનામાના રક્ષાગૃહમાં રાજકુમારીને મળવા જાય છે.

ચોથી જવનિકામાં રાણીને ખબર પડતાં રાજકુમારી પર વધારે કડક જાપ્તો મૂકી દેવામાં આવે છે. રાણી વટસાવિત્રીનું વ્રત કરે છે. એ વખતે ગુરુ તેને આશીર્વાદ આપી રાણીના કહેવાથી જ રાણી પાસે રાજા અને ઘનસારમંજરીના (જે કર્પૂરમંજરી જ હોય છે) લગ્નને સંમતિ આપવાનું વચન લે છે. રાણી હા કહે છે અને રાજા ચંડપાલ અને કર્પૂરમંજરીનો લગ્નોત્સવ રચાય છે.

પ્રસ્તુત સટ્ટકમાં પ્રેમતત્વની વિભાવના લાઘવથી પણ મનહર-મનભર રીતે કરવામાં આવી છે. કામદેવ જ જેનો સાર પામી શકે તે પ્રેમ છે. મનનો આંતરિક ભાવ સરળતાથી પ્રાપ્ત થાય છે, જે વિકલ્પોના સંઘટન ઇત્યાદિ કલંકથી રહિત છે. પરસ્પર માટે રસનો પ્રવાહ વહે છે અને શૃંગારથી વૃદ્ધિ પામે છે.

કૌલધર્મ વિશે એમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

પ્રસ્તુત સટ્ટકમાં ખાસ કોઈ સંઘર્ષનું તત્વ નથી. અતિમાનુષ તત્વોની વાત, પરંતુ દિવ્યતાના સ્વરૂપમાં કાલિદાસના નાટકમાં આવે છે. અહીં નિમ્ન કોટિના અતિમાનુષ તત્વની  તાંત્રિક શક્તિની વાત છે. ભૈરવનાથ ગુરુ ભોળી રાણીને છેતરીને કર્મસિદ્ધિ કરે છે. કર્પૂરમંજરીનું પાત્ર કઠપૂતળી જેવું છે. રાજા ધીરલલિત પ્રકારનો નાયક છે, છતાં તેનું સ્વત્વ જોઈએ તેવું ઉજાગર થતું નથી.

આ સટ્ટકની વિશેષતા એ છે કે તે ભજવાયું હતું (stage performance) ત્યારે રાજશેખરની વિદુષી પત્ની અવંતિસુંદરી ત્યાં હાજર હતી.

આ ખરેખર મહત્વની બીના કહી શકાય.

(2) ચન્દલેહા (ચન્દ્રલેખા) સટ્ટક : પારશવ વંશમાં જન્મેલા રુદ્રદાસે પ્રસ્તુત શતકની રચના કરી છે. રુદ્ર અને શ્રીકંઠના તેઓ શિષ્ય હતા. તેમનું નિવાસસ્થાન કાલિકટમાં હતું. ઈ.સ. 1660ની આજુબાજુમાં તેમણે ‘ચન્દલેહા’ની રચના કરી છે. ‘ચન્દલેહા’માં ચાર યવનિકાંતર છે. એમાં માનવેદ અને ચન્દલેહાના લગ્નની કથા છે. ઓજોગુણ છે. શૃંગારરસ મુખ્ય છે. ‘ચન્દલેહા’ની શૈલી ‘કર્પૂરમંજરી’ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આમ જુઓ તો ‘કર્પૂરમંજરી’ પર જ આનું કથાનક આધારિત છે. કાવ્યની દૃષ્ટિએ આ સુંદર રચના છે. જોકે શબ્દાલંકારો તથા સમાસોની ભરમારને કારણે શૈલીમાં ક્યારેક કૃત્રિમતા પણ લાગે છે. પદ્યરચનાઓમાં પ્રાકૃતિક વર્ણનો મનોહર છે. વિવિધ છંદો પ્રયોજવામાં આવ્યા છે. અન્ય સટ્ટક રચનાઓની જેમ આના પર સંસ્કૃતનો સુસ્પષ્ટ પ્રભાવ છે. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ને આધારે આ ગ્રંથની રચના કરવામાં આવી છે; એથી કરીને ભાષાની કૃત્રિમતા લાગવી સ્વાભાવિક છે. સટ્ટકનું નિમ્નલિખિત લક્ષણ એમાં આપ્યું છે. તે મુજબ સટ્ટક નાટિકાનું સહચર છે. એમાં ચાર જવનિકાન્તર હોય છે. તે વિવિધ અર્થ અને રસથી યુક્ત છે. એક જ ભાષા બોલાય છે અને વિષ્કંભક વગેરે હોતા નથી.

