સડબરી (Sudbury) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યના અગ્નિભાગમાં આવેલા સડબરી જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 81° 01´ પ. રે.. તે હ્યુરોન સરોવરની જ્યૉર્જિયન પાંખથી ઉત્તરે 65 કિમી.ને અંતરે રામસે સરોવર પર આવેલું છે. ઇંગ્લૅન્ડના સડબરી પરથી તેનું નામ અપાયેલું છે.

કૅનેડિયન પૅસિફિક રેલમાર્ગના નિર્માણકાર્ય દરમિયાન 1883માં અહીં તાંબા અને નિકલનાં ધાતુખનિજો મળી આવ્યાં ત્યારથી તેનો અને તેની આજુબાજુના વિસ્તારનો વિકાસ થતો ગયો છે. આજે તો આ વિસ્તાર દુનિયાનાં ખૂબ જ સમૃદ્ધ ગણાતાં ખાણમથકો પૈકીનો એક ગણાય છે. અહીંની મોટાભાગની વસ્તી આ ઉદ્યોગમાં કામ કરે છે. આ જિલ્લો દુનિયાના વિવિધ પ્રદેશોમાં ઉત્પન્ન થતા નિકલનો 20 % હિસ્સો પૂરો પાડે છે. ઑન્ટેરિયો રાજ્યનું લગભગ બધું જ તાંબું અહીંથી મળે છે. આ ઉપરાંત સોનું, ચાંદી, પ્લૅટિનમ, કોબાલ્ટ, ગંધક અને લોહ-અયસ્કના મહત્વના જથ્થા પણ અહીંથી મળી આવે છે. અહીંના અન્ય ઉદ્યોગોમાં લાકડાં, કાષ્ઠકામ, યંત્રો અને ઈંટોનો સમાવેશ થાય છે.

ટ્રાન્સ-કૅનેડા ધોરી માર્ગ પર તેમજ કૅનેડાની આરપાર જતા બે રેલમાર્ગો પર સડબરી છૂટક તથા જથ્થાબંધ માલસામાનનું મુખ્ય મથક બની રહેલું છે. 1960માં સ્થપાયેલી લૉરેન્શિયન યુનિવર્સિટી અહીં આવેલી છે. 2000 મુજબ તેની વસ્તી 1,04,000 છે.

ગિરીશભાઈ પંડ્યા