કથાસાર : નાયિકા ચન્દલેહા, જે ચંડવર્માની પુત્રી છે તે માનવેદની રાણીની બહેન થાય. ચન્દલેહા ખૂબ સુંદર છે અને તેનાં સામુદ્રિક લક્ષણો પરથી જ્યોતિષીઓએ એવી આગાહી કરી હોય છે કે તેનો પતિ ચક્રવર્તી રાજા થશે.

વસંતના દિવસો દરમિયાન રાજા સિન્ધુનાથે માનવેદને ચિંતામણિરત્નની ભેટ ધરી હોય છે, જે તેની ચમત્કારિક શક્તિથી સર્વ કામનાઓ પૂરી કરી શકે છે. રાજા માનવેદની ચક્રવર્તી થવાની મહત્ત્વાકાંક્ષા હોય છે. વિદૂષક ચિંતામણિનો પ્રભાવ જાણવા ચિંતામણિરત્નને (જેની દેવતા ચિંતામણિદેવી હોય છે) સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરીને રાજા સમક્ષ ઉપસ્થિત કરવાનું કહે છે.

એ વખતે ચન્દલેહા ચંપાનગરીના ઉદ્યાનમાં રમતી હોય છે. ચિંતામણિરત્નના પ્રભાવથી તે માનવેદના મહેલમાં પહોંચી જાય છે. તેના અદ્ભુત સૌન્દર્યથી સહુ કોઈ આશ્ચર્ય પામે છે. રાજા અને ચન્દલેહા એકબીજાંના પ્રેમમાં પડે છે. તેમનાં છૂપાં મિલનો વિશે જાણી જતાં રાણી તેને પોતાની નિગરાની હેઠળ રાખે છે. રાણીને ચન્દલેહા તેની મસિયાઈ બહેન હોય છે તે ખબર હોતી નથી.

આ તરફ ચન્દલેહા ચંપામાંથી અદૃશ્ય થતાં પરિવારજનો ચિંતામાં પડે છે. ચન્દલેહાનો ભાઈ ચન્દ્રકેતુ માનવેદના દરબારમાં ઉત્સવપ્રસંગે આવે છે અને કહે છે કે ચન્દલેહાનું સગપણ માનવેદ સાથે થવાનું હતું ત્યાં જ અચાનક ચન્દલેહા ગુમ થઈ ગઈ છે. રાણીના કહેવાથી રાજા ચિંતામણિરત્નને ચન્દલેહા લાવી આપવા પ્રાર્થે છે. ચંપાના ઉદ્યાનમાંથી આવેલી તે જ સુંદરીને રત્ન ફરી રાજાના દરબારમાં હાજર કરે છે. સહુ આનંદ પામે છે. ચિંતામણિ દેવતાના અનુરોધથી રાણી સ્વયં રાજા અને ચન્દલેહાનો લગ્નોત્સવ સંપન્ન કરાવે છે.

(3) આણન્દસુંદરી સટ્ટક : આણન્દસુંદરી સટ્ટકના રચયિતા ઘનશ્યામનો જન્મ ઈ.સ. 1700માં મહારાષ્ટ્રમાં થયો હતો. ઘનશ્યામ ‘મહારાષ્ટ્ર ચૂડામણિ’ અને ‘સર્વભાષાકવિ’ કહેવાતા હતા. તેઓ સાત-આઠ જેટલી ભાષાઓ અને લિપિમાં નિષ્ણાત હતા તથા ‘કંઠીરવ’ના રૂપમાં પ્રસિદ્ધ હતા. રાજશેખર પોતાને જેમ વાલ્મીકિના ત્રીજા અવતાર માનતા હતા તેમ ઘનશ્યામ પોતાને સરસ્વતીના અવતાર માનતા હતા. ઘનશ્યામે કુલ ત્રણ સટ્ટકોની રચના કરી હતી; પરંતુ ‘વૈકુંઠચરિત’ અને  ‘આણન્દસુંદરી’ તથા એક અન્ય સટ્ટકમાંથી  માત્ર ‘આણન્દસુંદરી’ જ મળે છે.

એમાં ચાર જવનિકાન્તર છે; બે ગર્ભનાટકો છે. ભાષા કૃત્રિમ લાગે છે. મરાઠી ભાષાના ઘણા શબ્દો તેમાં જોવા મળે છે. ભટ્ટનાથ નામના વિદ્વાને એના પર સંસ્કૃતમાં ટીકા રચી છે.

કથાસાર : શ્રી લક્ષ્મી-વિષ્ણુની સ્તુતિ કરતા નાન્દી શ્લોક પછી સૂત્રધાર અને વિદૂષક સામાજિક લેખ વિશે ચર્ચા કરે છે, જેમાં ઘનશ્યામકૃત આણન્દસુંદરી સટ્ટકને ભજવવાનું કહે છે. નાયક શિખંડચન્દ્ર રાજા સંતાનહીન છે. આથી તે જો અંગદેશના રાજા ચંડવેગની પુત્રી આણન્દસુંદરીને પરણે તો પુત્રવાન્ બને તેવી જ્યોતિષીઓની ભવિષ્યવાણી હોય છે. રાજાનો પ્રધાન ડિંડીરક સિંધુદુર્ગના વિભાંડક સાથે યુદ્ધ કરવા ગયો હોય છે. ચંડવેગ આણન્દસુંદરીને રાજા શિખંડચન્દ્ર પાસે મોકલે છે. મહારાણીના ગુસ્સાથી બચવા આણન્દસુંદરી પુરુષવેશમાં પિંગલક રૂપે રહે છે. રાજા પારિજાત કવિનું નાટક ભજવવા કહે છે. અહીં ગર્ભનાટકમાં આણન્દસુંદરી પિંગલક રૂપે પ્રવેશે છે.

દાસી હેમવતી દ્વારા મહારાણીને આણન્દસુંદરીની ખબર પડતાં તેને ઘરેણાંની પેટીમાં પૂરી દેવામાં આવે છે. રાજા અને નાયિકા વિરહાવસ્થાનો અનુભવ કરે છે. રાજા અંતે મહારાણીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે અને રાણી જ આણન્દસુંદરીનાં લગ્ન રાજા સાથે કરાવી આપે છે. ચોથી અને અંતિમ જવનિકામાં પુન: ગર્ભનાટક આવે છે, જેમાં પ્રધાન  વિજયી બનીને આવે છે તથા આણન્દસુંદરીએ પુત્રને જન્મ આપ્યાના સમાચાર આવે છે. રાણી અને આણન્દસુંદરી નવજાત શિશુ સાથે પ્રવેશે છે. રાજકુમારને ‘આનંદચન્દ્ર’ એવું નામ આપે છે અને રાજાના ખોળામાં મૂકે છે. ભરતવાક્ય સાથે સટ્ટક પૂર્ણ થાય છે.

(4) રંભામંજરી : નયચન્દ્રકૃત (ઈ.સ. 14મી સદી) રંભામંજરીની રચના કર્પૂરમંજરીને આદર્શ માનીને કરવામાં આવી છે. નયચન્દ્ર પ્રસન્નચંદ્રના શિષ્ય હતા. પહેલાં વૈષ્ણવ હતા પછી જૈન બન્યા. તેઓ છ ભાષાઓમાં કુશળતાપૂર્વક કવિતા રચી શકતા. રંભામંજરીને તેમણે કર્પૂરમંજરી કરતાં શ્રેષ્ઠ કહી છે. રંભામંજરીની શૈલીમાં અમરચન્દ્રનું લાલિત્ય અને શ્રીહર્ષની વક્રિમા જોવા મળે છે.

વરાહ અને મદનની સ્તુતિ પછી જૈત્રચન્દ્રના વિજયોત્સવના માનમાં નાટક (સટ્ટક) ભજવવાની વાત સૂત્રધાર કરે છે. જૈત્રચન્દ્રને સાત પત્નીઓ હતી છતાં રંભાને તે ચક્રવર્તી બની શકે માટે પરણે છે. રંભા કીમ્મીર વંશના દેવરાજની પૌત્રી અને લાટના મદનવર્માની પુત્રી છે. રાજા તેને દરબારમાં જોઈને પ્રેમમાં પડે છે.

પરંતુ અન્ય સટ્ટકની જેમ મહારાણી અહીં પણ રાજા અને નાયિકાના મિલનમાં વિઘ્ન ઊભાં કરે છે. વિદૂષક અને દાસી મિલનની યોજનાઓ કરે છે.

અહીં અટકતું હોઈ કદાચ આ સટ્ટક અપૂર્ણ છે કારણ કે ભરતવાક્ય પણ નથી.

(5) શૃંગારમંજરી : પ્રાકૃત નામ ‘સિંગારમંજરી’ છે. કર્તા વિશ્વેશ્વર અલ્મોડાના રહેવાસી લક્ષ્મીધરના પુત્ર અને શિષ્ય હતા. સમય 18મી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. તેમણે ‘નવમાલિકા’ નામની નાટિકા પણ રચી છે. ‘સિંગારમંજરી’ અને ‘કર્પૂરમંજરી’માં ઘણું સામ્ય છે. પ્રસ્તુત સટ્ટક પર ‘સ્વપ્નવાસવદત્તમ્’, ‘માલવિકાગ્નિમિત્રમ્’ અને ‘રત્નાવલિ’નો પ્રભાવ જોવા મળે છે. ભાષા પ્રસાદગુણસંપન્ન છે.

કર્પૂરમંજરીની જેમ આમાં પણ નાયિકા ચક્રવર્તીની પત્ની બને તેવું જ્યોતિષીઓએ ભાખ્યું હોય છે. નાયક રાજા રાજશેખરને સ્વપ્નમાં સિંગારમંજરીનાં દર્શન થાય છે. તેને ખબર નથી કે આ સુંદરી કોણ છે. દાસી વસંતતિલકાના કહેવાથી તે ચિત્ર દોરે છે, તો સિંગારમંજરી તેની સખી હોય છે. રાણી સિંગારમંજરીને કેદ રાખે છે. સિંગારમંજરી આત્મહત્યા કરવા માગે છે, પણ વિદૂષક અને વસંતતિલકાની યોજનાથી  બંનેનું મિલન યોજાય છે. અંતે રાણીને ખબર પડે છે કે સિંગારમંજરી તેની મસિયાઈ બહેન થાય છે. તેને કષ્ટ આપવા બદલ તે તેની ક્ષમાયાચના કરે છે અને સિંગારમંજરી પણ રાણીનો આભાર માને છે.

(6) વિલાસવઈ (ઈ. સ. 14મી સદી) : માર્કન્ડેય ‘પ્રાકૃતસર્વસ્વ’ના કર્તા છે. તેઓ 17મી સદીમાં મુકુન્દદેવ નામના ઓરિસાના રાજાના દરબારમાં હતા. તેમણે ‘વિલાસવઈ’ સટ્ટકનો નિર્દેશ કર્યો છે. ઈ. સ. 14મી સદીમાં થયેલા વિશ્વનાથે એમના ‘સાહિત્યદર્પણ’માં ‘વિલાસવઈ’ નામના નાટ્ય-રાસકનો નિર્દેશ કરે છે, પણ પ્રસ્તુત ‘વિલાસવઈ’ સટ્ટક અને રાસક એક જ હોય તેમ જણાતું નથી. વળી હાલ ‘વિલાસવઈ’ સટ્ટક પ્રાપ્ત થતું નથી.

પારુલ માંકડ